તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માર્ચ 2020માં યુરોપમાં ફ્રાંસ, ઈટાલી, જર્મની, ઈંગ્લેન્ડ સહિતના અનેક દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાઈ રહી હતી અને ઘણા દેશોમાં વેન્ટિલેટરની પણ ભારે અછત હતી. દુનિયાની આ સ્થિતિની ચર્ચા ભારતમાં ગુજરાતના એક નાના શહેર રાજકોટમાં પણ થઈ રહી હતી. ભારતમાં કોરોના આવી ચૂક્યો હતો અને ગંભીર સ્થિતિ સર્જાય તો એની સામે કઈ રીતે રસ્તો કાઢવો એની ચર્ચા કરવા માટે ડોક્ટર્સ, સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગ જગતના લોકો રાજકોટમાં સ્થિતિ બગડે તો શું કરવું એની વાત કરી રહ્યા હતા. 20 માર્ચે સ્વામિનારાયણ મંદિરમાં અપૂર્વ મુનિની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં CNC મશીન બનાવતી જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડના પરાક્રમસિંહ જાડેજા પણ હાજર હતા. કોઈ માસ્ક તો કોઈ PPE કિટની જવાબદારી લેવા તૈયાર હતું.
બેઠકમાં ઉપસ્થિત એક ડોક્ટરે ચિંતા જતાવી કે જો હાલત ખરાબ થશે તો આપણે ત્યાં પણ વેન્ટિલેટરની અછત ઊભી થશે. આ સંદર્ભમાં આપણે ઠોસ પગલાં લેવાં પડશે. આ વાત સાંભળી પરાક્રમસિંહ તરત બોલ્યા કે અમે ટેક્નિકલ માણસો છીએ, જો કોઈ સમજાવી શકે કે કઈ રીતે વેન્ટિલેટર બનાવાય તો જ્યોતિ CNC વેન્ટિલેટર બનાવી દેશે અને બનાવ્યું પણ. આ વેન્ટિલેટરનું નામ રાખવામાં આવ્યું 'ધમણ'. અત્યારસુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોને 5000થી વધુ 'ધમણ' વેન્ટિલેટર બનાવીને આપવામાં આવ્યાં છે.
કહેવાય છે ને કે સારા કામમાં સો વિઘ્ન આવે છે. ધમણના કિસ્સામાં પણ એવું જ થયું. હોસ્પિટલોમાં આગ લાગી અને કમનસીબે અમુક દર્દીઓએ જીવ ખોયો. આમાં અમુક કિસ્સાઓમાં ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. વિરોધીઓને બસ આટલું જ જોઈતું હતું અને એટલે વેન્ટિલેટરની વિશ્વસનીયતા પર અનેક સવાલો ઊભા થયા. કંપની અને વેન્ટિલેટરને બદનામ કરવામાં આવા લોકોએ સતત એનો દુષ્પ્રચાર ચાલુ રાખ્યો. આ વિવાદ વચ્ચે પણ પરાક્રમસિંહ વિચલિત થયા વગર પોતાની કામગીરી કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કર સાથે તેમણે ધમણ, એની સાથેના વિવાદ અને હવે આગળ વધવાની બાબતો તેમજ તેમના અંગત જીવન વિશે વિસ્તારપૂર્વક ટેલિફોનિક ચર્ચા કરી હતી.
દિવ્ય ભાસ્કર: વેન્ટિલેટર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
પરાક્રમસિંહ: અમારી એક કંપની ફ્રાન્સમાં છે અને ત્યાં 17 માર્ચે લોકડાઉન થયું હતું. એ સમયે ત્યાં સ્થિતિ ઘણી જ ખરાબ હતી કે હોસ્પિટલોમાં જગ્યા ન હતી, વેન્ટિલેટરની અછત હતી. પેનડેમિકની શરૂઆત થઈ ત્યારે રાજકોટમાં બધી જ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝનાં એસોસિયેશન અને NGO રાજકોટના સ્વામિનારાયણ મંદિરના અપૂર્વ મુનિ સ્વામીની આગેવાનીમાં ભેગા થયા અને ચર્ચા કરી હતી કે જે પરિસ્થિતિ બની રહી છે એમાં આપણે શું કરી શકીએ છીએ? હાજર લોકોમાંથી કોઈએ PPE કિટની વાત કરી, કોઈએ માસ્કની જવાબદારી લીધી. આ બેઠકમાં IMAના ડોક્ટર્સ પણ હતા અને તેમણે કહ્યું હતું કે વેન્ટિલેટરની ભારે અછત છે અને એની જરૂર પડશે. ત્યારે અમે વેન્ટિલેટર બનાવી આપવાની તૈયારી બતાવી હતી.
દિવ્ય ભાસ્કર: વેન્ટિલેટરની ડિઝાઇન તમે જાતે તૈયાર કરી હતી?
પરાક્રમસિંહ: જ્યારે આ ચર્ચા થઈ રહી હતી ત્યારે અમે કહ્યું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગ એ અમારો એરિયા છે. અમે ડોક્ટર્સને પૂછ્યું કે આ વેન્ટિલેટર અંગે તમને જો કઈ ખબર હોય તો એ વિશે અમને ગાઈડ કરો તો અમે IMAની ટીમે તેમના એક સર્વિસ એન્જિનિયર કે જે ઇમ્પોર્ટેડ મેડિકલ મશીનરીનું કામ કરે છે તેનું નામ સૂચવ્યું. અમે તેમની સાથે વાત કરી અને તેમને અમદાવાદથી રાજકોટ આવવા આમંત્રણ આપ્યું હતું. આ રીતે અમે વેન્ટિલેટર જોવાની શરૂઆત કરી અને પછી તેમના ગાઈડન્સ મુજબ વેન્ટિલેટર બનાવવાનું શરૂ કર્યું.
દિવ્ય ભાસ્કર: આટલા વિવાદો બાદ વેન્ટિલેટર બનાવવાનું ચાલુ રાખશો કે પછી બંધ કરશો?
પરાક્રમસિંહ: મેડિકલ અમારો એરિયા નથી, પણ સિમેન્સ, GE સહિતના લોકો મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવે છે એ અમારા કસ્ટમર છે. અમે તો એક સોશિયલ એક્ટિવિટી તરીકે આની શરૂઆત કરી હતી, પણ આનું ખોટું અર્થઘટન કરી અમુક લોકોએ પોતાના લાભ માટે જે કરવું હતું એ કર્યું અને પછી જે વિવાદ ચાલ્યો એ સૌને ખબર છે, પણ અમે આને તેમના તરફથી અપાયેલી ચેલેન્જ તરીકે લઈએ છીએ. અમે એવો નિર્ણય કર્યો છે કે ધમણ બનાવવાનું ચાલુ રાખીશું અને વર્લ્ડકલાસ લેવાલનું ઉત્પાદન કરીને બતાવીશું.
દિવ્ય ભાસ્કર: તો હવે આગળ કઈ રીતે વધશો?
પરાક્રમસિંહ: અત્યારસુધી એવું હતું કે ડોક્ટર્સ અને મેડિકલ ફિલ્ડના લોકોએ અમને જે રીતે ગાઈડ કર્યા એ મુજબ અમે વેન્ટિલેટર બનાવ્યાં છે. હવે અમે અમારી રીતે જ ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. પ્રોફેશનલ એપ્રોચ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અમે અત્યારે હાઇ-એન્ડ વેન્ટિલેટર બનાવવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D)કરી રહ્યા છીએ અને મેડિકલ ફિલ્ડના નિષ્ણાતોને પણ હાયર કરી રહ્યા છીએ.
દિવ્ય ભાસ્કર: ધમણનો વિવાદ થયો ત્યારે કેવી લાગણી થઈ? આ સ્થિતિમાં જાતને કઈ રીતે સાંભળી?
પરાક્રમસિંહ: અમે આ બધું એક સારા ઇરાદાથી શરૂ કર્યું હતું. વિવાદ થયો ત્યારે થયું કે આપણે આ શું કરી રહ્યા છીએ? પણ એન્ડ ઓફ ધ ડે આ જે કઈ પણ કરીએ છીએ એ આપણા આત્મસંતોષ માટે કરીએ છીએ તો પછી લોકો શું કહે છે એનાથી ફરક પડવો જોઈએ નહીં. આનાથી હજારો લોકોને ફાયદો થયો છે અને એ બધાએ જોયું પણ છે. અમે એનો ઢંઢેરો પીટવા નથી માગતા. અમારા પર આક્ષેપ કરનારા લોકોને અમે જવાબ પણ નથી આપ્યો. જ્યારે આસપાસ કે મનમાં નિરાશાની લાગણી જન્મે ત્યારે હું ઓશોને સાંભળું છું અને તેમનાં પુસ્તકો પણ વાંચું છું. આ રીતે મન શાંત રહે છે.
દિવ્ય ભાસ્કર: સ્પોર્ટ્સ માટેનો તમારો લગાવ જાણીતો છે...
પરાક્રમસિંહ: અરે, ચેસ રમવા માટે તો મેં 12મા ધોરણની પરીક્ષા પણ નહોતી આપી. મારું સિલેક્શન નેશનલ લેવલે થયું હતું અને ત્યારે બે ચોઈસ હતી કે કાં તો રમવું અને કાં તો એક્ઝામ દેવી. મેં રમવાનું પસંદ કર્યું અને પછી ક્યારેય પણ આગળ ભણવાનો વિચાર ન આવ્યો. બિઝનેસ શરૂ કર્યો અને તેમાં જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ રમવાનું પાછળ છૂટતું ગયું. જ્યોતિ CNC રાજકોટ, સૌરાષ્ટ્ર કે પછી ગુજરાતમાં રમાતી ઘણી રમતોને પ્રોત્સાહિત કરે છે, સ્પોન્સર પણ કરે છે. અમારી મુખ્ય અને એકમાત્ર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) એક્ટિવિટી સ્પોર્ટ્સ જ છે.
દિવ્ય ભાસ્કર: કંપનીની શરૂઆત કઈ રીતે થઈ? અત્યારસુધીની જર્ની કેવી રહી?
પરાક્રમસિંહ: મેં રાજકોટની વિરાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એ સ્કૂલમાં 8-10 ધોરણમાં મિકેનિકલ અને ટેક્નિકલ શિક્ષણ પણ આપતું હતું અને મને પણ એમાં ઘણો જ રસ હતો. પ્રધાનમંત્રી જવાહર રોજગાર યોજના હેઠળ 1989માં મેં કંપની શરૂ કરવા માટે રૂ. 33,000ની આર્થિક સહાય મેળવી હતી. મારી નાની બહેનનું નામ જ્યોતિ છે અને તેના નામ પરથી જ કંપનીની શરૂઆત કરી અને લેથ મશીન પર જોબવર્ક કરવાનું શરૂ કર્યું. આ રીતે ધીરે ધીરે આગળ જતાં પાર્ટ્સ અને ત્યાર બાદ સબ એસેમ્બ્લી બનાવી અને સપ્લાઇ કરતા હતા. 1998-99 સુધી અમે કન્વેન્શનલ લેથ મશીન અને એને લગતા પાર્ટ્સ બનાવતા હતા. આ જ અરસામાં ભારતમાં મોટા પ્રમાણમાં કમ્પ્યુટર આવ્યાં હતાં અને એ સમયે વિચાર્યું કે કમ્પ્યુટર વગરનું કોઈ મશીન હશે નહીં અને એટલે જ અમે 1999માં CNC મશીન બનાવવાના શરૂ કર્યા હતા. કંપની શરૂ થઈ ત્યારે પહેલા વર્ષે રૂ. 12000નું ટર્નઓવર હતું અને આજે રૂ. 800 કરોડનું ટર્નઓવર છે.
દિવ્ય ભાસ્કર: જ્યોતિને એક કંપની તરીકે આગળ ક્યાં લઈ જવી છે?
પરાક્રમસિંહ: ભારતમાં આજે અમારું સ્થાન ટોચના 3 ઉત્પાદકમાં છે. હવેનો પડાવ પહેલા ક્રમે પહોંચવાનો છે. બેંગલોર પાસે CNC ઉત્પાદકો માટે એક પાર્ક બની રહ્યો છે. ભવિષ્યમાં ત્યાં પણ એક ઉત્પાદન એકમ શરૂ કરવાની યોજના છે. જોકે આમાં કેટલો સામે લાગશે એ અત્યારની સ્થિતિમાં કહી ના શકાય.
દિવ્ય ભાસ્કર: આટલી વ્યસ્તતા વચ્ચે સ્કૂલના અને જૂન મિત્રોને મળો છો ખરા?
પરાક્રમસિંહ: કામમાં બિઝી હોઉં છું, પણ સ્કૂલના તેમજ મારા નાનપણના જૂન મિત્રોને આજે પણ સમય કાઢીને મળતો રહું છું. અમે વિરાણી સ્કૂલના જૂન મિત્રો દર ગુરુપૂર્ણિમાના દિવસે ભેગા થઈએ છીએ. અમે લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા હતા. ત્યાંના જૂના ફ્રેન્ડ્સ પણ મળતા રહે છે. આજે પણ એટલા જ ઉમળકાથી એકબીજાના પ્રસંગોમાં આવતા-જતા રહીએ છીએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.