ભારતના પીગમેન્ટ ઉદ્યોગમાં મોખરાની કંપની અમદાવાદની અસાહી સાંગવાન કલર્સ લિમિટેડે બલ્ક ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રેડીયન્ટસ (API)નુ ઉત્પાદન કરતી કંપની એટલાસ લાઈફસાયન્સિસનો 78% હિસ્સો એકંદરે રૂ. 48 કરોડના રોકડ સોદામાં હસ્તગત કરી ફાર્મા બિઝનેસમાં કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, API બિઝનેસને વધુ વિસ્તારવા માટે છત્રાલમાં એટલાસ લાઈફસાયન્સિસના 15000 ચોરસ મીટર જમીન પર API બેકવર્ડ ઇન્ટીગ્રેશન શરૂ કરવામાં આવશે જેમાં અંદાજે રૂ. 45 કરોડનું રોકાણનું રોકાણ થશે. આ પ્રોજેક્ટ જુલાઇથી શરૂ થશે.
ચાર વર્ષમાં રૂ. 1000 કરોડનું ટર્નઓવર કરવાનો ટાર્ગેટ
અસાહી સાંગવાનના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ગોકુલ જયકૃષ્ણએ જણાવ્યું કે, અસાહીનું ટર્નઓવર રૂ. 400-425 કરોડ જેટલું છે. ફાર્મા બિઝનેસમાં એન્ટ્રી અને તેમાં રહેલા ગ્રોથને ધ્યાનમાં રાખતા અમે 2026 સુધીમાં અસાહીનું ટર્નઓવર રૂ. 1000 કરોડથી વધારે પહોંચાડવાનો ટાર્ગેટ રાખ્યો છે. એટલાસનું રેવન્યુ રૂ. 119 કરોડ જેવુ છે જે આવતા વર્ષે અમારી બેલેન્સશીટમાં દેખાશે. આ ઉપરાંત અમારા દહેજ યુનિટમાં પિગ્મેંટનું રેવન્યુ પણ જોડાશે તે જોતાં આ ટાર્ગેટ પર પહોંચવા અમે આશાવાદી છીએ.
એટલાસનો 22% હિસ્સો આવતા બે વર્ષમાં ખરીદશે
ગોકુલ જયકૃષ્ણએ કહ્યું કે, એટલાસ સાથેની ડીલમાં ઓઢવમાં આવેલુ સંપૂર્ણ કાર્યરત WHO GMP સર્ટિફાઈડ ઉત્પાદન એકમ, 4000 ચો. ફૂટ વિસ્તારમાં પથરાયેલી અદ્યતન R&D સુવિધા, 5000 ચો.ફૂટની કોર્પોરેટ ઓફિસ અને ભવિષ્યમાં વિસ્તરણ પ્રવૃત્તિ હાથ ધરવા માટે છત્રાલમાં 32 પ્રોડકટસના ઉત્પાદન માટે EC પરમિશન ધરાવતી 15000 ચો.મીટરની જમીનનો સમાવેશ થાય છે. આગામી બે વર્ષમાં બાકી રહેતો 22% શેર પણ ખરીદી લેવામાં આવશે.
ફાર્મા માટે યુરોપિયન માર્કેટ પર નજર
અસાહી સાંગવાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અર્જુન જયકૃષ્ણએ જણાવ્યું કે, એટલાસ જે ફાર્મા API પ્રોડક્ટ્સ બનાવે છે તેનું ભારતમાં ઘણું મોટું માર્કેટ છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ તેમાં ઘણી તકો રહેલી છે. નિકાસની યોજનાના ભાગરૂપે અમે યૂરોપમાં અમારી પ્રોડક્ટને માન્યતા મળે તે માટે પ્રયત્નો કરીશું. અત્યાર સુધી અમુક પ્રોડક્ટ પેટન્ટેડ હતી. પણ હવે તેની પેટન્ટ પૂરી થઈ હોવાથી ભારતીય ઉત્પાદકો માટે ઘણી તકો રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.