કાબુલના બહારના ભાગની સ્થિતિ એવી છે કે અહીં રોજ પાંચસો કેમ્પ બની રહ્યા છે. તાલિબાનના કબજાવાળા વિસ્તારમાંથી ભાગીને પ્રવાસી અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લોકો કોઈપણ રીતે જીવ બચાવીને અહીં આવી તો રહ્યા છે, જોકે આ શેલ્ટર હોમ્સમાં પૂરતું પીવાનું પાણી પણ નથી. આ સિવાય અહીં ખાવાનો પણ પૂરતો સામાન નથી. આમ જોવા જઈએ તો આ કેમ્પમાં રહેવા યોગ્ય કંઈ જ નથી. જોકે અહીં હાલ જીવન થોડા દિવસો માટે સુરક્ષિત છે.
આ કાબુલના એક પત્રકારની ડાયરીનો એક નાનકડો ભાગ છે. આ લાઈનો કોઈ ડાયરી કે પેનથી કે કમ્પ્યુટરમાં લખવામાં આવી નથી. દૈનિક ભાસ્કરના રિપોર્ટરે કાબુલમાં રહેતા એક પત્રકાર સાથે લાંબી વાતચીત કરી અને પછી તેને ડાયરીનું રૂપ આપ્યું, જેથી આપણે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને સમજી શકીએ.
કાબુલના આ પત્રકારનું નામ અમે છાપી રહ્યા નથી. તેની પાછળનું પણ એક કારણ છે. અગાઉ સાત ઓગસ્ટે દૈનિક ભાસ્કરના કાબુલના એક સોર્સની તાલિબાને હત્યા કરી નાખી હતી.
હવે વિસ્તારથી વાંચો, કાબુલના એક પત્રકારની ડાયરી...
હિંદુકુશ પહાડોની વચ્ચે વસેલું કાબુલ એક કિલ્લા જેવો અનુભવ કરાવે છે. જોકે અહીં દરેક જગ્યાએ હાલ સૈનિક તહેનાત કરવામાં આવ્યા છે. આર્મીની ગાડીઓ જોવા મળી રહી છે. લોકોના ચહેરા પર ઉદાસીનત છે. તેમને ડર એ વાતનો છે કે દેશના મોટા ભાગના હિસ્સામાં ચાલી રહેલું ભીષણ યુદ્ધ ક્યારે પણ કાબુલ સુધી પહોંચી શકે છે.
સમુદ્રથી લગભગ 1800 મીટર ઉપર પહાડોથી ઘેરાયેલું આ શહેર હાલ અફઘાનિસ્તાનનો સૌથી સુરક્ષિત હિસ્સો છે, જોકે રહી રહીને અહીંના આકાશમાં પણ ધુમાડો દેખાઈ રહ્યો છે અને લોકોના મનમાં સતત એ સવાલ થઈ રહ્યો છે કે કાબુલ હવે ક્યાં સુધી સુરક્ષિત રહેશે?
ખાવા-પીવાની ચીજોની કિંમત પ્રત્યેક દિવસે વધી રહી છે. ઈંધણના ભાવ લગભગ બેગણા થઈ ગયા છે. લોકો જરૂરિયાતનો સામાન એકત્રિત કરવા લાગ્યા છે. લોકોને સૌથી વધુ ડર એ વાતનો છે કે ક્યાંક સ્થિતિ ફરીથી 1980-90ના ગૃહયુદ્ધ જેવી ન થઈ જાય. તાલિબાનના અગાઉના કટ્ટર શાસનને યાદ કરીને લોકો ડરી રહ્યા છે.
બધા કાબુલ તરફ ભાગી રહ્યા છે
તાલિબાનો ધીરે-ધીરે અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તાર પર કબજો કરી રહ્યા છે. થોડા દિવસમાં જ ઉત્તરી ભાગમાં સ્થિત કુંદુજ અને સર-એ-પોલ જેવા પ્રાંત તાલિબાનના હાથમાં આવી ચૂક્યા છે. કુંદુજ પર તાલિબાનનો કબજો એટલા માટે પણ ડરાવનારો છે, કારણ કે અહીંથી તાલિબાનો કાબુલ પર દેખરેખ રાખી શકે છે.
એને પગલે હાલ લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભાગીને કાબુલ પહોંચી રહ્યા છે. અમેરિકાની આર્મીની હાજરીમાં જ દેશમાં કામ કરનારી સરકારી એજન્સીઓ, એનજીઓ અને વિદેશી સંસ્થાઓના લોકો કાબુલ આવી ગયા છે.
કાબુલના બહારના વિસ્તારમાં સ્થિતિ એવી છે કે અહીં રોજ 500 કેમ્પ બની રહ્યા છે. તાલિબાનના કબજાવાળા વિસ્તારમાંથી ભાગીને આવેલા પ્રવાસી અહીં રહે છે. લોકો જીવ બચાવીને અહીં આવી તો ગયા છે, પરંતુ અહીં શેલ્ટર હોમ્સમાં પીવાનું પાણી કે પૂરતો ખાવાનો સામાન નથી. આમ જોઈએ તો આ કેમ્પો રહેવાલાયક નથી, પરંતુ અહીં જીવન થોડા દિવસો સુધી સુરક્ષિત છે.
હિંસામાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકોનાં જ મૃત્યુ થઈ રહ્યાં છે. અમારી પાસે દેશના અલગ-અલગ ભાગમાંથી સામાન્ય લોકોનાં મૃત્યુની અને યુદ્ધમાં થઈ રહેલી બરબાદીની તસવીરો આવી રહી છે. આગળ વધી રહેલા તાલિબાનો અને તેમને ટક્કર આપવાની કોશિશ કરી રહેલી આર્મીના વીડિયો પણ બહાર આવી રહ્યા છે.
35 હજાર પરિવારે વિસ્થાપિત, 80 હજારથી વધુ બાળકો બેઘર
અત્યારસુધીમાં 80 હજારથી વધુ બાળકો બેઘર થઈ ચૂક્યાં છે. આ અંગેની માહિતી સેવ ધ ચિલ્ડ્રન નામના રિપોર્ટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. જોકે વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે. અફઘાનિસ્તાનના માનવઅધિકાર પરિષદના જણાવ્યા મુજબ, હાલ દેશના 25 પ્રાંતમાં 35,000થી વધુ પરિવાર છેલ્લા એક મહિનાની અંદર જ વિસ્થાપિત થયા છે.
હાલ અફઘાનિસ્તાનમાં ગરમીની સીઝન છે. એને પગલે બેઘર થયેલા લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખુલ્લા આકાશમાં કે કેમ્પોમાં ગરમીનો સામનો કરવો મુશ્કેલ છે. અહીં કલાકો સુધી વીજળી આવતી નથી. યુપીએસ મોટા ભાગના સમયે બીપ-બીપ અવાજ કરતા હોય છે. આ અવાજ સતત એ વાતનો અનુભવ કરાવે છે કે આપણે ઈમર્જન્સીમાં છે.
લોકો વિદેશ ભાગવાની ફિરાકમાં
જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી લોકો અફઘાનિસ્તાનથી ભાગીને તઝાકિસ્તાન, ઉઝ્વેકિસ્તાન અને પાકિસ્તાન જવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકા અને બ્રિટનના ટ્રાન્સલેટર્સ અને વિદેશી સેનાઓને મદદ કરનારાઓના વિઝા આપવાની જાહેરાત પછી લોકો વિઝા માટેના પ્રોસેસિંગમાં લાગ્યા છે.
પાસપોર્ટ અને વિઝા ઓફિસમાં લાંબી લાઈનો લાગી છે, જેમાં હતાશ, ઉદાસ અને ડરેલા ચહેરાઓ દેખાઈ રહ્યા છે. લોકો પત્ની-બાળકોની સાથે લાઈનમાં ઊભા છે. તેમનો હેતુ માત્ર એટલો જ છે કે કઈ રીતે ઝડપથી અફઘાનિસ્તાન છોડીને સુરક્ષિત જગ્યાએ જતા રહેવાય. જોકે ભીડ એટલી છે કે તેમને 2-3 મહિના પછી આવવા માટે કહેવાઈ રહ્યું છે.
પડોશી દેશોએ સીમાઓ સીલ કરી
મોટા ભાગના પાડોશી દેશોએ અફઘાનિસ્તાન સાથેની પોતાની સીમાઓને બંધ કરી દીધી છે. તઝાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન વિઝા ન આપવાનાં બહાનાં બનાવી રહ્યાં છે. પાકિસ્તાનના વિઝા મળવા પણ હાલ મુશ્કેલ છે. ભારત અફઘાનિસ્તાનના લોકોને માત્ર મેડિકલ વિઝા આપે છે.
તઝાકિસ્તાન હજી પણ વિઝા આપી રહ્યું છે. જોકે એની કિંમત એટલી મોંઘી કરી દેવામાં આવી છે કે સામાન્ય લોકો એને ચૂકવી શકતા નથી. એવામાં એક રીતે અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાના રસ્તાઓ હવે બંધ થઈ ગયા છે.
તાલિબાન લોકોને બહાર નીકળવા દેતા નથી
તાલિબાન લોકોને આવવા કે જવા દેતા નથી. જો ખૂબ જરૂરી કામ હોય, બીમારી હોય તો જ માત્ર એક વ્યક્તિને જ કામ પૂરું કરવા માટે જવા દેવાઈ રહ્યા છે. લોકો મુશ્કેલથી બહાનું બનાવીને બહાર નીકળી રહ્યા છે, જોકે પકડાઈ જવા પર જીવનું જોખમ પણ છે.
કોઈ આર્મી તરફથી લડી રહ્યું છે, કોઈ તાલિબાન તરફથી
હું મૂળરૂપથી પક્તિયા પ્રાંતનો રહેનારો છું. અહીં હવે તાલિબાનનું નિયંત્રણ છે. મારા ઘણા સંબંધીઓ સેના તરફથી લડી રહ્યા છે તો ઘણા તાલિબાન તરફથી. મારા ગામના કેટલાક લોકો તાલિબાનની સાથે હતા, તેઓ ડ્રોન હુમલામાં કે યુદ્ધના મેદાનમાં જ મૃત્યુ પામ્યા છે.
મારી સગી બહેન તાલિબાનના નિયંત્રણવાળા વિસ્તારમાં ફસાઈ છે. તેના પતિ બોર્ડર પોલીસમાં હતા, જોકે તાલિબાનના આવ્યા પછી તેમણે છુપાવવું પડ્યું છે. અમે તેમની પાસે જઈ શકીએ એમ નથી. તેઓ અમારી પાસે કાબુલ આવી શકે એવી પણ સ્થિતિ નથી. એકબીજા સાથે વાત કરીને રડવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી.
લોકોમાં ઉદાસીનતા
કાબુલના લોકો આમ તો હિંમતવાળા છે. બ્લાસ્ટના અવાજ, ગોળીઓના અવાજથી તેઓ ડરતા કે અટકતા નથી. લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને પગલે આ બાબતો તેમની આદત બની ગઈ છે. જોકે હાલ સમગ્ર અફઘાનિસ્તામાં ઉદાસીનતા છે.
હાલ કાબુલ સુધી નથી પહોંચ્યો જંગ
અફઘાનિસ્તાનમાં હાલ લગ્નની સીઝન છે. હામિદ કરજઈ નેશનલ એરપોર્ટની પાસે ઘણી હોટલ છે. આ હોટલમાં એક-એક દિવસમાં ત્રણ લગ્ન થઈ રહ્યાં છે. દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ લોકો અહીં લગ્ન સહિતના પ્રસંગોમાં હાજરી આપી રહ્યા છે. યુદ્ધ અને અસ્થરિતાને લોકોએ કિસ્મત માની લીધું છે.
જોકે હાલ પણ કાબુલ ખૂબ જ શાંત છે. અહીં શહેર-એ-નાવ નામના શહેરમાં હાલ પણ લોકો કેફેમાં બેઠેલા જોવા મળશે. એક ગલીમાં બ્લાસ્ટ થાય છે તો બીજી ગલીમાં લોકો કેફેમાં બેસીને પાર્ટી કરતા જોવા મળે છે. આ લોકોને જોતાં એવું લાગે છે જાણે અહીં કંઈ બન્યું જ નથી.
પત્રકારોનું ગ્રાઉન્ડ પર જવું મુશ્કેલ
પત્રકારો માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે. જ્યાં તાલિબાનનું નિયંત્રણ છે ત્યાં પત્રકારો સરળતાથી જઈ શકતા નથી. ઘણી વખત આ વિસ્તારમાંથી લોકો ફેસબુક પર પોસ્ટ કરે છે, એનાથી ત્યાંની સ્થિતિનો ખ્યાલ આવે છે, જોકે પત્રકાર ગ્રાઉન્ડ પર પહોંચી રહ્યા નથી.
કાબુલની બહાર સેનાની મદદ વગર રિપોર્ટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ છે. તાલિબાન અને સરકાર તરફથી માહિતી પણ સરળતાથી આપવામાં આવતી નથી. જો કદાચ મળે છે તોપણ બંનેના દાવ અલગ-અલગ હોય છે. હાલની સ્થિતિમાં મોટા ભાગના રિપોર્ટ સંપર્કો અને સૂત્રો દ્વારા આવી રહ્યાં છે, બાકીના મીડિયા, સરકાર અને તાલિબાન તરફથી આવતાં નિવેદનો પર નિર્ભર છે.
આશા હજી પણ અમર છે
કૂચા-એ-ગુલ-ફરોશી, કાબુલનું ફૂલોનું બજાર છે. અહીં હાલ પણ ખરીદી કરનારાઓની ભીડ છે. અહીં ઘણા બ્યુટીપાર્લર છે, જ્યાં તૈયાર થયેલી છોકરીઓ જોવા મળે છે. યુદ્ધ અને હિંસા ચાલી રહી છે, પરંતુ આ લોકોને જોતાં લાગે છે કે તેઓ પોતાની જિંદગીને લઈને ખૂબ જ આશાસ્પદ છે.
બુધવારે સાંજે હું કાબુલની વચ્ચે આવેલા ફરોશ-ગાહ વિસ્તારના કેટલાક નર્સિંગ હોમ્સમાં ગયો હતો. ત્યાં મેટરનિટ સેન્ટરમાં મેં ઘણાં નાનાં બાળકોને જોયાં. આ બાળકો જાણે એવું કહી રહ્યાં છે કે અફઘાનિસ્તાનમાં તો જિંદગી ચાલતી રહેશે.
(નોટઃ ડાયરીની રીતે લખવામાં આવેલો આ રિપોર્ટ કાબુલના એક પત્રકાર સાથે દૈનિક ભાસ્કરના રિપોર્ટર પૂનમ કૌશલની વાતચીત પર આધારિત છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.