નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (એનઆઇએફટી)થી ગ્રેજ્યુએટ થયેલાં પ્રેરણા એક ઈન્ટીરિયર ડિઝાઈનિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યાં હતાં, પરંતુ લોકડાઉનમાં પરિવારની સાથે સમય વિતાવવા માટે તેમણે કામ કરવાનું બંધ કરી દીધું. આ દરમિયાન તેમના 12 વર્ષના પુત્રએ આઈસક્રીમ ખાવાની જીદ કરી. કોરોનાના ડરથી તેઓ બહાર જઈ શકતાં નહોતાં.
તેથી તેમણે ઈન્ટરનેટની મદદથી ઘરે જ આઈસક્રીમ બનાવવાનું શીખી લીધું. પુત્રની સાથે સાથે સંબંધીઓને પણ આઈસક્રીમ પસંદ આવ્યો. અનેક લોકોએ તેમને આ પ્રોફેશનલી બનાવવાની સલાહ આપી. એ પછી જૂન-જુલાઈમાં પ્રેરણાએ તેને માર્કેટમાં સપ્લાઈ કરવાનો નિર્ણય કર્યો.
આજે દિલ્હી અને મહારાષ્ટમાં તેમના સેંકડો ગ્રાહકો છે. 3-4 મહિનામાં જ 8 લાખથી વધુનો તેમનો કારોબાર થઈ ગયો છે.
41 વર્ષનાં પ્રેરણા કહે છે, ‘એપ્રિલ-મેમાં મારા પુત્રની ડિમાન્ડ પૂરી કરવા માટે ઈન્ટરનેટ પર સર્ચિંગ શરૂ કર્યું હતું. પહેલાં તો લાગ્યું કે આ મુશ્કેલ છે, હું બનાવી શકીશ કે કેમ, કેમ કે એને બનાવવા માટે જે ચીજો જોઈતી હતી તેમને માટે માર્કેટમાંથી લાવવી સરળ નહોતી. આ સાથે એ હેલ્થ માટે પણ યોગ્ય નહોતી. પછી મેં વિચાર્યું કે ઘરમાં જ રહેલી ચીજોથી જ આઈસક્રીમ બનાવવામાં આવે, જોઈએ કે શું આઉટપુટ મળે છે.’
તેઓ કહે છે, ‘જ્યારે આઈસક્રીમ બનીને તૈયાર થઈ તો ઘણી ટેસ્ટી હતી, સાથે જ હેલ્ધી પણ હતી, કેમ કે તેમણે કોઈ આર્ટિફિશિયલ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો નહોતો. પ્રથમવાર મેં ચોકલેટ ફ્લેવરની આઈસક્રીમ બનાવી હતી. જ્યારે લોકોએ મારા કામની પ્રશંસા કરી અને તેને બિઝનેસ તરીકે શરૂ કરવાની સલાહ આપી તો મને લાગ્યું આ મુશ્કેલ ટાસ્ક છે. બજારમાં અગાઉથી જ ઘણી બધી બ્રાન્ડ છે. તેમની વચ્ચે ખુદને સ્થાપિત કરવાનું કામ પડકારભર્યું હતું.’
તેમણે કહ્યું, ‘મેં નક્કી કર્યું કે હવે જ્યારે શરૂઆત થઈ જ ગઈ છે તો તેને પણ અજમાવી લેવામાં આવે. તેના પછી મેં દિલ્હીની કેટલીક લોકલ માર્કેટમાં પોતાની પ્રોડક્ટ મોકલી. શરૂઆતમાં જ સારો રિસ્પોન્સ મળ્યો. મોડર્ન માર્કેટે સારીએવી માત્રામાં અમારી પ્રોડક્ટ સ્ટોક કરી. એ પછી કેટલાક ઓર્ગેનિક સ્ટોર્સમાંથી ડિમાન્ડ આવી. આ રીતે સફર ચાલતી રહી.’
તેઓ જણાવે છે, હાલમાં જ મુંબઈ અને પુણેમાં મોટા મોટા સ્ટોર્સે અમારી પ્રોડક્ટ લીધી છે. ટૂંક સમયમાં જ અમારી પ્રોડક્ટ બેંગલુરુમાં ઉપલબ્ધ થશે. એ માટે વાતચીત ચાલી રહી છે. આ સાથે જ અનેક લોકોએ તેની ફ્રેન્ચાઈઝી લેવામાં રસ દાખવ્યો છે. અમારી સંપૂર્ણ કોશિશ છે કે આવનારા દિવસોમાં અમે બજારમાં મોટી-મોટી બ્રાન્ડ્સને ટક્કર આપીશું અને લોકોનો ભરોસો જીતીશું.’
શરૂઆતમાં પ્રેરણા હાથેથી જ આઈસક્રીમ તૈયાર કરતાં હતાં, પરંતુ જ્યારે ડિમાન્ડ વધવા લાગી તો તેમણે એ માટે મશીન મગાવ્યું. જોકે હજુ પણ તેઓ હાથે જ આઈસક્રીમ તૈયાર કરવાને પ્રેફરન્સ આપે છે. અત્યારે તેઓ દરરોજ 45 ટબ આઈસક્રીમ તૈયાર કરે છે. તેમણે 16 લોકોને રોજગારી આપી છે. જેઓ તેમની ટીમમાં આઈસક્રીમ તૈયાર કરવાથી લઈને ઓર્ડર અને માર્કેટિંગનું કામ સંભાળે છે. તેની સાથે જ તેમના પતિ પણ ભરપૂર સપોર્ટ કરે છે.
આજે પ્રેરણા ચોકલેટ, કોફી, વેનિલા અને નટ્સ, કાળી કિસમિસ, નારિયેળ, બદામ માર્જિપન ફ્લેવરમાં આઈસક્રીમ બનાવે છે, જે દિલ્હી-એનસીઆરમાં લગભગ તમામ દુકાનોમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમની પ્રોડક્ટ નેચર બાસ્કેટ આઈસક્રીમ દ્વારા પુણે અને મુંબઈમાં પણ વેચાય છે. તેમના આઈસક્રીમની કિંમત 75 એમએલ માટે રૂ. 95 અને 500 એમએલ માટે 650 રૂ. છે.
શા માટે ખાસ છે આ આઈસક્રીમ
પ્રેરણા પોતાના આઈસક્રીમમાં કોઈ પ્રિઝર્વેટિવ કે સ્ટેબલાઈઝરનો ઉપયોગ કરતાં નથી. ન તો કોઈ આર્ટિફિશિયલ કેમિકલ કે ફ્લેવર, એટલે સુધી કે મિલ્ક-પાઉડર પણ નહીં. તેઓ લો ફેટની વેજિટેરિયન ચીજોથી આઈસક્રીમ તૈયાર કરે છે. તેને ખાવાથી કોઈ સાઈડ ઈફેક્ટ કે ગળું ખરાબ થવા જેવી ફરિયાદ આવતી નથી, જે બીજા આઈસક્રીમ ખાવાથી ઘણીવાર થાય છે. તેઓ કહે છે, કોઈપણ આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા પછી આઈસક્રીમની શેલ્ફ લાઈફ ઘણી ઘટી જાય છે. ફ્રૂટ ફ્લેવરમાં બનેલી તેમની આઈસક્રીમ કમર્શિયલ ફ્રીઝરમાં 20 દિવસ સુધી રહે છે, જ્યારે અન્ય ફ્લેવર 60 દિવસ સુધી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.