દિવાળી અને નવા વર્ષની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે દિવાળી અગાઉના છેલ્લા રવિવારે દિવ્ય ભાસ્કરની ટીમે અમદાવાદના `ઓપન મોલ' તરીકે ઓળખાતા લાલ દરવાજા માર્કેટ પહોંચીને અહીનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. લાલ દરવાજા માર્કેટ સુધી જ્યારે પહોંચ્યા ત્યારે તમામ રસ્તાઓ ટ્રાફિકથી ભરચક જોવા મળ્યાં તો માર્કેટમાં જાણે રીતસરનું કીડીયારૂં ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં.
તહેવાર કોઈપણ હોય, લાલ દરવાજા માર્કેટ જ લોકોની પહેલી પસંદ
છેલ્લા બે વર્ષથી જે લોકો દિવાળીની ઉજવણી નહોતા કરી શક્યા તેઓ હવે મન મુકીને ખરીદી કરી રહ્યાં છે. તેવામાં અમદાવાદના લાલ દરવાજા માર્કેટમાં આ વખતે જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કપડાં, ઘરેણા, ઘર સજાવટ, ઈલેક્ટ્રીક વસ્તુથી લઈને ફટાકડા જેવી, તમામ વસ્તુઓ આ બજારમાં ગ્રાહકને ખૂબ વ્યાજબી ભાવે મળી રહે છે અને આ જ કારણ છે કે લોકો તહેવાર કોઈપણ હોય, લાલ દરવાજા માર્કેટની એક મુલાકાત લેવાનું ચુકતા નથી. દિવાળીની ખરીદી માટે આવેલા ગ્રાહકે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, "આ વખતે તમામ વસ્તુઓના ભાવ વધ્યા છે, જેમાં ફટાકડાના ભાવમાં તો રીતસરનો બમણો વધારો થયો છે, પણ અમદાવાદના અન્ય બજારોની તુલનામાં લાલ દરવાજા માર્કેટમાં મળતી તમામ વસ્તુ સસ્તી અને ભરોસાપાત્ર હોય છે." આ જ કારણ છે, જેથી ખરીદી માટે અમદાવાદીઓ માટે લાલ દરવાજા માર્કેટ હોટ ફેવરિટ છે.
...ને આ વર્ષે દિવાળી અમને ફળીઃ વેપારી
એક વેપારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, " કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી અમારો ઘંધો ઠપ થઈ ગયો હતો. પરંતુ આ વખતે બજારમાં જોવા મળી રહેલી ભીડના કારણે ગયા વર્ષની સરખામણીએ અમારા ત્યાં વધુ ઘરાકી થઈ રહી છે. એટલે આ વર્ષની દિવાળી અમને ફળી ગઈ છે."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.