ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝારખંડ ખાતે થયેલી હિંસામાં એકનું મોત થયું હતું, જ્યારે ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ રાજ્યમાં સતર્કતાના ભાગરૂપ રાજ્ય પોલીસ વડાએ તમામ જીલ્લા પોલીસ વડા - શહેર પોલીસ કમિશ્નર તેમજ રેન્જ IGને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોઈ પણ રીતે ડહોળાય નહીં તેની તકેદારી રાખવા સ્પષ્ટ સૂચના આપી દીધી છે. રાજ્યના દરેક જીલ્લા વિસ્તારના પરિસ્થિતિનું ડેઈલી બેઝીસ પર રાજ્ય પોલીસ વડા દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
બીજી તરફ CID ક્રાઇમ વિંગને પણ સોશિયલ મીડિયામાં થઈ રહેલી ધાર્મિક લાગણી દુભાવે તેવી વિવાદાસ્પદ પોસ્ટ પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે, જેના કારણે ક્રાઇમ સેલ પણ સક્રિય બની વિવિધ પોસ્ટ પર સતત નજર રાખી અને વિવાદાસ્પદ પોસ્ટ દૂર કરવાની કામગીરીમાં જોતરાઈ ગયું છે.
શહેરના પાંચ મહિલા IPS પણ હવે વિવિધ સમાજની મહિલાઓ સાથે બેઠક કરશે: અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર
અમદાવાદ શહેરમાં સૌહાર્દપૂર્વક વાતાવરણ રાખવા માટે પોલીસ સતત સક્રિય છે. અલગ અલગ ધર્મના લોકો સાથે સતત સંપર્કમાં છે. 'સી' ટીમ તો કામ કરે જ છે, પરંતુ હવે અમદાવાદ શહેરમાં હાલ ફરજ બજાવી રહેલા ઝોન 1 DCP લવિના સિન્હા, DCP ટ્રાફિક (વેસ્ટ) નીતા દેસાઈ, DCP હેડ ક્વાર્ટર કાનન દેસાઈ, DCP એડમિનિસ્ટ્રેશન ટ્રાફિક ભક્તિબેન, DCP ઇકોનોમિક ઓફેન્સિસ વીંગના ભારતી પંડ્યા સક્રિય રહી અને વિવિધ સમાજની મહિલાઓ સાથે સંવાદ કરશે અને શહેરના વાતાવરણમાં શાંતિ બની રહે તે માટેના પ્રયાસો કરશે તેવી દિવ્યભાસ્કરને જાણકારી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે આપી હતી.
અમરેલી ખાતે ધાર્મિક લાગણી દુભાવવાની પોસ્ટ કરવા બદલ બે ગુના દાખલ: અમરેલી જીલ્લા પોલીસ વડા
અમરેલી જિલ્લાના અમરેલી ખાતે ગત અઠવાડિયે ચોક્કસ કોમના એક વ્યક્તિએ અન્ય કોમ વિષે ટિપ્પણી કરી હતી, જે બદલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વિવાદાસ્પદ પોસ્ટ કરનારી વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે. જ્યારે રાજુલા પોલીસ મથકમાં પણ ચોક્કસ કોમના ભગવાન અંગે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનારા વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી અમરેલી જીલ્લા પોલીસ વડા હિમકર સીંઘે દિવ્યભાસ્કરને માહિતી આપી હતી.
બે સપ્તાહમાં પાંચ પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરાઈ: આણંદ જીલ્લા પોલીસ વડા
આણંદ જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણે દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ તો પેટ્રોલિંગ સતત ચાલે જ છે, પરંતુ શુક્રવારે તો ખાસ તકેદારી હોય છે. દરેક પોલીસ મથકમાં આ તકેદારી રખાય છે. અફવા ફેલાવનારા લોકો પર પણ નજર રખાઈ રહી છે. બોરસદ, પેટલાદ, આણંદ, ખંભાત અને ખંભોળજમાં ગુના દાખલ કરાયા છે. અફવાના મેસેજ ફોરવર્ડ કરનારા સામે પણ ગુનો દાખલ કરાશે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે બાંધછોડ નહિ ચલાવી લેવાય : ભાવનગર જીલ્લા પોલીસ વડા
ભાવનગર જીલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તમામ સમાજના લોકો સાથે બેઠક કરાઈ રહી છે. આવેદન પત્રો ચોક્કસ અપાયા છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે બાંધછોડ નહીં ચલાવી લેવાય. તમામ સમાજના લોકો શાંતિ જાળવે છે એટલે તેમનો આભાર વ્યક્ત કરું છું.
ગુના તો દાખલ થશે જ: રાજ્ય પોલીસ વડા
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે ગુના દાખલ થશે જ અને કાયદાની પરિભાષામાં ગુના દાખલ કરવા માટે સૂચનાઓ પણ અપાઈ ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ ગુના દાખલ પણ કરાયા છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની અવારનવાર સમીક્ષા થાય છે. દરેક જીલ્લામાં મહોલ્લા સમિતિની બેઠક કરવા સૂચના અપાઈ છે.
અમદાવાદ અને વડોદરામાં ભારે વિરોધ થયો હતો
નૂપુર શર્માની ધરપકડની માગ સાથે કરવામાં આવેલા વિરોધમાં અમદાવાદના લાલ દરવાજા, મિરઝાપુર, દરિયાપુર સહિત ત્રણ દરવાજા વિસ્તારમાં બજારો બંધ રાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને નારેબાજી લગાવી રેલી યોજી હતી. બીજી તરફ વડોદરાના ગોરવા વિસ્તારમાં પણ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.