સામાન્ય રીતે લોકો વિવિધ શાકભાજી, ફળ કે પછી ફૂલોની ખેતી કરતા હોય છે, પણ આજે વાત કરવી છે ઇટાલિયન મધમાખીથી મધની મીઠી ખેતીની. હા, તમે બરાબર જ વાંચ્યું ઇટાલિયન મધમાખી ઉછેરથી મધની ખેતી. ખેતીમાં આવતાં ફૂલોને સંલગ્ન મધમાખીની ખેતી ઘણી જગ્યાએ થાય છે, પરંતુ રાજકોટ જિલ્લામાં આવેલા વિંછિયા તાલુકાના હાથસણી ગામમાં રહેતો 23 વર્ષીય યુવાન મધમાખીની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે. એગ્રોનોમીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મધમાખીના વ્યવસાયને અપનાવનાર આ યુવાનનું નામ છે નિલેશ ગોહિલ. એક વર્ષ પહેલાં જ તેણે 50 મધમાખીની પેટીથી હની-બીની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને આજે તેની પાસે મધમાખીની 200 પેટી છે. માત્ર એક જ વર્ષમાં નિલેશે આ બિઝનેસ એવો સેટ કર્યો છે કે એનાથી માસિક 50 હજારથી વધુ રૂપિયા નફો મેળવી રહ્યો છે.
વાર્ષિક 1800 કિલો મધનું ઉત્પાદન કરે છે
રાજકોટના આ યુવાને એગ્રોનોમીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ છ મહિના સુધી મધમાખીની ખેતીનું પ્રેક્ટિકલ નોલેજ લીધુ અને અંતે એક વર્ષ પહેલા પોતાનો મધનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. શરૂઆતમાં વોટ્સએપ, ફેસબુક વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમોથી રિટેઇલમાં મધ વેચવાનું શરૂ કર્યું. જેમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. તેમના મધની ગુણવત્તાને કારણે ટૂંક સમયમાં જ તેના મધની માંગ વધવા લાગી. મધની માંગ વધતા ઉત્પાદનમાં વધારો કરવા તેણે ધીમે-ધીમે મધની પેટીમાં પણ વધારો કર્યો અને મહિનામાં 100 કિલોથી વધુ મધનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યુ. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મધ મંગાવતા હતા. તો વળી, ઘણી વખત વધુ ઉત્પાદન મળે ત્યારે કંપનીમાં પણ હોલસેલમાં મધ સપ્લાય કરતા હતા. આમ, નિલેશ વાર્ષિક 1800 કિલોથી પણ વધારે મધનું ઉત્પાદન કરે છે. જેમાંથી 7થી 8 લાખનું વાર્ષિક ટર્નઓવર મેળવે છે.
મહિને 150 કિલોનું મધ ઉત્પાદિત કરે છે
નિલેશ તેમની જર્ની વિશે જણાવે છે કે, ‘શરૂઆતના સમયગાળામાં વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા બિઝનેસનું પ્રમોશન કર્યું હતુ અને તેના દ્વારા જ ઓર્ડર લેવાની શરૂઆત કરી હતી. હવે આજે તે રિટેઇલિંગની સાથે સાથે કંપનીમાં પણ મધનો સપ્લાય કરું છું. સામાન્ય રીતે માસિક 150 કિલોથી વધારે મધનું ઉત્પાદન થાય છે. જેમાં મુખ્યત્વે અજમો, વરિયાળી, બોર, ક્રિસ્ટલ(જામેલુ મધ), મલ્ટી અને રાયડો એમ છ પ્રકારના મધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં દેશી મધમાખીનો ઉછેર કરીને દેશી મધનું ઉત્પાદન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યો છું.’
ફૂલો વધુ હોય ત્યાં સ્થળાંતરિત થવું પડે છે
હની-બીની ખેતી વિશે નિલેશ વધુ જણાવતા કહે છે કે, ‘મધમાખીની ખેતીમાં સતત માઇગ્રેશન જરૂરી હોય છે. મોટેભાગે જ્યાં ઊભો પાક હોય તેવા વિસ્તારમાં અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં ફૂલો મળી રહેતા હોય તેવા વિસ્તારમાં જ મધમાખીની ખેતી કરવામાં આવે છે. હું જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, આમરણ(મોરબી) અને જૂનાગઢના સીમ વિસ્તારમાં મોટેભાગે ખેતી કરું છું. કારણ કે ત્યાં ફૂલ અને પાકની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેવી રીતે જુદા-જુદા ફૂલ અને પાક હોય છે તે પ્રમાણે અલગ અલગ ફ્લેવરનું મધ મળે છે.’ નિલેશ હાલમાં છ પ્રકારના મધનું ઉત્પાદન કરે છે, જેમાં અજમો, બોર, વરિયાળી, રાયડો, મલ્ટી અને ક્રિસ્ટલ મધ (જામેલું મધ)નો સમાવેશ થાય છે. આ સિવાય છેલ્લા ચારેક મહિનાથી તેણે દેશી મધનું ઉત્પાદન કરવા પ્રયત્નો ચાલુ કર્યા છે.
‘રાયડાના મધનું ઉત્પાદન કરવા રાજસ્થાન જવું પડે છે’
ગુજરાત સિવાય નિલેશ રાજસ્થાનના અમુક સૂકા પ્રદેશોમાં પણ ખેતી કરવા જાય છે. જેમાં ઉદેપુર, જયપુર અને કોટાની આજુબાજુના વિસ્તારમાં આવેલા પ્રદેશમાં રાયડાના મધનું ઉત્પાદન કરે છે. નિલેશ જણાવે છે કે, ‘રાજસ્થાનના મોટાભાગના પ્રદેશોમાં સરસવનો પાક ખૂબ વધારે પ્રમાણમાં લેવાય છે. તેથી ત્યાં રાયડાના મધનું ઉત્પાદન કરવામાં આવે છે. વળી, મોટા પ્રમાણમાં સરસવનો પાક લેવાતો હોવાથી મધનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.’
આ વાંચોઃ-ઓર્ગેનિક ખેતી કરી વાર્ષિક રૂ. 1.25 કરોડ કમાય છે આણંદના IT એન્જિનિયર દેવેશ પટેલ
મધ કેવી રીતે બને છે?
સૌથી પહેલા મધમાખી ફૂલ અને પાક પર બેસી તેમાંથી રસ ચૂસે છે. ત્યારબાદ મીણના બનેલા ચોસલામાં તે મળ ત્યાગ કરે છે, જે મધ સ્વરૂપે રૂપાંતરણ પામે છે. શરૂઆતમાં આ મધમાં પાણીની માત્રા વધારે હોય છે. મધમાખી રાતના સમયે પાંખો ફફડાવી મીણના ચોસલામાં રહેલા મધમાંથી પાણીનો ભાગ દૂર કરે છે. આ પ્રકિયા સતત 7થી 8 દિવસ સુધી ચાલતી રહે છે. આ પ્રકારના મધને કાચું મધ કહે છે. ત્યારબાદ મધને પકવવા માટે રાખવામાં આવે છે. અંદાજે 12થી 15 દિવસની અંદર મધ સંપૂર્ણપણે પાકી જાય છે અને પછી તેને મીણના ચોસલામાંથી બહાર કાઢી શકાય છે. જેનો ડાયરેક્ટ યુઝ કરી શકાય છે તેમ નિલેશ ગોહિલ જણાવે છે.
આ પણ વાંચોઃ-લાખોની નોકરી છોડીને ઓર્ગેનિક જામફળની ખેતી શરૂ કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.