મુંબઈ પર આતંકવાદી હુમલાની 26/11ની ઘટનાને કોઈપણ ભૂલી શકશે નહિ. તાજ હોટલને આમાં ભારે નુકસાન ગયું હતું અને મોટી જાનહાનિ પણ થઇ હતી. થોડા દિવસો પૂર્વે જ ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડે (IHCL) અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સુરક્ષાના મામલે આ હોટલમાં ઘણી જ તકેદારીઓ રાખવામાં આવી છે. તાજ સ્કાયલાઈનના જનરલ મેનેજર અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે સુરક્ષાના મામલે અમે ઘણાં પગલાં ભર્યાં છે અને એમાં સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ હોટલમાં ગ્લાસ બોમ્બ પ્રૂફ છે એટલે કે કોઈ RDX લગાવીને પણ કાચને તોડી શકાશે નહિ.
26/11ની ઘટનાએ ઘણું શીખવ્યું
લગભગ 20 વર્ષથી તાજ હોટલ સાથે સંકળાયેલા અવીક સેનગુપ્તાએ કહ્યું હતું કે 26/11ની ઘટનાએ આપણને ઘણુંબધું શીખવ્યું છે. તાજ હોટલમાં પણ એન્ટ્રી પોઈન્ટથી લઈને તમામ પ્રકારની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે. તાજમાં સિક્યોરિટીના મામલે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. સામાન, ગાડીઓનું કડક ચેકિંગ થાય છે. CCTV સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. ફાયર સેફટી પણ વધારવામાં આવી છે.
શાકાહારીઓ માટે ખાસ વ્યવસ્થા
અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શાકાહારી ભોજનનું ચલણ વધુ છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે વેજિટેરિયન માટે અમે અલગ કિચન અને ડાઈનિંગ એરિયા બનાવ્યો છે, જ્યાં માત્ર વેજ ફૂડ જ સર્વ થશે. સામાન્ય રીતે ફાઈવ સ્ટાર હોટલ કે મોટી હોટલ્સમાં વેજ અને નોન-વેજ ભોજન માટે બહુ ઓછી જગ્યાએ અલગ અલગ રસોડા હોય છે. જમવાની જગ્યા એટલે કે ડાઈનિંગ એરિયા તો કોમન જ હોય છે, જ્યાં શાકાહારની સાથે નોન-વેજ ફૂડ પણ પીરસવામાં આવે છે. આને કારણે ઘણા લોકોને તકલીફ પડતી હોય છે.
અમદાવાદના હેરિટેજને પણ દર્શાવવામાં આવ્યું છે
હોટલના એન્ટ્રન્સ પર ક્રિસ્ટલનો આર્ટપીસ બનાવવામાં આવ્યો છે, જેને જોતાં એવું લાગે છે કે ચણિયા- ચોળી પહેરેલી કોઈ યુવતી ગરબા રમી રહી છે અને એની ચૂંદડી હવામાં ઊડી રહી છે. આ ઉપરાંત અંદર હોટલના સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાનામાં અમદાવાદ શહેરના હેરિટેજ લોકેશન્સના એક સદીથી પણ જૂના ફોટા લગાવવામાં આવ્યા છે. અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદ ટેક્સટાઈલ માટે જાણીતું છે. ટેક્સટાઇલમાં વપરાતી બ્લોક પ્રિન્ટ ડિઝાઈનને અમે હોટલના રૂમ્સ અને લોબીમાં લગાવી છે.
કોવિડ ગાઈડલાઈન્સને સંપૂર્ણ અનુસરવામાં આવે છે
હોટલમાં એન્ટર થતા સમયે હાથ સેનિટાઈઝ કરાવવામાં આવે છે તેમજ મુલાકાતીઓનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવે છે, સાથે જ આવતા તમામ લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને કોમન લોબી એરિયામાં સમયાંતરે ટેબલ, ખુરશી દરવાજાના હેન્ડલ સહિતની ફર્નિચરને કેમિકલથી સાફ કરવામાં આવે છે. તમામ સ્ટાફ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં ટેબલ પર પાણી પીવા માટે ગ્લાસ કે જમવાની પ્લેટ પહેલાંથી રાખવામાં આવતી નથી. હોટલમાં મેનુ પણ ડિજિટલ કરવામાં આવ્યું છે, જેથી શક્ય એટલી ટચ-લેસ સર્વિસ આપી શકાય.
કંપની માટે અમદાવાદ મહત્ત્વનું માર્કેટ
ધ ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનિત ચટવાલે જણાવ્યું કે તાજ સ્કાયલાઇન સાથે, IHCLએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે ભારતનું એક અગત્યનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે. આનાથી દેશભરનાં તમામ નોંધપાત્ર વ્યાવસાયિક સ્થળોએ હાજર રહેવાના અમારા લક્ષ્ય વધુ મજબૂત બને છે. આ દ્રષ્ટિએ અમદાવાદ અમારા માટે મહત્ત્વનું માર્કેટ છે.
હોટલ નિર્માણમાં સંકલ્પનું રૂ. 300 કરોડનું રોકાણ
અગાઉ પ્રોજેકટ અંગે સંકલ્પ ઇનના ડાયરેક્ટર કૈલાશ ગોએન્કાએ કહ્યું હતું કે અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને ઇંડિયન હોટલ્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ હોટલ પ્રોજેકટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની અમારી યોજના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.