• Gujarati News
  • Dvb original
  • Jain Couple Said Don't Give Non wage To Our Daughter, Child Service Guy Said It Should Be Given To The Child For Nutritionists

ભાસ્કર એક્સક્લૂસિવજર્મનીમાં દીકરીને પાછી મેળવવા ગુજરાતી પરિવારે 60 લાખ ખર્ચ્યા:જૈન દંપતીએ કહ્યું- અમારી દીકરીને નોનવેજ ન આપતા, ચાઇલ્ડ સર્વિસવાળાએ કહ્યું- ન્યૂટ્રિશિયન્સ માટે એ આપવું જ પડે

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર

'ચાઇલ્ડ સર્વિસ એવું કહે છે કે ન્યૂટ્રિશિયન્સ માટે તો નોનવેજ જરૂરી છે, એ તો આપવું જ પડે,' આટલું કહેતાં ધારા શાહ ખૂબ જ ભાવુક થઈ જાય છે. આગળ તેઓ કહે છે, 'અમે ચાઇલ્ડ સર્વિસને કહ્યું હતું કે અમે વેજિટેરિયન છીએ, તેથી તેને નોનવેજ આપતાં નહીં. જ્યારે જર્મનીમાં ઈંડાં અને ફિશ પણ વેજ માનવામાં આવે છે. અમે ચોખવટ કરી હતી બાળકને આ બે ઉપરાંત મીટ પણ ન આપવામાં આવે, પણ એ લોકો બાળકને શું ખવડાવે છે અને કેવી રીતે ધ્યાન રાખે છે એ અંગે અમને કંઈ જ કહેવામાં આવતું નથી. આટલા સમયમાં તેમને કોર્ટ અને અન્ય બાબતોનો ખર્ચો પણ ખૂબ થઈ ગયો છે.

આ વિશે ભાવેશભાઈ કહે છે, 'અમે લગભગ 60 હજાર યુરો એટલે કે 60 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે. એ(ચાઇલ્ડ સર્વિસ) લોકો અમારા બાળકને રાખે છે, એના માટે પણ અમને મોટું બિલ મોકલવામાં આવ્યું છે. અમે તેમને લેટર લખ્યો છે કે અમારી પાસે હમણાં પૈસા નથી તો અમે ઇન્સ્ટોલમેન્ટમાં ભરી શકીએ? પહેલા રૂપિયા મેનેજ કરવા માટે મારી વાઈફ પણ નોકરી લાગી ગઈ, પછી પણ ખર્ચો વધતો ગયો એટલે અમે મિત્રો અને અન્ય લોકો પાસેથી ઉધાર લીધા. હવે UK અને ભારતની ઘણી બધી જૈન સંસ્થાઓ પાસેથી ડોનેશન પણ આવવાનું શરૂ થઈ ગયું છે. ધારાના કહેવા પ્રમાણે, અમને નથી ખબર કે ભવિષ્યમાં કેવી રીતે શું કરીશું? અહીં રહીશું કે મુંબઈ પાછા જઈશું? આવા ઘણા બધા કેસ અગાઉ પણ બની ચૂક્યા છે. તેમનાં માબાપ સાથે વાત કરી તો અમને એટલી ખબર પડી કે તે લોકોને ખર્ચો એટલો થઈ ગયો છે કે એ ચૂકવવા માટે પણ અહીં રોકાવવું પડ્યું છે.'

ભાવેશ શાહ, પત્ની ધારા અને દીકરી અરિહા
ભાવેશ શાહ, પત્ની ધારા અને દીકરી અરિહા

શું છે આ ઘટના?
સોફ્ટવેર એન્જિનિયર ભાવેશ શાહ તેમની પત્ની ધારા સાથે ઓગસ્ટ 2018માં બર્લિનમાં સ્થાયી થયા હતા. દરમિયાન ફેબ્રુઆરી 2021માં તેમને ત્યાં દીકરી અરિહાનો જન્મ થયો હતો. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં એક દિવસ તેની નેપીમાં લોહી દેખાતાં તેમણે ડૉક્ટરને બતાવ્યું હતું. પછી અમુક દિવસો બાદ તેઓ અરિહાને ફરી ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોક્ટરે ચાઇલ્ડ સર્વિસને બોલાવી અરિહાને તેમને સોંપી દીધી હતી. ત્યારથી જૈન દંપતી વિદેશની ધરતી પર પોતાની બાળકીને પરત લાવવા માટે છેલ્લા 12 મહિનાથી લડત લડી રહ્યું છે. કસ્ટડી બેટલ ફાઇટ કરી રહ્યું છે. અત્યાર સુધી ત્રણવાર હિયરિંગ થયું છે.

પહેલા મહિનામાં 4 વખત મળતાં, હવે 1 વખત મળે છે
ધારાએ આગળ કહ્યું હતું, 'પહેલાં અમે મહિનામાં 4 વખત મળી શકતાં હતાં, પણ હવે ફક્ત 1 જ વખત 1 કલાક માટે મળવા દેવામાં આવે છે. અગાઉ બાળકના ચહેરા પર જે ચાર્મ હતો અને રોનક હતાં, એ હવે અમને નથી દેખાતાં. તેના મોં પરથી દેખાય છે કે તેને ખ્યાલ છે કે તેની સાથે કંઈક તો અજુગતું થઈ રહ્યું છે, પણ શું એ એને સમજ પડતી નથી. અમને મળે ત્યારે તે ખીલી ઊઠે છે. અમને વળગી પડે છે. અમારી સાથે રમવામાં, વાતો કરવામાં તેને બહુ મજા આવે છે. એક કલાક તો ક્યાં જતો રહે છે એની કંઈ જ ખબર પડતી નથી. અમે જે જમવાનું લઈ જઈએ છીએ એ ખૂબ જ પ્રેમથી ખાય છે. એ અમારા બે પાસે જ રહે છે. તેને પાછું જવું ગમતું નથી. ફોસ્ટર મધર પાસે જતી જ નથી. અમારા પગ પકડીને ઊભી રહી જાય છે. જાણે કહેતી હોય કે 'મારે નથી જવું મમ્મી.' મહિને એક વખત મળે છે તો પણ ઓળખી જાય છે કે આ મારાં મા-બાપ છે. એવું ફીલ થાય છે કે આખો મહિનો બિચારી પ્રેમ અને હૂંફ શોધે છે, પરંતુ એ ત્યારે તેને મળે છે, જ્યારે અમે તેને મળીએ છીએ.'

દીકરી અરિહાના જન્મ બાદ જૈન દંપતી ખૂબ ખુશ હતું.
દીકરી અરિહાના જન્મ બાદ જૈન દંપતી ખૂબ ખુશ હતું.

ચીટ કરીને અરિહાનો પાસપોર્ટ પણ લઈ લીધો
ધારા ચાઇલ્ડ સર્વિસ પર આક્ષેપ કરે છે કે તેમણે ચીટ કરીને અરિહાનો પાસપોર્ટ પણ લઈ લીધો છે. તેમના કહેવા અનુસાર, સપ્ટેમ્બરમાં ત્રણેના વિઝા પતી જતા હતા ત્યારે અરિહા ચાઇલ્ડ સર્વિસ પાસે હતી. ત્યારે શાહ દંપતી વિઝા એક્સટેન્ડ કરાવવા ગયું ત્યારે ચાઇલ્ડ સર્વિસ અરિહાને ત્યાં લઈને આવી હતી. શાહ દંપતીએ ત્રણેયના પાસપોર્ટ વિઝા માટે આપ્યા. ત્યારે વિઝા ઓફિસરે જર્મનીમાં વાત કરીને અરિહાનો પાસપોર્ટ ચાઇલ્ડ સર્વિસને આપી દીધો હતો. એ અંગે અમને કોઈ નોટિસ પણ નથી આપી અને જાણ પણ ન કરી.

ભાવેશે કહ્યું હતું, 'તેને જે રીતે રાખે છે એ જોઈને જ ખબર પડી જાય કે આ અમારા માણસો નથી. તેને ખ્યાલ આવી જતો હશે કે હું આ લોકોમાંથી નથી. અમારી પાસે બહુ પ્રેમથી આવે છે. અમારો રિપોર્ટ પણ પોઝિટિવ છે અને વકીલે પણ કહ્યું છે કે બેબી તથા પેરેન્ટ્સ બહુ પ્રેમથી ને સારી રીતે રહે છે. તેમણે એકવાર પણ એવું નથી જોયું કે માબાપને બાળક સાથે નથી રહેવું, પરંતુ અમારી વાત જ સાંભળવામાં આવતી નથી.'

દીકરી અરિહાને યાદ કરીને જૈન દંપતી રોજ આંસુઓ સારી રહ્યું છે.
દીકરી અરિહાને યાદ કરીને જૈન દંપતી રોજ આંસુઓ સારી રહ્યું છે.

ફિટ પેરેન્ટ એબિલિટી રિપોર્ટ, ક્યારે બનશે ખબર નથી
તેણે વધુમાં કહ્યું હતું, 'અમને એવું કહેવામાં આવ્યું છે કે અમારો સાઇકોલોજિકલ એસેસમેન્ટ એટલે 'ફિટ પેરન્ટ એબિલિટી' રિપોર્ટ પૂરો નહીં થાય ત્યાં સુધી એ કોઈપણ નિર્ણય આપશે નહીં. આ રિપોર્ટ અમને જાન્યુઆરીમાં કરાવવાનું કહ્યું હતું, પણ ઓગસ્ટ પૂરો થઈને સપ્ટેમ્બર પણ આવી ગયો તેમ છતાં હજી સુધી રિપોર્ટ તૈયાર થયો નથી. આ દરમિયાન હવે ચાઇલ્ડ સર્વિસે 'કન્ટિન્યૂટી'નો પ્રિન્સિપલ વાપરવાનો શરૂ કર્યો છે, જે મુજબ જો બાળક લાંબા સમય સુધી કોઈ જગ્યા પર રહ્યું હોય તો પછી તેના ડેવલપમેન્ટ અને સ્ટેબિલિટી માટે તેને મૂવ કરવું યોગ્ય નથી અને ચાઇલ્ડ સર્વિસ ક્લેમ કરે છે કે બાળક અમારા કરતાં વધારે ફોસ્ટરમાં રહ્યું છે. તે લોકોના જ સાઇકોલોજિકલ રિપોર્ટને આટલો સમય લાગ્યો હતો, તેમ છતાં તેઓ કહે છે કે બાળક વધારે ફોસ્ટરમાં રહ્યું છે, માબાપ પાસે રહ્યું નથી એટલે એ એવોઇડ કરવા માટે અમે ભારત સરકાર પાસે મદદ માગી રહ્યા છીએ. અમે ઘણા MP-MLA પાસે ગયા છીએ, જેમણે MEAને રિક્વેસ્ટ કરી છે. MEA સાથે અમારા પરિવારની મિટિંગ પણ થઈ, જેમાં તેમણે કહ્યું કે છે કે એ અમારા પરિવારની ઇવેલ્યુશન શરૂ કરાવશે. એ વાતને પણ આજે 3-4 સપ્તાહ થઈ ગયાં છે, પણ તેમણે કોઈ ઇવેલ્યુશન ચાલુ કરાવ્યું નથી. હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ પણ નથી આવ્યો.'

ફોસ્ટરની સિસ્ટમ શું છે?
ભાવેશે આગળ ઉમેર્યું હતું, 'ફોસ્ટરમાં કોઈ ડાયરેક્ટ ફેમિલી હોતી નથી. ફોસ્ટર પીપલ બાળકને 1-2 કે 3 વર્ષ રાખે એનું કંઈ નક્કી હોતું નથી. જે બાળકનો પરિવાર ના હોય તેમને ફોસ્ટરમાં રાખવામાં આવે છે. અમારા બાળકનો પરિવાર છે. જૈન સમાજમાંથી ઘણા લોકો અમારી બાળકીને રાખવા માટે આગળ આવ્યા છે તેમ છતાં જર્મન ચાઇલ્ડ સર્વિસ મારા બાળકને તેમને સોંપવા માગતા નથી અને કોઈ રિસ્પોન્ડ આપતા નથી. એક વખત ફોસ્ટરમાં રાખવાનું નક્કી થઈ જાય પછી બાળક 16-18 વર્ષ સુધીનું થાય ત્યાં સુધી ફોસ્ટરમાં જ રાખવામાં આવે છે. એ બાળક એકથી બીજા ફોસ્ટરમાં મૂવ કર્યા કરે.'

અરિહાની સ્થિતિ શું બનશે?
ધારાએ કહ્યું હતું, 'એક ભારતીય બાળક જ્યારે મેચ્યોર થશે ત્યારે તેનું કોઈ સગું નહીં હોય, કારણ કે તેના કોઈ સગા સાથે રિલેશન બન્યા જ નથી. તેના કોઈ ફેમિલી મેમ્બર નહીં હોય. તે એકલી અનાથોની જેમ જર્મનીમાં ફરતી રહેશે. તેને જોઈને જ ખબર પડશે કે હું આ લોકોમાંથી એક નથી તો તેના મગજ પર શી અસર પડશે? દર 2-3 વર્ષે સતત પરિવાર બદલાવાથી તેને એવું લાગશે કે શું મને કોઈ રાખવા તૈયાર નથી? એ વિચારીને જ અમને બહુ ડર લાગે છે, એટલે જ અમે ભારત સરકાર પાસે મદદ માગીએ છીએ કે પ્લીઝ, અમે અમારા માટે કંઈ જ હેલ્પ માગતા નથી. બાળક ઇન્ડિયન સિટિઝન છે, તેનો કોઈ ગુનો નથી. તેણે તેના દેશ, સમાજ, સંસ્કૃતિમાં રહેવાનો અધિકાર છે તો તમે એના માટે બોલો કે જે બાળક આજે બોલી નથી શકતું.'

દરેક વખતે યાદ આવે છે, અમે સાબિત કરીશું કે અમે જવાબદાર પેરન્ટ્સ છીએ
ધારા કહે છે, 'હું બાળકને એટલી યાદ કરું છું કે દરેકમાં મને મારી દીકરી યાદ આવે છે. શું કરતી હશે? શું ખાતી હશે? શું પીતી હશે? જે પ્રેમ -હૂંફ બાળકને પરિવાર આપી શકે છે એ કોઈ આપતું નથી. અમે સાચા છીએ એટલે જ પોલીસ કેસ પણ બંધ થયો છે. અમે આમાં પણ સાબિત કરીશું કે અમે સક્સીડ પેરેન્ટ્સ છીએ, પણ એને સમય લાગશે. કોર્ટે કહ્યું છે કે આ વસ્તુને ઓછામાં ઓછાં 2-3 વર્ષ લાગશે. આ ઉપરાંત ચાઈલ્ડ સર્વિસે કન્ટિન્યૂટીનો પ્રિન્સિપલ વાપરવાનો શરૂ કરી દીધો છે. અમે એવું કહીએ છીએ કે બાળકને ભારતમાં જૈન કે ગુજરાતી પરિવારને આપવામાં આવે. પહેલાં પણ US અને નૉર્વેમાં પણ સરકારે વચ્ચે પડી હતી અને બાળકોને ભારત મોકલવામાં આવ્યાં છે.'

અન્ય દેશોનાં બાળકો પણ ચાઇલ્ડ સર્વિસે લઈ લીધાં
ભાવેશ અને ધારા કહે છે, 'જ્યારે બાળકને ભારતીય પરિવારો સાચવવા તૈયાર છે તો એ જર્મન પરિવારને જ બાળક સોંપવા કેમ ફોર્સ કરે છે? અમે બધું કરવા તૈયાર છીએ. આ વસ્તુ મને શંકાસ્પદ લાગી રહી છે. આ એક કેસ નથી, તમે ગૂગલ કરશો તો ઘણા કેસ મળી આવશે. પૉલિશ, તુર્કીશ, ફ્રેંચ, કેનેડા અને અમેરિકાથી આવેલાં ઘણાં બધાંનાં બાળકને લેવામાં આવ્યાં છે. અત્યારે રોમેનિયન ફેમિલીનો કેસ ચાલે છે, જેનાં 7 બાળકો લીધાં છે. રોમેનિયન સરકારે વચ્ચે પડીને બે બાળકની કસ્ટડી માબાપને પરત અપાવી છે અને બાકીનાં 5 બાળકને પણ પાછાં અપાવવામાં મદદની વાત કરી છે, કારણ કે આ સિસ્ટમમાં ફોલ્ટ છે. બાળકને પરિવારમાં જ રહેવાનો હક છે.'

ભાવેશે એમ પણ કહ્યું હતું, 'અમારી પાસેથી ફક્ત રાઇટ ટુ રેસિડન્સ લેવામાં આવ્યું છે, એ શું ખાય? તેણે કઈ સ્કૂલમાં જવું? કયો ધર્મ ફોલો કરવો જોઈએ? કઈ ભાષા શીખવી જોઈએ, એ બધા હક અમારી પાસે છે. અમે જ્યારે તેમને કહીએ છીએ તો અમને એવી ધમકી આપવામાં આવે છે કે તમારી આ બધી ડિમાન્ડ પૂરી કરવામાં આવશે નહીં અને તમારી પાસેથી બધા હક લઈ લેવામાં આવશે.'

ધારા વારંવાર કહે છે, 'ભારત સરકારને અમારી એક જ વિનંતી છે કે પ્લીઝ, જેમ તમે પહેલાં પણ બોલ્યા છો એમ આ ભારતીય બાળક માટે બોલો. એક જ વિનંતી છે કે બાળક મહિનામાં એક વખત જ પ્રેમ અને હૂંફ શોધે છે, એને બદલે એ ભારત આવી જાય અને તેને પરિવારનો પ્રેમ મળે, એવું કંઈ કરો. તેને ભારત પહોંચાડવા માટે અમારી વાત સરકાર સુધી પહોંચાડવામાં અમને મદદ કરો.'

અન્ય સમાચારો પણ છે...