• Gujarati News
  • Dvb original
  • It Will Be Difficult For Pakistan To Caught Indian Fishing Boat, Ahmedabad Company Developed Indigenous System

એક્સક્લૂઝિવ:પાકિસ્તાન માટે હવે ભારતીય માછીમારોનું અપહરણ કરવું અશક્ય બનશે, અમદાવાદની કંપની વિકસાવી રહી છે ખાસ સ્વદેશી સિસ્ટમ

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • ઇન્ફિટ્રોન એડવાન્સ સિસ્ટમ્સે સ્વદેશી એન્ટી-જામિંગ અને એન્ટી-સ્પૂફિંગ ટેક્નોલોજી વિકસાવી

અવારનવાર સમાચાર આવતા હોય છે કે પાકિસ્તાન મરીન સિક્યોરીટી એજન્સી (PMSA) ભારતીય માછીમારોને બોટ સહિત અપહરણ કરી જતી હોય છે. મોટે ભાગે ગુજરાતના માછીમારો સાથે આવી ઘટના વધુ થતી જોવા મળે છે, પરંતુ હવે પાકિસ્તાની સિક્યોરિટી એજન્સી માટે આમ કરવું અશક્ય બનશે. અમદાવાદની ડિફેન્સ અને એરોસ્પેસ ટેક્નોલોજી કંપની ઇન્ફિટ્રોન એડવાન્સ સિસ્ટમ્સ એન્ટી જામ - એન્ટી સ્પૂફિંગ સિસ્ટમ વિકસાવી રહી છે, જેનાથી માછીમારીની બોટનું નેવિગેશન અને GPS સિસ્ટમને ખરાબ કરી શકશે નહીં.

ઇન્ફિટ્રોન એડવાન્સ સિસ્ટમ્સે તૈયાર કરેલું એન્ટી-જામિંગ અને એન્ટી-સ્પૂફિંગ ડિવાઇસ.
ઇન્ફિટ્રોન એડવાન્સ સિસ્ટમ્સે તૈયાર કરેલું એન્ટી-જામિંગ અને એન્ટી-સ્પૂફિંગ ડિવાઇસ.

કઈ રીતે ભટકાવાય છે ભારતીય માછીમારોની બોટ?
GPS સિસ્ટમ સાથે કઈ રીતે છેડછાડ થાય છે એ અંગે જણાવતા ઇન્ફિટ્રોન એડવાન્સ સિસ્ટમ્સના ફાઉન્ડર અને સીઈઓ હિમાંશુ દવેએ કહ્યું હતું કે પાકિસ્તાની એજન્સીઓ જામરથી ભારતીય બોટની GPS સિસ્ટમને મળતા સિગ્નલને અટકાવે છે અને એને કારણે સાચું લોકેશન મળતું નથી. આ સ્થિતિમાં ભારતીય બોટની ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને બીજા દેશમાં જવાની સંભાવના વધી જાય છે. આ સિવાય સ્પૂફિંગ સિગ્નલ પણ છોડવામાં આવે છે. સ્પૂફિંગને કારણે GPS ખોટી દિશા બતાવે છે. એટલે કે બોટ ઉત્તરમાં હોય તોપણ દક્ષિણનું લોકેશન બતાવે. આને કારણે માછીમારો કે અન્ય બોટ્સ રસ્તો ભટકી જતી હોય છે.

એકસાથે 12 સેટેલાઈટ સાથે કનેક્ટ થશે
હિમાંશુ દવેએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં લોકેશન સેટ કરવા માટે GPS સિસ્ટમ ત્રણ સેટેલાઈટ સાથે કનેક્ટ થાય છે. અમે જે સિસ્ટમ વિકસાવી છે એમાં આ ડિવાઇસમાં ચાર ચેનલ્સ છે જે એકસાથે 12 સેટેલાઈટ સાથે જોડાશે. આને કારણે જામ કરતાં સિગ્નલ્સ આવે તોપણ અંદરના એલ્ગોરિધમના આધારે GPS સિસ્ટમ નબળી પડતાં સિગ્નલ બીજા સેટેલાઇટ્સ સાથે કનેક્ટ થશે અને તમારી પોઝિશનની જાણકારી મળતી રહેશે.

કોઈ ભારતીય કંપનીએ આવાં ડિવાઇસ નથી બનાવ્યાં
તેમણે કહ્યું હતું કે આ પ્રકારના એન્ટી-જામિંગ અને એન્ટી-સ્પૂફિંગ ટેક્નોલોજી વિશ્વમાં 2 કંપની બનાવે છે, જેની કિંમત રૂ. 10 લાખથી વધુ છે. આ કિંમત માછીમારોને પોસાય એવી નથી. અમારું ડિવાઇસ આ ભાવ કરતાં ઘણું જ સસ્તું અને પરવડે એવું હશે. આ સંપૂર્ણ સ્વદેશી સિસ્ટમ હશે અને તેથી તેના ભાવ પણ ઘણા નીચા હશે. હજુ સુધી કોઈ ભારતીય કંપનીએ આ પ્રકારની સિસ્ટમ કે ડિવાઇસ બનાવ્યા નથી. અમે આ બંને વસ્તુ એક જ ડિવાઇસમાં મળે એ રીતે સંપૂર્ણ સ્વદેશી સિસ્ટમ વિકસાવી છે.

ત્રણ વર્ષના રિસર્ચ બાદ પ્રોટોટાઈપ ડિવાઇસ તૈયાર કર્યું
છેલ્લાં ઘણાં વર્ષથી ભારત એન્ટી-જામિંગ અને એન્ટી-સ્પૂફિંગ ટેકનોલોજી તૈયાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. હિમાંશુ દવે અને તેમની ટેક્નિકલ ટીમે ત્રણ વર્ષના રિસર્ચ બાદ આ સિસ્ટમનો પ્રોટોટાઈપ ડિવાઇસ રેડી કર્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં આ પ્રોટોટાઈપને ભારત સરકારની માન્ય લેબોરેટરીમાં માન્યતાપ્રાપ્ત કરાવી ડિફેન્સના મેક-2 (Make-II) પ્રોજેક્ટમાં મંજૂરી માટે મોકલીશું. આ ઉપરાંત ઇન્ડિયન નેવી અને ભારતીય ગૃહ વિભાગને પણ આ પ્રકારના ડિવાઇસ માટે પ્રસ્તાવ મોકલવામાં આવશે.

1,200થી વધુ ભારતીય ફિશિંગ બોટ પાકિસ્તાને પકડી છે
નેશનલ ફિશવર્કર્સ ફોરમ (NFF)ના ગુજરાતના સેક્રેટરી મનીષ લોઢારીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાતમાં 25,000થી વધુ ફિશિંગ બોટ્સ આવેલી છે. છેલ્લાં 15 વર્ષની વાત કરીએ તો 1,200થી વધુ ભારતીય ફિશિંગ બોટ પાકિસ્તાન મરીન એજન્સીએ પકડી છે. ફિશિંગ બોટમાં દિશા બતાવવા માટે GPS સિસ્ટમ તો હોય છે, પણ આજે પણ ઘણા માછીમારોને એ સિસ્ટમની સમજ નથી પડતી, એટલે તેઓ પાકિસ્તાન જલસીમામાં જતા રહે છે. આ ઉપરાંત ગુજરાતના દરિયામાં પ્રદૂષણ વધતાં સારી માછલી માટે ઘણીવાર માછીમારો બોર્ડર ક્રોસ કરી લે છે.

અન્ય સમાચારો પણ છે...