ચૂંટણી સમયે તો નેતાઓનાં બેફામ નિવેદન અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ બે દિવસ પહેલાં જાહેર મંચ પર ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનાં નિવેદનને કારણે એવી બબાલ થઈ કે અડધી રાત સુધી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને હવે આ ઘટનાની ગુંજ છેક ગાંધીનગર સુધી સંભળાઈ છે. આ વિવાદનો મધપૂડો છંછેડાયો ભાજપના મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા અને વાંસદાથી કોંગ્રેસના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે.
વાત એમ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા સામે એક ટિપ્પણી કરી એટલે ભાજપના સેંકડો કાર્યકર્તાઓની ભીડે અનંત પટેલને ઘેરી લીધા, એટલે મધરાત્રે પોલીસ બોલાવવી પડી અને કોંગ્રેસના ધારાસભ્યને ઘેરો બનાવીને પોલીસે લઈ જવા પડ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પર એવો પણ આરોપ લાગ્યો કે તેઓ પીધેલા હતા.
આખરે એવું તો શું બન્યું કે બિનરાજકીય કાર્યક્રમમાં આટલી મોટી બબાલ થઈ ગઈ? બન્ને ધારાસભ્યો શું બોલ્યા, જેના કારણે કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ ગયા અને ઘેરાબંધી કરી લીધી? મોડી રાત્રે બબાલ થયા બાદ પરોઢિયું થાય એ પહેલાં જ મામલાનું સમાધાન કેવી રીતે આવી ગયું? કોંગ્રેસના ધારાસભ્ય દારૂ પીધા બાદ જાહેર કાર્યક્રમમાં આવ્યા હોવાનો આરોપ કેટલો સાચો છે? અને સૌથી મોટો સવાલ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોની વર્ચસ્વની લડાઈ પાછળની ઈનસાઈડ સ્ટોરી શું છે?, શા માટે બન્ને ધારાસભ્યો પાણીમાં બેસી ગયા અને કાર્યકર્તાઓનાં મોઢાં વિલાં થઈ ગયાં? આ તમામ મુદ્દે સચોટ જાણકારી મેળવવા દિવ્ય ભાસ્કરે બન્ને ધારાસભ્ય ઉપરાંત કાર્યક્રમના આયોજકો સાથે વાત કરી હતી.
આ કારણે એક મંચ પર આવ્યા હતા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે '21મી તારીખે રાત્રે સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટનો એક કાર્યક્રમ હતો, જેમાં દિશા ફાઉન્ડેશનના મહુવા વિભાગના ઢોડિયા સમાજના કાર્યાલય અને પ્રકલ્પના ઉદઘાટનનો પ્રસંગ હતો. સ્ટેજ પર મારા સહિત રાજકીય આગેવાન મોહન ઢોડિયા, માનસિંહભાઈ, સંતો, તાલુકાના આગેવાનો હતા. આ કાર્યક્રમ કોઈ પક્ષ કે રાજકીય નહોતો, સમાજનો કાર્યક્રમ હતો. મને પહેલાંથી ખબર હતી કે આ કાર્યક્રમમાં મોહન ઢોડિયા, નરેશ પટેલ, માનસિંહભાઈ અને મારું નામ હતું. મને દિશા ફાઉન્ડેશનના પ્રમુખ અને મંત્રી મારફત આમંત્રણ મળ્યું હતું એટલે હું ગયો હતો.'
ભાજપના MLAએ કોંગ્રેસના MLAને કેસરી ટોપી ઓફર કરી!
'મોહનભાઈ અને બધા આગેવાનો ઉદઘાટન કરીને જતા રહ્યા ત્યારે આમંત્રિતોએ મને એમ કહ્યું હતું કે તમારું વક્તવ્ય મોડું છે એટલે બેસજો. મોહનભાઈ દિશા ફાઉન્ડેશન અંગે બોલ્યા હતા કે આ ફાઉન્ડેશનમાં રાજકારણ લાવશો નહીં એવી ધમકીભરી વાત કરી એટલે મેં ખુલાસો આપ્યો. મેં કહ્યું હતું કે મોહનભાઈએ દિશા ફાઉન્ડેશનને દિશા આપવાની જરૂર નથી, તમારે દિશા શોધવાની જરૂર છે. તેઓ (ભાજપની) ટોપી પહેરીને આવ્યા હતા, એટલે મેં ટિપ્પણી કરી હતી કે આ સમાજનો કાર્યક્રમ છે. હું આદિવાસી સમાજનું ફાળિયું બાંધીને આવ્યો છું. હું કોઈ કેસરી ટોપી પહેરીશ નહીં કે આ કાર્યક્રમમાં કેસરી ટોપી પહેરવાની જરૂર નથી. મેં તેમના માટે કોઈ અપમાનજનક શબ્દ વાપર્યો નહોતો, પરંતુ સ્થાનિક લોકોની મદદથી રાજકીય રીતે જાણીજોઈને એવું બતાવાયું કે મોહનભાઈ માટે હું ખરાબ બોલ્યા હતો, પરંતુ તમે આખી સ્પીચ સાંભળો તો ખ્યાલ આવશે કે મોહનભાઈ માટે હું કાંઈ ખરાબ નથી બોલ્યો. હું એમ બોલ્યો હતો કે વિધાનસભામાં ઢોડિયા સમાજના ચાર ધારાસભ્યો છે, તેમાંથી સમાજ માટે વિધાનસભામાં કોણ બોલે છે? ત્યારે સામેથી લોકોનો અવાજ આવ્યો કે અનંત પટેલ બોલે છે. આ લોકોએ મારી છબિ બગાડવા માટે અને કોઈપણ રીતે એવું બતાવવા કે અમારા કાર્યકર્તાઓમાં તાકાત છે એટલે અમે ગમે તે કરી શકીશું. તમે માફી માગો, પણ મારે માફી કેમ માગવાની? તો તેઓ આ સવાલનો જવાબ ન આપી શક્યા.'
'મારે શું પહેરવું, શું નહીં એ અનંત પટેલ નક્કી નહીં કરે'
દિવ્ય ભાસ્કર સાથે આ મુદ્દે વાત કરતાં મોહન ઢોડિયાએ કહ્યું, 'કેસરી ટોપી ધારણ કર્યે મને ઘણો સમય થયો છે. વિધાનસભામાં પણ આ ટોપી પહેરું છું. ઢોડિયા સમાજના આગેવાન ઉત્તમ હરજી પણ આ ટોપી પહેરતા હતા. મને શોખ છે. હું બંડી અને ટોપી પહેરું છું. મારો ડ્રેસ નક્કી મારે કરવાનો હોય. અનંત પટેલ જાણે છે કે હું વિધાનસભામાં પણ આ ટોપી પહેરું છું. હું ભાજપનો છું તો કેસરી ટોપી પહેરું એ મારો ગુનો નથી.'
ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય એકબીજાની કેવી મજાક કરે છે?
અનંત પટેલે કાર્યક્રમમાં થયેલી બબાલ પહેલાં બનેલી એક નોંધવા જેવી ઘટનાનો દિવ્ય ભાસ્કર સમક્ષ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, 'હું કાર્યક્રમમાં મોહનભાઈ નજીક બેઠો હતો અને અમે મજાક પણ કરતા હતા. મેં તેમને સ્ટેજ પર પણ કહ્યું હતું કે તમે બેસજો, મારે જે કહેવું છે એ તમે સાંભળજો. મોહનભાઈએ મને સ્ટેજ પર જ (ભાજપની)ટોપી પહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મેં ના પાડતાં કહ્યું હતું કે હું આ ટોપી ક્યારેય નહીં પહેરું.'
આ જ મુદ્દે મોહન ઢોડિયાએ કહ્યું, 'હું અને અનંત પટેલ જ્યારે કોઈ કાર્યક્રમ કે વિધાનસભામાં મળીએ ત્યારે અમે મજાક પણ કરીએ. હું તો એમ પણ કહું કે ભાજપમાં આવી જાઓ તો એ કહે કે મને મુખ્યમંત્રી બનાવે તો આવું. એવી રીતે તે પોતાની જાતને ઊંચા સ્થાન પર માને છે.'
અનંત પટેલે આ આરોપ પર ખુલાસો આપતાં કહ્યું, 'અમે જ્યારે સ્ટેજ પર બેઠા હતા ત્યારે પણ મોહન ઢોડિયાએ મજાકમાં મને પૂછ્યું કે હમણાં મધ્યપ્રદેશની ચૂંટણી આવે છે તો ક્યારે ભાજપમાં આવો છો? તો મેં મજાકમાં એમ કહ્યું કે મને પ્રધાનમંત્રી બનાવે ત્યારે આવીશ. હું જ્યાં છું, જે પક્ષમાં છું ત્યાં સારો છું.'
એ ત્રણ વાક્યના કારણે આખી સભા તોફાની બની ગઈ
મોહન ઢોડિયાએ વિવાદની રાત્રે આપેલા ભાષણ વિશે જાણકારી આપતાં કહ્યું, 'મેં મારા પ્રવચનમાં એટલું કહ્યું હતું કે દિશા ફાઉન્ડેશન ઢોડિયા સમાજનું કામ કરે. જે કંઈ પ્રવૃત્તિ, યોજના છે એમાં સામાન્ય માણસ ઉન્નત મસ્તકે જીવન જીવી શકે તેવા પ્રયાસો કરવા જોઈએ અને કોઈ પ્રકારના રાજકારણમાં દિશા ફાઉન્ડેશન રંગાય નહીં એવી વિનંતી કરી હતી.' ત્યારે અનંત પટેલે એ પછી મંચ પરથી કહ્યું હતું કે 'દિશા ફાઉન્ડેશનને રાજકારણની ભાષા ન સમજાવો, આપણે સમાજકારણ કરવા બેઠા છીએ. સમાજની સાથે હંમેશાં સમાજકારણ જ હોવું જોઈએ, રાજકારણ ના હોવું જોઈએ.'
કોંગ્રેસના ધારાસભ્યને પોલીસે કોર્ડન કર્યા અને ગાડીમાં બેસાડ્યા
અનંત પટેલે આ નિવેદન આપ્યું એ સમયે તો મોહન ઢોડિયા કાર્યક્રમમાંથી નીકળી ચૂક્યા હતા, પરંતુ અનંત પટેલના આ નિવેદન બાદ કાર્યક્રમમાં રીતસર હોબાળો થઈ ગયો અને લોકોએ અનંત પટેલને ઘેરી લીધા હતા. ઉશ્કેરાયેલી ભીડમાંથી અવાજ આવવા લાગ્યો કે અનંત પટેલે મોહન ઢોડિયાનું અપમાન કર્યુ છે, તેઓ માફી માગે. જ્યારે સામે પક્ષે અનંત પટેલે પણ કોઈનું અપમાન ન કર્યું હોવાનો દાવો કર્યો. આખરે અડધી રાત્રે દિશા ફાઉન્ડેશનનો કાર્યક્રમ નેતાઓના અંગત ઉશ્કેરાટના કારણે દિશા-વિહીન બની ગયો અને પરિસ્થિતિ વિકટ બને એ પહેલાં જ પોલીસ બોલાવવી લેવી પડી. પોલીસે અનંત પટેલ ફરતે ઘેરો બનાવ્યો અને સલામતી સાથે પોતાની ગાડીમાં બેસાડી દીધા.
ભાજપના નેતાને જવાબ આપવામાં મામલો ગરમાઈ ગયો
વિવાદના ઘટનાક્રમ અંગે મોહન ઢોડિયાએ જણાવ્યું, 'મેં દાંતની સર્જરી કરાવી છે. રાત્રે 12 વાગ્યા હતા અને ભોજન બાકી હતું. અનંતભાઈનું પ્રવચન છેલ્લે હતું. મેં દિશા ફાઉન્ડેશનને ટકોર પણ કરી હતી કે પહેલા દિશા ચૂકી ગયા હતા એટલે તમે હવે દિશા ચૂકતા નહીં. ઢોડિયા સમાજના આદિવાસી સમાજના લોકો છે તેમનું કાર્ય તમારે ચલાવવાનું છે. આદિવાસીનું ભારણ લઈને ચાલે છે તેવાં કાર્યોમાં જોડાવવું ન જોઈએ તેવી મેં વિનંતી કરી હતી. અનંત પટેલ કોંગ્રેસ અને આદિવાસીના નામે ચલાવે છે. જે લોકોએ અનંત પટેલનો ઘેરાવ કર્યો હતો એ બધા મારા ચાહક હતા. હું મારા કામના કારણે ચૂંટાયો છું. જ્યારે મારા પ્રત્યે લાગણી હોય અને ભાજપ અંગે કોઈ વિરુદ્ધમાં બોલે ત્યારે એ કાર્યકર્તાઓ આવું કરતા હોય છે. એ કાર્યકર્તાનો નિર્ણય છે, જનતાનો નિર્ણય છે, મારો નિર્ણય નથી. સામાજિક કાર્યક્રમમાં રાજકીય નિવેદનો આપવાં એ અનંત પટેલની આદત છે.'
'જો અનંત પટેલ અમારી સાથે ચર્ચા કરે તો કાંઈ નહીં થાય બાકી...'
અનંત પટેલે આપેલા નિવેદન બાદ વિરોધની આગેવાની લેનારા સરપંચ અને મહુવા તાલુકા ભાજપ મહિલા મોરચાનાં મંત્રી રેખાબેન પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે 'અમે તો મહેમાન તરીકે તેમને બોલાવ્યા હતા. આ રાજકીય કે સરકારી કાર્યક્રમ નહોતો. ત્યાં પાર્ટીની વાત કરી એ અયોગ્ય હતું. લાઈવ કાર્યક્રમમાં આવી શાબ્દિક ટિપ્પણી કરી. અમે આવું કેવી રીતે ચલાવી શકીએ? હું સરપંચ છું. સમાજનું ભવન બને છે એ અમારા ગામ પાસે છે. અમારા લોકોએ મને કહ્યું, અનંત પટેલ આ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે તો લોકોએ ખુલાસો માગવા કહ્યું. આ પછી મેં મંચ પરથી કહ્યું, સામાજિક કાર્યક્રમ છે તો મોહનભાઈ માટે તમે કેમ આવું બોલ્યા? એટલે તમારે માફી માગવી જોઈએ. તો અનંત પટેલે કહ્યું, હું માફી નહીં માગું. હું દારૂ પીધેલો લાગું તો મેડિકલ કરાવો. મામલો થાળે ના પડ્યો એટલે પોલીસને બોલાવી. આ સમય દરમિયાન અનંત પટેલે પોતાના લોકોને બોલાવ્યા અને મામલો ડહોળવાનો પ્રયાસ કર્યો. અમારી સાથે ઊભા રહીને ચર્ચા કરી નહીં અને ભાગીને પોલીસની ગાડીમાં બેસી ગયા. અમે પણ પોલીસ રક્ષણ માગ્યું. પોલીસ આવી અને પીઆઈએ વાતચીત કરી. અમે પોલીસને એમ કહ્યું, 'જો અનંત પટેલ અમારી સાથે ચર્ચા કરે તો અમારે કંઈ કરવું નથી.'
ભાજપના આગેવાને કોંગ્રેસ MLA પર કેવા આરોપ લગાવ્યા?
મહુવા તાલુકાનાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન પટેલે પણ રેખાબેન પટેલના સૂરમાં સૂર પુરાવતાં કહ્યું, 'એ રાત્રે કાર્યક્રમમાં અનંત પટેલ પીધેલી હાલતમાં હોય એમ ઝનૂની લાગતા હતા. અમે સંગઠનના લોકોએ તો શરૂઆતમાં કાંઈ ન કહ્યું, પરંતુ સ્થાનિક સરપંચે જ્યારે અનંત પટેલની વાતનો વિરોધ કર્યો અને જાહેરમાં માફી માગવા કહ્યું તો કહે, આ અનંત પટેલ છે એટલે માફી માગે નહીં. વળી, પાછો ડર લાગ્યો એટલે પોલીસની ગાડીમાં બેસી ગયા અને ગાડીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો.'
એક તરફ ભાજપમાં આવવાની ઓફર, બીજી તરફ કહે, મારે અનંત સાથે લાંબો પરિચય નથી
મોહન ઢોડિયાએ કહ્યું, 'અનંત પટેલે દારૂ પીધો હતો કે નહીં એનો મને કોઈ ખ્યાલ નથી એટલે ખોટું બોલવાનો હક નથી. લોકો કહે છે કે દારૂ પીધો હતો, પણ સાચું શું છે એ ખ્યાલ નથી. મેં ક્યારેય તેમને આવી સ્થિતિમાં જોયા નથી. તેમની સાથે લાંબો પરિચય નથી.'
પોલીસની ગાડીમાં બેસી રહેવા મુદ્દે અનંત પટેલે શું ખુલાસો આપ્યો?
અનંત પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું, 'કાર્યક્રમમાં જેમણે મારો વિરોધ કર્યો એ તેમના સમર્થક ન હતા, પરંતુ રાજકીય હોદ્દેદાર હતા. મહિલા પાંખનાં મંત્રી હતાં, બીજા કોઈ નહોતા. મારા પણ સમર્થકો બહુ હતા. જો હું પોલીસની જીપમાંથી ઊતરતો તો મોટી ધમાલ થઈ હોત. સમાજમાં ધમાલ કરાવવી ન હતી એટલે ટિપ્પણી નહોતી કરી. જે બહેને નશાની વાત કરી તે જ બહેન જીપ બહાર કહે છે કે મારી છેડતી થઈ છે, એટલે તેમને પ્રોટેક્શન આપો.'
મને લાગે છે એ બહેન જ નશો કરીને આવ્યાં હશે: અનંત પટેલ
અનંત પટેલે વધુમાં કહ્યું, 'મને પોલીસે પ્રોટેક્શન નહોતું આપ્યું પણ પોલીસે પોતાના પ્રોટેક્શન માટે મને ગાડીમાં બેસાડ્યો. અમે પ્રોટેક્શન માગ્યું નથી. પોલીસનું એમ કહેવું હતું કે તમારા સમર્થક વધારે છે એટલે બીજો કોઈ વિવાદ ન થાય એટલે મને ગાડીમાં બેસાડ્યો. મેં કોઈ રાજકીય નિવેદન આપ્યું જ નથી. જીવનમાં દારૂ પીધો નથી અને પીવા માગતો પણ નથી. સમાજ સેવા કરવાનો નશો છે. આ બહેન જ નશો કરીને આવ્યાં હોય એમ લાગે છે.'
મેં જ પોલીસ મોકલી હતી: મોહન ઢોડિયા
દિવ્ય ભાસ્કર સમક્ષ મોહન ઢોડિયાએ દાવો કર્યો કે 'હું જે કાર્યક્રમમાંથી નીકળી ગયો હતો ત્યાં વિવાદ થયો છે, તેની મને ફોન મારફત જાણકારી મળી એટલે અજુગતો બનાવ ન બને એ માટે મેં જ પોલીસ મોકલી હતી. અનંતભાઈને મુક્ત કરવા માટે પણ મેં જ કહ્યું હતું. મેં કાર્યકરોને ફોન પર સમજાવ્યા કે આવા બનાવ તો બનતા રહે એટલે આપણે ઉશ્કેરાટમાં ન આવવું જોઈએ.'
વિવાદનું સમાધાન કેવી રીતે થયું?
મામલો વધુ ગરમાતાં અનંત પટેલ સહિત બંને પક્ષોના આગેવાનો સમાજ ભવનના હોલમાં ગયા હતા, આ બાબતે મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ-ઈન્સ્પેક્ટર જે.એ.બારોટ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે 'સમાજની ઓફિસમાં જઈને આયોજક પાસે પોલીસે મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાને ફોન કરાવ્યો હતો. અનંત પટેલની ટિપ્પણી મામલે પૂછ્યું તો ધારાસભ્ય મોહન ઢોડિયાએ કહ્યું, અમારે આવું બધું ચાલ્યા કરે છે, મને કંઈ પ્રોબ્લેમ નથી. જેથી મામલો થાળે પડ્યો હતો. ત્યાર બાદ રોષે ભરાયેલા કાર્યકરો સાથે પણ ધારાસભ્ય મોહન ઢોડિયાએ વાત કરી અને તેમને સમજાવ્યા હતા.'
'તું સળગાવીને જાય છે અને મારે ઓલવવું પડે છે'
મોહન ઢોડિયાએ વિવાદ પછી અનંત પટેલ સાથે થયેલી એક રસપ્રદ વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે 'માથાકૂટ થઈ ત્યારે અનંત પટેલ સાથે વાત થઈ હતી. મેં કહ્યું, તને કેમ આવું સૂઝ્યું તો આવું બોલ્યો. એ પછી વાત થઈ નથી. પણ અમે તો અવારનવાર વાતો કરીએ જ છીએ. આ જ મુદ્દે વધુ જાણકારી આપતા અનંત પટેલ દિવ્ય ભાસ્કરે જણાવ્યું કે મોહનભાઈએ મને કહ્યું, તું સળગાવીને જાય છે અને મારે ઓલવવું પડે છે. 27 તારીખે અમે તાપીના વ્યારામાં આદિવાસી મહાપંચ કરવાના છીએ. અમે દરેક વિસ્તારમાં કાર્યક્રમ કરીએ છીએ. અમે સામાજિક કાર્યક્રમ કરીએ છીએ પણ સરકારને રાજકીય લાગે છે. બધા સામાજિક કાર્યક્રમ હોય છે તેમાં ભાજપના ધારાસભ્ય નથી આવતા. બધાને લાગે છે કે અનંત પટેલ હવેની ચૂંટણી માટે રાજકીય કાર્યક્રમ કરે છે, પરંતુ મહુવા મારો વિસ્તાર નથી.'
આ વાત બોલવવાની તાકાત ભાજપના ધારાસભ્યોમાં નથી: અનંત પટેલ
અનંત પટેલે વધુમાં જણાવ્યું, '27 તારીખે તાપીનો કાર્યક્રમ પણ મારા વિસ્તારમાં નથી. રાજકીય લોકો, આદિવાસી સમાજ આમંત્રણ આપે ત્યારે અમે જઈએ છીએ. અગાઉ અમે હાઈવે અંગે વિરોધ કર્યો ત્યારે ચૈતર વસાવા પણ આવ્યા હતા. અમારી સાથે જે કોઈ આવે, અમે ટોપી કે ખેસ પહેરવાના નથી. મારા માટે સમાજ અગત્યનો છે. હું તો જાહેર મંચ પર કહું છું કે, મારી પાર્ટી જ્યારે મારા સમાજનું અહિત કરશે ત્યારે પાર્ટીનું પાટિયું કાઢીને મૂકી દઈશ. આ વાત બોલવાની તાકાત ભાજપના ધારાસભ્યોમાં નથી કેમ કે તેમને ટિકિટ કપાઈ જવાનો ડર લાગે છે. હું તો એ જ કહેવા માગું છું કે સમાજને અહિત થાય છે એમાં સાથે આવીએ. જળ, જમીન અને જંગલના પ્રશ્નો અંગે સાથે લડીએ. અવનવા પ્રકલ્પોનો વિરોધ કરીએ નહીં તો આદિવાસીની સંસ્કૃતિ પૂરી થઈ જશે. આદિવાસી મહાપંચમાં પણ સાથે મળીને સમાજને આગળ લાવવાના પ્રયત્ન પૂરા કરવા જોઈએ.'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.