કહેવાય છે કે જ્યાં ડર હોય ત્યાં અંધશ્રદ્ધા ડગ માંડી દે છે અને જ્યાં ગુનો કે બેઇમાની હોય ત્યાં ધુતારા પગપેસારો કરી જ જાય છે. આ આપણા સમાજનું સત્ય છે અને અંધશ્રદ્ધનાં મૂળ ઘણાં ઊંડા છે, જેને ઉખાડી ફેંકવા નાનોસૂનો ખેલ નથી. તાજેતરમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાની એક આશ્રમ શાળામાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એમાં આશ્રમશાળાની વિદ્યાર્થિની બીમાર પડતાં તેને હોસ્પિટલ લઈ જવાના બદલે આચાર્યએ ભૂવાને બોલાવ્યો હતો. એ બાદ ભૂવાએ વિદ્યાર્થિની પર વિધિ કરી તેની સાથે ત્યાં રહેતી અન્ય 140 જેટલી વિદ્યાર્થિનીઓ પર પીંછી નાખીને તેમના હાથમાં પણ દોરા બાંધ્યા હતા. આ કિસ્સા પરથી એવું લાગે છે કે અંધશ્રદ્ધા તો નિરક્ષર જ નહીં, ભલભલા ભણેલાગણેલાઓને પણ ક્યારે ઝપટમાં લઈ લે એની ખબર પણ રહેતી નથી.
આ આચાર્યની જેમ જ આપણી પોલીસ પણ દોરાધાગામાં માને એટલી જ અંધશ્રદ્ધાળુ છે. પોલીસની અંધશ્રદ્ધા હોય કે ગુનેગારોની અંધશ્રદ્ધા સાબિત કરી આપે છે કે જે દેખાય છે એટલું સારું નથી અને દેખાય છે એટલું સાચું નથી ઘણા પોલીસ અધિકારીઓ ગુનો કરે તો પોતે બચી જાય એ માટે ભૂવાઓને સહારે પણ જાય છે. તો કોઈએ પોતાના ગુના ઉકેલાઈ જાય એ માટે પણ જ્યોતિષોની સલાહ લીધી હોવાના અનેક દાખલા છે. જોકે પોલીસ પણ આપણા સમાજનો જ એક ભાગ છે અને એટલે જ તેમાં પણ આ રીતની માન્યતાઓ ઘર કરી ગઈ છે.
પોલીસે પોતાનું કામ સાયન્ટિફિક રીતે કરવાનું હોય છે અને જો સમાજમાં અંધશ્રદ્ધાને કારણે કોઈ ગુનો બને તો સમાજને પણ અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે કામ કરવાનું હોય છે. મોટા ભાગના પોલીસ અધિકારીઓ જ્યોતિષીને પૂછીને પોતાની ઓફિસનું સીટિંગ નક્કી કરે છે. પોલીસ-ઇન્સ્પેક્ટર હોય કે આઈજી અથવા તેની ઉપરના અધિકારી કઈ દિશામાં બેસવાથી પોતાનું પ્રમોશન થશે કે આર્થિક સંપન્નતા વધશે એ માટે એક વખત જ્યોતિષીને અથવા પોતાના જાણીતા લોકોને બોલાવીને પોતાની સીટિંગ એરેન્જમેન્ટ નક્કી કરવાની માન્યતા વર્ષોથી પોલીસમાં વ્યાપેલી છે.
પોલીસ અને બૂટલેગર કે ચોરમાં વ્યાપેલી આ અંધશ્રદ્ધાના દિવ્ય ભાસ્કર દ્વારા કેટલાક કિસ્સા જણાવવામાં આવી રહ્યા છે તેમજ આ અંગે પૂર્વ IPS રમેશ સવાણી સાથે પણ વાતચીત કરી હતી.
ટેબલ પર કોઈ વ્યક્તિ હાથ પછાડે તો અધિકારી માટે અપશુકન
પોલીસ સ્ટેશનમાં બેઠેલા અધિકારીની ચેમ્બર સુધી પહોંચવું તો સામાન્ય લોકો માટે અઘરું હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ ત્યાં પહોંચી જાય અને સામાન્ય વર્તનમાં ઘણી વખત લોકોને ટેબલ પર આંગળીઓ પછાડવાની આદત હોય છે એવું જો કોઈ કરે તો પોલીસ અધિકારી એને તરત જ રોકે છે તેમજ તેની પાછળનું કારણ આપતા સમજાવે છે કે આવું કરવાથી એ દિવસે તેમને ખૂબ જ કામ કરવું પડે છે. આમ આ વાત અને વાસ્તવિકતા વચ્ચે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી, પરંતુ આ પ્રકારની માન્યતા અલગ પોલીસ-ઇન્સ્પેક્ટરમાં છે.
બે પોલીસ સ્ટેશનમાં ભૂતની અફવાથી પોલીસ પણ ફફડતી
અમદાવાદ શહેરમાં હાલ તમે કોઈપણ પોલીસ સ્ટેશનમાં જાવ તો સામાન્ય રીતે તમામ સુખ, સુવિધાયુક્ત પોલીસ સ્ટેશન જોવા મળે છે, પરંતુ એક દાયકા પહેલાં પરિસ્થિતિ કંઈક અલગ હતી. એમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું વેજલપુર પોલીસ સ્ટેશન એક ખખડધજ મકાનમાં ચાલતું હતું. આ જૂના મકાનમાં રાતે કોઈપણ રહેવા માગતું નહોતું, એમ છતાં પોલીસ પોતાની ફરજ નિભાવતી હતી તેમજ અલગ અલગ લોકો ભૂત થતું હોવાની અફવા ફેલાવતા હતા. ત્યાર બાદ નવા પોલીસ સ્ટેશનની જગ્યા ફાળવવામાં આવી અને નવી જગ્યાએ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જ્યારે રામોલ વિસ્તારમાં જે-તે સમયે પોલીસ સ્ટેશન મમરાની બંધ પડેલી એક ફેક્ટરીમાં ચાલતું હતું. હવે અહીં પણ આ પ્રકારની ભૂતની અફવાઓ ચાલતી હતી. ત્યાર બાદ અહીંના કેટલાક પોલીસકર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં વિધિ પણ કરાવી હતી, પરંતુ પરિસ્થિતિ હવે કંઈક અલગ છે, અત્યારનું રામોલ પોલીસ સ્ટેશન ખૂબ જ સારી જગ્યાએ છે અને કોઈપણ અફવાઓથી દૂર છે.
કોઈપણ PI એક વર્ષથી વધુ સમય સુધી ન ટકતાં હવન-કથા કરાવવા પડ્યાં
હાલમાં સરખેજ પોલીસ સ્ટેશન જે જગ્યાએ છે એ જરા પણ બદલાઈ નથી, પરંતુ એક દાયકા પહેલાં આ સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરની હદમાં નહીં, પણ અમદાવાદ જિલ્લાની હદમાં આવતું હતું. અહીં ઘણા પોલીસ-ઇન્સ્પેક્ટર આવતા અને તેમની એક વર્ષ પહેલાં જ બદલી થઈ જતી હતી. સતત આ પ્રમાણે થવા લાગતાં પોલીસમાં એક અંધશ્રદ્ધા ફેલાઈ અને એવી વાતો શરૂ થઈ કે સરખેજ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પોલીસ-ઇન્સ્પેક્ટર એક વર્ષથી વધુ સમય સુધી રહેતા નથી. માત્ર એટલું જ નહીં, આ સ્થિતિનો અંત લાવવા એ સમયે પોલીસે કથા અને હવન પણ કરાવ્યાં હતાં. હવે સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરની હદમાં આવે છે અને આ પ્રકારની સમસ્યા હવે ત્યાં જોવા મળતી નથી.
નવા પોલીસ સ્ટેશનમાં ચોરીની પહેલી ફરિયાદ થાય તો અપશુકનિયાળ
પોલીસ અને એની માન્યતાઓની સાથે અલગ અલગ વાતો પણ પ્રચલિત છે. એમાં ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવી માન્યતા છે કે જ્યારે કોઈ નવું પોલીસ સ્ટેશન બને અને એમાં પહેલી ફરિયાદ ચોરીની દાખલ થાય તો તે પોલીસ-ઇન્સ્પેક્ટર માટે એ અપશુકનિયાળ માનવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે ચોરો મોડી રાતે ચોરીની બોણી કરતા હોય છે, પરંતુ કાળી ચૌદશના દિવસે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ થાય તો જૂના પોલીસકર્મચારીઓ હજી પણ એવું માને છે કે તે પોલીસ સ્ટેશન માટે ભારે કહેવાય.
જ્યાં સુધી એક્સટેન્શન ન મળ્યું ત્યાં સુધી જ્યોતિષીને ફોન કરતા રહ્યા
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જૂની તપાસ સાથે જોડાયેલા ઘણા લોકોને એક્સટેન્શન મળે છે, તેઓ નિવૃત્ત થઈ ગયા બાદ પણ તેમને એક્સટેન્શન આપવાનું ચાલુ છે. પોતાની કામગીરી પર વિશ્વાસ રાખવાને બદલે આ અધિકારીઓ પૈકી એક અધિકારી પોતાને એક્સટેન્શન મળશે કે નહીં એ અંગે એક જ્યોતિષીને સતત ફોન કરતા હતા અને જ્યોતિષી પણ તેમને કહેતા હતા કે રાહ જુઓ, એક્સટેન્શન મળશે અને થયું પણ એવું તેમને એક્સટેન્શન મળી ગયું, પરંતુ બીજી વખત તેમને એક્સટેન્શન મળ્યું નહીં.
ધરપકડથી બચવા એક સુપરકોપ હાથમાં રોજ નવો દોરો બાંધતા
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મચારીઓને એન્કાઉન્ટર કેસમાં જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. આ તમામ કેસમાં હાલ તમામ અધિકારીઓને ક્લીનચિટ મળી ગઈ છે, પરંતુ જે-તે સમયે આ કેસની ટ્રાયલ ચાલતી ત્યારે રોજ રોજ મીડિયા રિપોર્ટ આવતા અને અધિકારીઓની ધરપકડના ભણકારા વાગતા હતા, ત્યારે પોલીસકર્મચારી પોતાની ધરપકડ થશે કે નહીં એ અંગે ભૂવા-જ્યોતિષી અને મંદિરોની માનતા રાખવા લાગ્યા હતા. એમાં એક અધિકારી પોતાના સુપર કોપ સમજતા હતા, પણ જેવું ધરપકડનું કાઉન્ટડાઉન શરૂ થયું કે રોજ તેમના હાથમાં એક નવો દોરો બંધાતો હતો. ધીમે ધીમે હાથ પર સૌથી પણ વધુ દોરા ધાગા અને આંગળીઓમાં વીંટીઓ વધવા લાગી હતી, પરંતુ તેમની ધરપકડ થઈ અને થોડા સમય માટે જેલની હવા ખાવાનો વારો પણ આવી ગયો.
એક PI તો ગુનો થાય એટલે દાણા નાખવા લાગતા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક પોલીસ-ઇન્સ્પેક્ટર એવા હતા, જે પોતે જ ભૂવાજી હતા. પોતાના વિસ્તારમાં કોઈ મોટો ગુનો બને અથવા કોઈ ચોરી થાય તો પોતાનું નેટવર્ક એક્ટિવ કરવાની જગ્યાએ પોતે દાણા નાખવા લાગતા હતા અને ગુનો કેટલા દિવસમાં ડિટેક્ટ થશે, રિકવરી થશે કે નહીં એ બધું પોતાની જાતે જાણવાનો પ્રયાસ કરતા હતા. આ ભૂવાજી હાલ નિવૃત્ત થઈ ગયા છે.
આ નિવૃત્ત અધિકારી ગુરુનો ફોટો જોયા વિના કોઈ કામ ન કરતા
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓમાં એક અધિકારી એવા હતા, તેમને તાત્કાલિક મિટિંગ હોય કે પછી DGPએ મળવા બોલાવ્યા હોય તોપણ તેઓ પહેલા તેમની ઓફિસમાં જતા અને ત્યાં તેમના ગુરુએ આપેલી તેમની તસવીરને પ્રણામ કરીને જ આગળનું કામ કરતા હતા. આ રીતે અનેક વખત તેમનું કામ અટક્યું હતું, પણ તેઓ તેમના નિયમમાંથી છૂટ્યા નહીં અને તેમની આ આદત એક અંધશ્રદ્ધા તરફ આગળ વધી ગઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ જ્યોતિષી પાસે ગયા ને ચકચારી મર્ડર કેસ ઉકેલાયો
અમદાવાદ શહેરમાં એક ખૂબ જ ચકચારી મર્ડર કેસ થયો હતો. આ કેસને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત ટોચના અધિકારીઓ પણ પોતાની રીતે મહેનત કરતા હતા. આમ છતાં આ હત્યા કેસની કોઈ કડી મળતી ન હતી, હવે શું કરવું કંઈ ખબર ન હતી, ત્યારે ફરી પોલીસ એક વખત જ્યોતિષીના શરણે પહોંચી. આ વખતે જ્યોતિષીએ આરોપી કોણ છે ત્યાં સુધી કહી દીધું હતું અને પોલીસે એ દિશામાં તપાસ કરી તો આરોપી તે જ નીકળ્યો હતો. પોલીસે ફરી એક વખત પોતાની આવડત અને કાબેલિયતની જગ્યાએ જ્યોતિષીના સહારે ગુનો ડિટેક્ટ કર્યો. આ કેસમાં જ્યોતિષી પાસે ગયેલા અધિકારીઓ હાલ ક્રાઈમ બ્રાન્ચમાં નથી, પણ તેમની આદત આજે પણ ચર્ચામાં છે.
ચોરી કરતાં પહેલાં કાળી ચૌદશે સ્મશાનમાં કરાવે છે વિધિ
ખાલી પોલીસ જ અંધ શ્રદ્ધાળુ હોય છે એવું વાત નથી, ખરેખર ચોર અને તસ્કરો પણ અંધશ્રદ્ધાળુ હોય છે. તેઓ કાળી ચૌદશથી ચોરી કરવાની શરૂઆત કરે છે. એ માટે તેઓ સ્મશાનમાં પોતાનું હથિયાર લઈને જાય છે અને એક વખત પૂજા કર્યા બાદ તેઓ ચોરીની કરવાનો પ્રારંભ કરે છે. આ વાત કોઈનાથી છુપાયેલી નથી, કારણ કે દરેક પોલીસ અધિકારીને ખાસ સ્મશાનમાં આ પ્રકારના રાતના સમયે આવનારા લોકો પર નજર રાખવા માટે ગોઠવવામાં આવે છે. ચોર એક વખત પોતાની વિધિ કરી લે પછી અચૂક ચોરી કરે છે, તેની પાછળનું કારણ જણાવતાં પોલીસ અધિકારીઓ એવું કહે છે કે આમ કરવાથી તેઓ પકડાશે નહીં એવી ગેરમાન્યતા છે. વર્ષોથી આ પ્રકારે કાળી ચૌદશની રાતે સ્મશાનમાં અને તેની બહાર બંદોબસ્ત વધારવામાં આવે છે.
પકડાય નહીં, એટલે બૂટલેગર અચૂક ગાડીના ટાયર પર ઠાલવે છે દારૂ
ગુજરાતમાં દારૂબંધી છે, પણ એ કાગળ પર છે અને આ વાત ઓપન સિક્રેટ છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ખૂબ દારૂ આવી પણ રહ્યો છે અને રાજ્યમાંથી જ્યારે દારૂની ગાડીઓ ભરાય ત્યારે દારૂની ગાડી ભરનાર ડ્રાઇવર અને માલ ભરાવનાર અચૂક એક ટુચકો કરે છે, તે જે ગાડી લોડ થઈ ગઈ હોય એમાંથી એક બોટલ દારૂની કાઢે છે અને એને દારૂ ભરેલી ગાડીના ટાયર ઉપર નાખે છે. હવે આમ કરવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે જો તે આમ કરશે તો તેની ગાડી ક્યાંય પકડાશે નહીં અથવા તે જે જગ્યાએ જઈ રહ્યો છે ત્યાં રસ્તામાં કોઈપણ પ્રકારનું વિઘ્ન આવશે નહીં. વર્ષોથી ચાલી આવતી આ માન્યતા આજે પણ અવિરત ચાલે છે અને બૂટલેગરો દરેક ગાડીમાં આ ટુચકો પણ કરે છે.
અન્ય રાજ્યમાંથી આવતી દારૂની ટ્રકમાં બે બોટલ અચૂક વધારે હોય છે
ગુજરાતના બૂટલેગરો અન્ય રાજ્યના બૂટલેગરો પાસેથી દારૂ મગાવે છે. હવે આ બૂટલેગર દારૂનો ઓર્ડર આપે ત્યારે રૂપિયા આપવાની આખી સિસ્ટમ અલગ હોય છે. હવાલા અથવા રોકડમાં આ રૂપિયા ચૂકવવાના હોય છે, પરંતુ આ બધાની વચ્ચે બોર્ડરથી ગુજરાતના નાના જિલ્લા કે ગામડાં સુધી દારૂ પહોંચાડવા માટે એક આખી વ્યવસ્થા છે, જેમાં અન્ય રાજ્યની બોર્ડરમાંથી જ્યારે ગુજરાતમાં દારૂ ઘૂસે ત્યારે એક પાયલોટિંગ કાર તેની આગળ હોય છે, એમાં બે લોકો બેઠેલા હોય છે, જેમાં એક પાયલોટ એટલે કે કાર ચલાવનાર અને એક તેનો માણસ સાથે હોય છે. રેસિંગટ્રેકમાં પણ ક્યારેય કાર ચલાવતા ન જોયા હોય તેવા આ લોકો દારૂની ખેપમાં વપરાતી ગાડીઓ પાયલોટિંગ કરીને લાવે છે. પાયલોટિંગ કરનારને એક ટ્રિપના પાંચથી દસ હજાર રૂપિયા મળે છે. એક વખત ગાડી નિર્ધારિત સ્થળે પહોંચી જાય ત્યાર બાદ આ દારૂની અંદર અચૂક બે બોટલ વધારાની હોય છે, જે પાયલોટ અને તેના માણસ માટે હોય છે, જે તેને ગિફ્ટ તરીકે આપવામાં આવે છે.
પોલીસમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અંગે શું કહે છે પૂર્વ IPS?
આ અંગે પૂર્વ IPS રમેશ સવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસ અંધશ્રદ્ધા રાખે એ પાછળનું કારણ એ છે કે એક પોલીસ પણ સમાજનો જ એક ભાગ છે. સમાજમાં જે અંધશ્રદ્ધાઓ અને ખોટા વિશ્વાસો છે એ પણ પોલીસમાં એટલા જ હોવાના, પોલીસમાં એવી કોઈ રેશનલ કે સેક્યુલર વેલ્યુઝ કે આવા અંધવિશ્વાસોમાં ન માનવું એવી કોઈ તાલીમ અપાતી નથી. સમાજમાં જે અંધવિશ્વાસ છે એ પોલીસમાં પણ ચાલુ જ રહે છે. સમાજમાં માનો કે કોઈ જ્યોતિષમાં માને છે તો પોલીસવાળા પણ જ્યોતિષમાં માનશે, સમાજમાં કોઈ માતાજીને ચૂંદડી ચડાવવામાં માને છે તો અમારો પોલીસ પણ માતાજીની ચૂંદડી ચડાવશે. સમાજમાં લોકો તાવિજ બાંધે છે તો અમારો પોલીસ પણ તાવિજ બાંધશે. સમાજમાં એવું માને છે કે અમુક બાધા આખડી કરવાથી ફળ મળે છે તો અમારો પોલીસ પણ ચોરલૂંટારા પકડાશે તો એની પણ બાધા રાખે છે. એક સમાજના એક વિભાગ તરીકે પોલીસ પણ એટલી જ અંધશ્રદ્ધાળુ છે અને એમાં સિનિયર અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. જે IPSની તાલીમ લઈને આવે છે એ પણ જાતજાતના નંગોવાળી વીંટી પહેરતા હશે એ તમે જોયું હશે. તેમની બદલીઓ સારી જગ્યાએ થાય એટલા માટે પણ માતાજીની માનતા માને છે, સિનિયર લેવલે જ જો આટલી અંધશ્રદ્ધા હોય તો નીચલા લેવલની તો વાત જ શું પૂછવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.