ઋતુ બદલાય ત્યારે એની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. આવા બદલાવને કારણે ઘણીવાર ચામડીજન્ય રોગો પણ થતા હોય છે. ઋતુ પરિવર્તનને કારણે લોકોને ફંગસ, રિંગ વોર્મ (દાદર), ઇચિંગ (ખંજવાળ), બેક્ટેરિયલ ઇન્ફેકશન જેવી અનેક ચામડીની બીમારીઓ થાય છે. આવા ચામડીજન્ય રોગોની સારવાર માટે બજારમાં અનેક પ્રકારની ક્રીમ અને દવાઓ મળી રહી છે. જોકે ઘણીવાર આવી દવાઓને કારણે કાં તો કાયમી નિરાકરણ આવતું નથી કાં તો પછી લાંબા ગાળે એની આડઅસર પણ જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ સાથે મળીને ઓલ ઇન વન એવો હર્બલ સ્પ્રે બનાવ્યો છે, જેને કારણે અનેક ચામડીના રોગો કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વગર માત્ર સ્પ્રેથી જ મટી જશે. ગાંધીનગરની અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસીમાં પાસ આઉટ સ્ટુડન્ટસ અને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટીનાં ઈન્ક્યુબેટર્સ વત્સલ શાહ, પાયલ પરમાર અને રિદ્ધિ પ્રજાપતિએ સૌપ્રથમવાર ચામડીના રોગની બીમારીને દૂર કરવા માટે શ્રીફળની કાચલીમાંથી હર્બલ સ્પ્રે તૈયાર કર્યો છે.
દાદીના ઘરગથ્થુ ઉપચારમાંથી હર્બલ સ્પ્રે બનાવવાનો આઇડિયા આવ્યો
ઇન્ક્યુબેટર વત્સલ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે હું આઠ વર્ષનો હતો ત્યારે મારા જમણા હાથ ઉપર દાદર થઈ હતી, ત્યારે સતત ત્રણ દિવસ સુધી એના પર બજારમાં મળતી ક્રીમ લગાવી, એમ છતાં એનું નિરાકરણ ન આવ્યું, પરંતુ દાદીમાએ શ્રીફળની કાચલીમાંથી કરેલો ઘરગથ્થુ ઉપચાર એના પર અસર કરી ગયો ને માત્ર એક જ દિવસમાં એ દાદર દૂર થઈ હતી. દાદીમાનો ઘરગથ્થુ ઉપચાર બાળપણથી જ મારા મનમાં ઘર કરી ગયો હતો.
આગળ જતાં ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કરતી વખતે પણ મને સતત વિચાર આવતો કે દાદીમાના એ ઉપચારને કઈ રીતે સારી ફોર્મ્યુલામાં રૂપાંતરિત કરી શકું? પરિવારમાં પણ ધાર્મિક વાતાવરણ હોવાથી અવારનવાર ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જવાનું થતું હતું, જ્યાં મેં જોયું કે ભક્તોએ વધેરેલા શ્રીફળની કાચલીનો મોટો જથ્થો વેસ્ટમાં જઈ રહ્યો છે. આમ પણ દાદીમાની દેશી ફોર્મ્યુલા મગજમાં હોવાથી અને સામે વિપુલ પ્રમાણમાં શ્રીફળની કાચલી પણ મળી શકે એમ હોવાથી આ દિશામાં કંઈક નવું કરવા માટે મને પ્રેરણા મળી. સમય જતાં આ શ્રીફળના વેસ્ટનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર ઓછા ખર્ચે દર્દીને રાહત મળે એ માટે અમે રિસર્ચ શરૂ કર્યું હતું.
બે વર્ષની મહેનત બાદ શ્રીફળની કાચલીમાંથી હર્બલ સ્પ્રે બનાવ્યો
વત્સલ શાહે ઉમેર્યું હતું કે જ્યારે આ વિચાર આવ્યો એ પછી અમે મંદિરોમાં જઈને સૌપ્રથમ તો શ્રીફળની કાચલીઓ ભેગી કરવાનું કામ શરૂ કર્યું, એ પછી એ ભેગી કરેલી કાચલીઓને સાફ કરીને એના પર અમારી ફોર્મ્યુલા મુજબ હર્બલ સ્પ્રે બનાવવાની કામગીરીને શરૂ કરી, પરંતુ મોટી ચેલેન્જ એ હતી કે દાદીમાના ઉપાયને ફોર્મ્યુલામાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય? આ અંગે ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ સતત એમાં નિષ્ફળતા મળી રહી હતી. જોકે હિંમત હાર્યા વગર ડૉ. વૃંદા શાહ અને ડૉ. નિશીથ પટેલના માર્ગ દર્શન હેઠળ એક ફોર્મ્યુલા ફેલ જાય તો બીજી ફોર્મ્યુલા પર કામ કરતા રહ્યા હતા ને ધીરે ધીરે આ પ્રયોગમાં પરિણામ મળવા લાગ્યું. શરૂઆતમાં એક દિવસમાં 7થી 8 કલાકની મહેનત બાદ માત્ર 15થી 20 ML (મિલી લિટર) પ્રોડક્ટ એટલે કે હર્બલ સ્પ્રે મળતો હતો. વધુ માત્રા મળે એ માટેનું કામ શરૂ કર્યું, તેમ છતાં વધારેમાં વધારે 25 ML જ પ્રોડક્ટ મળતી હતી. એ પછી ઇનોવેટિવથી એના ઇન્સ્ટ્રુમેન્ટની ડિઝાઈન કરીને નવું ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કર્યું. એ બાદ અમને 60થી 70 ML પ્રોડક્ટ મળવાનું શરૂ થયું, પરંતુ સંપૂર્ણ રીતે લોકો એનો ઉપયોગ કરી શકે એ માટે આ હર્બલ સ્પ્રેને તૈયાર થતાં અંદાજે બે વર્ષ જેટલો સમય લાગ્યો છે.
કોરોનાકાળમાં જીવલેણ બનેલી બ્લેક ફંગસ સહિતની ફંગસ પર ટેસ્ટિંગ કર્યું
વત્સલ શાહ કહે છે, અમે ચામડી ઉપર થતી ફંગસ અને કોવિડ દરમિયાન થયેલી બ્લેક ફંગસ પર પણ આ હર્બલ સ્પ્રેનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં અમને ખૂબ જ સારું પરિણામ મળ્યું હતું, પરંતુ સંપૂર્ણ પરિણામ એક મહિના પછી મળ્યું હતું.
સર્ટિફાઇડ લેબમાં હર્બલ સ્પ્રે ઉપયોગ માટે પ્રમાણિત થયો
બે વર્ષની મહેનત બાદ તૈયાર કરાયેલા આ હર્બલ સ્પ્રેને સૌપ્રથમ ઇનહાઉસ એન્ટીમાઇક્રો બિયલનું ટેસ્ટિંગ કરાવ્યું હતું, જેમાં ધારી સફળતા મળ્યા બાદ અમે હર્બલ સ્પ્રેને સર્ટિફાઈડ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવા માટે મોકલ્યો હતો, જ્યાં લેબ દ્વારા એને પ્રમાણિત કરીને એનું સર્ટિફિકેટ આપ્યું હતું. એ બાદ તેમણે લોકો પર આ હર્બલ સ્પ્રેની ટ્રાયલ કરવાનું શરૂ કર્યું.
હર્બલ સ્પ્રેનો સૌથી પહેલો પ્રયોગ માતા પર કર્યો, 100થી વધુ દર્દીઓ પર કરેલી ટ્રાયલ સફળ રહી
વત્સલ શાહે આગળ જણાવ્યું, લેબમાં પ્રમાણિત થયા પછી અમે લોકોના રોગો પર ટ્રાયલ કરવાનું નક્કી કર્યું, પરંતુ સૌથી પહેલા કોના પર એનો ઉપયોગ કરવો એ મોટી સમસ્યા હતી. ત્યારે સૌથી પહેલા હર્બલ સ્પ્રેનો ઉપયોગ મારી મમ્મી પર કર્યો હતો. મારી મમ્મીના ચહેરા પર ઘણા લાંબા સમયથી ચામડીનો રોગ હતો. 6થી 7 ડૉક્ટર બદલ્યા, પરંતુ તેમની દવાથી થોડો ફેર પડતો, પરંતુ થોડા સમય પછી ફરી એ રોગ થઈ જતો ત્યારે તેમના પર ટ્રાયલ કરતાં તેમના રોગનું કાયમી નિરાકરણ થયું. એ પછી અમે ચામડીના રોગનો ઈલાજ કરતા ડૉકટરનો સંપર્ક કરીને વિવિધ ચામડીના રોગોથી પીડાતા દર્દીઓને, અમારી કોલેજના પ્રોફેસરો અને મારી આસપાસમાં રહેતા લોકોને આ સ્પ્રે આપ્યો હતો. એ બાદ એનાં પરિણામો ચકાસ્યાં, ત્યારે એમાં કેટલાક દર્દીઓને એની સ્મેલથી માથાનો દુખાવો થતો હતો તો કેટલાક લોકોને એ લગાવ્યા બાદ ખજવાળ આવતી હતી. આમ, દર્દીઓ અને ડૉકટરના સુજાવને આધારે એમાં ફેરફાર કર્યા હતા. આમ, 100થી વધુ લોકોના ચામડીના રોગો પર કરેલી ટ્રાયલમાં સફળતા મળી હતી.
સ્પ્રે હર્બલ હોવાથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથીઃ ડૉ.ચંદ્રકાંત સુથાર
છેલ્લાં 22 વર્ષથી ચામડીના રોગોનું નિદાન કરતા ડૉ. ચંદ્રકાંત સુથારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વત્સલ અને તેની સાથેના બે વિદ્યાર્થીએ જે હર્બલ સ્પ્રે તૈયાર કર્યો છે, એનો મારા 40થી વધુ દર્દીઓના ચામડીના રોગોના નિદાન માટે ઉપયોગ કર્યો છે અને એનું પરિણામ 72 કલાકમાં મળવાનું શરૂ થઈ ગયું હતું. શરૂઆતમાં દર્દીઓને એની સુગંધથી માથાનો દુખાવો થતો હતો, સાથે જ એ જગ્યાએ ખંજવાળ પણ આવતી હતી. આ અંગે જરૂરી સલાહ-સૂચન આપ્યા બાદ ફરી હર્બલ સ્પ્રેમાં સુધારાવધારા કરવામાં આવ્યા છે. આ હર્બલ સ્પ્રે કઈ રીતે કામ કરે છે એ અંગે ડોક્ટર સુથારે તેમના અનુભવના આધારે જણાવ્યું હતું કે જે જગ્યાએ તકલીફ હોય ત્યાં આ સ્પ્રે લગાવવાથી દર્દીની જૂની ચામડી સમય જતાં નીકળી જવા લાગે છે. ત્યાર બાદ ત્યાં નવી સ્કિન નવા ફોર્મેશનમાં આવવા લાગે છે. અત્યારસુધીના તેમના દર્દીઓના અનુભવોના આધારે એ પણ કહી શકાય કે આ સ્પ્રેની કોઈ આડઅસર પણ જોવા મળી નથી.
જટિલ ચામડીના રોગનું 10થી 15 દિવસમાં કાયમી ઈલાજનો દાવો
વસ્તલ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્પ્રેની અસરકારતા અંગે દાવો કરતાં જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને ફંગસ, રિંગ વોર્મ (દાદર), ઇચિંગ (ખંજવાળ), બેક્ટેરિયલ ઇન્ફેકશન કે પછી ચામડીને લગતો સામાન્ય રોગ થયો હોય તો માત્ર ત્રણથી ચાર દિવસમાં જ તેમને સારું થઈ જાય છે, પરંતુ જો કોઈ વ્યક્તિને હઠીલો રોગ હોય તો એના પર 10થી 15 દિવસ સુધી દિવસમાં બેવાર સ્પ્રે કરવાથી ચામડીના રોગનું કાયમી નિદાન થઈ જાય છે.
ફાર્મસી કોલેજના પ્રોફેસરે પણ ચામડીની સમસ્યામાંથી છુટકારો મેળવ્યો
અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસીમાં એસોસિયેટ પ્રોફેસર ફાલ્ગુની વાઘેલાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ઋતુ પરિવર્તનને કારણે તેમને દાદરનો રોગ થતો હતો. છેલ્લાં બે વર્ષથી બજારમાં મળતી દવાનો ઉપયોગથી થોડાઘણા સમય માટે રાહત મળતી હતી, પરંતુ ફરીથી એ દાદર થતી હતી. અમારો, પરંતુ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા હર્બલ સ્પ્રેનો ઉપયોગ કર્યો, એનાથી શરૂઆતના 2થી 3 દિવસમાં ફરક જોવા મળ્યો હતો. સંપૂર્ણ રીતે એનું પરિણામ મળતાં ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ સ્પ્રેનો ઉપયોગ કર્યો એ પછી મને ફરીવાર દાદરની બીમારી થઈ નથી.
ગાંધીનગરના દર્દીને પણ બે વર્ષ જૂની દાદરની સમસ્યામાંથી રાહત થઈ
આ હર્બલ સ્પ્રેનો જે દર્દી પર પ્રયોગ કરાયો હતો તેનો પણ અમે સંપર્ક કરીને તેમનો અનુભવ જાણવાનો પ્રયત્ન કર્યો. ગાંધીનગરમાં રહેતા મનુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે શરૂઆતમાં નાનકડી દાદર થઈ હતી, એ પછી ધીમે ધીમે એમાં વધારો થતો ગયો અને એની સાથે ખંજવાળ પણ આવવાનું શરૂ થયું. આમ, આ અંગે ડૉકટર પાસે જ્યારે દવા લેવા ગયો ત્યારે મને ડૉકટરે હર્બલ સ્પ્રે આપ્યું હતું અને એને નિયમિત રીતે દાદર પર લગાવવા માટે કહ્યું હતું, જેનાથી મારા શરીર પર થયેલી જટિલ દાદરની પીડામાંથી રાહત મળી છે.
ગુજરાત સરકારે પણ આ સ્ટાર્ટઅપની નોંધ લીધી
તેણે વધુમાં ઉમેર્યું હતું કે અમે જે હર્બલ સ્પ્રે તૈયાર કર્યો છે, તેની નોંધ લઈ ગુજરાત સરકારે અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
જેમ બને એમ જલદી લાઇસન્સ લઈને માર્કેટમાં હર્બલ સ્પ્રે ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો
હાલમાં આ સ્પ્રેને ઉપયોગમાં લઈ શકાય એ માટે તૈયાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ કરાવવા માટે આગામી દિવસોમાં આયુષ મંત્રાલયમાં લાઇસન્સિંગ માટેની પ્રોસેસ કરવામાં આવશે. એ પ્રોસેસ પૂર્ણ થયા બાદ સામાન્ય લોકોને પણ પરવડે એવા ભાવમાં એને બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હર્બલ સ્પ્રેની સાથે સાથે હર્બલ મલમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.