• Gujarati News
  • Dvb original
  • Jasdan's Youth Bought Equipment From Scrap And Made E bike With Great Ingenuity, Giving Speed Of 80 Kmph For 3 Hours.

આજની પોઝિટિવ સ્ટોરી:જસદણના યુવાને ભંગારમાંથી સાધનો ખરીદી આગવી કોઠાસૂઝથી ઇ-બાઇક બનાવી, 3 કલાક સુધી પ્રતિ કલાક 80 કિમીની સ્પીડ આપે છે

રાજકોટ5 મહિનો પહેલા
જસદણમાં ઈ-બાઈકના પ્રોડ્કશનની નવી શરૂઆત ભાવિન દ્વારા થઈ રહી છે. - Divya Bhaskar
જસદણમાં ઈ-બાઈકના પ્રોડ્કશનની નવી શરૂઆત ભાવિન દ્વારા થઈ રહી છે.
  • ઇ-બાઇક અમે માત્ર 50-60 હજારની કિંમતે ટેઈલર મેડ ફીચર સાથે બનાવી શકીએ છીએ: ભાવિન કવૈયા

કરશન બામટાઃ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની બોલબાલા છે, જેમાં ઈ-બાઈક અને સ્કૂટરની ડિમાન્ડ દિવસે-દિવસે વધી રહી છે. મોટા ભાગની કંપનીઓ ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરી રહી છે કે કરવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણના યુવકે પોતાની કોઠાસૂઝથી ઈ-બાઈક બનાવી છે. ભંગારમાંથી જરૂરી પાર્ટસની ખરીદી કરીને ભાવિન કવૈયા નામના યુવકે થ્રેસર,ટ્રેક્ટરની ટ્રોલી અને પટારા ઉદ્યોગ માટે જાણીતા જસદણમાં ઈ-બાઈકના પ્રોડ્કશનની નવી શરૂઆત કરી છે. જાતે જ ડિઝાઈન કરીને બનાવેલી ઈ-બાઈક લિથિયમ બેટરીની મદદથી 3 કલાક સુધી પ્રતિ કલાક 80 કિમીની સ્પીડ આપે છે. એ અંગે ભાવિને કહ્યું હતું કે અમે માત્ર 50-60 હજારની કિંમતે ટેઈલર મેઈડ ફીચર સાથે બાઇક બનાવી શકીએ છીએ.

રિવર્સ ગિયર સિસ્ટમ પણ ઈ-બાઈકમાં કાર્યરત કરાઈ છે.
રિવર્સ ગિયર સિસ્ટમ પણ ઈ-બાઈકમાં કાર્યરત કરાઈ છે.

જાતે જ બાઈકની ડિઝાઈન તૈયાર કરી
જાતમહેનતે તૈયાર કરેલી ઈ-બાઈક અંગે જણાવતાં ભાવિન કવૈયા કહે છે, મેં આઈ.ટી.આઈ-જસદણમાંથી વર્ષ 2019માં કોમ્પ્યુટર ઓપરેટર અને વર્ષ 2020માં મિકેનિકલ ડીઝલનો કોર્સ કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેટ ઝીરોના અભિયાનને આગળ ધપાવવા માટે મારા મગજમાં ઘણા સમયથી ઈ-બાઈકનો વિચાર હતો. કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થતાં આ સમયના સદુપયોગના ભાગરૂપે મેં જાતે જ મારા બાઈકની ડિઝાઈન તૈયાર કરી.

લિથિયમ ફોસ્ફેટની બેટરીને જોડીને એને કાર્યરત કર્યું
મારા પિતાજી ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. તેમના તરફથી મને ખૂબ જ મદદ મળી છે. બાઈક બનાવવા માટે મેં ભંગારબજારમાં જઈને જરૂરી સામાનની ખરીદી કરી. મારી ડિઝાઈન મુજબ એને ફિટ કરીને બાઈકનું સ્ટ્રકચર બનાવી લીધુ હતું. એમાં આખા બાઈકની કરોડરજ્જુ સમાન એવી લિથિયમ ફોસ્ફેટની બેટરીને જોડીને એને કાર્યરત કરવાનું હતું. એ થતાં એની સાથોસાથ એમાં ઘણા બધા પ્રયોગો પછી રિવર્સ ગિયર સિસ્ટમ પણ કાર્યરત કરી શક્યો, જેનો અનેરો આનંદ છે. આવી રિવર્સ ગિયર સિસ્ટમ ધરાવતી બાઈક આખા ભારતમાં માત્ર મારી પાસે જ હોવાનો દાવો ભાવિને કર્યો છે.

ભાવિને જાતે જ બાઈકની ડિઝાઈન તૈયાર કરી છે.
ભાવિને જાતે જ બાઈકની ડિઝાઈન તૈયાર કરી છે.

સિંગલ ક્લિક પર ઉપલબ્ધ થશે
બાઈક વિશે માહિતી આપતાં ભાવિને કહ્યું હતુું કે મારી આ ઈ-બાઈક સંપૂર્ણ ચાર્જ થયા બાદ ત્રણ કલાક સુધી પ્રતિ કલાક 80 કિમીની સ્પીડ આપે છે. એમાં ત્રણ પ્રકારની ગિયર સિસ્ટમ છે. મારી બાઈક સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે. સમગ્ર ચોમાસાના 4 મહિના દરમિયાન બાઈક ક્યારેય બંધ નથી થઈ. એમાં એન્ટી થેફ્ટ સિસ્ટમ લગાવેલી છે, જેથી બાઈક ચોરી કરવાની કોઈ કોશિષ કરે તો તરત ખબર પડી જાય. બાઈક વિશે માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન વિકસાવી રહ્યો છું, જેથી આવનારા સમયમાં બાઈકને લગતી તમામ વિગતો એક સિંગલ ક્લિક પર ઉપલબ્ધ થશે.

ઈ-બાઈકની કિંમત રૂ.1 લાખથી વધુ હોય છે
તેણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ટુ લોકલ, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ઈનોવેશન સહિતનાં અભિયાનોમાં ભાગીદારી નોંધાવવાનો મારો આ પ્રયત્ન છે. ગ્રીન ઈન્ડિયાને પ્રોત્સાહન મળે એ માટે મારે એફોર્ડેબલ કિંમતે ઈ-બાઈક ઉપલબ્ધ કરાવવાનો મારી પ્રયત્ન સફળ થયો છે. ઈ-બાઈકના પ્રોડક્શન માટે અન્ય કોઈ સંસ્થાની મદદ મળશે તો નજીકના સમયમાં જ પ્રોડક્શન ચાલુ કરીને જસદણ વીંછિંયા વિસ્તારના યુવાઓને રોજગારી પૂરી પાડવાનો મેં સંકલ્પ કર્યો છે. ઈ-મોપેડ કે ઈ-સ્કૂટર પ્રકારનાં વાહનો 75-80 હજારની કિંમતે માર્કેટમાં મળે છે અને ઈ-બાઈકની કિંમત રૂ.1 લાખથી વધુ હોય છે. આજ ઈ-બાઈક અમે માત્ર 50-60 હજારની કિંમતે ટેઈલર મેઈડ ફીચર સાથે બનાવી શકીએ છીએ.

આઈટીઆઈ-જસદણના પ્રોફેસરોનું પણ ભાવિનને માર્ગદર્શન મળ્યું છે.
આઈટીઆઈ-જસદણના પ્રોફેસરોનું પણ ભાવિનને માર્ગદર્શન મળ્યું છે.

સૌર ઊર્જાના ઉપયોગ વડે ઇંધણનો ખર્ચ શૂન્ય
ભાવિને કહ્યું હતું કે આ બાઈક પહેલાં મેં એક ઈ-બાઈક રૂ.40 હજારની કિંમતે મારા મિત્ર માટે બનાવ્યું છે. મારા મિત્ર પણ ઈ-બાઈકની સરળતાથી સવારી કરે છે. આ પ્રકારની બાઈક બનાવવામાં જસદણ આઈટીઆઈના ડીઝલ -મિકેનિક ટ્રેડના શિક્ષકો તથા બાઈક માટે એપ્લિકેશન બનાવવા માટે આઈટીઆઈના કોમ્પ્યુટર ટ્રેડના શિક્ષક ડી.કે.મકવાણાનું સતત માર્ગદર્શન મળતું રહે છે. ઈ-બાઈકની બેટરી ઈલેક્ટ્રિસિટી વડે ચાર્જ થાય છે, પરંતુ આવનારા સમયમાં સૌર ઊર્જાના ઉપયોગ વડે ‘ઝીરો એક્સપેન્સિવ’- ઇંધણનો ખર્ચ શૂન્ય કરવાના પ્રયત્નો પણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...