પતંગ ઉડાડવાનું સાયન્સ જાણો:ઉત્તરાયણમાં હવા વધારે હોય તો કેવો પતંગ લેવો અને ઓછી માટે કેવો? કિન્નામાં શૂન-શૂન કેવી રાખવી? પતંગનું A To Z પતંગબાજ પાસેથી જાણો!

એક વર્ષ પહેલાલેખક: મયંક વ્યાસ
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કર તમને જણાવે છે એક્સપર્ટ પતંગબાજનું સિક્રેટ, ઉત્તરાયણને સેલિબ્રેટ કરો પતંગના સાયન્સ સાથે

આમ તો પતંગ ઉડાડતા ગુજરાતી છોકરાને શીખવવું ના પડે. જોકે પતંગ ઉડાડવાની કળા એ પણ એક સાયન્સ છે, જેમ કે પતંગનો ઢઢ્ઢો (પતંગમાંની ઊભી સળી) અને કમાનનો વળાંક, એની સાઈઝ, કિન્ના બાંધવા પતંગમાં કાણાં કઈ જગ્યાએ પાડવાં, પવન પ્રમાણે પતંગની પસંદગી કરવી, પાવલા-ઘેંસિયા-અડદિયા-પોણિયા અને આખા પતંગને ક્યારે ઉડાડવા વગેરે... વગેરે.. આમ તો આ યાદી બહુ લાંબી થઈ જાય છે અને બહુ ઓછા લોકોને એની કળાની જાણકારી છે. આ ઉત્તરાયણ પર દિવ્ય ભાસ્કર તેના વાચકો માટે ખાસ પતંગબાજ પાસેથી પતંગ ઉડાડવાના તેમના સિક્રેટને જાણી લાવ્યું છે.

હવા મુજબ પતંગ લો, કિન્નામાં શૂન-બે રાખો ને મોજ કરો

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારની રાજા મહેતાની પોળમાં રહેતા પતંગબાજ પુષ્પકાંત ખત્રીએ દિવ્ય ભાસ્કરના વાચકોને આ ઉત્તરાયણ પર વૈજ્ઞાનિક ઢબે પતંગ ઉડાડવાની ખાસ ટ્રિક જણાવી હતી. પતંગ ઉડાડવાનો 45 વર્ષનો અનુભવ ધરાતા પુષ્પકાંતભાઈએ પતંગ ખરીદવાથી માંડીને ઢઢ્ઢાની ચકાસણી, કિન્ના બાંધવાની રીત અને પવન પ્રમાણે પતંગની પસંદગીની સિસ્ટમ સમજાવી હતી. પતંગની પસંદગી જેટલી મહત્ત્વની છે એટલી જ કિન્ના કે જેમાં તેઓ ખાસ નીચે શૂન અને ઉપર બે એટલે કે ગાંઠથી એક-દોઢ ઈંચનું અંતર રાખવાનો આગ્રહ કરે છે. સ્થિર પતંગ રાખવાની કળા પણ અનોખી છે, જેમાં આંગળીના એક વેઢે જ દોરાને ખેંચવાથી ગમેતેવો નીચે રહેલો પતંગ ઉપર સીધો હવામાં આવી જાય છે.

ભારે પવનમાં પ્લાસ્ટિકના હલકા પતંગ મોસ્ટ ફેવરિટ

પુષ્પકાંતભાઈએ ઉમેર્યું હતું કે આ વખતે ઉત્તરાયણમાં ભારે પવન રહેશે એવું કહેવાય છે તો પ્લાસ્ટિકના હલકા પતંગ એમાં સારા રહેશે. આવા પતંગ હવામાં ધકેલાય છે અને આંગળા પર ભાર આવવા નથી દેતા. આ સ્થિતિમાં ખૂબ પવન હોય તો પ્લાસ્ટિકના પતંગ સારી રીતે ઊડી શકે છે. જોકે પવન ડાઉન થઈ જાય તો ત્રિવેણી કાગળના પતંગ પણ ખૂબ ઉપયોગી નીવડી શકે છે.

'પતંગ ખૂબ મોંઘા થયા છતાં શોખીન ગ્રાહકો હજી મોજૂદ'

કાલુપુર ટંકશાળ રોડ પર જ પતંગની વર્ષો જૂની દુકાન ધરાવતા નરેશભાઈ મોદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારી દુકાન ટંકશાળ રોડ પર 50 વર્ષ જૂની છે. હું નાનો હતો ત્યારથી અહીં પતંગ વેચીએ છીએ. પહેલાં ટંકશાળ રોડ પર પતંગબજારની અલગ રોનક હતી, પણ હવે કટલરી માર્કેટ થઈ જતાં દુકાનો જ રહી નથી. હવે પતંગ પણ મોંઘા થઈ ગયા છે, પરંતુ શોખીન ઘરાકો હજી પણ પોળમાંથી બહાર નીકળી ગયા પછી પણ પતંગ ખરીદવા અહીં જ આવે છે.

અન્ય સમાચારો પણ છે...