• Gujarati News
  • Dvb original
  • Lavina's Fiance Said That Day I Got Six Calls, I Asked To Wear High Heeled Slippers, Someone Has Done Witchcraft

ભાસ્કર એક્સક્લૂસિવ'લગ્નથી વાંધો હોય તો કહી દેજો; હું ખસી જઈશ':ભાવુક થઈ લવિનાના મંગેતરે કહ્યું-એ દિવસે તેના છ મિસ્ડ કોલ આવ્યા, મેં ઊંચી હિલનાં ચપ્પલ પહેરવા કહ્યું હતું, કોઈએ મેલી વિદ્યા કરેલી છે

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • કૉપી લિંક

સામાન્ય પરિવારમાં એક દીકરીનો જન્મ થયો. પરિવારમાં માતા-પિતા તથા એક ભાઈ અને બહેન હતાં. જોકે આ દીકરી કોલેજ સુધીનો તો અભ્યાસ ન કરી શકી, પરંતુ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ પરિવારને મદદરૂપ થવા તેણે સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી કરવાનું પસંદ કર્યું તેમજ ઘરે ટ્યૂશન પણ કરાવતી હતી. હવે તો તે 25 વર્ષની થઈ ગઈ હતી, એટલે માતા-પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી અને તેનું સગપણ નક્કી કર્યું. તેની 16 ફેબ્રુઆરી, 2023ના રોજ એક યુવક સાથે સગાઈ કરી દેવામાં આવી અને 12 મેના રોજ એટલે કે સગાઈના ત્રણ મહિના બાદ લગ્ન પણ નક્કી થઈ ગયા હતા.

હવે લગ્નના દિવસો પણ નજીક હતા અને તેના લગ્નની નક્કી કરવામાં આવેલી તારીખ 12 મેના 5 દિવસ પહેલાં જ આ યુવતી અચાનક જ ગુમ થઈ ગઈ. દીકરીના ગુમ થવાને કારણે પરિવારજનો તથા તેનો મંગેતર પણ ચિંતામાં મુકાયા કે દીકરી ગઈ ક્યાં? શું તેને કોઈ તકલીફ હતી? જે છોકરા સાથે સગપણ થયું હતું તે પસંદ નહોતો? આ પ્રકારના અનેક સવાલો ઉદભવવા લાગ્યા. એક તરફ પરિવાર દીકરીને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો તો બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 14 મેના રોજ વોર્ડ નં-5માં અચાનક જ રેખાબેન આચાર્ય નામની મહિલાએ સવારમાં 7 વાગ્યે પાણી ભરવાનું શરૂ કરતાં જ ચોંકી ગયા, કારણ કે પાણી બેહદ દુર્ગંધ મારતું હતું. ત્યાર બાદ 16મી મેના રોજ સિદ્ધપુર નગરપાલિકાની ટીમ ફોલ્ટ શોધવા કામે લાગી અને પાઇપની સર્કિટ તોડતાં માનવઅંગો બહાર આવ્યાં. ત્યાર બાદ આખા સિદ્ધપુરમાં એક જ ચર્ચા થવા લાગી કે આ માનવઅંગો કોનાં છે? જેનો 22 મેના રોજ સૌકોઈને જવાબ મળ્યો અને ડીએનએ રિપોર્ટમાં આ અંગો લવિના હરવાણીનાં જ હોવાનું પુરવાર થઈ ગયું. આમ, 7 મેએ ગુમ થયેલી લવિનાના 23 મેના રોજ માનવઅંગો તેનાં જ હોવાનો રિપોર્ટ આવતાં અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યાં હતાં.

ગાંધીનગરના ભાટ ગામમાં રહેતા લોકેશ સાથે થઈ હતી સગાઈ
લવિના દિનેશભાઈ હરવાણીની સગાઈ ગાંધીનગર જિલ્લાના ભાટ ગામ ખાતે આવેલી નીલકંઠ રેસિડન્સીમાં રહેતા લોકેશ મુરજાણી સાથે થઇ હતી. 12 મેના રોજ તેમનાં લગ્ન થવાનાં હતાં. તેના પાંચ દિવસ એટલે કે 7મી મેના રોજ ઘરેથી દર્શન કરવાનું કહીને લવિના લાપત્તા થઈ ગઈ હતી. ત્યાર બાદ તેના શરીરનાં અંગો મળ્યાં હતાં, પરંતુ તેના ગુમ થવા પાછળનું રહસ્ય હજુ અકબંધ છે, ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ લવિનાના મંગેતર લોકેશના ઘરે પહોંચીને તેની સાથે વાતચીત કરીને તેમના લગ્નથી માંડીને તેમની મુલાકાત દરમિયાન એવી કોઈ વાત હતી કે જેના કારણે લવિના ગુમ થઇ હોય એ જાણવા પહોંચી હતી અને લોકેશ સાથે અનેક સવાલો અંગે ચર્ચા કરી હતી.

સગાઈ બાદ લવિનાને આ પ્રશ્નો મુંઝવતા હતા
લોકેશ મુરજાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લવિના, જે તેની મમ્મીની સાથે જ રહેતી હતી. મમ્મી વગર એક ડગલું પણ ભરતી ન હતી. લવિના એકલી અંધારામાં અવાવરૂ સ્થળે આવેલી પાણીની ઓવરહેડ ટાંકી સુધી જવાનું અને ત્યાં આપઘાત કરે એ મારું મન હજુ પણ માનતું નથી અને મને વારંવાર એ જ વિચાર આવે છે કે લવિનાએ આવું કેમ કર્યું હશે? લવિના ગુમ થઈ પછી મને ગામમાંથી અલગ અલગ વાતો જાણવા મળી હતી. જેથી મેં તેમના ઘરે જઇને કહ્યું હતું કે તમને લગ્નથી વાંધો હોય તો મને કહી દેજો તો હું આઘો ખસી જઇશ, લવિનાને તેના ભણતરથી માંડીને તે શહેરમાં સેટ થઈ શકશે કે નહીં તેમજ રસોઇ આવડતી નથી, આ ઉપરાંત ઉંમર અને મારી ઊંચાઈ તેના કરતાં વધુ હતી એને લઇને તેને મૂંઝવતા પ્રશ્નો અંગે સમજાવીને સમાધાન કરાવી દીધું હતું. અમે સગાઈથી માંડીને અત્યારસુધીમાં 5-6 વખત મળ્યાં હતાં. તે ખુશ હતી પછી આવું કેમ કર્યું એ મને સમજાતું નથી.

લવિનાનો મંગેતર ભાટ ગામ ખાતે આવેલી નીલકંઠ રેસિડન્સી-2માં રહે છે.
લવિનાનો મંગેતર ભાટ ગામ ખાતે આવેલી નીલકંઠ રેસિડન્સી-2માં રહે છે.

'તારી વીંટીનો નંબર આપ, તને કઈ ગમે છે'?
'તે તેના નાનાને ત્યાં નડિયાદ ગઈ હતી. તેના પરિવારની સ્થિતિ સારી નહોતી એટલે કદાચ તેના નાના તેમને મદદ કરતા હશે. એ ત્યાં ગઈ ત્યારે તેણે મને ફોન કરી કહ્યું હતું કે 'તારી વીંટીનો નંબર આપ.' એ સમયે હું ખૂબ જ વ્યસ્ત હતો, તેમ છતાં હું તરત સોનીના ત્યાં જઈને વીંટીનો નંબર કઢાવી તેને મોકલ્યો હતો. એ પછી તેણે ચાર-પાંચ ફોટા મોકલીને પૂછ્યું હતું કે 'તને કઈ ગમે છે' એટલે મેં તેને કહ્યું હતું કે તને જે ગમે એ મને ગમશે, કેમ કે મને આવું બધું પહેરવું ગમતું નહોતું એટલે મેં તેની પસંદની લેવાનું કહ્યું હતું. એ પછી હું તાબડતોબ જવેલર્સની દુકાને ગયો હતો અને નંબર જાણીને તેને કહ્યો હતો. હું નંગવાળી જ વીંટી પહેરું છું. એ સમયે જ્યારે તે પોતાના ઘરે પાછી જતી હતી ત્યારે હું તેને અમદાવાદ એસટી સ્ટેન્ડે મળવા ગયો હતો. આમ, અત્યારસુધીમાં અમારી લગભગ 5થી 6 વાર મુલાકાત થઈ હતી.'

ત્રણ મહિનામાં જ લગ્ન લેવાની ઉતાવળ કેમ હતી?
16મી ફેબ્રુઆરીએ સગાઇ કરી અને 5મા મહિનામાં લગ્ન લેવામાં આવ્યા હતા તો ત્રણ મહિનામાં લગ્ન લેવાની ઉતાવળ કેમ? એના જવાબમાં લોકેશ દિલીપભાઈ મુરજાણીએ કહ્યું હતું કે લવિનાના ભાઈને 4 જૂનના રોજ આફ્રિકા જવાનું હતું. હવે તેઓ મોકૂફ રાખશે કે કેમ એ ખબર નથી. મારે પણ આફ્રિકા જવાનું હતું, પરંતુ માર્ચમાં મારા લગ્નની તારીખ નક્કી થઇ ગઈ અને પછી લગ્નનું મુહૂર્ત છેક નવેમ્બર મહિનામાં આવતું હતું. લગ્નની તારીખ ખેંચવાનો હાલ જમાનો નથી. એમાંય અમારા સમાજમાં સગાઈ પછી વહેલા જ લગ્ન લઇ લેવામાં આવે છે. લવિનાનો ભાઈ હાલ લોકલ માર્કેટમાં નોકરી કરે છે, તે જોબ માટે આફ્રિકા જવાનો હતો. હું નાઇજીરિયામાં જ 10 વર્ષથી હતો. ગત વર્ષે ફ્રેબ્રુઆરી મહિનામાં જ અહીં આવ્યો હતો. હું પ્લાસ્ટિકની થેલીઓના મશીન મોકલવાનું હવે કામ કરવાનો છું, ત્યાં કામ અર્થે અવરજવર કરવાની રહેશે. મેં લવિનાને પણ કહ્યું હતું તને પણ એકવાર લઇ જઇશ, ફાવે તો રહીશું નહીં તો અહીં અમદાવાદમાં તો આપણું ઘર છે જ.

'હવે ઉંમર મોટી હતી એટલે મેં પણ કોમ્પ્રોમાઈઝ કરી નાખ્યું'
દિવ્ય ભાસ્કરે લવિનાના મંગેતરને લોકેશને પૂછ્યું કે શું તમે કુંડળીમાં માનો છો? ત્યારે તેમણે જણાવ્યું કે હા, અમે કુંડળીમાં માનીએ છીએ અને અમારા જે ગુરુ છે તેમણે પણ બન્નેની કુંડળી જોઈને કહ્યું હતું કે બન્નેની કુંડળી સારી છે. લવિનાના ફેમિલીવાળાએ પણ બન્નેની કુંડળી મેચ કરાવી હતી, એ પછી જ તેમણે લગ્ન માટેની હા પાડી હતી. મારી ઉમંર હાલમાં 32 વર્ષ થઈ ગઈ છે. છોકરીને પસંદ કરવાની બાબતમાં મારી અંગત ચોઈસ હતી કે જે છોકરી સાથે લગ્ન થાય એ મને મારા બિઝનેસમાં સપોર્ટ આપે તેવા મારા ખ્વાબ હતા, પણ હવે ઉંમર મોટી હતી એટલે મેં પણ કોમ્પ્રોમાઈઝ કરી નાખ્યું, કેમ કે એક ઉંમર પછી શોધવામાં મુશ્કેલી પડે છે. એમાંય અમારા કુટુંબમાં એવું છે કે પહેલા તો કુંડળી મળવી જોઈએ અને એના જ કારણે મારી ઉંમર આટલી ખેંચાઈ ગઈ.'

7 મેના રોજ સીસીટીવીમાં ટાંકી તરફ આવતા રસ્તા પર જોવા મળેલી લવિના.
7 મેના રોજ સીસીટીવીમાં ટાંકી તરફ આવતા રસ્તા પર જોવા મળેલી લવિના.

'સગાં-સંબંધીઓને તો કંકોત્રી પણ આપી દીધી હતી'
પરિવારમાં માતા-પિતા તથા એક બહેન અને ભાઈ હોવાનું જણાવતાં લોકેશે કહ્યું હતું કે મારા પિતા કાલુપુર ચોખાબજારમાં ધંધો કરે છે. મારી બહેનના 2015માં ભોપાલમાં ધામધૂમપૂર્વક લગ્ન કર્યા હતા. મારા ભાઈના લગ્ન કોરોના વખતમાં જ થયા હતા. ત્યારે માત્ર 50 લોકો જ લગ્નમાં ભાગ લઇ શકે તેમ હોવાથી મારી બહેન કે ભાભીની બહેન પણ ભાગ લઈ શકી ન હતી, જેથી મારા લગ્ન ધામધૂમપૂર્વક કરવાના હતા. ભગવાન તેમજ વેપારીઓને આમંત્રણ આપવા 100 કંકોત્રી છપાવી હતી. સગાં-સંબંધીઓને તો વ્હોટ્સએપ મારફત કંકોત્રી આપી દીધી હતી.

'મેં કહ્યું, તમારી અને મારી ઉંમરમાં થોડો ફેર છે, પહેલા વિચાર કરવાનો હતો'
'મારી ઉંમર 32 છે. તેની લવિનાને ખબર હતી. એ અંગે કોઇવાર થોડું મનમાં થાય તો મેં કહ્યું, તમારા અને મારી ઉંમરમાં થોડોક ફેર છે. હવે તો આ નક્કી થઈ ગયું છે. પહેલા વિચાર કરવાનો હતો. બહેનપણી કે સમાજમાં એવું થાય ત્યારે એક વખત મારી સાથે તેણે આ વાત કરી હતી. ઉંમરમાં ફરક તો છે જ . આ અંગે વ્હોટ્સએપમાં તેણે વાત કરી ત્યારે મેં અનેક વ્યક્તિની ઉંમરમાં તફાવતના કિસ્સાઓ પણ બતાવ્યા હતા.'

લવિનાના પિતા દિનેશભાઈ અને માતા લતાબેન.
લવિનાના પિતા દિનેશભાઈ અને માતા લતાબેન.

'વારંવાર કપડાં ચેન્જ કરી ફોટો પડાવીએ છીએ એટલે મજા આવે છે'
પ્રી-વેડિંગ ફોટોશૂટ અંગે વાત કરતાં લોકેશે કહ્યું, એપ્રિલમાં પ્રી-વેડિંગ શૂટ કર્યું હતું. ગાંધીનગર પાસે અંદરના ભાગમાં, વનમાં, નર્મદા કેનાલ તથા રિંગ રોડ પાસે બ્રાઉન કલરના ઝાડ કુદરતી રીતે થઈ ગયા છે ત્યાં કુલ ચાર લોકેશન પર પ્રી-વેડિંગ શૂટ કર્યા હતા. ફોટોગ્રાફરે કહ્યું, સવારે વહેલા સૂર્ય ઊગતા અને આથમતા ફોટાં લઇ શકાય. તો આખા દિવસ માટે તેમને બોલાવી લેજો. એટલે મેં લવિનાની માતાને કહ્યું હતું તમે મા-દીકરી અહીં આવી જાઓ, હું હોટલ બુક કરાવી દઉં છું, પરંતુ તેમણે કહ્યું, અમારાથી શક્ય નહીં બને, જેથી અમે ફોટોશૂટ અડધો દિવસનો કરાવી દીધો હતો. પછી તે લોકો 11 વાગ્યે આવ્યા હતા. તૈયાર કરીને પછી લગભગ 12-30 કે 1 વાગ્યે ફોટોશૂટ માટે ગયા હતા. રાત્રે 8 વાગ્યે બધું પતી ગયું હતું. ફોટોશૂટ દરમિયાન લવિનાએ કહ્યું હતું કે 'એટલી બધી મજા આવે છે કે વારંવાર કપડાં ચેન્જ કરીને અલગ અલગ ફોટો પડાવીએ છીએ'. કેમ નહીં, આપણે આખા દિવસનું કરાવ્યું હોત તો? હમણાં પણ રોકાવવા માટે તૈયાર હો તો કહો. તારી સિસ્ટર પણ છે. તેને પણ અમે સાથે લઈ ગયા હતા. તેનું પહેલાં કોઇ પ્લાનિંગ ન હતું તેમજ મારી સિસ્ટર પણ સાથે જ હતી. ત્યારે તેની સિસ્ટર પણ જોયું હતું કે લવિના આટલી બધી ખુશ છે. પ્રી-વેડિંગ કરાવતી વખતે ઘણી ખુશ હતી. ગુમ થઇ એના ચાર-પાંચ દિવસ પહેલાં પાર્લરમાં જઇને હેરસ્ટાઇલ કરાવી હતી. તે લગ્નથી પણ ખુશ હતી. અમુક વખત માણસનો સ્વભાવ એવો હોય કે તે અપસેટ થઈ જતી હતી. તમારા અને મારામાં પણ આવું થતું હોય છે, પરંતુ તે અડધો કલાકમાં પાછી સ્વસ્થ થઇને સારી સારી વાતો કરવા લાગે.

ભાટ ગામની નીલકંઠ રેસિડન્સી-2માં આવેલું લોકેશ મુરજાણીનું ઘર.
ભાટ ગામની નીલકંઠ રેસિડન્સી-2માં આવેલું લોકેશ મુરજાણીનું ઘર.

'હું મારી મધર વગર કોઇ દિવસ બહાર નથી નીકળી'
લોકેશ મુરજાણીએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું, તેણે વ્હોટસએપમાં એક મેસેજ કર્યો હતો કે તે ઘરેથી બહુ બહાર નીકળેલી ન હતી. હું મારી મધર વગર કોઇ દિવસ બહાર નથી નીકળી, એટલે તેના મનમાં કદાચ એમ હતું કે મારી મધર વગર હું કેવી રીતે સેટ થઈશ, શું કરીશ. આ બધી નોર્મલ વસ્તુ છે. તમે નહીં માનો, હું 21માં વર્ષે આફ્રિકા ગયો હતો. મેં મારી મમ્મીનો હાથ કદી પણ છોડ્યો ન હતો. પરંતુ એક સમય એવો આવ્યો કે હું ત્યાં રહી ગયો. મને પણ એવું લાગતું હતું કે હું આફ્રિકા કેવી રીતે રહીશ, પરંતુ મારે મમ્મીનો હાથ છોડવો પડ્યો અને હું ત્યાં રહી ગયો. મારી પર જવાબદારી હતી અને મારી પાસે બીજી કોઇ ચોઇસ ન હતી. ત્યાં જઇને પોતે સ્ટ્રોંગ બનીને ઊભો રહી ગયો હતો. ત્યારે એટલે કે 2012માં વ્હોટસએપ કોલ કે વીડિયો કોલની સુવિધા ન હતી.

'સંબંધીઓની ટિકિટ કેન્સલ કરાવી, હોલ બુકિંગના પૈસા જમા છે'
અમારે ત્યાં નીલદીપ કરીને જગ્યા છે, ત્યાં અમારા લગ્ન થવાના હતા અને કેપિટલ કરીને એક જગ્યા છે, ત્યાં આગળના દિવસનો પ્રોગ્રામ રાખ્યો હતો. જ્યાં હજુ પણ મારી ડિપોઝિટ પડી રહી છે. મારી બહેન મારા લગ્નની તૈયારી માટે એક મહિના માટે અહીં આવી હતી. મારા સંબંધીઓએ ટિકિટો કેન્સલ કરાવી છે. મારા હોલ બુકિંગ તેમ જ કેટરિંગ તથા બેન્કવેટ બુકિંગ રકમ જમા છે. તે લોકો કહે છે કે બે મહિનાનો સમય આપીએ છીએ, નહીં તો બુકિંગના પૈસા ગયા. હું વિચારું છું કે મારા કોઇ મિત્રના લગ્ન કે એવું કાંઇ હશે તો એડજસ્ટ કરાવી દઇશ.

23 મેના રોજ લવિનાની અંતિમવિધિની થઈ રહેલી તૈયારીઓની તસવીર.
23 મેના રોજ લવિનાની અંતિમવિધિની થઈ રહેલી તૈયારીઓની તસવીર.

'આઘાતમાં સરી પડેલા મારા દીકરાએ ખાવાનું છોડી દીધું હતું'
આ અંગે લોકેશનાં માતા વિદ્યાબેન દિલીપભાઇ મુરજાણીએ જણાવ્યું કે આ ઘટનાથી મારા દીકરાને ઘણો આઘાત લાગ્યો છે. તેણે જમવાનું છોડી દીધું હતું અને ઘરની બહાર જતો નથી. જ્યારે લોકેશે કહ્યું કે હું 7મીના રોજ લવિના ગુમ થઈ તેના બીજા દિવસે બહાર ગયો હતો, તો મારા ભાઈ ફોન કરીને હું કયાં છુ તેની સતત મારી પૃચ્છા કરતો હતો, કેમ કે મારા 32 વર્ષે લગ્ન નક્કી થયા હતા. ત્યાં વળી આવું થવાથી હું કોઇ અઘટિત પગલું ના ભરી લઉં.,પરંતુ મારી પર જવાબદારી છે, એટલું હું સ્ટ્રોંગ છું. મને કામ પર જવાનું ગમતું નથી. મને પોલીસે તાત્કાલિક બોલાવ્યો હતો. મારું નિવેદન પણ લીધું છે.

'પતિ બેટથી મારશે તેના ડરે પત્નીનો આપઘાત' લખેલા ન્યૂઝનો ફોટો મોકલ્યો
લોકેશ મુરજાણીએ આગળ કહ્યું, એ દીકરીના કોઈએ કાન ભરેલા છે અથવા તો કોઈએ મેલી વિદ્યા કરેલી છે. જેમ માણસનું કોઈ દિવસ મન નથી હોતું, જેના કારણે દુઃખી રહેતા હોઈએ છીએ એવી રીતે તેણે કદાચ આવું પગલું ભરી લીધું હશે. લવિના મને કાયમ એમ જ કહેતી કે 'તું મને લાઈફમાં તારી જેમ એક્ટિવ કરજે, મારે તારી જેમ જ એક્ટિવ થવું છે' એટલે મેં તેને કહ્યું હતું કે 'તું પણ એક્ટિવ થઈ જઈશ.' એકટીવ થવા માટે જ લવિનાને કેટલીય વાર મેં ફોનમાં કહ્યું હતું કે 'તું ન્યૂઝપેપર ભલે ન વાંચે પણ એમાં આવતાં સુવિચાર અને મેનેજમેન્ટ ગુરુના જે લેખો આવે છે એ વાંચવાનું રાખજે'. એકવાર બપોરના સમયે અમે ફોન પર વાત કરી રહ્યાં હતાં ત્યારે તે પેપર લઈને આવી અને તેણે એ પેપર વાંચવાનું શરૂ કર્યું, એ સમયે તેણે મને એક ન્યૂઝનો ફોટો પણ મોકલ્યો હતો, જેમાં લખેલું હતું કે પતિ બેટથી મારશે તેની બીકે પત્નીએ આપઘાત કર્યો. ત્યારે હું તેને ટોકતો હતો કે તું કેમ નેગેટિવ વસ્તુને વાંચે છે. પોઝિટિવ કેમ નથી વાંચતી.

લવિનાની બહેન રેશમા અને ભાઈ લખન.
લવિનાની બહેન રેશમા અને ભાઈ લખન.

'લવિનાએ આવું કેમ કર્યું હશે?'
'લવિના તથા તેની માતા વચ્ચે એક જ મોબાઇલ હતો. જેથી મેં તેને નવો મોબાઇલ લઈ આપ્યો હતો. જોકે તે મોબાઇલ ઘરે ચાર્જ કરવા મૂકીને ગઈ હતી. પોલીસે મોબાઇલની ગેલરીમાં એક પેપરનું કટિંગ જોયું હતું, જેમાં પતિએ પત્નીને બેટ વડે મારીને હત્યા કરી એવા કોઇ સમાચાર હતા. એ મને પોલીસે બતાવ્યાં હતા. મેં કહ્યું કે એ મને જ મોકલ્યાં હતા. ત્યારે પણ મેં તેને સમજાવ્યું હતું કે બધા એવા હોતા નથી. મને હજુ વારંવાર એક જ વિચાર આવે છે કે લવિનાએ આવું કેમ કર્યું હશે ?'

'મેં કોમેન્ટ કરેલી કે તું કેમ નેગેટિવ વાંચે છે, પોઝિટિવ કેમ નથી વાંચતી'
'આ ઘટના જ્યારે બની એના દસ દિવસ પહેલાંથી એ સુવિચાર પણ વાંચવા લાગી હતી, તેણે મને ફોટો પણ મોકલ્યો હતો કે જો હું સુવિચાર વાંચું છું અને પેપર પણ વાંચુ છું. પેપર વંચાવવાનું હું એટલા માટે કહેતો હતો કે એમાં દુનિયામાં શું ચાલી રહ્યું છે એની તેને ખબર પડે અને તે એક્ટિવ બને, પરંતુ જ્યારે તેની સાથે આ ઘટના બની એ પછી પોલીસે મને પૂછ્યું કે પેપરના આવા ફોટા કેમ છે ત્યારે મેં તેમને પણ જણાવ્યું હતું કે મારી પાસે તમામ ચેટનો ડેટા છે, એમાંથી મેં કંઈપણ ડિલેટ નથી કર્યું. કદાચ પોલીસ એ જાણવા માગતી હશે કે આ બાબતે મારી કોમેન્ટ શું હતી, પરંતુ મેં એમાં કોમેન્ટ કરેલી જ છે કે તું કેમ નેગેટિવ વાંચે છે, કેમ પોઝિટિવ વસ્તુઓ નથી વાંચતી.'

'મને લવિના ગુમ થવાની ઘટનાની ખબર પડી પછી હું ત્યાં ગયો હતો ત્યારે પણ મને ગામમાંથી બધી વાતો જાણવા મળી હતી. એમાં બધાં જુદું જુદું કહેતા હોય છતાં મેં લવિનાના પરિવારને કહ્યું હતું કે જો તમને સંબંધ પસંદ ના હોય તો મને કહી દેજો. હું વચ્ચેથી આઘો ખસી જઇશ.'

શાસ્ત્રોક્ત વિધિ સાથે 23 મેના રોજ લવિનાની અંતિમવિધિ કરવામાં આવી હતી.
શાસ્ત્રોક્ત વિધિ સાથે 23 મેના રોજ લવિનાની અંતિમવિધિ કરવામાં આવી હતી.

'હું તો માત્ર 12 ધોરણ જ ભણેલી છું, તને કઈ રીતે ગમી'
'મારા તથા લવિનાના સંબંધી કે જે લવિનાની બાજુમાં જ રહે છે. તેઓ લવિના તથા તેની બહેનને દીકરીની જેમ જ રાખે છે. મારા અને લવિના વચ્ચેની વાતચીતમાં તેણે મને ઊંચાઈ અને ભણતર અંગે પણ કહ્યું હતું તેમજ પહેલીવાર જ્યારે અમે મળ્યાં હતાં ત્યારે તેણે મને કહ્યું કે તું આટલો ભણેલોગણેલો, તને અંગ્રેજી ભાષામાં વાતચીત કરતા આવડે છે અને હું તો માત્ર 12મું ધોરણ જ ભણેલી છું, તને કઈ રીતે ગમી. એટલે મેં તેને કહ્યું હતું કે તું મને જે મોઢે બોલી દે છે ને આ તારો કોન્ફિડન્સ જોઈને જ મને તું ગમી છે, કેમ કે પહેલી મુલાકાતમાં જ તારો આટલો કોન્ફિડન્સ છે અને મને એ જ જોઈએ છે. જેનામાં કોન્ફિડન્સ હોયને તેની સામે એજ્યુકેશન પણ કંઈ નથી. ત્યારે મેં તેને કહ્યું હતું કે તારા જેવી સીધી છોકરી જ મારે જોઇતી હતી. તું જે સીધું મને પૂછી લે છે એ જ મને ગમે છે અને તમારી ઊંચાઈ વધુ છે તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તારે ઊંચી હીલવાળા ચપ્પલ પહેરી લેવાના. એને ખરીદીને પણ આપ્યા હતા, જેથી તે ઘરે પ્રેક્ટિસ કરતી હતી. અત્યારસુધી તો તેણે ક્યારેય આ ચપ્પલ પહેર્યા નહોતા.

'એ જ્યારે ઘરેથી નીકળી ત્યારે તે ફોન ચાર્જિંગમાં મૂકીને નીકળી હતી'
'પ્રી-વેડિંગ માટે પણ મેં તેને સ્પોર્ટસ શૂઝ અપાવ્યા હતા, એ આજે પણ મારા ઘરે પડ્યાં છે. એ તેના લગ્નની ખરીદી કરવા માટે પણ અહીં જાતે જ આવી હતી અને તેને જે ગાઉન ગમતા હતો એ પહેરાવીને તેની પસંદના જ લીધા હતા. આજના સમયમાં આવી સીધીસાદી છોકરીને શોધવા જાઓ ને તોપણ ન મળે, લવિના એવી છોકરી હતી. તે જ્યારે ઘરેથી નીકળી હતી ત્યારે તે ફોનને ચાર્જિંગમાં મૂકીને નીકળી હતી, એવું તેના પરિવારવાળાએ મને જણાવ્યું હતું.'

મંગેતર લોકેશને છેલ્લે લવિના સાથે શું વાત થઈ હતી?
લોકેશે ગુમ થઈ એ દિવસે લવિના સાથે થયેલી વાતચીત અંગે કહ્યું, તે છેલ્લા 10-15 દિવસથી ફ્રી થઈ ગઈ હતી, પરંતુ મારા આખા ઘરમાં શોપિંગથી માંડીને મારા પોતાનાં કામ હું કરું છું. હું ડ્રાઇવિંગ કરતો હોઉં તો ફોન નથી ઉપાડતો એવું મેં તેને કહ્યું હતું. એ દિવસે છ જેટલાં મિસ્ડ કોલ આવ્યા હતા. તેમાંથી બે વખત મેં વાત કરેલી છે. એકવાર લગભગ બે વાગ્યાની આસપાસ વાત કરી હતી. ત્યારે મેં કહ્યું હતું કે હું બહાર આવ્યો છું. ઘરે પહોંચીને ફોન કરું છું અને બીજો એક કોલ સાંજે 5-53એ સામેથી તેને ફોન કર્યો હતો. હવે હું ઘરે આવી ગયો છું, બોલ, તારે શું કહેવું છે, પરંતુ એ સમયે તેણે જનરલ વાતો જ કરી હતી. પછી સાત વાગ્યે મારા ઘરે કાકાઓ સાથે લગ્નમાં કોને કયું કામ સોંપાશે એ માટે મિટિંગ હતી એટલે મેં કહ્યું હતું કે મિટિંગ છે ત્યારે હું ફોન નહીં ઉપાડું. ત્યારે તેણે કહ્યું હતું કે મારા ઘરે પણ મારા મામા એટલે સંબંધી આવેલાં છે. અમારી મિટિંગ રાત્રિના 1 વાગ્યાની આસપાસ પૂરી થઇ હતી. લવિના ઘરેથી જતી રહ્યાની જાણ સોમવારે તે લોકોએ કરી હતી. બાદ ત્રણ વખત હું તેમને ત્યાં ગયો હતો.

લવિનાની સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામના ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
લવિનાની સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામના ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.

ફેમિલીને એક જ સવાલ હતો કે તમે શા માટે FIR નથી નોંધાવતા?
'8 તારીખે દોઢ વાગ્યે એક કોન્સ્ટેબલ અમારી સાથે હતા, જેમણે સ્પીકર પર ફોન કરીને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફોન લગાવીને પૂછ્યું કે લવિના કરીને કોઈ છોકરી ગુમ થવાની ફરિયાદ તમારી પાસે આવી છે કે નહીં તો કોઈએ ફોન ઉપાડ્યો ત્યારે ત્યાંથી જાણવા મળ્યું કે હા, જાણવા જોગ મળી છે. ત્યારે મારો તેમની ફેમિલીને એક જ સવાલ હતો કે તમે શા માટે એફઆરઆઈ નથી નોંધાવતા?. એ સમયે મનમાં એમ જ થતું હતું કે ફેમિલીવાળા એફઆઈઆર નથી લખાવતા એટલે છોકરી ક્યાં છે એની તેમને ખબર છે. એ સમયે મેં મારા માસીના છોકરાને કહ્યું કે અરે, તમે એફઆઈઆર નથી નોંધાવી શકતા યાર. એ સમયે મારે તેની સાથે પણ મનદુઃખ થઈ ગયું હતું કે કાં તો તમે એફઆઈઆર લખાવો કાં તો પછી છોકરી ક્યાં છે એ કહો. એ પછી 12 તારીખે ત્યાંના પીઆઈનો મારા પર કોલ આવ્યો, જેમાં તેમણે મારી પાસેથી બધી જ માહિતી મેળવી હતી, ત્યારે મેં તેમને એક સવાલ કર્યો કે હજી સુધી તમે એફઆઈઆર કેમ નથી કરાવી, હું પીઆઈ પોતે વાત કરું છું. હું કંઈ ખોટું નહીં કરું, હવે તો તું માનીજા. એ પછી મને લાગ્યું કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે, એટલે મેં ફરી તેનાં માતા-પિતા સાથે ખૂબ જ સિમ્પલ રીતે વાત કરી અને કહ્યું કે જે પણ કંઈ જાણતા હોય એ મને જણાવી દો, કેમ મારો સમય બરબાદ કરી રહ્યા છો. હું મારા પપ્પાના ધંધે લાગી જાવ અને ભવિષ્ય વિશે આગળ વધું.'

'મારી સાથે લગ્ન ન કરવા હોય તો કંઈ વાંધો નહીં, પણ છોકરીને બોલાવી આપો'
હું તો તેમના પરિવારને પણ કહેતો હતો કે છોકરી ભલે જ્યાં હોય ત્યાંથી તેને બોલાવી આપો, ભલે તેને મારી સાથે લગ્ન ન કરવા હોય તો કંઈ વાંધો નહીં, ઘરે બેસાડી રાખો, ભવિષ્યમાં જે નક્કી કરવું હોય એ કરજો, પણ મને ચોખવટ કરી દો. જેથી હું ભવિષ્યમાં આગળ વધી શકું. મેં તેમનાં માતા-પિતાને પણ પૂછ્યું હતું કે જો તેને લગ્ન કરવાની ઈચ્છા ન હોય તો એ પણ મને જણાવો, જેથી હું શાંતિથી સાઈડમાં જતો રહું, મને કંઈ નથી.

'મારું મન નહોતું માનતું કે ના, આ છોકરી મારી જોડે દગો ન જ કરી શકે'
લોકેશ મુરજાણીએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું, મને હજી પણ એવું થાય છે કે એ છોકરી ત્યાં જઈને પાછી આવી જશે. જે રીતે અમારી ફોન પર વાત થતી હતી એ પરથી તો એવું જ લાગે છે કે આ કોઈના લવમાં ન પડે. જ્યારે અમને લવિના ઘરેથી જતી રહી છે એવી ખબર પડીને ત્યારે અમારા ઘરે પણ મિટિંગ થઈ હતી, ત્યારે બધા એવું કહેતા હતા કે આખી દુનિયામાં પૂછી લઈશ ને તોપણ એવો જ જવાબ મળશે કે આ છોકરીનું બીજા સાથે અફેર હશે, પરંતુ મારું મન નહોતું માનતું કે ના, આ છોકરી મારી જોડે દગો ન જ કરી શકે. ત્યાર પછી માર્કેટમાંથી સમાચારો આવ્યા ત્યારે એવું લાગ્યું કે કદાચ હું આ વાતથી અજાણ પણ હોઈ શકું. હું તેને બળજબરી કે પછી જોર જબરદસ્તી કરીને લઈ આવું તો તેનું મન ક્યાં હોય અને હવે કંઈપણ બની શકે. ભૂતકાળમાં મારે કોઈ ગર્લફ્રેન્ડ નહોતી એટલે છોકરીઓને ઓળખવામાં હું કદાચ કાચો પડ્યો છું એવું બની શકે, પરંતુ હવે ભવિષ્યમાં મારે શું કરવાનું છે એ વિચારી રહ્યો છું.