ડિસેમ્બર 1973ની એક બપોર..
ઘડિયાળમાં બેના ટકોરા થયા હતા. મુંબઈનો ભીંડીબજાર વિસ્તાર રોજિંદી ચહલપહલથી ધમધમતો હતો. એવામાં નકાબ પહેરેલી એક મહિલા કારમાંથી નીચે ઊતરી. મહિલાએ રસ્તાની બાજુમાં બેઠેલા ફેરિયાને એક ચોક્કસ વ્યક્તિનું સરનામુ પૂછ્યું. ફેરિયાએ ચીંધેલા ઠેકાણે મહિલા પહોંચી ગઈ. ત્યાં બહાર બેઠેલા પહેલવાનોને ઓળખાણ આપીને અંદર દાખલ થઈ. અંદરની દુનિયા જુદી જ હતી!
સિંહાસન જેવી ખુરશી પર એક 55-60 વર્ષનો ઊંચો અને મજબૂત બાંધો ધરાવતો માણસ સિંહની અદાથી બેઠો હતો. તેનું પહાડી રૂઆબદાર વ્યક્તિત્વ જ તેની ઓળખાણ આપવા માટે પૂરતું હતું. પેલી મહિલાએ ડિવોર્સ લીધા છે. પૈસા લેવાના નીકળે છે તેને ભૂતપૂર્વ પતિ પાસેથી. પતિનું નામ હતું પી. એન. અરોરા. મહિલાએ નકાબ હટાવ્યો. અડીએ તોપણ ડાઘ પડી જાય એવા રૂપરૂપના અંબાર જેવી એ મહિલાએ પોતાની સમસ્યા જણાવી. પોતાના ભૂતપૂર્વ પતિનો નંબર આપ્યો.
‘રશીદ!’ એ વ્યક્તિએ બૂમ પાડીને કહ્યું: ‘સમદને બોલાવો.’
લગભગ પાંચેક મિનિટ પછી એક મજબૂત બાંધાનો યુવાન અંદર આવ્યો. એ સમદ ખાન હતો.
‘સમદ, આ હેલન છે. એક વ્યક્તિએ તેમના પૈસા પડાવી લીધા છે. ફોન કરીને તેમને સમજાવી દે.' પેલી વ્યક્તિએ આદેશ કર્યો...
’સમદે ફોન લગાવ્યો'
‘તું પી. એન. અરોરા બોલી રહ્યો છો?’
‘જી.. હા..’ સામેથી અવાજ આવ્યો.
એક ગંદી ગાળ આપીને સમદે કહ્યું, ‘જો હેલન મેડમને તારે જે પૈસા પરત કરવાના છે એ કાલે જ આપી દેજે, નહીંતર ટપકાવી દઈશ. આ પહેલો અને છેલ્લો કૉલ છે!'
ફોનના સામે છેડે સંભળાઈ રહેલા તરડાયેલા અવાજમાં ‘હા.. જી સર...’નો સૂર સંભળાતો હતો..
‘ઓકે મેડમ. તમારું કામ થઈ ગયું.’ ‘થેન્ક યુ, કરીમભાઈ,’ પેલી મહિલાએ જવાબ આપ્યો.
એ મહિલા હતી બોલિવૂડની પ્રખ્યાત કેબ્રે ડાન્સર હેલન. હેલન જેવી બોલિવૂડની પ્રખ્યાત સેલિબ્રિટીને જેના દરબારમાં મદદના હાથ ફેલાવવા પડે, દિલીપ કુમાર જેવા અભિનેતા જેમને ફોન કરીને ભલામણ કરે, જેના એક ફોન પર ભલભલા ‘હા..જી ભાઈ..’ ‘જી ભાઈ’ કરવા માંડે એ વ્યક્તિ એટલે અબ્દુલ કરીમ શેર ખાન, કરીમ લાલા. મુંબઈ અંડરવર્લ્ડનો પહેલો ડોન. શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાન’ના ટાઈટલને અનુસંધાને વાત કરવી છે, આ પઠાણ ડોન, જેની બે દાયકા સુધી મુંબઈ પર આણ પ્રવર્તતી રહી હતી...
મુંબઈ અંડરવર્લ્ડનો ઉદય: ગેંગ બનતી રહી, ખતમ થતી રહી અને સિન્ડિકેટ ક્રાઇમનો ગ્રાફ ચડતો રહ્યો
‘મુંબઈ.. એક ઐસા શહર, જીસે નીંદ નહીં આતી, જો જાગતે હુએ ભી સપને દેખતા હૈ, જહાં એક તરફ ચમક દમક કી ઊંચાઈયાં હૈ, જહાં એક તરફ ખામૌશ અંધેરી ખાઈ હૈ, જહાં ઇન્સાનોં મેં રહે કિસી ભેદ ને એક ગલત દુનિયા બનાઈ, મુંબઈ અંડરવર્લ્ડ.’
આદિત્ય શ્રીવાસ્તવના વોઇસઓવરમાં કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘સત્યા’નો આ શરૂઆતનો જ સંવાદ છે. મુંબઈ અંડરવર્લ્ડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. એના ઉદય તરફ એક પાતળી નજર નાખીએ. મુંબઈ પોલીસના રેકોર્ડ્સ, અખબારી અહેવાલો- મુંબઈ અંડરવર્લ્ડને જેમણે બહુ નજીકથી જોયું છે એવા ક્રાઈમ પત્રકાર-લેખકોએ લખેલાં દસ્તાવેજી પુસ્તકો પ્રમાણે બોમ્બેથી મુંબઈ સુધીની શહેરની સફર લોહિયાળ રહી છે. દેશના ઈકોનોમિકલ હબ તરીકે વિકસિત થયા પછી મુંબઈમાં ક્રાઈમ સિન્ડિકેટની શરૂઆત થઈ. અંડરવર્લ્ડ અહીં 1960ના દાયકાના અંતમાં અને 1970ના દાયકાની શરૂઆતમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
પચાસના દાયકામાં દક્ષિણ મુંબઈમાં એક વ્યક્તિએ ભારે ઊહાપોહ મચાવેલો. તેનું નામ નન્હે ખાન. મુંબઈ પોલીસના રેકોર્ડ મુજબ, નન્હે ખાન શહેરનો પ્રથમ હિસ્ટ્રી-શીટર હતો. એ અલાહાબાદનો રહેવાસી હતો, જેથી ગેંગનું નામ ‘અલાહાબાદી ગેંગ’ પડ્યું. એની ગેંગમાં ઘણા ગુંડાઓ હતા, પરંતુ નન્હે સિવાય માત્ર વહાબ ખાન ઉર્ફે પહેલવાન અને દાદા ચિકના જેવા ગુનેગારો જ કુખ્યાત હતા. એ દિવસોમાં કોઈ ગુનેગાર પાસે ગન નહીં. હથિયાર તરીકે તલવારો અને હોકી સ્ટિક્સ સિવાય એક ખાસ પ્રકારનું ચાકુ આ ગુંડાઓનું માનીતું હથિયાર હતું. આ ચાકુ રામપુરમાં બનતું હતું. એને ‘રામપુરી ચાકુ’ કહેવામાં આવે છે. હિન્દી ફિલ્મોમાં રામપુરી ચાકુ લઈને ધમકાવતા ફરતા મવાલી પાત્રો આપણે જોયાં છે. નન્હે ખાન અને તેના સાગરીતો રામપુરીની અણીએ લૂંટફાટ કરતા, દાદાગીરી કરતા.
સમયાંતરે મુંબઈમાં કાનપુરી ગેંગ, જૌનપુરી ગેંગ, બનારસી ગેંગ અને રામપુરી ગેંગ જેવી ગેંગ એક પછી એક અસ્તિત્વમાં આવતી ગઈ. આ તમામ ગેંગનું વર્ચસ્વ પોતપોતાના એરિયા પૂરતું સીમિત હતું. સૌથી મોટી વાત એ છે કે આ ગેંગના લીડરની હત્યા થતાં જ ગેંગ ખતમ થઈ જાતી. આ રીતે ગેંગો બનતી રહી, ખતમ થતી રહી અને સિન્ડિકેટ ક્રાઈમનો ગ્રાફ ઉપર ચડતો રહ્યો...
કરીમલાલાના ક્રાઇમ કરિઅરનો પ્રારંભ: બાવડામાં તાકાત ખપે.. તાકાત...
પ્રખ્યાત ગુજરાતી વાર્તા સર્જક જયંત ખત્રીની ક્લાસિક વાર્તા ‘ધાડ’નો નાયક ઘેલો પ્રાણજીવનને કહે છે: ‘બાવડામાં તાકાત ખપે ભાઈબંધ, તાકાત...’ બાવડામાં તાકાત હોય તો આખી દુનિયા પર રાજ કરી શકાય એ વાત ઓછું ભણેલો, ફારસી અને પશ્તુ લખી વાંચી જાણતો, છ ફૂટ ઉપરની પડછંદ કાયાનો કરીમલાલા બહુ વહેલો સમજી ગયો હતો.
કરીમલાલાનું સાચું નામ તો અબ્દુલ કરીમ શેરખાન. જન્મ વર્ષ 1911માં અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં થયો. એક મત મુજબ કરીમના પૂર્વજ પશ્તુન સમુદાયના છેલ્લા રાજા હતા. કરીમ લાલા પઠાણ, એટલે કે પશ્તુન હતો. ભારે ગરમ મિજાજનો યુવાન હતો. વાતવાતમાં મારામારી કરવા માંડે. વર્ષ 1930 આસપાસ કરીમલાલાનો પરિવાર મુંબઈ આવી ગયો. દક્ષિણ મુંબઈના ભીંડીબજારના સૌથી ગીચ વસતિવાળા અને ગરીબ મુસ્લિમ વિસ્તારમાં સ્થાયી થયો હતો.
એ સમયે મુંબઈના મારવાડી, ગુજરાતી વેપારીઓ, શાહુકારો પઠાણ કોમ્યુનિટીના બેરોજગાર યુવકોને નોકરીએ રાખી લેતા, પોતાની ઉઘરાણી વસૂલવા માટે. મજાલ છે કોઈની કે પડછંદ કાયાના આ પઠાણ યુવકોની ધાકધમકી સામે ચૂં કે ચાં કરે. કરીમલાલાએ આવી રીતે વેપારીઓની ઉઘરાણી પતાવવા જેવાં નાનાં કામોથી પોતાના 'કરિઅર'નો પ્રારંભ કર્યો. વર્ષ 1945 બાજુ કરીમલાલાએ દક્ષિણ બોમ્બેમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે ભાડાનું મકાન લીધું અને એમાં જુગારની ક્લબ ખોલી. ટૂંક સમયમાં જ કરીમલાલાની આ કલબ શહેરભરમાં જાણીતી બની ગઈ. જુગારના અઠંગ ખેલાડીઓનો અહીં પડ્યાપાથર્યા રહેતા. જુગારમાં હારેલા ખેલાડીને કરીમલાલા ભારેખમ વ્યાજે પાછો પૈસા પણ આપતો. આ રીતે આર્થિક મોરચો મજબૂત બન્યો. કરીમલાલાએ મુંબઈમાં ઘણી જગ્યાએ જુગાર અને દારૂના અડ્ડા શરૂ કર્યા.
જુગારના અડ્ડાથી સ્મગલિંગ, મની લોન્ડરિંગ, હપતા વસૂલી, કોન્ટ્રેક્ટ કિલિંગ, ડ્રગ્સ...
સમયનું ચક્ર ફરતું હતું અને આ સાથે કરીમલાલાએ પણ અન્ય ધંધા તરફ પોતાની નજર દોડાવી. જુગાર-સટ્ટો, દારૂની દાણચોરી, ગેરકાયદે મની લોન્ડરિંગ, ગેરકાયદે જમીન ખાલી કરાવવી, અપહરણ, પ્રોટેક્શન મનીના નામે હપતા વસૂલી, કોન્ટ્રેક્ટ કિલિંગ (સુપારી), હશીશ જેવાં માદક દ્રવ્યોનું વિતરણ અને નકલી ચલણના વિતરણ જેવા ગંભીર ક્રાઈમ કરીમલાલા અને એની ‘પઠાણ ગેંગ’ના નામે બોલાવવા માંડ્યાં. દક્ષિણ મુંબઈમાં ડોંગરી, નાગપાડા, ભીંડીબજાર અને મોહમ્મદ અલી રોડ જેવા ગરીબ અને મુસ્લિમ વિસ્તારોમાં કરીમલાલાની ધાક પેસી ગઈ હતી. કરીમ લાલાની છાપ ‘રોબિનહૂડ’ તરીકેની હતી. ગરીબોના મસીહા તરીકેની છાપ હતી. હવે પોલીસ પણ કરીમલાલાની મુઠ્ઠીમાં હતી. એ સમાંતર સરકાર ચલાવતો. અદાલત ભરતો. સામાજિકથી માંડીને આર્થિક પ્રશ્નો તેના દરબારમાં ચપટી વગાડતાં પતી જતા. ડર અને એમાં ભળેલા સન્માને કરીમલાલાને લોકપ્રિયતાના શિખર પર બેસાડી દીધો.
ડોન ત્રિપુટી: કરીમલાલા, હાજી મસ્તાન અને વરદરાજન મુદલિયાર
1950ના દાયકામાં દેશમાં સામાન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓનું વધારે ઉત્પાદન થતું ન હતું, આથી કપડાંથી માંડીને ઘડિયાળો, ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર અને સોના-ચાંદીની દરેક વસ્તુ વિદેશથી આયાત કરવી પડતી હતી. ભારે ડ્યૂટીને કારણે માલસામાન ખૂબ મોંઘો થતો હતો. આવી સ્થિતિમાં દરેક વસ્તુને છૂપી રીતે લાવવાની પરંપરા શરૂ થઈ અને પરંપરામાંથી ઈબ્રાહિમ પટેલ, શુકુરનારાયણ બખિયા, યુસુફ પટેલ, મનુ નારંગ અને આ બધાયના બાદશાહ એવા હાજી મસ્તાન જેવા સ્મગલર્સનો ઉદય થયો.
કરીમલાલાનો પરિચય થયો હાજી મસ્તાન સાથે. કરીમલાલાએ મસલ પાવર પૂરો પાડ્યો. એ વખતે મુંબઈનો માટુંગા અને સાયન વિસ્તારનો દાદો વરદરાજન મુદ્દલિયાર પણ હાજી મસ્તાનની સાથે કામ કરતો હતો.
તામિલનાડુથી આવેલા હાજી મસ્તાન, વરદરાજન અને કરીમલાલાએ મળીને મુંબઈને એકબીજામાં વહેંચી દીધું. ઘણા હાજી મસ્તાનને અંડરવર્લ્ડનો પહેલો ડોન માને છે, પરંતુ અંડરવર્લ્ડના ગહન અભ્યાસુ- જાણીતા ક્રાઈમ પત્રકાર બલજિત પરમારના દાવા પ્રમાણે અંડરવર્લ્ડનો પહેલો ડોન કરીમલાલા હતો, કારણકે હાજી મસ્તાન સ્મગલિંગમાં વધુ એક્ટિવ હતો. ખુદ હાજી મસ્તાન કરીમલાલાને પહેલો ડોન માનતો હતો!
પોલિટિક્સ અને કરીમલાલા: ઇંદિરા ગાંધી-રાજીવ ગાંધીથી બાળ ઠાકરે..
કરીમલાલા દેશભરના પઠાણોનો લીડર બની ગયો હતો અને ભારતભરના પઠાણોને એક છત્ર નીચે લાવ્યો હતો. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનના ખુદાઈ ખિદમતગાર સંગઠન સાથે લાલા જોડાયેલો હતો. આ પછી તેણે પખ્તુન ‘જિરગા-એ-હિન્દ’ નામનું સંગઠન બનાવ્યું. આ કારણે પોલિટિશિયનો સાથે પણ કરીમ લાલાનો પરિચય થયો. રાષ્ટ્રપતિ ભવનમાં હેમંત મુખર્જીને પદ્મશ્રી એનાયત થયો, એ સમયે હેમંત મુખર્જીએ તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધી સાથે કરીમલાલાનો પરિચય કરાવ્યો હતો. આ તસવીરને લઈને સંજય રાઉતના એક નિવેદનથી પછી ખૂબ વિવાદ પણ થયો હતો. ત્યારે વળતા જવાબમાં બાળાસાહેબ ઠાકરે સાથેની કરીમલાલાની તસવીર પણ ખૂબ વાઇરલ થઈ હતી. રાજીવ ગાંધી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવ ચવાણ સાથે કરીમલાલાની તસવીરો તેના ‘વજન’નો પરિચય આપતી હતી.
બોલિવૂડ સાથે કરીમલાલાનો ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન નાતો
માત્ર પોલિટિક્સ નહીં, ફિલ્મોના શોખીન કરીમલાલાનો સિને ઇન્ડસ્ટ્રીમાં પણ દબદબો હતો. કરીમ લાલાની પાર્ટીઓમાં સિને સ્ટાર્સ કુરનિસ બજાવતા જોવા મળતા. અમજદ ખાન, શશિ કપૂર, રઝા મુરાદ, શત્રુઘ્ન સિંહા જેવા સ્ટાર્સ સાથે કરીમલાલાની તસવીરો અખબારોમાં જોવા મળતી, તો દિલીપ કુમાર અને કરીમલાલા વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંનેને ઘરે આવવા-જવાના સંબંધો હતા.
હિન્દી ફિલ્મોના પઠાણ કેરેક્ટર જાણ્યે-અજાણ્યે કરીમલાલાની છાપ છોડતા હતા. અમિતાભ બચ્ચનની સીમાચિહ્ન ફિલ્મ ‘ઝંઝીર’માં પ્રાણનું પાત્ર ‘શેરખાન’નું પાત્ર કરીમલાલાથી પ્રેરિત હતું. નાના પાટેકરને ગ્રે શેડ્સમાં રજૂ કરતી ‘અંગાર’માં કાદર ખાનનું કેરેક્ટર કરીમલાલાથી પ્રેરિત હતું. હવે એક રસપ્રદ વાત. અજય દેવગન એકમાત્ર એવો અભિનેતા છે, જેણે સિનેમાના પડદે અંડરવર્લ્ડના ત્રણ ભારે માંયલા ડોનનાં પાત્રો પોતાની આગવી મર્દાના અદાયગીથી યાદગાર બનાવી દીધા હોય. ફિલ્મ કંપનીમાં ‘મલિક’નું પાત્ર દાઉદ ઈબ્રાહિમથી, ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’માં હાજી મસ્તાનથી તો સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં અજય દેવગનનું કેરેક્ટર કરીમલાલથી પ્રેરિત હતું!
કરીમલાલાની છડી, પથ્થર કી લકીર
કરીમલાલા વિશે એક રસપ્રદ વાત એવી છે કે એકવાર કોઈ પરિચિતે કરીમલાલાને સોનાની મૂઠવાળી મસ્ત શીશમની છડી ગિફ્ટ આપી. પહેલા તો કરીમલાલા ખિજાયા કે શું ભાઈ, હું હજુ એટલો ઘરડો થયો છું કે તમારે મને આવી છડી ગિફ્ટ કરવી પડે! પછી સમજાવ્યું કે આ તમારી પર્સનાલિટીને સારી મેચ થાય છે. બસ, પછી તો એ છડી કરીમલાલાની ઓળખ બની ગઈ. કરીમલાલા કોઈ ખુરસી પર છડી મૂકી દે એટલે એ છડી હટાવીને બેસવાની કોઈની હિંમત ન ચાલે. પછી તો કોઈનું મકાન-ફ્લેટ ખાલી કરાવવા હોય તો પણ લાલાના માણસો આ છડી ત્યાં મૂકી દેતા. મતલબ સાફ હતો: આ હવે અમારું છે!
‘ગંગુ આજથી મારી માનેલી બહેન છે’
માફિયા ક્વીન તરીકે પંકાયેલી ગંગુબાઈ કરીમલાલાને ભાઈ માનતી હતી. ગંગુબાઈને માફિયા ક્વીનનું બિરુદ પણ કરીમલાલાએ જ આપ્યું હોવાનું અંડરવર્લ્ડના ગલિયારાઓમાં મનાય છે. એકવાર કરીમલાલાના શૌકત ખાન નામના માણસે કમાટીપુરાની ગંગુબાઈ સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું. લાચાર ગંગુબાઈએ કરીમલાલાના દરબારમાં ટહેલ નાખી. ગંગુબાઈની હાલત જોઈને દ્રવી ઊઠેલા કરીમલાલાએ ગંગુબાઈને મદદની ખાતરી આપી.
કરીમલાલાએ શૌકત ખાન પર પોતાના માણસો દ્વારા નજર રાખવાનું શરૂ કર્યું. એકવાર જ્યારે શૌકત ખાન બદદાનતથી ગંગુબાઈના કોઠે આવ્યો એટલે પોતાના માણસો દ્વારા સંદેશો મળતાં જ કરીમલાલા કમાટીપુરામાં આવી પહોંચ્યો. ગંગુબાઈના કોઠામાંથી ઘસડીને બહાર કાઢ્યો અને આગવી ઢબે સરભરા કરી. કરીમલાલા ઊંચા અવાજે બોલ્યો: ‘પોતાની જાતને પઠાણ કહેતા તને શરમ નથી આવતી?’
પૂરી સરભરા કર્યા પછી કરીમલાલાએ આખા કમાઠીપુરાને સંભળાવતાં ત્રાડ નાખી: ‘ગંગુ આજથી મારી માનેલી બહેન છે. જે પણ કોઈ તેની સાથે ગેરવર્તણૂક કરશે એને હું જીવતો નહીં છોડું.’
ભાઈ કરીમલાલાની છત્રછાયા મળતાં ગંગુની આખા કમાટીપુરામાં ધાક પેસી ગઈ. કમાટીપુરાની પ્રેસિડન્ટ બની પછી તો ગંગુબાઈ. પત્રકાર-લેખક એસ. હુસૈન ઝૈદીએ પોતાના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’માં કરીમલાલા-ગંગુબાઈ પર એક પ્રકરણ લખ્યું છે, જેનો આધાર લઈને પછી સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટને લઈને ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બનાવી.
કરીમ લાલાની લવસ્ટોરી: ડોન કો ભી પ્યાર હોતા હૈ
અંડરવર્લ્ડમાં ભાઈલોગની લવસ્ટોરીઝ પણ ખૂબ ચર્ચાઈ છે. મોનિકા બેદી-અબુ સલેમ, મંદાકિની-દાઉદ ઇબ્રાહિમ, વિકી ગોસ્વામી-મમતા કુલકર્ણી... હાજી મસ્તાન અભિનેત્રી મધુબાલાના એકતરફી પ્રેમમાં ગળાડૂબ હતો, પણ પછી મધુબાલાએ હાજી મસ્તાનને ‘ભાવ’ ન આપ્યો એટલે પછી તેણે મધુબાલાની હમશકલ જેવી સોના નામની સ્ત્રીને પોતાની જીવનસાથી બનાવી હતી.
મહિલાઓ પ્રત્યે સન્માનીય વલણ માટે જાણીતા કરીમલાલાની લવસ્ટોરી પણ બહુ રસપ્રદ છે. કરીમલાલાને યુવાનીમાં એક બંગાળી સ્ત્રી સાથે પ્રેમ થયેલો. નામ તેનું ફાતિમા. આ ફાતિમા સાથે જ કરીમલાલાએ પછી ઘરસંસાર માંડ્યો. સામાન્ય રીતે પઠાણ કોમ્યુનિટીમાં આંતરજ્ઞાતિય લગ્નની સખત મનાઈ હોય છે, પણ પઠાણના સુપ્રીમો કરીમલાલાએ આ કાયદો તોડ્યો હતો. પ્યાર..પ્યાર હોતા હૈ... યુ નો!
ગુજરાતી વેપારીએ ફરિયાદ કરી, કરીમલાલાના સામ્રાજ્યના પાયા હલવા માંડ્યા!
બધુ સમય પર હોય છે. આજે જે છે એ કાલે ન પણ હોય. સમય જતાં અંડરવર્લ્ડમાં એક નવા નામનો ઉદય થયો. દાઉદ ઇબ્રાહિમ કાસકરનો. શરુઆતમાં ભાઇ શબ્બીર સાથે હાજી મસ્તાન સાથે કામ કરવાનું દાઉદે શરૂ કર્યું. મુંબઇ પર રાજ કરવાનાં સપનાં જોતા દાઉદનો ટકરાવ થયો કરીમલાલાના ભત્રીજા સમદ ખાન સાથે. કરીમલાલાએ પોતાનો વારસો સમદ ખાનને સોંપ્યો હતો. અંડરવર્લ્ડની જૂની પેઢીના સિદ્ધાંતો કરતાં આ નવી પેઢીના નિયમો નોખા હતા. મુંબઈ પર એકચક્રી શાસનની મહત્ત્વાકાંક્ષા દરેકમાં સળવળતી હતી. દરેક ભાઈનો અહમ પરસ્પર ટકરાતો હતો.
શરૂઆતમાં તો કરીમલાલા, હાજી મસ્તાન જેવા ‘સિનિયરો’ની સમજાવટથી પરિસ્થિતિ શાંત રહી. સમદ ખાન અને દાઉદ વચ્ચે સમાધાનનો સૂર પણ સંભળાયો. પણ બહુ ઓછા સમય માટે. આખરે એ જ થયું જેનો કરીમલાલાને ડર હતો. ગરમ મિજાજનો સમદ ખાન હવે કરીમલાલાને પણ ગાંઠતો ન હતો. કરીમલાલા પોતે ભત્રીજાનાં કારનામાંથી તંગ આવી ગયો હતો. વર્ષ 1981માં દાઉદના ભાઈ શબ્બીરની પઠાણ ગેંગ દ્વારા હત્યા થઈ. આ સાથે જ મુંબઈ અંડરવર્લ્ડમાં ગેંગવૉરનો એક નવો અધ્યાય શરૂ થયો. વર્ચસ્વની લડાઈમાં દાઉદ ગેંગ અને પઠાણ ગેંગ વચ્ચેની ગેંગવોરથી મુંબઈની સડકો લોહિયાળ બનવા માંડી. કરીમલાલાના ભત્રીજા સમદ ખાનનું દાઉદ ગેંગે ઢીમ ઢાળી દીધું. સમદ ખાનના સાથી આલમઝેબ સુરતમાં પોલીસ એન્કાઉન્ટરમાં કમોતે મર્યો. અમીરજાદા જેવા ગુંડાઓ પણ ઉપર પહોંચી ગયા હતા. પઠાણ ગેંગ નબળી બની ગઈ. એવામાં વળી બીજી એક ઘટના બની. મુંબઈ પોલીસે કરીમલાલાને નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ જેલભેગો કરી દીધો. કરીમલાલાને જેલભેગો કરવામાં બે ગુજરાતી વેપારીઓ નિમિત્ત બન્યા હતા. અત્યારસુધી તો કરીમલાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત તો દૂર, એ વિશે દિશામાં વિચારવું એ પણ વેપારી આલમના ગજા બહારની વાત હતી. પણ પછી અમદાવાદના વેપારી પિતા-પુત્ર જયલાલ ભાટિયા-પરમાનંદ ભાટિયાએ કરીમલાલા વિરુદ્ધ અપહરણ અને ખંડણીની ફરિયાદ કરી. પોલીસને બસ આની જ રાહ હતી. કરીમલાલાને લોકઅપ ભેગો કરી દીધો. પડતા પર પાટું જેવી ઘટના હતી આ. પઠાણ ગેંગ વિખેરાવા માંડી.
જે દાઉદને રોડ પર દોડાવીને માર્યો એ જ દાઉદ સામે કરીમલાલાએ હથિયાર હેઠાં મૂક્યાં
સમદ ખાન મર્ડર કેસમાં દાઉદ અને તેના ભાઈ નૂરા સહિત અનેક ગુંડાઓની ધરપકડ થઈ. જામીન મળતાં જ દાઉદ દુબઈ ફરાર થઈ ગયો અને ત્યાંથી ગેંગ ઓપરેટ કરવા માંડ્યો. વર્ષ 1986માં દાઉદ ગેંગ દ્વારા કરીમલાલાના ભાઈ રહીમ ખાનની પણ હત્યા થઈ. હવે કરીમ લાલાનો સૂર્ય આથમી રહ્યો હતો. આખરે એક મૌલવીની સલાહથી કરીમલાલાએ દાઉદ સાથે સમાધાન કરી લીધું. એક સમયે જેને ધંધાના મામલે રોડ પર દોડાવી-દોડાવીને માર્યો હતો એ જ દાઉદ ઈબ્રાહિમની વધતી તાકાત સામે તેણે હથિયાર હેઠાં મૂકી દીધા હતા. અંડરવર્લ્ડમાં કરીમલાલાનો અભેદ કિલ્લો ધરાશાયી થયો અને અંડરવર્લ્ડમાં દાઉદ ઈબ્રાહિમનો નવો અધ્યાય શરૂ થયો..
કરીમલાલા, જેના એક સમયે મુંબઈમાં ડંકા વાગતા હતા, હવે એ કરી લાલા માનસિક રીતે ભાંગી પડ્યો હતો. વર્ષ 2002ની 19મી ફેબ્રુઆરીએ કરીમલાલાએ મુંબઈમાં આખરી શ્વાસ લીધા.. આજેય આ નામને બહુ અદબથી અંડરવર્લ્ડના જૂના જોગીઓ સંભારે છે..
(માહિતી સંદર્ભ: ‘વિષચક્ર’ આશુ પટેલ, ‘ડોંગરી ટુ દુબઈ-સિક્સ ડિકેડ્સ ઓફ ધ મુંબઈ માફિયા’ એસ. હુસૈન ઝૈદી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.