ભાસ્કર ઇનસાઇડ:વિધાનસભા ચૂંટણી અગાઉ IAS કે રાજેશનો રાજકીય ભોગ લેવાયો? વધુ એક અધિકારી પણ રડારમાં?

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • પૂર્વ સરકાર અને વર્તમાન સરકારની રાજકીય લડાઈની અસર વહીવટી અધિકારી પર પડી?
  • વહીવટી અધિકારીઓએ જો રાજકીય નેતાનો હાથ ઝાલ્યો તો પરિણામ માટે તૈયાર રહેવાનો સંકેત
  • સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાનું અસ્તિત્વ પૂરું કરવા માટેની કાર્યવાહી
  • કે. રાજેશ બામણબોર ગામની કરોડોની જમીન વિવાદમાં સપડાયા છે એટલે CBI આ દિશામાં પણ તપાસ કરે એવી પ્રબળ સંભાવના

IAS કે. રાજેશનો ભોગ લેવાયો એની પાછળ વર્તમાન અને પૂર્વ સરકારની રાજકીય લડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંદૂક માટે પરવાના આપવા અને એ માટે લાંચ માગવા જેવી સામાન્ય બાબતમાં સીબીઆઈ કાર્યવાહી થાય એ વાત કોઈને ગળે ઊતરે એવી નથી, ત્યારે સમગ્ર આ ઘટના પાછળ રાજકીય લડાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. માત્ર વહીવટી અધિકારીઓ જ નહીં, પરંતુ ભાજપ સંગઠનના કાર્યકરો પણ ચર્ચા કરી રહ્યા છે કે કે. રાજેશની ધરપકડ થવા પાછળ પરવાનાની લાંચ નહિ, પરંતુ રાજકીય લડાઈ જ જવાબદાર છે.

વાત છે કે. રાજેશ જ્યારે સુરેન્દ્રનગર ખાતે કલેક્ટર હતા એ સમયની. જે-તે સમયે પૂર્વ સરકારના એક નેતાના કહેવાને કારણે ચોટીલાથી આશરે 17 KMના અંતરે આવેલા બામણબોર ગામની એક જમીન હેતુફેર કરવાની સૂચના આપવામાં આવી હતી. મૂળ જમીન દલિત અને વિચરતી જાતિ માટે ફાળવાયેલી સરકારી જમીન હતી. એનો હેતુફેર કરીને રાજકોટ જિલ્લાના એક રાજકીય (ભાજપના) નેતાના નામે કરવામાં આવી હતી. હાલના સમયમાં આ જમીનની કિંમત 300 કરોડ ઉપરાંત થાય છે ત્યારે જે-તે સમયે આ જમીનનો હેતુફેર કરીને ખાનગી વ્યક્તિના નામે કરવામાં આવી હતી. જમીનનો હેતુફેર કરાયા બાદ થોડા સમય પછી જ્યારે સુરેન્દ્રનગર ખાતે સીમાંકનમાં પ્રાથમિક ફેરફાર કરવામાં આવ્યા ત્યારે એ સમયની સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતી આ જમીન રાજકોટ જિલ્લા હસ્તગત જતી રહી હતી. જમીન હેતુફેર કરતી વખતે જાણકારી હતી જ કે બામણબોર નજીક રાજકોટ ખાતે આગામી સમયમાં ગુજરાતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનું છે અને એ જોતાં જ મળતિયાઓને લાભ કરી આપવા માટે જ આ જમીન હેતુફેર કરી ખાનગી વ્યક્તિના નામે કરી આપવામાં આવી હોવાની ચર્ચા હાલ રાજકીય લોકોમાં ચાલી રહી છે.

રાજકોટના આ રાજકીય નેતાએ વર્તમાન સંગઠનના નેતાઓના ઝભ્ભા પકડવા પણ પ્રયાસ કર્યો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ સરકારને રાતોરાત બદલીને નવી સરકારે રાજ કરવાની શરૂઆત કરી ત્યારે રાજકીય નેતાને ખ્યાલ આવી ગયો કે તેમની પર હવે તવાઈ આવી શકે છે, એવા સંજોગોમાં આ રાજકીય નેતાએ વર્તમાન સંગઠનના નેતાઓના ઝભ્ભા પકડવા પણ ઘણો પ્રયાસ કર્યો હતો. અવારનવાર આ નેતા સંગઠનના નેતાઓના ઘરે આંટા મારવા લાગ્યા હતા તેમજ સંગઠનના નેતાઓને રાજકોટ મુલાકાતે બોલાવી રાજકીય કાર્યક્રમો પણ કરી મામલો દબાવવા માટેના પ્રયાસો કરતા હતા, પરંતુ અંતે સ્ક્રિપ્ટ લખાઈ હતી એ પ્રમાણે જ કાર્યવાહી થઈ.

દિલ્હી દરબાર સુધી જમીન હેતુફેર કરી મળતિયાઓને લાભ કરાવવાનો મુદ્દો પહોંચ્યો
જમીન હેતુફેર કરીને ખાનગી વ્યક્તિના નામે કરવા માટેનો વિવાદ અગાઉથી ભાજપના રાજકારણમાં ગરમાયો હતો ત્યારે કેટલાક નેતાઓ દ્વારા આ વાતને દિલ્હી સુધી પહોંચાડવામાં આવી હતી. કેન્દ્રીય મોવડી મંડળને સમગ્ર વાતથી વાકેફ કરવામાં આવ્યા બાદ આખરે ગુજરાતમાં બનેલી ઘટનાએ સૌ કોઈને અચંબિત કરી દીધા છે. આમ, આખોય મુદ્દો દિલ્હી દરબારમાં પહોંચતાં કડક કાર્યવાહીના આદેશ આપી દેવાની સ્ક્રિપ્ટ તૈયાર કરી દેવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાને ચૂપ કરાવવા માટેની કાર્યવાહી?
મૂળ રાજકોટ ખાતેનો જમીન વિવાદ સૌરાષ્ટ્ર વિસ્તારના એક મજબૂત રાજકીય નેતા સાથે જોડાયેલો છે. સંગઠનમાં ફેરફાર થવાના સમયથી શીતયુદ્ધ સમાન ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચતાં જ આખી સરકાર ઊઠલાવી દેવામાં આવી હતી. જોકે આ નેતા આગામી સમયમાં આવનારી ચૂંટણી વખતે નડી શકે એમ દહેશત હોવાને પગલે સીબીઆઈના મહોરા તરીકે ઉપયોગ કરી આખીય કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો સીબીઆઈનો ઉપયોગ કરવામાં આવે તો આ રાજકીય નેતા ચૂપ બનીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવાતિયાં મારે એ મુજબની કાર્યવાહી કરાઈ હોવાની સંગઠનમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાતના વધુ એક અધિકારી પણ રડારમાં?
કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓનું દરેક રાજ્ય પાસેથી લિસ્ટ મગાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના બે અધિકારીનાં નામ પણ ધ્યાનમાં આવ્યાં છે. આ બે અધિકારી પૈકી એક અધિકારી સામે તો સીબીઆઈ મારફત કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વધુ એક અધિકારી પણ કેન્દ્ર સરકારની રડારમાં હોવાની માહિતી મળી રહી છે, ત્યારે આ અધિકારી પણ આઘા-પાછા થઈ સમુંસૂથરું પાર પાડવા માટે પ્રયત્નો કરતા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા સાથે સંકળાયેલા વધુ એક અધિકારી સુધી પણ તપાસનો રેલો પહોંચી શકે છે
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા સાથે સંકળાયેલા એક વહીવટી અધિકારી, જેઓ હાલ રાજ્યના એક જિલ્લામાં ડીડીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આ અધિકારી પણ છેલ્લા 3 દિવસથી ઓફિસ ના આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અધિકારીની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સાથે વાત કરતાં જે-તે અધિકારી કામથી બહાર હોવાની વિગતો સાંપડી રહી છે.

જો રાજકીય નેતાનો હાથ ઝાલ્યો તો થશે કાર્યવાહી
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હવે અધિકારીઓ રાજકીય શરણે થઈ ગયેલા જોવા મળે છે, ત્યારે કે. રાજેશને પણ આ ભૂલનું પરિણામ સીબીઆઈ કાર્યવાહી મારફત ભોગવવું પડી રહ્યું હોય એમ લાગે છે. સીબીઆઈની કાર્યવાહી મારફત સ્પષ્ટ રાજકીય ઈશારો છે કે ચૂપચાપ કામ કરો અને ભૂલથી પણ જો રાજકીય નેતાઓના તાબે થયા તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો એવા સંકેત આપવામાં આવી રહ્યા છે.