તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Israel Develops Monoclonal Antibody Therapy, IIBR Claims To Be Effective In Combating Corona Infection

નવી આશા:પ્લાઝ્મા થેરાપી નહિ, હવે મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપી વધુ કારગત, કોરોના સામે ઈઝરાયલે અસરકારક સારવાર વિકસાવી

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
 • કૉપી લિંક
 • લક્ષણ રહિત કોરોના સંક્રમિતના શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડીને બિમાર વ્યક્તિના શરીરમાં દાખલ કરી સારવાર કરવાનો પ્રયાસ સફળ
 • ઈઝરાયલના સંરક્ષણ મંત્રીનો દાવોઃ આ થેરાપીથી કોરોના સંક્રમિતો ઝડપથી સાજાં થશે અને દવાઓની અસરકારકતા વધશે

કોરોના મહાસંકટ સામે સમગ્ર વિશ્વ વાયરસનું મારણ શોધવા પ્રયત્નશીલ છે ત્યારે ઈઝરાયલે મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીમાં હકારાત્મક પરિણામો મળ્યા હોવાનો દાવો કરીને નવી આશાઓ જન્માવી છે. કંઈક અંશે પ્લાઝમા થેરાપી જેવી જ પરંતુ તેનાં કરતાં વધુ ચોક્સાઈભરી અને અસરકારક આ થેરાપી કોરોના સામે કારગત નીવડતી સારવાર ઉપરાંત દવાઓ શોધવામાં પણ ઉપયોગી નીવડશે એવો ઈઝરાયલનો દાવો છે. 

IIBR દ્વારા આ પ્રયોગ થયો છે
ઈઝરાયલ સરકારના દાવા પ્રમાણે ઈઝરાયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ રિસર્ચ (IIBR)ના વૈજ્ઞાનિકો દ્વારા ત્રણ મહિનાથી કોરોનાનું મારણ શોધવા વિવિધ પ્રયોગો થઈ રહ્યા હતા. જેમાં છેલ્લાં એક મહિનાથી મોનોક્લોનોલ એન્ટીબોડી થેરાપી પર ક્લિનિકલ ટ્રાયલ ચાલુ હતી, જેનાં બહુ જ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી નેફ્ટાલી બેનેટે આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે, મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની સફળતાના પગલે કોરોના સામે અસરકારક દવા (Antidote) પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરી શકાશે. 

શું છે મોનોક્લોનલ થેરાપી?

 • જેમનાં શરીરમાં કોરોના વાયરસ દાખલ થઈ ચૂક્યો છે પરંતુ બિમારીના કોઈ લક્ષણ હજુ જોવા નથી મળતાં આવી વ્યક્તિ તબીબી પરિભાષામાં Asymptomatic કહેવાય છે.
 • Asymptomatic વ્યક્તિને પોતાને કોરોનાના લક્ષણો ન હોય તો પણ એ અન્યને કોરોનાનો ચેપ લગાડવા સક્ષમ હોવાથી તેને કોરોના કેરિયર (વાહક) કહેવાય છે.
 • માનવ શરીરનો એ નૈસર્ગિક ક્રમ છે, જેમાં શરીરમાં કોઈપણ બાહ્ય પદાર્થ (Antigen)દાખલ થાય તેની સામે રક્ષણાત્મક પ્રતિક્રિયા તરીકે શરીર તરત જ એન્ટીબોડી ઉત્પાદિત કરે છે અને બાહ્ય પદાર્થને નકારવા પ્રયત્નો કરવા માંડે છે.
 • કોરોના વાહકના શરીરમાં પણ આવા એન્ટીબોડી ઉત્પાદિત થતાં હોય છે.
 • શરીરના કોઈ એક જ પ્રકારના અંગમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડી મોનોક્લોનલ એન્ટીબોડી કહેવાય છે. વિવિધ અંગોમાં ઉત્પન્ન થયેલ પોલિક્લોનલ એન્ટીબોડી કહેવાય છે.
 • મોનોક્લોનલ એન્ટીબોડી પેશન્ટના શરીરમાં દાખલ કરવાથી બિમાર વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ સામે રક્ષણની શ્રુંખલા ઉત્પન્ન થવા માંડે છે અને દવાઓને પણ ઝડપી તેમજ હકારાત્મક પ્રતિસાદ મળે છે.

આ થેરાપી પ્લાઝમા થેરાપીથી અલગ કઈ રીતે? 

 • પ્લાઝ્મા થેરાપીમાં કોરોના સંક્રમણનો ભોગ બન્યા પછી સારવારના અંતે સાજાં થયેલ વ્યક્તિના શરીરમાંથી પ્લાઝમાં મેળવવામાં આવે છે.
 • આ પ્લાઝ્મા બિમાર વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે છે અને એ રીતે બિમાર વ્યક્તિના શરીરમાં કોરોના સામે નૈસર્ગિક એન્ટીબોડી ઉત્પન્ન થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે.
 • પ્લાઝ્મા થેરાપીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કોરોનાની સારવાર તરીકે માન્યતા આપવામાં આવી છે.
 • જોકે આ થેરાપીમાં ચેપ વધવાનો ભય નકારી શકાય તેમ નથી.
 • આ થેરાપીની ક્લિનિકલ ટ્રાયલ હજુ પૂર્ણતઃ સફળ ગણાઈ ન હોવાથી તેના પરિણામો વિશે ચોક્સાઈપૂર્વકનો દાવો કરી શકાતો નથી.

(ડો. હિમાદ્રી મહેતા સાથેની વાતચીતના આધારે જટિલ મેડિકલ પ્રોસેસની અહીં સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી છે)

અન્ય સમાચારો પણ છે...