છેલ્લા એક અઠવાડિયાથી કિરણ પટેલની ચર્ચા આમ તો ચારેકોર થઈ રહી છે. સવાલો કેટલાય ઊઠી રહ્યા છે. ગુજરાતમાં તો ઘણાએ મોઢું સીવી લીધું છે, પરંતુ જ્યાં પહોંચીને કિરણે કાંડ કર્યા એ જમ્મુ- કાશ્મીરમાં આજકાલ કેવી હલચલ છે?, કોણ મોઢું સંતાડે છે?, કોણ બોલવાનું ટાળે છે?, કોને ખુલ્લા પડી જવાનો ડર છે?, દિવ્ય ભાસ્કરે આ મુદ્દે જવાબ મેળવવા જમ્મુ-કાશ્મીરમાં કેટલાક લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
દિવ્ય ભાસ્કરે સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ અરુણકુમાર મહેતા, જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે મહત્ત્વની જવાબદારી સંભાળી રહેલા અધિકારી ADGP વિજય કુમાર તેમજ એસપી ઈસ્ટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ત્રણેય અધિકારી પૈકી એકપણ અધિકારીએ કિરણ પટેલનાં કરતૂત પર મગનું નામ મરી પાડ્યું નથી. તો શ્રીનગરના મેયર જુનેદ અઝીમ મટ્ટુનો ફોન પણ સતત ચાર કલાક સુધી બિઝી આવી રહ્યો હતો.
આવા સમયે દિવ્ય ભાસ્કરે જમ્મુ-કાશ્મીર ભાજપના ઉપ-પ્રમુખ વરિંદરજિત સિંહ સાથે વાત કરી હતી. વરિંદરજિત સિંહે કેવા સંજોગોમાં કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર પહોંચ્યો?, આ ઘટના પાછળ જવાબદાર કોણ છે?, જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલ સાથે સંકળાયેલા લોકો અને અધિકારીઓ હાલ શું કરી રહ્યા છે?, જમ્મુ-કાશ્મીર BJP આ ઘટનાક્રમને લઈને શું વિચારી રહી છે?, આ સાથે જ કિરણ પટેલે ત્યાં પહોંચીને કોની સાથે કેવી રીતે છેતરપિંડી કરી?, એ મુદ્દે ઘણા ઘટસ્ફોટ કર્યા હતા.
'ઘણા સ્કીમ સેટ કરવામાં લાગી પડ્યા છે'
વરિંદરજિત સિંહે ખૂબ ઓછા શબ્દોમાં મોટી વાત કહી દીધી. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 'હાલ તો અહીં ઘણા લોકો પોતપોતાની સ્કીમ સેટ કરવામાં લાગી પડ્યા છે, પરંતુ બેથી ચાર લોકો પર કિરણ પટેલના ફ્રોડ કેસ મામલે કાર્યવાહી થશે એ તો નક્કી છે. કિરણ પટેલના જમ્મુ-કાશ્મીર પ્રવાસ મુદ્દે ઈમેલ આવ્યા કે નહીં અને આવ્યા તો કોણે કન્ફર્મેશન આપ્યું, એ બધી બાબતે તપાસ થશે.'
આ કારણે મોટા અધિકારીઓ મૌન છે!
વરિંદરજિત સિંહના મતે કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં પણ કેટલાક અધિકારીઓને વિવિધ પ્રકારની લાલચ આપીને ફસાવ્યા છે, પરંતુ આ બાબતે અત્યારે કોઈ બોલવા માટે તૈયાર નથી, કારણ કે ખુલાસો થાય તો પછી કલંક એવું લાગે કે બીજાને પકડનાર ઓફિસર પોતે જ ટ્રેપમાં આવી જાય, જોકે ચર્ચાઓ ઘણી થઈ રહી છે.
અમિત પંડ્યા અને જય સીતાપરા સાથે કિરણ પટેલના સંબંધો મુદ્દે પણ વરિંદરજિત સિંહે નવો ધડાકો કર્યો. તેમણે કહ્યું, 'મારી પાસે માહિતી છે ત્યાં સુધી એ બન્ને લોકો કિરણ પટેલના પીએ કે અંગત માણસ બનીને આવ્યા હતા.'
આ 15થી 17 લોકો જવાબદાર!
વરિંદરજિત સિંહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કિરણ પટેલના સૌથી ચર્ચાસ્પદ વીડિયો બાબતે બારીકાઈથી એક મુદ્દે ધ્યાન દોર્યું. તેમણે કહ્યું, 'શ્રીનગરમાં કિરણ પટેલના જે વીડિયો સામે આવ્યા છે, એમાં દેખાય છે કે સુરક્ષા કાફલામાં બે ગાડી આગળ ચાલે છે અને એક ગાડી કિરણ પટેલની પાછળ ચાલે છે. એક ગાડીમાં માનીએ કે પાંચ સુરક્ષાકર્મી હોય તોત્રણ ગાડીમાં થઈને 15 લોકો થાય છે. આ ઉપરાંત એક સિનિયર અધિકારી અને ડ્રાઈવર પણ કિરણ પટેલની સાથે હશે. આટલા લોકો સતત તેની સાથે હતા છતાં પણ ADGP સિક્યોરિટીને ખ્યાલ ન આવ્યો કે આ વ્યક્તિ ફ્રોડ છે.
કિરણે સિસ્ટમમાં ઘૂસીને સુરક્ષા કેવી રીતે મેળવી?
વરિંદરજિત સિંહે વાત આગળ વધારતાં કહ્યું, 'એક ADGP સિક્યોરિટી નામનું પદ હોય છે. કોઈપણ વ્યક્તિ દિલ્હી કે બહારથી આવે, જેને સુરક્ષાની જરૂર હોય તો ADGP સિક્યોરિટીને એની જાણકારી આપવામાં આવે છે. ADGP સિક્યોરિટીના હાથ નીચે અન્ય IPS અધિકારીઓ હોય છે. મારે પણ ક્યાંય જવાનું હોય તો ADGP સિક્યોરિટીને જાણ કરું છું. તેઓ આગળ પત્રવ્યવહાર કે ઈમેલ મારફત બીજા બેથી ચાર વિભાગને જે-તે વ્યક્તિના પ્રવાસની જાણ કરે છે. પહેલા આ કામ માટે ફેક્સની સિસ્ટમ હતી, પરંતુ કિરણ પટેલના કેસમાં લાગે છે કે આવી કોઈ પ્રક્રિયાનું પાલન નથી કરવામાં આવ્યું. એટલે આ અતિગંભીર બેજવાબદારીનું પરિણામ છે.
ભાજપે કહ્યું, 'કિરણ પટેલ કેસમાં અમે જવાબદાર નથી'
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વરિંદરજિત સિંહે કિરણ પટેલની ઘટનાને સરકારી તંત્રની નિષ્ફળતા ગણાવી. તેમણે કહ્યું, 'આ આખીય ઘટના સાથે ભાજપને કોઈ જ લેવાદેવા નથી. જે પણ કાંઈ થયું છે એ "એડમિનિસ્ટ્રેટિવ ફેલિયર" જ ગણી શકાય, બીજું કાંઈ નહીં. કાશ્મીરમાં અધિકારી તરીકે આવતી કોઈ વ્યક્તિને અમે સગવડ આપવા માટે બંધાયેલા નથી અને આવી સવલત આપતા પણ નથી. આ ઘટનાક્રમમાં જેની પણ ભૂલ કે બેદરકારી છે તેની તપાસ થવી જોઈએ અને કડક સજા પણ થવી જોઈએ, એવું અમારું માનવું છે.'
"એડમિનિસ્ટ્રેટિવ ફેલિયર"ના નામે ભાજપે કેવી રીતે બચાવ કર્યો?
દિવ્ય ભાસ્કરે "એડમિનિસ્ટ્રેટિવ ફેલિયર"ના મુદ્દાને સમજાવવા માટે વરિંદરજિત સિંહને કહ્યું. તો તેમણે જવાબ આપતાં જણાવ્યું, 'જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા મુદ્દે જવાબદાર અધિકારીઓએ કોઈપણ ચકાસણી કર્યા વગર જ કિરણ પટેલને ઝેડ પ્લસ સુરક્ષા આપી હતી. સુરક્ષા કારણોથી દેશનો સામાન્ય નાગરિક જ્યાં નથી જઈ શકતો એવા સ્થળે કિરણ પટેલ સુરક્ષા જવાનો સાથે પહોંચી ગયો. હાલના સમયમાં કોઈ અધિકારી બનીને પહોંચી કેવી રીતે જઈ શકે?, આજકાલ ફોન, ફેક્સ, ઈમેલનો જમાનો છે. તો તેની ઓળખ અંગે ઘણીબધી બાબતો ચકાસવામાં કેમ નથી આવી? એટલે જેટલી પણ વખત કિરણ પટેલ આવ્યો ત્યારે તેને VIP તરીકે ગણવામાં આવ્યો.
'અમે સરકારને સત્તાવાર કોઈ રજૂઆત નહીં કરીએ'
વિપક્ષે કિરણ પટેલ ભાજપનો સભ્ય હોવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર કિરણ પટેલે અપલોડ કરેલી કેટલીક તસવીરોથી આ દાવાને વધારે મજબૂતી મળે છે. એવા સમયે કિરણ પટેલ વિશે જમ્મુ-કાશ્મીર ભાજપ શું વિચારે છે, એ સવાલ દિવ્ય ભાસ્કરે જમ્મુ-કાશ્મીર ભાજપના ઉપપ્રમુખ વરિંદરજિત સિંહને કર્યો તો ખૂબ આશ્ચર્યજનક જવાબ મળ્યો. તેમણે કહ્યું, 'આ તો બધું સરકારના હાથમાં છે, ભાજપ આવા કેસમાં શું સ્ટેન્ડ લઈ શકે?, આ કેસમાં હું સરકારને કોઈ રજૂઆત નથી કરવાનો. જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રમુખ રવીન્દ્ર રૈના પણ આ કેસમાં કોઈ રજૂઆત નહીં કરે. આ કેસમાં ઉપ-રાજ્યપાલ તેમજ ચીફ સેક્રેટરીને જે પણ કરવું હશે એ કરશે, કારણ કે રજૂઆત કરવી એ અમારું કામ નથી.'
'રાજ્યપાલની નજીકના લોકો સુધી વાત પહોંચાડી'
જમ્મુ-કાશ્મીર ભાજપ પર ત્યાંના વિપક્ષના નેતાઓ ગંભીર આરોપ લગાવી રહ્યાની વાત પણ વરિંદરજિત સિંહે સ્વીકારી હતી. તેમણે કહ્યું, 'નેશનલ કોન્ફરન્સ, પીડીપી, કોંગ્રેસ આ મુદ્દે સવાલો તો ઉઠાવી રહી છે. તેમણે પણ લોકલ એડમિનિસ્ટ્રેશન પર સવાલ ઉઠાવ્યા છે, સાથે જ ભાજપ પણ આ બાબતે નિષ્ફળ હોવાના આરોપ લાગ્યા છે, પરંતુ અમારો જવાબ છે કે અમે ક્યાં કોઈને સુરક્ષા આપવા માટે બંધાયેલા છીએ. એ તો સરકારની જવાબદારી છે, પરંતુ એ વાત પણ છે કે ઉપ-રાજ્યપાલ અમારી સરકારે જ નીમ્યા છે, એટલે અમે ખુલ્લેઆમ કાંઈ ન બોલી શકીએ. જો કે ઉપરાજ્યપાલ સુધી અમે બિનસત્તાવાર રીતે વાત પહોંચાડી છે કે આવા કેસમાં કડક વલણ દાખવજો. ઉપ-રાજ્યપાલ તરફથી પણ વળતો જવાબ મળ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે બિલકુલ હું માનું છું કે ચૂક થઈ છે. જે આ ઘટના પાછળ જવાબદાર છે, તેને તો સજા આપીશું જ. હવે પછી પણ આવી ઘટના ન બને એ વાતનું પણ ધ્યાન રાખીશું.'
દિવ્ય ભાસ્કરે વરિંદરજિત સિંહને સવાલ કર્યો કે આ કેસ સંદર્ભે ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા હાલ કેમ કાંઈ નથી કહી રહ્યા? જેના જવાબમાં વરિંદરજિત સિંહે કહ્યું, 'કેટલાક પ્રોટોકોલ અને સુરક્ષા કારણોસર ઉપ-રાજ્યપાલે કેટલીક વાતો સામે ચાલીને જાહેર ન કરવી જોઈએ. ઉપ-રાજ્યપાલ મારી નજરે તો આખા રાજ્યના માલિક હોય છે. તેમની નીચે ચીફ સેક્રેટરી હોય છે, ત્યાં દબાણ વધારીને આ કેસમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા હશે. સરકાર તો પોતાનું કામ કરી રહી છે.'
આ કારણે સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવ્યો કિરણ
કિરણ પટેલના કાંડનો પર્દાફાશ થવા પાછળ સોશિયલ મીડિયા પર તેની ગતિવિધિને કારણભૂત ગણાવી. દિવ્ય ભાસ્કરને વરિંદરજિત સિંહે જણાવ્યું હતું કે 'ફેસબુક, ટ્વિટર પર કિરણ પટેલ ખૂબ સક્રિય રહેતો હતો. આ વાત કેટલાક લોકોના ધ્યાનમાં આવી. આ મુદ્દે તપાસ શરૂ થઈ, ત્યાર બાદ ઘટસ્ફોટ થયો કે કિરણ પટેલ ફ્રોડ છે.'
શું મૌખિક આદેશ બાદ કિરણને સુરક્ષા મળી હતી?
બે દિવસ પહેલાં મીડિયા સાથે વાત કરતાં ADGP વિજય કુમારે જણાવ્યું હતું કે 'અમે માત્ર મૌખિક વાતચીતના આધારે કોઈને પણ સુરક્ષા આપતા નથી. આ કેસમાં નિયમ મુજબ FIR નોંધવામાં આવી છે અને આરોપીની પૂછપરછ થઈ રહી છે. આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જમ્મુ-કાશ્મીર પોલીસ આ સમગ્ર કેસમાં ગુજરાત પોલીસ સાથે સતત સંપર્કમાં છે. જોકે આ ઘટનામાં ઈન્ટેલિજન્સની નિષ્ફળતા નથી, પરંતુ અમે એ વાત સ્વીકારીએ છીએ કે ભૂલ તો થઈ છે. જે પણ અધિકારીએ આરોપીની સુરક્ષાના ઓર્ડર આપ્યા હશે તેની સામે પગલાં લેવામાં આવશે.'
ગુજરાત ATSની ટીમ પણ કાશ્મીર ગઈ હોવાની ચર્ચા
જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલ સામે ચાલી રહેલી તપાસમાં ગુજરાત ATSની મદદ પણ લેવામાં આવી છે. ગુજરાત ATSના કેટલાક અધિકારીઓની એક ટીમ જમ્મુ-કાશ્મીર ખાતે તપાસમાં ગઈ હોવાની ચર્ચા થઈ રહી છે, જ્યાં તમામ ગતિવિધિઓ અને સ્થાનિક પોલીસ સાથે રહીને તપાસમાં સહયોગ આપવાની કામગીરી કરી રહી છે. જોકે ATSના વડા દીપેન ભદ્રને આ ચર્ચાઓને નકારી કાઢી છે.
ગુજરાતના IAS દ્વારા કાશ્મીર IASને ભલામણ
ગાંધીનગરમાં સચિવાલયમાં પણ કિરણ પટેલ મામલે ખૂબ જ ગણગણાટ શરૂ થયો છે. આજકાલ એવી પણ ચર્ચા થઈ રહી છે કે ગુજરાતના પણ બે એવા IAS છે, જે કિરણ પટેલ સાથે અંગત સંબંધ ધરાવતા હતા. આ સંબંધ સાચવવા માટે પણ આ બન્ને IAS દ્વારા કાશ્મીર ખાતે બે IASને ફોન કરીને કિરણ પટેલ માટે ભલામણ કરી હતી. કિરણ પટેલે આ ભલામણના આધારે તેને કાશ્મીરમાં લાભ મળ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકાર અમિત પંડ્યાની ગ્રાહક!
કિરણ પટેલ અને તેની સાથેના મળતિયાઓ અમિત પંડ્યા તથા જય સીતાપરા પણ હવે જેલ હવાલે થઈ ચૂક્યા છે. અમિત પંડ્યા સેલ્ફ સોલ્યુશન નામની એક કંપની ચલાવે છે, જે CCTV સર્વિલન્સની સેવા પૂરી પાડે છે. જાણકારી મળી છે કે ગાંધીનગર અને રાજકોટમાં તેની ઓફિસ આવેલી છે. આ કંપનીએ ગુજરાતમાં કેટલીક સરકારી ઓફિસો, પોલીસતંત્ર અને વિવિધ પાલિકાઓ માટે CCTV નેટવર્ક ઊભાં કર્યા છે, એટલે એક રીતે તો ગુજરાત સરકાર પણ ઠગાઈના કેસમાં ઝડપાયેલા આરોપીની ગ્રાહક રહી ચૂકી છે. અમિતને આ ટેન્ડર મળવા પાછળ એક કારણ તેના પિતા હિતેશ પંડ્યા મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી હોવાની વાત પણ કારણભૂત હોવાની ચર્ચા છે.
હિતેશ પંડ્યા હવે કોઈને ઓળખતા જ નથી!
ગાંધીનગરમાં કોઈ પત્રકાર અત્યારસુધી મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલય ખાતે જતા હતા, તે તમામને હિતેશ પંડ્યા ખૂબ સારી રીતે આવકારતા હતા, પરંતુ જ્યારથી કિરણ પટેલ અને અમિત પંડ્યા તથા જય સીતાપરા ગેંગની છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે ત્યારથી હિતેશ પંડ્યા કોઈની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરતા નથી. કદાચ ફોન ઉપાડે તોપણ એમ કહે છે કે 'આપણે રૂબરૂ વાતચીત કરીએ, કેમ કે હું તમને ઓળખતો નથી.'
હિતેશ પંડ્યા ઓફિસમાં ડોકાયા નથી
અમિત પંડ્યાના તાર કિરણ પટેલ સાથે જોડાયા હોવાનો ઘટસ્ફોટ થયો એ દિવસથી હિતેશ પંડ્યા સચિવાલયમાં ડોકાયા પણ નથી એવી જાણકારી તેમની ઓફિસ સૂત્રો પાસેથી મળી રહી છે. હિતેશ પંડ્યાને કદાચ ડર છે કે કદાચ તેમની પણ પૂછપરછ થાય અને તેમની નોકરી સામે પણ ખતરો ઊભો થઈ શકે. કદાચ આ દહેશતથી તેઓ સચિવાલય ખાતે જોવા મળતા નથી એમ લાગી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે કિરણની ગુજરાતમાં ગતિવિધિ મુદ્દે રસ દાખવ્યો
કિરણ પટેલના કેસમાં રોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આવા સમયે જમ્મુ-કાશ્મીર પોલીસે પણ ગુજરાતમાં ચાલતી ગતિવિધિ અંગે તપાસ અર્થે રસ દાખવ્યો છે. ગુજરાતમાંથી પણ જમ્મુ-કાશ્મીર પોલીસે કિરણ પટેલ અંગે માહિતી મગાવી છે. મળતી માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીર પોલીસે જય સીતાપરા, અમિત પંડ્યા અને કિરણ પટેલની તમામ માહિતી ગુજરાત પોલીસ પાસેથી મેળવી લીધી છે. કિરણ પટેલ કોણ છે?, તેની સામે કેટલા ગુના દાખલ થયા છે?, કેટલા સમયથી કાર્યરત હતો?, કોની-કોની સાથે વધુ સંકલન સાધતો હતો?, કેવી રીતે અને કોની મદદથી તે આટલો ફુલ્યોફાલ્યો હતો? એ દિશામાં વધુ તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. ત્યારે આગામી સમયમાં વધુ નવા ઘટસ્ફોટ થવાની સંભાવના છે. આ સાથે જ ગુજરાતમાં જે લોકો સાથે અંગત રીતે સંકળાયેલો હતો તેની સામે પણ કાર્યવાહી થવા અંગેનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.