ભાસ્કર એક્સક્લૂઝિવ:કિન્નરો મેકઅપ પર કેટલો ખર્ચ કરે છે? ઘરમાં રસોઈ કોણ બનાવે? વેજ હોય કે નોનવેજ? પરિવાર સાથે કેવી રીતે કનેક્ટ રહે?

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર

ગઇકાલે દિવ્ય ભાસ્કરે કિન્નરો વિશે રસપ્રદ માહિતી ભાગ-1 રજૂ કર્યો હતો, જેમાં તેમની રહેણીકરણી, દાન, લગ્ન અને બાળકો, રહેઠાણ, નેટવર્ક અને તેમના સ્મશાન અંગેની માહિતી આપી હતી. આજે કિન્નરો વિશે રસપ્રદ માહિતી ભાગ-2માં સામાન્ય નાગરિકોથી અજાણ અથવા જે વિશે ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય એવી માહિતી રજૂ કરી છીએ. આ માહિતી ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિની ઝરણા ગાંગુલી અને તેમના ગાઈડ પ્રોફેસર જિગર પરીખે સવાલ-જવાબના રૂપમાં આપી હતી.

પ્રોફેસર જિગર પરીખ અને પીએચડી કરનારી વિદ્યાર્થિની ઝરણા ગાંગુલી.
પ્રોફેસર જિગર પરીખ અને પીએચડી કરનારી વિદ્યાર્થિની ઝરણા ગાંગુલી.

1. કિન્નરો ઘરડા થાય કે બીમાર પડે તો તેમની સંભાળ કોણ રાખે છે?
કિન્નરો ઘરડા થાય કે બીમાર પડે તો જો કિન્નર પોતાના પરિવાર જોડે જવા ઈચ્છે અને પરિવાર સ્વીકારે તો તેને ત્યાં મોકલી દેવામાં આવે અથવા તેમના જૂથના અન્ય કિન્નરો તેમના ચેલાઓ કે ચેલાપોત્રા તેમની સંભાળ રાખે છે .

2. ગુરુ મૃત્યુ પામે તો એ પછી કોને ગુરુ બનાવવામાં આવે છે?
ગુરુ મૃત્યુ પામે એ પછી કિન્નરોનું એક પંચ ભરાય છે, એ પંચમાંથી જે ગુરુની પદવી માટે યોગ્ય હોય તેમને ગુરુની ગાદી સોંપવામાં આવે છે.

3. ગુજરાતમાં કિન્નરોનો સૌથી મોટો તહેવાર કયો?
કિન્નરોનો સૌથી મોટો તહેવાર ગુરુપૂર્ણિમા અને ચૈત્રી પૂનમ છે. આ દિવસે બધા કિન્નરો ગુરુને ચરણસ્પર્શ કરીને પગ ધોવે છે અને સેવા કરે છે. ચૈત્રી પૂનમે બહુચરાજી મંદિરમાં 5 દિવસનો મેળો ભરાય છે, જ્યાં ગુજરાતના અલગ અલગ વિસ્તારથી કિન્નરો આવે છે. આ સમયે લગભગ અંદાજે બેથી 3 લાખ લોકો બહુચરાજી મંદિરમાં દર્શન કરવા આવે છે.

ભગવાન શ્રીરામે આશીર્વાદ આપ્યા હતા કે કિન્નરોના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારેય ખાલી નહીં જાય.
ભગવાન શ્રીરામે આશીર્વાદ આપ્યા હતા કે કિન્નરોના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારેય ખાલી નહીં જાય.

4. કિન્નરોના આશીર્વાદ શુભદાયક માનવામાં આવે છે, એનું પૌરાણિક મહત્ત્વ શું છે?
રામાયણકાળમાં ભગવાન શ્રીરામ જ્યારે 14 વર્ષના વનવાસે ગયા હતા ત્યારે અયોધ્યાની પ્રજા અને કિન્નરો ભગવાન શ્રીરામની પાછળ પાછળ જવા લાગ્યા હતાં, ત્યારે ભગવાન રામે કહ્યું હતું, 'મારા ભાઈ-બહેનો, તમે બધા અહીંથી પરત ફરી જાઓ.' એમ કહીને ભગવાન શ્રીરામ વનવાસ ગયા હતા. 14 વર્ષ પછી જ્યારે ભગવાન શ્રીરામ વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે કિન્નરો ભગવાન શ્રીરામની રાહ જોઈને 14 વર્ષ સુધી ત્યાં જ ઊભા રહ્યા હતા. તેમની ભક્તિ અને શ્રદ્ધાથી ખુશ થઈને ભગવાન શ્રીરામે આશીર્વાદ આપ્યા હતા કે કિન્નરોના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારેય ખાલી નહીં જાય, તેમને દરેક ખુશીમાં સામેલ કરવામાં આવશે, તેઓ જેને પણ આશીર્વાદ આપશે એ જરૂરથી ફળશે. આજ કારણોસર આજે પણ દરેક ખુશીના પ્રસંગ પર કિન્નરો નાચે છે, શુકનના પૈસા લે છે અને તેમને આશીર્વાદ આપે છે, જે તેમની પરંપરાનો જ એક ભાગ છે.

5. કિન્નરની લાઇફસ્ટાઇલ શું હોય છે?
કિન્નરની લાઇફસ્ટાઇલ દૂરથી ઘણી જ સારી લાગતી હોય છે. જોનારાને એમ પણ લાગે કે આ લોકો કેટલા ખુશ છે, એશોઆરામની જિંદગી જીવે છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજ, ઘર-પરિવારે અસ્વીકાર કર્યો હોવાની વાતથી તેમની લાગણી દુભાતી હોય છે. તેમને તૈયાર થવું, ઘર-પરિવાર, સમાજમાં હળવું મળવું ખૂબ ગમતું હોય છે.

ઓડિશાના ઐશ્વર્યા પ્રધાન(ડાબો ફોટો) કોમર્શિયલ ટેક્સ ઓફિસર છે, જ્યારે પ. બંગાળના 30 વર્ષીય જોઈતા મંડલ(જમણો ફોટો) ભારતના પહેલા ટ્રાન્સ. જજ છે.
ઓડિશાના ઐશ્વર્યા પ્રધાન(ડાબો ફોટો) કોમર્શિયલ ટેક્સ ઓફિસર છે, જ્યારે પ. બંગાળના 30 વર્ષીય જોઈતા મંડલ(જમણો ફોટો) ભારતના પહેલા ટ્રાન્સ. જજ છે.

6. શું જમે છે, વેજ હોય કે નોનવેજ?
ગુજરાતના કિન્નરો વેજ ભોજન જ લેતા હોય છે.

7. ઘરમાં રસોઈ કોણ બનાવે, ઘર કામ કોણ કરે? લોકો રૂટિન કામ કરે કે નહીં?
કિન્નરોમાં ઘરકામ, રસોઈકામ વગેરે તેમની સગવડતા તથા આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે, કોઈ કિન્નરો કામવાળા કે રસોઈવાળા રાખે, જ્યારે અમુક કિન્નરો જે ઘરડા હોય તે કામ ના કરે તો તેમની આગેવાનીમાં તેમના ચેલાઓ કામ કરે, રસોઈ કરે તેમજ રૂટિન કામ કરે.

8. ફ્લેટમાં રહે કે ઘરમાં?
આમ તો મોટા ભાગના કિન્નરો તેમના અખાડામાં બીજા બધા કિન્નરોના જૂથ સાથે રહેતા હોય છે, ફ્લેટ કે ઘર જો તેમનું પોતાનું હોય કે કોઈ ભાડે આપે તો ત્યાં પણ રહેતા હોય છે. બાકી બહુ ઓછા કિન્નરો હોય છે, જેમને પરિવારે સ્વીકાર્યો હોય તો એવા કિન્નર પોતાના પરિવાર સાથે ઘરમાં રહેતા હોય છે.

ઝરણા ગાંગુલી કિન્નર સાથે...
ઝરણા ગાંગુલી કિન્નર સાથે...

9. સેપરેટ ઘર હોય કે પાર્ટનર સાથે રહે?
વધુ પ્રમાણમાં તો કિન્નરો અખાડામાં કિન્નરોના જૂથમાં જ રહે છે, બહુ ઓછા કિન્નર તેમના પાર્ટનર સાથે અલગ રહે.

10. સવારે ઊઠે ત્યાંથી લઈને સૂવે ત્યાં સુધીની દિનચર્યા શું હોય?
સવારે 5.30થી 6 વાગ્યાની દરમિયાન જાગી જવાનું, દૈનિક ક્રિયા પતાવીને ચા નાસ્તો કરીને 9 વાગ્યા પહેલાં ઘરનું બધું કામ પતાવીને 9 વાગ્યે તેમના જૂથમાં હાજર થઈને ભિક્ષાવૃત્તિ માટે જતા હોય છે. આ કામ 12 વાગ્યા સુધી કરે છે. જો સીઝન ચાલતી હોય (બાળક, તહેવાર, લગ્ન, બાબરી વગેરે) તો ભિક્ષાવૃત્તિમાં 2 પણ વાગી જાય. ત્યાર બાદ 12થી 4 આરામ કરે અને 4થી 7 ફરી ભિક્ષાવૃત્તિ માટે નીકળે. સાંજે 7 વાગ્યે દીવાબત્તીનો સમય થતાં ભિક્ષાવૃત્તિ પર જવાનું બંધ કરે. જો કોઈ તહેવાર કે કોઈ પ્રસંગ હોય, કોઈનો જન્મદિવસ, લગ્નમાં જવું હોય તો જ રાતે બહાર નીકળે અને રાતે પણ કોઈ રાજીખુશીથી ભિક્ષા આપે તો એ સ્વીકારે, તેઓ સાંજે 7 વાગ્યા પછી ભિક્ષા માગતા નથી.

11. તહેવારો કેવી રીતે ઊજવે?
તહેવારો તેઓ તેમના જૂથના અન્ય કિન્નરો સાથે હળીમળીને ઊજવે છે, તેમનો મુખ્ય તહેવાર ગુરુપૂર્ણિમા અને મોટી પૂનમ હોય છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના પગ ધુએ, તેમની પૂજા કરે, મોટી પૂનમે બહુચરાજીમાં મેળો ભરાય, ત્યાં ભંડારો હોય એમાં અલગ અલગ સ્થળના બધા કિન્નરો ભેગા થઈને હળીમળીને તહેવાર મનાવે. દિવાળીમાં પણ તેઓ તેમના જૂથ જોડે તહેવાર મનાવે, દિવાળીથી પાંચમ સુધી તેઓ ભિક્ષાવૃત્તિ કરતા નથી. બેસતા વર્ષના દિવસે બધાને મળે. આખું વર્ષ સારું જાય એવા આશીર્વાદ આપે, મુહૂર્ત કરવા જાય, એમાં પણ તેઓ પૈસા માગતા નથી, સામેવાળા જે ખુશીથી આપે એ સ્વીકારી લે છે.

12. માતા-પિતા કે પરિવાર સાથે કેવી રીતે કનેક્ટ રહે?
100% માંથી 10% જ એવા કિન્નરો હોય છે, જેમનો પરિવારે સ્વીકાર કર્યો હોય છે. જે પરિવાર સાથે રહે એ તેમની પાસે રહીને કનેક્ટેડ રહે, બીજા કિન્નરો કે જે પરિવાર સ્વીકારે ખરા, પણ ઘરમાં રહેવાની મંજૂરી ના આપે એવા કિન્નરો ફોન દ્વારા, ક્યારેક પરિવારને મળી આવે એ રીતે સંપર્કમાં રહે અને જે કિન્નરોને પરિવારે સ્વીકાર્યો નથી એ કોઈપણ રીતે પરિવારના ટચમાં હોતા નથી.

13. મેકઅપ પર કેટલો ખર્ચ કરે?
જેમની જેવી આર્થિક સ્થિતિ હોય એવો ખર્ચ મેકઅપ પર કરે છે. સામાન્ય રીતે તેઓ મેકઅપનો સામાન એકસાથે લાવીને મૂકી દેતા હોય છે. વર્ષે 10,000-15000 રૂપિયા ખર્ચતા હોય છે. જો કોઈ કિન્નરને અસલી ઘરેણાં પહેરવાના શોખ હોય અને રૂપિયા હોય તો તેઓ ઘરેણાં પાછળ પૈસા ખર્ચે, બાકી જો કોઈ કિન્નરને શોખ ના હોય કે પૈસાની સગવડતા ન હોય તો તેઓ ઇમિટેશન જ્વેલરી પહેરતા હોય છે.

કિન્નરો તેમની આર્થિક સ્થિતિ મુજબ મેકઅપ પર ખર્ચો કરે છે.
કિન્નરો તેમની આર્થિક સ્થિતિ મુજબ મેકઅપ પર ખર્ચો કરે છે.

ઝરણાએ આ વિષય પર કિન્નરો સાથે નજીકથી કામ કર્યું છે. તેમનું કહેવું છે કે સરકાર અને સમાજ પાસેથી કિન્નરોનું સન્માન થાય, કોઈ ભેદભાવ ના થાય, સમાજ તેમને ખુલ્લા હૃદયથી સ્વીકારે, તેમને જીવન જીવવા માટે બધા હક મળે. ઘર, નોકરી મળે... બસ, આટલું જ જોઈએ છે.