તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડાનો એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુ:સત્તાનો ઉઘાડેછોગ દુરુપયોગ થયો છે, ભાજપે અમારા ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચાવ્યાં છે

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
  • કૉપી લિંક
  • બબ્બે નગરપાલિકા સહિત સંખ્યાબંધ બેઠકો કેમ બિનહરીફ થઈ એ વિશે અમિત ચાવડાનો સણસણતો આક્ષેપ
  • ગુજરાતનો નાગરિક પરિવર્તન માટે મતદાન કરે છે અથવા તો પુનરાવર્તન માટે, એ જેને-તેને મત આપીને પોતાનો મત વેડફતો નથીઃ અમિત ચાવડા

મહાનગરપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીને જો 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની સેમિ-ફાઈનલમાં દરેક પક્ષ અત્યારે પ્રચારકાર્યમાં ગળાડૂબ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ કર્યા બાદ ભાજપના સામ, દામ, દંડ, ભેદ સામે કોંગ્રેસ સતત પીછેહઠ કરતી હોવાનું ચિત્ર ઊપસે છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ કેવુંક જોર કરશે? એકધારા પરાજય ઉપરાંત ગેરશિસ્ત, ભંડોળનો અભાવ, કાર્યકર્તાઓનો અભાવ, આંતરિક જૂથબંધી પણ કોંગ્રેસનો મોટો શત્રુ ગણાય છે, ત્યારે કોંગ્રેસ કઈ રીતે સજ્જ બનીને મતદારો સમક્ષ જઈ રહી છે? આ અને આવા વધુ સવાલો સાથે દિવ્ય ભાસ્કરે કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા સાથે વાતચીત કરી હતી.

દિવ્ય ભાસ્કરઃ છેલ્લા કેટલાક સમયથી લગભગ દરેક મોરચે કોંગ્રેસ જાણે પીછેહઠ કરી રહી હોય એવું ચિત્ર ઊપસે છે. તો પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલું જોર કરી શકશે?
અમિત ચાવડાઃ દરેક ચૂંટણીનું મહત્ત્વ અલગ હોય છે, એ જ રીતે એમાં અસર કરનારાં પરિબળો પણ અલગ હોય છે. મહાનગર અને તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણી એ સમાજના છેવાડાના માણસ સુધી સીધી રીતે અસર કરતી ચૂંટણીઓ હોય છે. દરેક ચૂંટણીની માફક કોંગ્રેસ આ ચૂંટણીઓમાં પણ પૂરી તાકાતથી ઝુકાવી ચૂકી છે. એક-એક બેઠક માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ આકરી મહેનત કરી રહ્યા છે.

તમે કહ્યું હતું કે દરેક ચૂંટણીમાં અસર કરનારાં પરિબળો અલગ હોય છે, તો આ ચૂંટણીનાં પરિબળોને આધારે તમે વિશેષ શું તૈયારી કરી છે?
અમે ચૂંટણીની જાહેરાત પહેલાં જ દરેક મહાનગરોના મતદારોને સાંકળીને મોક કેમ્પેન એટલે કે અભ્યાસના હેતુથી થતું અભિયાન યોજ્યું હતું, જેમાં અમે દરેક મહાનગરની સમસ્યાઓ, પ્રશાસન પ્રત્યે નાગરિકોના અસંતોષ અને અપેક્ષાઓનો અભ્યાસ કર્યો હતો. નાગરિકોએ અમને જે કહ્યું છે, જે પ્રતિભાવો આપ્યા છે એને ધ્યાનમાં રાખીને અમે કોંગ્રેસનો શપથપત્ર તૈયાર કર્યો છે. હું દાવા સાથે કહું છું કે અમારો શપથપત્ર એ જ વાત કરે છે, જે મહાનગરોના નાગરિકોની અપેક્ષા છે. એમાં અમે યુવાનો, મહિલાઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓને નજર સમક્ષ રાખ્યાં છે અને દરેકની અપેક્ષા પરિપૂર્ણ થાય એવું શાસન આપવાના શપથ વ્યક્ત કર્યા છે.

પરંતુ એ શપથપત્રની અસર મતપેટી એટલે કે EVM સુધી પહોંચશે ખરી?
મોક કેમ્પેનમાં અમે દરેક મહાનગરના કુલ 22000 નાગરિકોનો ફોનથી સંપર્ક કર્યો. તેમણે પોતાની આશા, અપેક્ષા, ફરિયાદ, નારાજગી વિશે જે કંઈ રેકોર્ડ પર મૂક્યું છે એ અમારા સર્વર પર છે જ. એના પરથી સ્પષ્ટ જણાય છે કે નાગરિકો હાલના શાસનથી ત્રાસેલા છે. તેમનું કહેવું છે કે અમારા વિસ્તારની વાજબી ફરિયાદોનોય કોઈ જવાબ આપનારું નથી હોતું. ભાજપના પદાધિકારીઓના અહંકારથી દરેક નાગરિક ઘવાયેલો છે. લોકો એ અહંકારી શાસન બદલીને હવે પરિવર્તન લાવવાના મૂડમાં છે. લોકોને ઠાલી વાતો નહિ, હવે નક્કર પરિણામો જોઈએ છે. સારી સુવિધાઓ જોઈએ છે. સારું શિક્ષણ, સારી આરોગ્ય સેવાઓ, સારા રસ્તાઓ જોઈએ છે. ઉમેદવારોની પસંદગીમાં પણ અમે સક્રિયતા, જનસંપર્ક અને સમાજસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને 50 ટકા કરતાં વધુ બેઠકો પર નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, જેમાં સક્રિય મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. સમાજના દરેક વર્ગને અમે તક આપી છે. તમે લખી રાખજો, આ વખતે શહેરી વિસ્તારોમાં પણ કોંગ્રેસનો દેખાવ ચોક્કસ નોંધપાત્ર હશે.

શહેરી વિસ્તારોમાં તમે ક્યા મુદ્દાઓ આગળ કર્યા છે?
અમે એ જ મુદ્દાઓ આગળ કર્યા છે જેનાંથી તમે, હું, આપણે સૌ રોજબરોજ પરેશાન થઈએ છીએ. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, દરેક શહેર બે-ત્રણ ઈંચ વરસાદમાં જળબંબાકાર થઈ જાય છે. સરકારી શાળાઓ વેરાન બની રહી છે. શિક્ષણની ગુણવત્તા કથળી ચૂકી છે. સરકારી દવાખાનાઓમાં યોગ્ય સારવાર નથી મળતી. ટ્રાફિકની સમસ્યા, કચરાના નિકાલની ભયંકર સમસ્યા, ઘરની બહાર નીકળો એટલે દરેક રસ્તો તૂટેલો હોય અથવા ખોદકામ ચાલુ હોય. અમદાવાદ હોય કે રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર... દરેક શહેરની આ સ્થિતિ છે. અમે આ દરેક સમસ્યાઓ સામે માત્ર આંગળી નથી ચિંધી, પરંતુ તેના નિરાકરણ માટેના વિકલ્પો પણ લોકો સમક્ષ મૂક્યા છે. મને વિશ્વાસ છે કે કોંગ્રેસનો એ પોઝિટિવ અભિગમ લોકોને જરૂર આકર્ષિત કરશે.

શિસ્તનો અભાવ એ કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ ગણાય છે.. આ વખતે પણ એનું બહુ વરવુ પ્રદર્શન જોવા મળ્યું છે. ટિકિટની ફાળવણીથી નારાજ થયેલા નેતાઓએ બેફામ નિવેદનો કર્યા, જેમને ટિકિટ મળી હતી એમને મેન્ડેટ સમયસર ન મળ્યા, મેન્ડેટ સમયસર મળ્યા તો કેટલાંક કિસ્સામાં ફોર્મ રદ થયા અને ફોર્મ માન્ય ઠર્યા તો કેટલાંક ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી. સરવાળે બે નગરપાલિકા સહિત સંખ્યાબંધ બેઠકો ચૂંટણી વગર જ ભાજપના ખોળામાં પડી ગઈ. આ ક્યા પ્રકારનું તંત્ર છે?
જુઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. બધું મળીને કુલ 8000 જેટલી બેઠકો થતી હોય અને તેમાં 1 લાખ જેટલાં દાવેદારો હોય ત્યારે પસંદગી કરવી કોઈપણ મોવડીમંડળ માટે બહુ જ મુશ્કેલ બની જાય. ઉમેદવારની પસંદગીમાં સક્રિયતા, ઉંમર, વિસ્તાર, અભ્યાસ સહિતના અનેક પરિબળો ધ્યાનમાં રાખવા પડે. યુવાનોને તક આપો તો વડીલો નારાજ થાય, નવા ચહેરાંઓ પસંદ કરો તો અનુભવીઓને એમ લાગે કે તેમને અન્યાય થયો છે. આવી લાગણી હોય ત્યારે કોઈક વધારે પડતું બોલી પણ જાય. કેટલાંક કિસ્સામાં અમે મોટું મન રાખીને ચેતવણી આપીએ, તો કેટલાંક કિસ્સામાં અમે શિસ્તભંગના પગલાં ય લીધા છે. મેન્ડેટના કિસ્સામાં ક્યાંક અમારી સરતચૂક રહી ગઈ હોય તો અમે એ અંગે તપાસ કરી રહ્યા છીએ. પરંતુ ચૂંટણીપંચની કામગીરી સામે પણ અમારી ફરિયાદ છે એ પણ મારે કહેવું જોઈએ. ભાજપના દબાણને વશ થઈને ચૂંટણી પંચે સાવ ક્ષુલ્લક ટેક્નિકલ કારણો આગળ ધરીને અમારા કેટલાંક ઉમેદવારોના ફોર્મ રદ કર્યા છે. એ અંગે અમે અદાલતમાં પણ ગયા છીએ અને અદાલતે અમને સાંભળ્યા છે.

પણ અમિતભાઈ, કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર જ ન હોય અને આખેઆખી પાલિકા બિનહરિફ થઈ જાય એ કેવું?
તેનું કારણ એ છે કે ભાજપ દ્વારા ખુલ્લેઆમ પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ થઈ રહ્યો છે. અનેક જગ્યાએ અમારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ પાછા ખેંચવાની ફરજ પડાઈ છે. અમદાવાદમાં હોમ મિનિસ્ટરના મત વિસ્તારના અમારા એક ઉમેદવારને ડેપ્યુટી પોલીસ કમિશનર દરજ્જાના અધિકારી ધમકી આપે અને એ ઉમેદવાર બીજા દિવસે ફોર્મ પાછું ખેંચી લે. બાયડના જિલ્લા પંચાયતના અમારા ઉમેદવારને ત્યાં પોલીસ જાય અને પાસામાં ફીટ કરી દેવાની ધમકી આપે અને ડરી ગયેલા ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લે. ગોંડલના અમારા એક ઉમેદવાર પર રાતોરાત લેન્ડ ગ્રેબિંગનો કેસ ઠોકી દેવાયો. એ ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચવા તૈયાર ન થયા તો તેમને જેલમાં પૂરી દેવાયા. સત્તાનો આવો ઉઘાડેછોગ દુરુપયોગ થયો છે.

આ વખતે કોંગ્રેસે માત્ર ભાજપની નહિ પરંતુ આમઆદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM સાથે પણ સ્પર્ધામાં ઉતરવાનું છે. ભાજપ સિવાયના બંને પક્ષો તો કોંગ્રેસની વોટબેન્કમાં જ ગાબડું પાડવાની ફિરાકમાં છે. તેનો સામનો કરવા માટે કોંગ્રેસની શું રણનીતિ છે?
દરેક ચૂંટણીમાં નવા નવા પક્ષો આવતાં જ હોય છે અને ચૂંટણી પછી આથમી પણ જતાં હોય છે. આ વખતે તમે કહ્યાં એ બે પક્ષો છે, અગાઉ બીજા કોઈક પક્ષો હતા. પરંતુ એનાંથી કશો ફરક પડતો નથી. જનતા બરાબર જાણે છે કે ચોવીશ કલાક કોણ તેમની સહાયતામાં ઊભું રહે છે અને કોણ ફક્ત વોટ માંગવા પૂરતાં જ દેખાય છે. કોરોના મહામારી વખતે લોકોને હાલાકી પડી રહી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરો તેમની મદદે આવ્યા હતા. લોકડાઉન વખતે ગરીબ લોકોના ઘરમાં અનાજ, કરિયાણું ખૂટી જતા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ તેમને ફૂડ પેકેટ અને રાશનકિટ પહોંચાડ્યા છે. એટલે બહારથી આવેલા એકે ય પક્ષનો અમને બિલકુલ ભય નથી. જનતા અમારી કામગીરી જાણે છે, અમારા કાર્યકર્તાને ઓળખે છે. ગુજરાતની જનતાની કોઠાસૂઝ અદભૂત છે. એ જાણે છે કે મારો મત ખૂબ કિંમતી છે. ગુજરાતની જનતા સત્તા આપવા માટે અથવા તો સત્તા પરથી ફેંકી દેવા માટે જ મત આપે છે. વેડફાઈ જાય એવા પક્ષને કે ઉમેદવારને મત આપતી નથી. આ વખતે પણ એમ જ બનશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો