રાઉત પાસેથી 11 લાખ, અર્પિતા પાસેથી મળ્યા 50 કરોડ:ઇન્કમટેક્સ દરોડાથી ડર્યા વગર જાણો તમે ઘરે કેટલાં રાખી શકો છો કેશ અને ગોલ્ડ?

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા એક સપ્તાહના 3 સમાચાર વાંચો...
1. EDએ અર્પિતા મુખર્જીના ઘરેથી અંદાજે 50 કરોડ કેશ અને 6 કિલો સોનું જપ્ત કર્યું.
2. કોંગ્રેસના 3 ધારાસભ્યની 49.8 લાખ રૂપિયા સાથે પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી.
3. EDએ પાત્રા ચૌલ કૌભાંડમાં સંજય રાઉતના ઘરે દરોડા દરમિયાન 11 લાખ રૂપિયા કેશ જપ્ત કર્યા.

સરકારી એજન્સીઓના આ દરોડાને કારણે લોકોના મનમાં એક સવાલ ઊભો કર્યો છે કે- આપણે ઘરમાં કેટલું સોનું અને કેશ રાખી શકીએ છીએ? આજના ભાસ્કર એક્સપ્લેનરમાં કાયદા અને એક્સપર્ટની મદદથી અમે તમને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ...

સૌથી પહેલા પૈસાની વાત
કોઈ વ્યક્તિ તેના ઘરમાં ઈચ્છે એટલી રોકડ કેશ રાખી શકે છે, પરંતુ આ પૈસાનો સોર્સ પાક્કો હોવો જરૂરી છે. માની લો કે તમારા ઘરમાં 5 કરોડ રૂપિયા છે અને તપાસ એજન્સી દરોડા પાડે છે તો તમારે તમારી આવક અને તેની સાથે જોડાયેલા પુરાવા દર્શાવવાના હોય છે.
જો તપાસ દરમિયાન તમે ઘરમાંથી મળેલા પૈસાનો હિસાબ ના આપી શકો તો તમારે 137% સુધીનો દંડ ભરવાનો હોય છે. આ સિવાય 26 મે 2022થી દેશમાં લાગુ થનારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે CBDTના નવા નિયમ પ્રમાણે એક વર્ષની અંદર કોઈ વ્યક્તિ કેશમાં 20 લાખ રૂપિયાથી વધારેની લેણ-દેણ કરી શકે નહીં.

હવે વાત ઘરે સોનું રાખવાની
પૈસા જેવી જ વાત સોનાની છે. તમે ઈચ્છો એટલું સોનું ઘરે રાખી શકો છો. બસ, માત્ર એટલું ધ્યાનમાં રાખવાનું છે કે તમારી પાસે એના પૂરતા પુરાવા હોવા જોઈએ, એટલે કે તમારા ઘરે જે પણ સોનું હોય એનું તમારી પાસે પ્રૂફ હોવું ખૂબ જરૂરી છે.

ઘરમાંથી વધારે સોનું મળે તો કયા દસ્તાવેજ દર્શાવવાના હોય છે?
તપાસ એજન્સી તમારા ઘરમાંથી વધારે સોનું જપ્ત કરે છે તો ઈન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 132 અંતર્ગત IT અધિકારીઓ પાસે એ અધિકાર હોય છે કે એના સોર્સ વિશે માહિતી માગી શકે છે. એ અંતર્ગત મુખ્ય 3 દસ્તાવેજ દર્શાવવાના હોય છે...
1) તમે સોનું ખરીદ્યુ છે તો એનું બિલ.
2) સોનું પરિવારમાંથી મળ્યું છે તો ફેમિલી સેટલમેન્ટ સાથે જોડાયેલા દસ્તાવેજો.
3) તમને ગિફ્ટમાં સોનું મળ્યું છે તો તેની સાથે જોડાયેલી ગિફ્ટ ડીડ દર્શાવવાની હોય છે.

32 વર્ષ પહેલાં પૂરો થયો ગોલ્ડ કંટ્રોલનો કાયદો
આઝાદી પછી દેશમાં કોઈ વ્યક્તિ પોતાની પાસે કેટલું સોનું રાખી શકે એ માટે ગોલ્ડ કંટ્રોલ એક્ટ 1968 બનાવવામાં આવ્યો હતો. ઘરમાં નક્કી કરેલી માત્રા કરતાં વધારે સોનું રાખવામાં આ કાયદાથી નિયંત્રણ કરી શકાય છે. 1990 પછી આ કાયદાને ખતમ કરી દેવામાં આવ્યો છે અને લોકોને વેલિડ સોર્સ બતાવીને અનલિમિટેડ સોનું રાખવાનો અધિકાર મળી ગયો.

શું દસ્તાવેજ કે પ્રૂફ ના હોય તોપણ ઘરમાં સોનું રાખી શકાય છે?
ભારતીય સમાજમાં લગ્ન-તહેવારમાં સોનું ખરીદવાની પરંપરા છે. આવા સંજોગોમાં સરકારે કાગળ અથવા પ્રૂફ વગર નક્કી કરેલી માત્રામાં ઘરમાં સોનું રાખવાની છૂટ આપે છે. તો આવો... જાણીએ કે ઘરમાં કોણ કેટલું સોનું રાખી શકે છે...

  • પરિણીત મહિલાને 500 ગ્રામ સોનું રાખવાની છૂટ હોય છે.
  • અપરિણીત મહિલાને 250 ગ્રામ સોનું રાખવાની છૂટ હોય છે.
  • પરિણીત પુરુષ 100 ગ્રામ સુધી સોનું રાખી શકે છે.
  • અપરિણીત પુરુષ 100 ગ્રામ સોનું તેની પાસે રાખી શકે છે.

ગેરકાયદે પૈસા અથવા સોનું મળતાં એજન્સીઓ શું કાર્યવાહી કરે છે?
આ મુદ્દે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિરાગ ગુપ્તાનું કહેવું છે કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, કસ્ટમ ડિપાર્ટમેન્ટ અને ED ત્રણેય તપાસ એજન્સીઓને ગેરકાયદે, બિનકાયદે સોનું, સંપત્તિ અથવા પૈસાને અલગ-અલગ કાયદા અંતર્ગત જપ્ત કરવાનો અધિકાર છે.

  • જો ઈડીની વાત કરીએ તો એને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002, એટલે કે PMLA 2002 અંતર્ગત ગેરકાયદે અથવા બેનામી સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે.
  • કસ્ટમ ડિપાર્ટમેન્ટનો મુદ્દો છે તો કસ્ટમ એક્ટ અંતર્ગત દાણચોરી દ્વારા મેળવેલી સંપત્તિને જપ્ત કરવાનો અધિકાર છે.
  • ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં છે તો ઈન્કમટેક્સ એક્ટ અંતર્ગત સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર હોય છે.

જપ્ત કરવામાં આવેલાં કેશ અને સોનાનું શું થાય છે?
સૌથી પહેલા જપ્ત કરવામાં આવેલી કેશ અથવા સોનાનું પંચનામું કરવામાં આવે છે. પંચનામામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે કુલ કેટલા પૈસા મળ્યા છે, કેટલી ગાડીઓ, કેટલી 200, 500, 2000 અને અન્ય નોટ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલી કેશમાં જો નોટ પર કોઈ નિશાન હોય તો કે કંઈક લખ્યું હોય અથવા કોઈ કવરમાં હોય તો એની પણ તપાસ કરવામાં આવે છે, જેથી તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો જપ્ત કરવામાં આવેલી કેશનો જો પુરાવા તરીકે કોઈ જરૂર ના હોય તો તેને સક્ષમ અધિકારીની નજર હેઠળ બેન્કમાં જમા કરાવવામાં આવે છે. તપાસ એજન્સીઓ જપ્ત કરેલા રૂપિયાને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અથવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવે છે. આ જ રીતે જે સોનાનું પ્રૂફ નથી મળ્યું એ સોનાનું પહેલા પંચનામું કરવામાં આવે છે. ત્યાર પછી એને વિભાગની કસ્ટડીમાં અથવા સરકારી ખજાનામાં જમા કરાવવામાં આવે છે.

ઘરમાં ગેરકાયદે સોનું અથવા કેશ મળતાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે
PMLA એક્ટ 2002ને 2005માં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદામાં 3 વખત સંશોધન કરવામાં આવ્યું છે. આ કાયદા અંતર્ગત દોષિત જાહેર થતાં 3થી 7 વર્ષની સજા થઈ શકે છે. આ ઉપરાંત આ કાયદા અંતર્ગત એજન્સીઓ આ આરોપીઓની સંપત્તિને જપ્ત કરી શકે છે.
FEMA કાયદા અંતર્ગત દોષિત સાબિત થતાં અમુક કેસમાં 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એ સિવાય જેટલી ગેરકાયદે સંપત્તિ મળે છે એનો 3 ગણો દંડ લગાડવામાં આવે છે.
ઈન્કમટેક્સ એક્ટ 1961 અંતર્ગત આવક કરતાં વધારે સંપત્તિ જપ્ત કરતાં આરોપીઓને 4થી 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

હવે વાત સોનાની થઈ રહી છે ત્યારે એ પણ જાણી લો કે ભારતીય મહિલાઓ પાસે દુનિયાના કુલ સોનાનો 11% હિસ્સો છે. નીચે આપવામાં આવેલા ગ્રાફિક્સમાં જુઓ ચીન અને અમેરિકાની મહિલાઓ પાસે કેટલું સોનું છે.

અન્ય સમાચારો પણ છે...