ભાસ્કર એક્સક્લૂસિવકિરણ પટેલને ત્રણ પત્ની અને 30 ગર્લફ્રેન્ડ?:પૂર્વ મંત્રીના ભાઈનું 18 કરોડનું ‘જગદીશપુરમ્’ પડાવવા આ રીતે રચ્યું ષડ્યંત્ર, ‘હું મોદીનો રાઇટ હેન્ડ છું, એટલામાં તમે સમજી જાઓ’

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર
  • કૉપી લિંક

ગુજરાત સહિત દેશભરમાં હાલ સૌથી ચર્ચિત ચહેરો કોણ? 6 દિવસથી હેડલાઇન્સમાં ચમકતી વ્યક્તિ કોણ? જોકે આ વખતે કોઈ ફિલ્મસ્ટાર, ક્રિકેટર કે રાજનેતા નહીં, પણ મહાખેપાની એવો ઠગ છે. આ મહાઠગ એટલે કિરણ જગદીશ પટેલ. ટોચના IPS અધિકારીઓથી લઈ રાજકારણીઓને પોતાની જાળમાં ફસાવનાર શિકારી એવા કિરણ પટેલે ગુજરાતમાં પણ ઘણાં કાંડ કર્યા છે, જેમાં સૌથી વધુ ચર્ચા પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડા સાથે કરેલી છેતરપિંડીની છે. જોકે કિરણ આવી એક છેતરપિંડીથી છાનોમાનો બેસે એવો ક્યાં હતો, એની અંદર ચીટિંગ કરવા માટે એક આગ ભભૂકતી હતી અને આ આગની લપેટમાં ભલભલા દાઝી ગયા છે.

કિરણ પટેલની નજીક રહેલા અને તેની છેતરપિંડીનો ભોગ બનેલા લોકો સામે આવીને કંઈપણ બોલવા તૈયાર નથી, કારણ શું? પોતાના ક્ષેત્રમાં ટોચનો હોદ્દો ભોગવતા હોય અને એક ઠગે તેને થાપ ખવડાવી છે તો સમાજમાં આપણી ઇજ્જત શું રહે?આવું વિચારીને જ કોઈ કંઈપણ બોલવા તૈયાર નથી.

જ્યારથી કિરણ પટેલનાં કારનામાં બહાર આવ્યાં છે ત્યારથી ઘણા લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે, જેવા કે કિરણ પટેલે પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈનો બંગલો પચાવી પાડવા કેવી રીતે ષડયંત્ર રચ્યું? તેનું અંગત જીવન કેવું છે? કેવી રીતે અધિકારીઓ અને નેતાઓને પોતાની જાળમાં ફસાવી શિકાર કરતો? ટોચની હસ્તીઓ સાથે કેવી રીતે ફોટો પડાવે છે? આ તમામ પ્રશ્નનો જવાબ આજે અમે તમને આ એક્સક્લૂઝિવ રિપોર્ટમાં જણાવી રહ્યા છીએ.

બંગલો પડાવવા આ રીતે પૂર્વ મંત્રીના ભાઈનો નંબર મેળવ્યો
પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા કેવા કેવા તરકટ રચ્યા એ અંગે દિવ્ય ભાસ્કરને કિરણ પટેલને અનેકવાર મળી ચૂક્યા હોય એવા આધારભૂત સૂત્રોમાંથી આખા કેસની તમામ વિગતો મળી હતી. જગદીશ ચાવડા અમદાવાદના શીલજમાં નીલકંઠ ગ્રીન સોસાયટીમાં બંગલો નંબર 11માં પત્ની અને માતા સાથે રહેતા હતા. જગદીશભાઈના ઘરની સામે ટી પોસ્ટ આવેલી છે અને આ ટી પોસ્ટમાં એપ્રિલ-મે, 2022માં કિરણ પટેલની બેઠક રહેતી હતી. એ સમયે કિરણને ક્યાંકથી રૂપિયા આવવાના હશે. ઘોડાસરમાં રહેતો હોવાથી તેને કોઈ સારા વિસ્તારમાં રહેવા આવવું હતું. એને કારણે એ બધી સોસાયટીઓમાં ફરતો હતો. આ દરમિયાન તેના ધ્યાનમાં આવ્યું કે સિંધુભવન રોડ પર આવેલી નીલકંઠ બંગલો સોસાયટીમાં બંગલો નંબર 12 વેચવાનો છે, જેથી તેણે અમુક લાખ રૂપિયા આપીને બંગલો નંબર 12નો સોદો કર્યો, પરંતુ કોઈ રીતે એ ડીલ ન થઈ. એ પછી તેણે જગદીશભાઇના બંગલો નંબર 11 તરફ નજર દોડાવી તેમજ તેને માહિતી મળી કે આ બંગલો વેચવાનો છે, જેથી તેણે સોસાયટીમાં ગેટ પરના ચોકીદાર પાસેથી જગદીશભાઈનો નંબર લીધો હતો.

પોર્શ ગાડી સાથે મહાઠગ કિરણ પટેલ.
પોર્શ ગાડી સાથે મહાઠગ કિરણ પટેલ.

‘ચૂંટણીનું મેનેજમેન્ટ હું કરું છું’
‘ત્યાર બાદ કિરણ પટેલ નીલકંઠ ગ્રીનમાં બંગલો જોવા ગયો, જ્યાં માલિક જગદીશભાઈએ તેને બંગલોની કિંમત રૂ.15 કરોડ કહી, જેથી કિરણે કહ્યું કે ‘અમારું આટલું બજેટ નથી, પરંતુ હું PMOમાં નોકરી કરું છું અને મારી મોટા મંત્રીઓ સાથે ઓળખાણ છે. તમારા બંગલામાં મારા સજેશન પ્રમાણે થોડું રિનોવેશન કરાવો તો હું તમારો બંગલો તમારા ભાવમાં વેચાવી આપીશ અને એક જ મહિનામાં તમારું પેમેન્ટ અપાવીને બંગલાના વેચાણ દસ્તાવેજ કરાવી લઈશ. જો 15 કરોડ કરતાં વધુ પેમેન્ટ આવશે તો તે હું રાખી લઈશ’, પરંતુ જગદીશભાઈએ ના પાડતા ઠગ માસ્ટર કિરણે રાજકારણીઓ સાથેના સંબંધોની વાત કરી અને અમુક ફોટો બતાવ્યા તેમજ બધાની જેમ જગદીશભાઈને પણ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીનો ખાસ વિશ્વાસુ માણસ છું. હું તેમનો રાઇટ હેન્ડ છું. નરેન્દ્ર મોદી જેટલી પણ ચૂંટણીઓ લડે છે અને જીતે છે એમાં મારું સોફ્ટવેર એન્જિનિયરિંગ કામ કરે છું’. ચૂંટણી જીતવાની હોય ત્યારે એનું મેનેજમેન્ટ હું કરું છું. એટલામાં તમે સમજી જાઓ’.

પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો પર લાગેલી પ્લેટ.
પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો પર લાગેલી પ્લેટ.

‘ડિમાન્ડ કરતાં બંગલાના 2 કરોડ વધુ ન અપાવું તો મારું નામ નહીં’
‘એની સાથે બીજો કોઈ વ્યવહાર હતો નહીં. એ કામ કરીને આપે એટલે તેને રૂપિયા આપવાના હતા. તેમજ કહ્યું કે જો એક મહિનામાં તમારો બંગલો 15 કરોડમાં વેચાવી ન આપીએ તો તમે કરેલો ખર્ચ પાછો આપી દઈશ, એટલે કિરણ કોણ છે? એમાં એ ઊંડા ઊતર્યા નહીં. ઇન્ટીરિયર શરૂ થયા પછી જગદીશભાઇએ કિરણને કહ્યું હતું કે ‘મારે આ મકાન બહુ જ મોટું પડે છે અને હવે ઉપર નીચે જવામાં તકલીફ પડે છે. હું એવું ઘર શોધી રહ્યો છું. જેમાં અમે ત્રણેય એક ફ્લોર પર રહી શકીએ’. ત્યારે ‘કિરણે એવું કહ્યું કે થોડું વધારે રિનોવેશન કરાવો તો વધારે સારા પૈસા મળશે’. જગદીશભાઇએ કહ્યું કે ‘હું એ રિસ્ક શું કામ લઉં? કારણ કે લોકો મકાનના નહીં, જમીનના રૂપિયા આપે છે’. ત્યારે તેણે કહ્યું ના, મારી ગેરંટી છે, એમ કહીને એ સાંજે તે 50 લાખ રૂપિયાના 4 ચેક આપી ગયો અને કહ્યું કે ‘તમારી ડિમાન્ડ કરતાં 2 કરોડ વધુ ન અપાવું તો મારું નામ નહીં. આ લો... મારા તરફથી એડવાન્સ. જો રૂપિયા ન મળે તો મારા ખાતામાંથી રૂપિયા લઈ લેજો’.’

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કિરણની પત્ની માલિની.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કિરણની પત્ની માલિની.

‘સવારમાં 8 વાગ્યે એક કપલને લઈને આવ્યો’
‘જગદીશભાઇને શંકા ન જવાનું કારણ એ હતું કે તેમને ઓફિસ પર સાંજે સાડા 5 વાગ્યે વાત થઈ. બીજા દિવસે કિરણ પટેલ સવારે 8 વાગ્યે એક કપલને લઈને આવી ગયો કે આ બંને ઇન્ટીરિયર-ડિઝાઇનર છે. બંને પાસે ડીગ્રી પણ હતી. તેમની સાથે ડિસકસ કરી. એ પરથી જગદીશભાઇને થયું કે આ પ્રોફેશનલ લાગે છે, જેથી તેના પ્રભાવમાં આવી ગયા. જગદીશભાઇએ કિરણને કહ્યું કે હું 2-4 દિવસમાં જરૂરી સામાન લઈને મારા બીજા મકાનમાં શિફ્ટ થઈ જઈશ.' એ પછી 3 મહિના પૂરતો સામાન લઈને જગદીશભાઇ પત્ની અને માતા સાથે બીજા ઘરે જતાં રહ્યાં’.

જગદીશભાઈ બહાર હોવાની જાણ થતાં જ જોરશોરથી વાસ્તુ કર્યું
‘રિનોવેશન શરૂ થયા પછી કિરણ પટેલને ખબર પડી કે જગદીશભાઈ અઠવાડિયા માટે નથી ત્યારે તેણે ઘરનું વાસ્તુ કરી લીધું. રિનોવેશન માટે 50 લાખ પણ જગદીશભાઇએ જ આપ્યા હતા. રિનોવેશનના કોઈ રૂપિયા કિરણ પટેલે આપ્યા નથી. આમ પણ તેની પાસે રૂપિયા ટકતા જ નહોતા. તેનું સ્ત્રીઓમાં સોશિયલ વર્ક એટલું બધું હતું કે ગમે એટલા રૂપિયા આવે, વપરાઈ જ જાય.’

‘દિલ્હીમાં નોકરી કરો છો તો અહીં આખો દિવસ કેમ રહો છો?
‘એ અઠવાડિયામાં જગદીશભાઈ બેવાર પોતાના ઘરે કામ જોવા માટે જતા હતા. રાત્રે 12-1 વાગ્યા સુધી કામ ચાલતું હતું, જેથી ઘરની ચાવી પણ કિરણને આપી રાખી હતી. એક વખત શંકા જતાં જગદીશભાઇએ પૂછ્યું પણ હતું કે તમે દિલ્હીમાં નોકરી કરો છો તો અહીં આખો દિવસ કેમ રહો છો? ત્યારે કિરણે કહ્યું કે ‘મને શોખ છે અને હું રજા પર છું. કાર્ડમાં જે એડ્રેસ લખ્યું છે એ જ એડ્રેસ તેણે જગદીશભાઈને પણ આપતાં કહ્યું કે આ મારું દિલ્હીનું રેસિડન્ટ છે ને PMOમાં જોબ કરું છું. વિશ્વાસુ માણસ છું. વર્ષ 2001થી એક મોટા સાહેબ સાથે છું’.’

પત્ની સાથે કિરણ પટેલ.
પત્ની સાથે કિરણ પટેલ.

‘કિરણ બોલ્યો એ મારી ફર્સ્ટ વાઈફ છે, જગદીશભાઇએ પૂછ્યું કે આ બે જ છે?’
કિરણ પટેલના સંપર્કમાં આવેલા અને તેની સાથે અનેકવાર મુલાકાત કરી ચૂકેલી એક વ્યક્તિએ દિવ્ય ભાસ્કર સમક્ષ એક મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે જગદીશભાઈના ‘જગદીશપુરમ’ બંગલાનું બે મહિના સુધી રિનોવેશન ચાલ્યું હતું. જગદીશભાઇ અઠવાડિયામાં બે વખત અડધો કલાક માટે આંટો મારવા જતા ત્યારે કિરણ રોજ વહેલો ઊઠીને બંગલા પર આવી જતો. એ વખતે તેની સાથે બે-ચાર મહિલાઓ બેઠી જ હોય, આથી તેમને એક વખત શંકા ગઈ હતી. કિરણે એક સ્ત્રી સાથે ઓળખાણ કરાવીને કહ્યું કે ‘આ મારી વાઈફ છે’. જગદીશભાઇએ પૂછ્યું કે અગાઉ ઓળખાણ કરાવી હતી એ? કિરણ બોલ્યો ‘એ મારી ફર્સ્ટ વાઈફ છે’. જગદીશભાઇએ પૂછ્યું કે આ બે જ છે? તો કહે કે ‘ના, ના હજી પણ એક છે’. જોકે દિવ્ય ભાસ્કર આ સૂત્રએ જણાવેલી આ વાતની પુષ્ટિ કરતું નથી.

‘10-15 સ્ત્રીઓને તો જગદીશભાઇના ઘરે એ લઈને આવ્યો’
સૂત્રએ આગળ કહ્યું હતું કે પરંતુ જગદીશભાઇને કિરણની પર્સનલ લાઈફ કરતાં પોતાના કામમાં વધુ રસ હતો. તેમના બંગલાનું કામ કેટલું ઝડપી અને કેવી ક્વોલિટીનું, કેવું ચાલે છે? ઘણા અલગ અલગ પ્રકારના લોકો સમાજમાં હોય છે, જેથી જગદીશભાઇએ તેનામાં વધુ ઇન્ટરેસ્ટ ન લીધો. તેની 25-30 તો ગર્લફ્રેન્ડ છે, કારણ કે 10- 15 સ્ત્રીને તો જગદીશભાઇના ઘરે તે લઈને આવ્યો હતો.

કિરણ પટેલ હંમેશાં સ્ટાઇલિશ લુકમાં જ જોવા મળતો.
કિરણ પટેલ હંમેશાં સ્ટાઇલિશ લુકમાં જ જોવા મળતો.

પાડોશીએ કહ્યું કે-‘તમારા ઘરનું તો વાસ્તુ થઈ ગયું’
‘બધાને એમ જ છે કે કિરણ પટેલે જગદીશભાઈનો બંગલો પચાવી પડ્યો હતો, પરંતુ એ ઘરમાં ઘૂસ્યો જ નહોતો. એ ક્યારેય રહેવા તો આવ્યો જ નથી. એ માત્ર વાસ્તુ કરવા ટેમ્પો ભરીને સામાન લઈને આવેલો. ટેમ્પો ભરીને પાછો ઘોડાસર જતો રહ્યો. સોસાયટીના કોઈ રહીશે જગદીશભાઇનાં પત્નીને બીજા દિવસે સવારે ફોન કર્યો કે કાલે ‘તમે કેમ વાસ્તુમાં નહોતાં?’ તો તેમની પત્નીએ પૂછ્યું કે ‘શું થયું’? પાડોશીએ કહ્યું કે ‘તમારા ઘરનું તો વાસ્તુ થઈ ગયું’. ત્યારે જગદીશભાઇ બંગલા પર આવ્યા, પરંતુ અહીં કોઈ જોવા ન મળ્યું, જેથી તેમણે પત્ની અને માતાને ઘરે રહેવા માટે બોલાવી લીધા. આ સમયે મોટા ભાગનું રિનોવેશન થઈ ગયું હતું. જગદીશભાઇ ઘરમાં રહેવા આવી ગયા બાદ કિરણ તેમને ઓફિસે મળવા ગયો અને કહ્યું કે તમને મારી ઉપર વિશ્વાસ નથી એટલે આવી ગયા? તેમણે કહ્યું, વિશ્વાસનો સવાલ નથી. મારું કામ પૂરું થઈ ગયું. મારું મકાન છે, એટલે હું રહેવા આવી ગયો, મને ઈચ્છા છે. મારે એમાં તમને પૂછવાનું ન હોય. તેણે કહ્યું, નાનું નાનું થોડું કામ બાકી હતું. તેમણે કહ્યું કે એ હું કરાવી લઇશ. મારે એમાં તમારી હેલ્પની જરૂર નથી. ત્યાં સુધીમાં જગદીશભાઇને ખબર પડી ગઈ હતી કે કિરણ ફ્રોડ અને ચીટર છે. ’

બંગલો મામલે સામસામી છાપામાં નોટિસો આપી
‘જે બંગલો કિરણ પટેલ પોતાનો બતાવતો હતો એની કિંમત અત્યારે 20 કરોડ રૂપિયા છે અને એ વખતે 18 કરોડ રૂપિયા હતી. નીલકંઠ ગ્રીન સોસાયટીના બધા બંગલા 1400 વારના છે. આ બંગલા અંગે કિરણ પટેલે 29.6.2022ના દિવસે છાપામાં નોટિસ આપી હતી. એ પછીના દિવસે એટલે કે 30.6.2022ના રોજ જગદીશભાઇએ સામે નોટિસ આપી કે આ બંગલાનું કોઈ વેચાણ કે અન્ય કોઈ કરાર કંઈ જ કર્યું નથી. ત્યાર બાદ તેમણે પોલીસમાં અરજી આપી. બંગલોના વેચાણ મામલે નોટિસ આપ્યા બાદ જગદીશભાઇએ કિરણ વિરુદ્ધ અરજી આપી હતી, જે હજુ પેન્ડિંગ છે.’

ડાબે કિરણ પટેલે છાપામાં આપેલી નોટિસ અને જગદીશ ચાવડાએ છાપામાં આપેલી નોટિસ.
ડાબે કિરણ પટેલે છાપામાં આપેલી નોટિસ અને જગદીશ ચાવડાએ છાપામાં આપેલી નોટિસ.

ઘોડાસરવાળું ઘર પણ કોઈનું પચાવી પડેલું છે?
સૂત્રોએ બીજો એક દાવો કરતાં કહ્યું હતું કે જગદીશભાઈ તો પહોંચેલા માણસ હતા. જે ના પહોંચી શકે એનું શું થતું હશે? ઘોડાસરવાળું ઘર પણ કોઈનું પચાવી પડેલું છે. તેણે ઘણાની જમીનો પણ પચાવી પાડ્યાનું સામે આવ્યું છે, પરંતુ એ વિશે વધારે ખબર નથી.

ટાઇટલ ફોર્મમાં સહી કરાવી નોટિસ નખાવી દીધી
જ્યારે દિવ્ય ભાસ્કરે આ અંગે જગદીશભાઇના વકીલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે કિરણ પટેલ જગદીશભાઇને મળેલો. જગદીશભાઇને મકાન વેચવાનું હતું. કિરણે તેમને એવું કહ્યું કે જો તમે અમુક પ્રકારનું રિનોવેશન કરાવો તો હું તમને તમારા મકાનના સારાએવા રૂપિયા અપાવીશ. મારે સારા સારા રાજકારણીઓ સાથે ઓળખાણ છે. PMOમાં મારી બેઠક છે. પહેલા તેમણે વિશ્વાસ ન કર્યો, પરંતુ તેમણે મોટી ઓળખાણો આપીને જગદીશભાઇને ઇમ્પ્રેસ કરીને કહ્યું કે જગદીશભાઈ, હું તમને ગેરંટી આપું છું કે તમને આ પ્રાઇસ મળશે જ. તમે મકાન ખાલી કરી નાખો. હું જરૂરિયાત મુજબ રિનોવેટ કરાવીને તમને આપી દઇશ. જો તમને નુકસાન થાય તો આ ચેક રાખો. નુકસાની હું ભોગવી લઇશ, એમ કહીને તેણે 50 લાખના 4 ચેક આપી દીધા. રિનોવેશન કરાવ્યા બાદ ખબર નહીં ક્યારે વાસ્તુ કર્યું. બાદમાં કિરણ બધાને કહેવા લાગ્યો કે આ મકાન મારું છે. મેં ખરીદ્યું છે. કોઈએ જગદીશભાઇને ફોન કર્યો તો તેમણે તાત્કાલિક મકાનનો કબજો લઈ લીધો અને ત્યાં રહેવા જતા રહ્યા. તેમણે પછી ફરિયાદ કરી હતી. રિનોવેશનનું કામ પૂરું થવા આવ્યું હતું, ત્યારે કિરણે કહ્યું કે જગદીશભાઇ, મકાનનો દસ્તાવેજ ગમે ત્યારે કરવાનો થશે એટલે તમે મને ટાઇટલ ફોર્મમાં સહી કરી આપો. ટાઇટલ ફોર્મમાં સહી કરાવીને તેણે વકીલ દ્વારા નોટિસ નખાવી દીધી. આ દરમિયાન જગદીશભાઇને ખબર પડી કે આ ફ્રોડ છે. એ પછી અમે છાપામાં જાહેર ચેતવણીની વિગત આપી. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં અને બીજે બધે તેની સામે ફરિયાદ કરી.

ગૃહમંત્રી અમિત શાહ સાથે કિરણ પટેલ.
ગૃહમંત્રી અમિત શાહ સાથે કિરણ પટેલ.

બધા સાથે ફોટો કેવી રીતે પડાવે છે?
‘સવારથી 8 વાગ્યે નીકળી જવાનું. રાત્રે 10 વાગ્યે ઘરે જવાનું. કોઈ સભા મિટિંગ કે અન્ય જગ્યાએ ફરતા રહેવાનું. ત્યાં કોઈ ને કોઈ સાથે ફોટો પડાવવાની તક મળી જાય. એ તેની ફુલ ટાઈમ જોબ.’

ટી પોસ્ટના માલિકને પણ ઇમ્પ્રેસ કર્યો
‘કિરણની બેઠક ટી પોસ્ટમાં હતી. તે મોટા મોટા પોલિટિકલ અને મહાનુભાવોને પકડીને લઈ આવતો હતો. માત્ર એટલું જ નહીં, ટી પોસ્ટનો માલિક પણ તેનાથી ઇમ્પ્રેસ થઈ ગયો હતો. એ ટી પોસ્ટ ઘરની સામે જ હોવાથી જગદીશભાઈ પણ એક વખત કિરણને ત્યાં જ મળ્યા હતા. તેને હતું કે આ મકાન પચાવી પાડવું અને એ માટે કોઈ પોલિટિકલ વ્યક્તિના તેના પર આશીર્વાદ હતા.’

ટી પોસ્ટ પર સેલ્ફી લઈ રહેલો કિરણ પટેલ.
ટી પોસ્ટ પર સેલ્ફી લઈ રહેલો કિરણ પટેલ.

‘એ કુટુંબનું 10-15 લોકોનું ચીટરોનું ગ્રુપ છે’
‘કિરણના ભાઈ મનીષ વિશે પણ કહેવાય છે કે 50-60 કરોડનું કરીને જતો રહ્યો છે. કિરણનો આંકડો તો એના કરતાં પણ મોટો હોવો જોઈએ, કારણ કે એવું કોઈ ગામ નથી, જ્યાં આમણે ફ્રોડ ન કર્યું હોય. બાયડ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, અમદાવાદમાં પણ ફ્રોડ કરેલું છે. તેના મોટા ભાઈ અને ભાભી તથા એક મામા પણ એવાં જ છે. એ કુટુંબનું 10-15 લોકોનું ચીટરોનું ગ્રુપ છે. બધા ભેગા થઈને જાળ ગોઠવી દે છે. જગદીશભાઇ સાથે ફ્રોડ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ સક્સેસ ન ગયો. તેની ગણતરી મકાનમાં ઘૂસી જઈને પછી સેટલમેન્ટ કરવાની હશે.’

કેમ કોઈ નહોતા બોલતા?
‘તેની આભા, પ્રતિભા, બોડી લેંગ્વેજ જ એવી હતી કે જેને ખબર હતી એ પણ નહોતા બોલતા. બીજું, એ કે એ જેના માટે કામ કરે છે એ બહુ મોટી વ્યક્તિઓ છે, એટલે લોકો કિરણથી દૂર રહેવાનું જ પસંદ કરતાં. તેના વિશે માહિતી પણ આપતા નહીં. આખું ઓર્ગેનાઇઝ્ડ જ કામ કરે છે, કારણ કે તેણે જગદીશભાઇ સહિત બધાને કન્વિન્સ કર્યા હતા કે હું PMOમાં કામ કરું છું. હું ખાસ માણસ છું. સોફ્ટવેર એન્જિનિયર છું. મારી વાઈફ ડૉક્ટર છે.’

કિરણ પટેલ સોશિયલ મીડિયા પર સતત દેશભક્તિની જ વાતો લખતો રહેતો.
કિરણ પટેલ સોશિયલ મીડિયા પર સતત દેશભક્તિની જ વાતો લખતો રહેતો.

'આપ કભી આઈએ દિલ્હી, મુજે મિલીએ'
‘કિરણે તો કેટલાક માણસો એવા પણ રાખેલા, જેમને એ ફોન પર કહી દે કે તમે ફલાણા છો, એટલે સામેવાળો સમજી જાય કે મારે કઈ રીતે શું બનીને વાત કરવાની છે. એક વખત કિરણ ફોન પર વાત કરતો હતો. જગદીશભઈ બહારથી આવ્યા તો તેમને જોઈને તેણે કહ્યું કે OPનો ફોન છે દિલ્હીથી. (OP એટલે ઓમપ્રકાશ. જે વડાપ્રધાન મોદીના અંગત સચિવ છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ તેમની સાથે હતા.) એમ કહીને જગદીશભાઇને ફોન આપ્યો તો સામેવાળાએ હિન્દીમાં વાત કરી કે 'આપ કભી આઈએ દિલ્હી. મુજે મિલિયે. આપ મેરા નંબર લે લિજીયે' એ વખતે જગદીશભાઇએ વાત કરી લીધી, પરંતુ બહુ રસ ન દાખવ્યો. ’

એની પાછળ કોણ છે?
‘આ ભાઈ છે કોણ? ત્યારે ખબર પડી કે ગુજરાતના એક મોટા નેતા માટે કામ કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ આ બધું કરે છે, કારણ કે કોઈના ઘરમાં ઘૂસવાનું કે પડાવી લેવાનું પ્લાનિંગ હવે તો થતું નથી. સામાન્ય માણસ આટલી બધી હિંમત કરી ન શકે. આજે પણ તેના માટે જ કામ કરે છે.’