આપણે ત્યાં કહેવાય છે કે ટુકડો ત્યાં હરિ ઢુકડો(નજીક) અને એટલે જ આપણે ત્યાં કોઈ ભૂખ્યું ન સૂવે એની ચિંતા સામાજિક સંસ્થાઓથી લઈને સહૃદયી લોકો કરતા હોય છે. આવી જ પ્રવૃત્તિ સુરત જિલ્લાના કિમ ખાતે થઈ રહી છે. શિક્ષક દંપતી દ્વારા ચાલતા સેવાયજ્ઞની શરઆત પોતાના ઘરે જમવાનું બચેલું હોય એ કિમ રેલવે સ્ટેશન જઈ ભૂખ્યાને જમાડવાથી કરાઈ હતી. 23 વર્ષ અગાઉ શરૂ થયેલા આ સેવાકાર્યમાં આજે કિમ વિભાગની હોસ્પિટલોમાં 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને ભોજન પહોંચાડવા સાથે શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા કેન્દ્રની રચના કરવામાં આવી છે, જેમાંથી 16 જેટલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એકલપંડે શરૂ થયેલી પ્રવૃત્તિ આજે સવા કરોડના સુવિધાયુક્ત સંસ્થાના મકાનમાં કાર્યરત થઈ જરૂરિયાતમંદ લોકોની જનેતા પુરવાર થઇ રહી છે.
હોસ્પિટલમાં કાયમી અન્નક્ષેત્ર શરૂ કર્યું
કિમમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા કેન્દ્ર કાર્યરત છે. કિમના સદગૃહસ્થ નિવૃત્ત શિક્ષક નાગરભાઈ લાડ અને તેમનાં ધર્મ પત્ની પુષ્પાબેન લાડ દ્વારા આજથી 23 વર્ષ પૂર્વે પોતાના ઘરમાં વધે એ ભોજન બનાવી કિમ સ્ટેશન પર ગરીબોને આપવા જતા. થોડા દિવસો પછી વિચાર આવ્યો વધે તો નહીં, પણ આ નિમિત્તે થોડું વધુ બનાવી ભોજન ગરીબોને આપવા લાગ્યા. ત્યાર બાદ સ્ટેશનને બદલે કિમની હોસ્પિટલમાં કાયમી અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું અને બાદમાં વિભાગની તમામ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી અને તેનાં સગાંને સવાર-સાંજ ભોજન આપવાનું શરૂ કર્યું હતું.
સવાર-સાંજ ભોજન અપાય છે
વર્ષ 2000ની સાલમાં સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે અન્નક્ષેત્રની શરૂઆત થઈ. કિમની તમામ હોસ્પિટલમાં દાખલ થતા દર્દી અને તેનાં સગાંને સવાર-સાંજ ભોજન આપવાનો સેવાયજ્ઞ શરૂ થયો હતો. આજે અત્યારસુધી સાડાપાંચ લાખ દર્દી સહિત ગરીબ સ્વજનોને પોષ્ટિક ભોજન પ્રસાદ સ્વરૂપે અપાયો છે. અન્નક્ષેત્રથી શરૂ કરેલી સેવા આજે શિક્ષણ, આરોગ્ય, સંસ્કાર અને સ્વાસ્થ્યની 16 જેટલી વિવિધ સેવાઓ વિભાગની જનતા સુધી પહોંચાડી લાખો ગરીબ જરૂરિયાતમંદ લોકોની જનેતા પુરવાર થઇ છે.
ભોજનની સાથે જ્ઞાનનો સાગર વહ્યો
અન્નક્ષેત્ર, સાર્વજનિક પુસ્તકાલય, ગરીબ બાળકોને નિઃશુલ્ક ટયૂશન વર્ગો, વિધવા, ત્યકતાને મદદ, રાહત દરે હોમિયોપેથિક, આયુર્વેદિક દવાખાના, આંખના કેમ્પ, એક્યુપ્રેશર સારવાર, સત્સંગ, નિઃશુલ્ક યોગ વર્ગો, અભુદયપ્રકલ્પ યોજના સહિત 16 જેટલી સેવાઓ કાર્યરત છે. 20 વર્ષમાં ઉપરોક્ત સેવા કિમ વિસ્તારમાં 8 વિવિધ જગ્યા પરથી સ્થળ બદલાતાં થતી સેવામાં ઘણી અગવડ પડતી, પરંતુ આજે 23 વર્ષ બાદ 16 જેટલી વિવિધ સેવાપ્રવૃત્તિઓ સવા કરોડના ખર્ચે તૈયાર થયેલી સુવિધાયુક્ત સંસ્થાના પોતાના મકાનમાં કાર્યરત છે. ઘરે ભોજન વધ્યું હોઈ એ ખવડાવવાનો સેવાયજ્ઞ આજે સેવાનું વટવૃક્ષ બની હજારો ગરીબ જરૂરિયાતની જઠરાગ્નિ ઠારવા સાથે શિક્ષણ,આરોગ્ય, સેવાની જ્યોતથી વિભાગને પ્રજ્વલિત કરી અન્યોના જીવનમાં પ્રકાશ પાથરી રહી છે.
આરોગ્ય શિબિરો પણ કરાય છે
સંસ્થા દ્વારા 137 જેટલી વિવિધ આરોગ્ય શિબિરો કરવામાં આવી છે, સાથે જ નિઃશુલ્ક ટયૂશન વર્ગનો 1820 વિદ્યાર્થીએ લાભ લીધો છે. યોગ વર્ગોમાં 7000 લોકો જોડાયા છે. પુસ્તકાલયમાં વાચકો 98,698 તેમજ 28,875 વિદ્યાર્થીઓએ લાભ લઈ ચૂક્યા છે. હોમિયોપેથિક સારવારનો 21,792 લોકોને લાભ મળ્યો છે, જ્યારે આયુર્વેદિકનો 9372 લોકોએ લાભ લીધો છે. એક્યુપ્રેશરનો 27676 લોકોએ લાભ લીધો છે. આંખ વિભાગ દ્વારા 11840 લોકોની સારવાર કરાઈ છે. ગદાધર પ્રકલ્પમાં 344 બાળકને લાભ મળ્યો છે, જ્યારે તેજસ્વી તારલા, વાચક સન્માન અંતર્ગત 20,000ને લાભ મળ્યો છે.
23 વર્ષ પૂર્વે આટલો ખ્યાલ ન હતો
કિમમાં સેવા શરૂ કરનાર અને મુખ્ય ટ્રસ્ટી સેવા કેન્દ્રના નાગરભાઈ લાડએ જણાવ્યું હતું કે આ સંસ્થા સ્વામી વિવેકાનંદજીના આદર્શોને વરેલી છે. 23 વર્ષ પહેલાં કલ્પના ન હતી કે સેવાનો વિસ્તાર આટલો વ્યાપક થશે. પ્રભુની કૃપા, સંતોના આશીર્વાદ, સમર્પિત કર્મચારીઓ અને વિભાગની જનતાનાં તન, મન અને ધનથી મળેલા અનન્ય સહકારથી નાનકડી સેવા આજે વટવૃક્ષ બની છે. ભગવાને આવી સેવા કરવાની તક જીવનમાં આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.