• Gujarati News
  • Dvb original
  • It Is Not Easy To Bring Mehul Choksi From Dominica To India As We Do Not Have An Extradition Treaty With This Country.

ક્યારે ભારત લવાશે PNB કૌભાંડના આરોપીને:ડોમિનિકાથી મેહુલ ચોકસીને ભારત લાવવો આસાન નથી, કેમ કે આ દેશ સાથે આપણી પ્રત્યાર્પણસંધિ પણ નથી

નવી દિલ્હી8 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક

PNB કૌભાંડનો આરોપી હીરાનો વેપારી મેહુલ ચોકસી ભારતથી નાસી જઈને એન્ટીગુઆ જતો રહ્યો. 2017માં તેણે નાગરિકતા પણ લીધી, પરંતુ જ્યારે એન્ટીગુઆ સાથે ભારતે પ્રત્યાર્પણસંધિના નિયમ પ્રમાણે વાત આગળ વધારી તો એ ત્યાંથી નાસીને લગભગ 72000 લોકોની વસતિવાળા એક નાના આઈલેન્ડ ‘ડોમિનિકા’માં પહોંચી ગયો. સમાચારો અનુસાર, ભાગેડુ ચોકસી ડોમિનિકાથી નાસીને ક્યુબા જવાનો પ્લાન બનાવી રહ્યો હતો, પરંતુ એ દરમિયાન જ ડોમિનિકાની પોલીસે તેની ધરપકડ કરી લીધી. હવે ત્યાં તે જેલમાં કેદ છે.

પરંતુ સવાલ એ છે કે શું ડોમિનિકાથી તેને ભારત પરત લાવી શકાશે? શું ભારતની કાયદાકીય સિસ્ટમમાં કોઈ મોટી ખામી છે? કે તપાસ કરનારી એજન્સીઓ વચ્ચે તાલમેળનો અભાવ છે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે ભાસ્કરે ‘એસ્કેપ્ડઃ ટ્રુ સ્ટોરીઝ ઓફ ઈન્ડિયન ફ્યુજિટિવ ઈન લંડન’ના લેખક અને લંડનમાં જર્નાલિસ્ટ દાનિશ ખાન સાથે વાત કરી.

દાનિશના આ નવા પુસ્તકમાં મેહુલ ચોકસી, વિજય માલ્યા, નીરવ મોદી, ક્રિકેટ-બુકી સંજીવ ચાવલા, મ્યુઝિક ડિરેક્ટર નદીમ સૈફી, ઉદ્યોગપતિ ધર્મા જયંતી તેજા સહિત અનેક ભાગેડુ અપરાધીઓના કિસ્સા સામેલ છે. આવો, જાણીએ અમારા સવાલો અંગે દાનિશના જવાબ...

આર્થિક અપરાધ કર્યા પછી ઉદ્યોગપતિ ભારતમાંથી નાસી કેવી રીતે જાય છે?
જુઓ... એવા કેસોની તપાસ કરનારી એજન્સીઓ વચ્ચે તાલમેળ સારો હોવો જોઈએ. ઈમિગ્રેશન, ઈડી, પોલીસ, એરપોર્ટ ઓથોરિટી. એકપણ એજન્સીનો એક સામાન્ય કર્મચારી પણ જો ભૂલ કરે તો પછી અપરાધી નાસી જવામાં સફળ થાય છે. આમ ક્યાંક ને ક્યાંક એજન્સીઓ વચ્ચે યોગ્ય તાલમેળ ન હોય એ આ પ્રકારના કેસો માટે જવાબદાર હોય છે.

ધરપકડ પછી ડોમિનિકાની જેલમાંથી મેહુલની આ તસવીર સામે આવી છે. સળિયા પાછળ કેદ ચોકસી સ્કાય કલરનું ટી-શર્ટમાં દેખાય છે.
ધરપકડ પછી ડોમિનિકાની જેલમાંથી મેહુલની આ તસવીર સામે આવી છે. સળિયા પાછળ કેદ ચોકસી સ્કાય કલરનું ટી-શર્ટમાં દેખાય છે.

આનું એક ઉદાહરણ હું તમને આપું છું. વિદેશી રોકાણની તપાસમાં ઘેરાયેલા જેટ એરવેઝના માલિક નરેશ ગોયલ અને તેમનાં પત્ની અનીતા ગોયલ 25 મે, 2019ના રોજ મુંબઈ એરપોર્ટથી લંડન જવા માટે ફ્લાઈટમાં સવાર થઈ ગયાં હતાં, પણ અણીના સમયે ફ્લાઈટમાં એનાઉન્સમેન્ટ થયું. ફ્લાઈટ રોકવામાં આવી અને નરેશ ગોયલ અને તેમનાં પત્નીને ઉતારવામાં આવ્યાં, પરંતુ તમે વિચારો કે આ મામલે ખરા સમયે કોઈ એજન્સીએ સક્રિયતા તો દર્શાવી.

એરપોર્ટ ઓથોરિટીએ પણ તરત નિર્ણય લીધો, જોકે ગોયલ અને તેમનાં પત્ની ફ્લાઈટમાં બેસી જ ગયાં હતાં. થોડી મિનિટો સુધી વધુ સમય લાગ્યો હોત અને તેમના પર ધ્યાન ન અપાયું હોત તો તેઓ પણ રવાના થઈ ગયાં હોત. તેના પછી અહીંની કોર્ટે પણ એટલી મોટી રકમ વિદેશ જવાની અવેજીમાં જમા કરવા કહ્યું, જેથી તેઓ નાસી ન જાય. વાસ્તવમાં કંપનીના અકાઉન્ટ્સની તપાસ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ કરી રહી હતી.

તો મને લાગ થે કે કેસની તપાસ કરનારી એજન્સીઓની વચ્ચે સારો તાલમેળ હોવો જોઈએ. પાસપોર્ટ ઓથોરિટી પાસે એવા લોકોના પાસપોર્ટ નંબર હોવા જોઈએ, જેની તપાસ ચાલી રહી હોય. પાસપોર્ટ ચેક કરનારા વિભાગની પાસે આ નંબર અપડેટ રહેવા જોઈએ.

શું મેહુલ ચોકસી ડોમિનિકાથી ભારત આવી શકશે, આખરે પેચ શું છે?
ડોમિનિકાની સાથે આપણી પ્રત્યાર્પણસંધિ નથી. તો હવે એ વાત પર આધાર રહેશે કે આ દેશની સાથે આપણો હાલ તાલમેળ કેવો છે અને અગાઉના સંબંધ કેવા રહ્યા છે? અત્યારે તો પેચ જ પેચ છે. એની પહેલાં મેહુલ ચોકસી અનેક વર્ષ એન્ટીગુઆમાં રહ્યો. તેમણે ત્યાંની નાગરિકતા પણ લઈ રાખી હતી. એવા સમાચારો અનેકવાર આવ્યા કે બસ એન્ટીગુઆ ચોકસીને ભારતને સોંપી જ દેવાનું છે, પણ એવું બન્યું નહીં.

વાસ્તવમાં આ પ્રકારના દેશોની પોતાની મર્યાદા છે. એની ઈકોનોમી મોટા મોટા બિઝનેસમેનના રોકાણ પર ચાલે છે. જો કોઈ મોટો બિઝનેસમેન તેના દેશની નાગરિકતા લે છે તો એમાં તેનું હિત સમાયેલું હોય છે, આથી ક્યાંક ને ક્યાંક આ દેશ પણ તત્કાળ એવા લોકોને સોંપવાથી દૂર રહે છે.

હાથ પર ઈજાના નિશાન બતાવતો મેહુલ ચોકસી. તેના વકીલોએ દાવો કર્યો છે કે ચોકસી સાથે મારપીટ કરવામાં આવી છે.
હાથ પર ઈજાના નિશાન બતાવતો મેહુલ ચોકસી. તેના વકીલોએ દાવો કર્યો છે કે ચોકસી સાથે મારપીટ કરવામાં આવી છે.

તમે જુઓ, એન્ટીગુઆએ ડોમિનિકાને કહ્યું કે તમે તેને હવે અમારે ત્યાં મોકલવાને બદલે સીધા ભારત મોકલી દો. જ્યારે એન્ટીગુઆથી ચોકસીને ભારત લાવવો આસાન રહ્યું હોત, કેમ કે ત્યાં આપણી પ્રત્યાર્પણસંધિ છે. બધું કઈ રીતે બનવાનું છે એ ફિક્સ છે. હવે ભારતે ડોમિનિકા સાથે ડીલ કરવાની રહેશે. એનાથી કેસ વિલંબિત થતો જશે. ચોકસીને ટાઈમ મળશે તો તેના વકીલ અન્ય કોઈ માર્ગ શોધી કાઢશે. હવે આ ડોમિનિકા અને ભારત વચ્ચેના તાલમેળ અને સંબંધો પર આધાર રાખશે કે તે ચોકસીને લઈને શું નિર્ણય કરે છે.

તમને શું લાગે છે કે ભારતમાં મેહુલ ચોકસીની કોઈ મદદ કરી રહ્યું છે?
ચોકસી કે તેના જેવા અન્ય લોકોને ભારત લાવવા માટે લૉ સિસ્ટમ કામ કરે છે. દરેક વકીલ પોતાની રીતે કાયદાકીય પુસ્તકોમાં લખેલી વાતોનું અર્થઘટન કરે છે. રહી વાત ચોકસીની મદદની તો હું સ્પષ્ટ કંઈ ન કહી શકું, પરંતુ મોટા મોટા ઉદ્યોગપતિઓનાં કનેક્શન તો હોય જ છે. ઉદ્યોગપતિ ધર્મા જયંતી તેજા વિશે કહેવાય છે કે તેમણે ઈન્દિરા ગાંધીને એક ખૂબ મોંઘો કોટ ગિફ્ટ આપ્યો હતો. મોરારજી દેસાઈના પુત્ર તેમને ખુદ એરપોર્ટ સુધી છોડવા ગયા હતા.

વિજય માલ્યાએ પણ કહ્યું હતું કે અરુણ જેટલીને એ ખબર હતી કે હું જઈ રહ્યો છું. જોકે અરુણ જેટલીએ એ વાતનો ઈનકાર કર્યો હતો. તો કોઈ કનેક્શન આટલું મોટું ફ્રોડ કરીને નાસી જવું મને સંભવ લાગતું નથી, પરંતુ મેહુલ ચોકસીને કોણ મદદ કરી રહ્યું છે એના વિશે ચોક્કસ પુરાવા વિના કંઈપણ કહેવું યોગ્ય નથી.

તમને શું લાગે છે, કેટલો સમય લાગશે મેહુલ ચોકસીને ભારત લાવવામાં?
મને લાગતું નથી કે હાલ મેહુલ ચોકસીને ભારત લાવી શકાશે. એન્ટીગુઆ સાથે આપણે લાંબા સમયથી વાત કરી રહ્યા હતા. ભારતની એન્ટીગુઆ સાથે પ્રત્યાર્પણ સંધિ પણ છે. ચોક્સી અહીં લગભગ 3 વર્ષથી રહે છે. પ્રત્યાર્પણ સંધિ હોવા છતાં એન્ટીગુઆથી ચોકસીને ભારત લાવવામાં આટલો સમય લાગ્યો તો ડોમિનિકાથી ચોકસીને ભારત લાવવામાં વિચારો કે કેટલો સમય લાગી જશે. ડોમિનિકા ભારત સાથે પ્રત્યાર્પણ સંધિવાળા દેશોની યાદીમાં નથી. મને લાગે છે કે ચોકસીને ભારત લાવવામાં હજુ થોડાં વર્ષ નીકળી જશે.