તેજીમાં મંદી:Paytmના IPOમાં રોકાણકારોએ આશરે રૂ. 33000 કરોડ ગુમાવ્યા, પ્રમોટર વિજય શેખર શર્માના રૂ. 26,600 કરોડ ધોવાયા

અમદાવાદ18 દિવસ પહેલા
  • રિટેલ રોકાણકારોએ રૂ. 2500-3000 કરોડ ડૂબ્યાંનો અંદાજ
  • લિસ્ટિંગના દિવસે Paytmનો શેર 20% જેટલો તૂટયો હતો

આજે 18 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારનો Paytmનો રૂ. 18,300 કરોડનો સૌથી મોટો IPOનું લિસ્ટિંગ થયું હતું. અપેક્ષાથી વિપરીત આ ઇશ્યૂ ઘણો જ નીચા ભાવે લિસ્ટ થયો અને દિવસના અંતે શેર 20% જેટલો તૂટયો હતો. માર્કેટ નિષ્ણાતોના મતે Paytmના આશરે રૂ. 1.6 લાખ કરોડના વેલ્યુએશનના હિસાબે આજે લિસ્ટિંગના દિવસે પ્રમોટર્સ સહિતના રોકાણકારોએ આશરે રૂ. 32,000-33,000 કરોડ ગુમાવ્યા છે. લિસ્ટિંગની સેરેમનીમાં કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા રડી પડ્યા હતા જ્યારે લિસ્ટિંગ બાદ રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો.

રિટેલ ઇન્વેસ્ટર્સના અંદાજે રૂ. 3000 કરોડ ડૂબ્યાં
શેરબજારના નિષ્ણાતોના મતે, Paytmમાં ઇન્વેસ્ટ કરનાર નાના અથવા રિટેલ રોકાણકારોના પૈસા પણ ડૂબ્યાં છે. જાણકારો માને છે કે રિટેલ રોકાણકારોના આજના દિવસે રૂ. 2500-3000 કરોડ ડૂબી ગયા છે. Paytmની ઈસ્યુ પ્રાઈસ રૂ. 2150 નક્કી થઈ હતી. જ્યારે તેનું લિસ્ટિંગ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર રૂ. 1955 પર, જ્યારે નેશનલ સ્ટેક એક્સચેન્જ પર રૂ. 1950 પર થતા લોકો નિરાશ થયા છે. બજાર બંધ થયું ત્યારે આ શેરનો ભાવ રૂ. 1564.15 હતો.

લિસ્ટિંગ સેરેમનીમાં કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા રડી પડ્યા હતા.
લિસ્ટિંગ સેરેમનીમાં કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા રડી પડ્યા હતા.

લિસ્ટિંગના દિવસે વિજય શેખર શર્માના રૂ. 26,600 કરોડથી વધુ ધોવાયા
કંપનીના ફાઉન્ડર-પ્રમોટર વિજય શેખર શર્મા પાસે 70% જેટલા શેર્સ છે, Paytmની વેલ્યુએશન મુજબ તેની કિમત રૂ. 97,975.50 કરોડ જેટલી થતી હતી. લિસ્ટિંગ બાદની સ્થિતીએ આ શેર હોલ્ડિંગની વેલ્યૂ રૂ. 71,278.31 કરોડ જેવી થાય છે. આ રીતે વિજય શેખર શર્માના શેર હોલ્ડિંગમાં અંદાજે રૂ. 26,698 કરોડનું ધોવાણ થયું છે.

શેરનો ભાવ રૂ. 1200 થવાનું અનુમાન
ઇન્ટરનેશનલ બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ Paytmના સ્ટોકને અંડરપર્ફોર્મ રેટિંગ આપ્યું છે અને ટેનો ભાવ રૂ. 1,200 થવાની શક્યતા બતાવી છે. આ ટાર્ગેટ તેના ઇશ્યૂ પ્રાઇઝ કરતાં 44% ઓછી છે. આજે શરૂઆતમાં, Paytm સ્ટોક લિસ્ટિંગે રોકાણકારોને નિરાશ કર્યા હતા કારણ કે ફિનટેક મેજર તેની શરૂઆતના IPO કિંમતથી 25%થી વધુ ઘટ્યો હતો.

બ્રોકર્સ અંદરખાને રોકાણ ન કરવાની સલાહ આપતા હતા
Paytmએ જે પ્રકારે તેનું વેલ્યુએશન કરેલું હતું અને શેરદીઠ જે ભાવ નક્કી કર્યો હતો તેની સાથે મોટાભાગની બ્રોકિંગ કંપનીઓ સહમત ન હતી. આજ કારણોસર ઘણા બ્રોકર્સ પોતાના ગ્રાહકોને આ ઇશ્યૂથી દૂર રહેવા માટે સલાહ આપતા હતા. આમછતાં Paytmનો IPO 1.3 ગણો છલકાઈ ગયો હતો. જોકે, નાયકા અને ઝોમેટોની સરખામણીએ તેનું બહારનું ઘણું જ નીચું હતું.

અન્ય સમાચારો પણ છે...