ભાસ્કર એક્સક્લૂસિવ25 વર્ષની ઉંમરે ગોળી વાગી, 55 વર્ષે પણ વળતર નથી:રમખાણોમાં ઇજા પામેલા અરજદારે કહ્યું- રકમ મળી જાય તો દીકરીનાં લગ્નમાં ઉપયોગમાં આવી જાય

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

આજથી 30 વર્ષ પહેલાં ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી તોફાનો દરમિયાન અજાણ્યા શખસો દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી સાળા-બનેવી ઇજા પામ્યા હતા. સતત બે વર્ષ સુધી સારવાર બાદ પણ સરકાર તરફથી કોઈ વળતરની રકમ મળી ન હતી. છેવટે ઇજાગ્રસ્ત મનીષ ચૌહાણને સરકાર પાસેથી વળતર મેળવવા માટે આખરે કોર્ટમાં દાવો કરવાની ફરજ પડી હતી. સિટી સિવિલ કોર્ટના જજ એમ.એ. ભટ્ટીએ અરજદારને 49 હજાર રૂપિયા વાર્ષિક છ ટકાના વ્યાજ સાથેની રકમ 30 દિવસમાં ચૂકવવાનો 30મી ડિસેમ્બર-2021ના રોજ હુક્મ કર્યો હતો, પરંતુ આજે આઠ મહિના વીતવા છતાં હજુ સુધી અરજદારને વળતર ચૂકવાયું નથી, એટલે તેમણે કોર્ટમાં વળતર મેળવવા માટેની દરખાસ્ત મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે. મનીષભાઈ ચૌહાણે કહ્યું હતું કે મને વળતર મળી જાય તો મારી દીકરીનાં લગ્નમાં એનો ઉપયોગ કરી શકાય. તો મારી સરકારને વિનંતી છે કે મને વહેલી તકે વળતરની રકમ ચૂકવી દો.

સને 1992ના જુલાઇ મહિનામાં રથયાત્રા બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનો 5મી જુલાઇ સુધી ચાલુ રહ્યાં હતાં. દરમિયાન શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગરમાં રહેતાં મનીષભાઈ એન. ચૌહાણનાં માતુશ્રી વિમળાબેનને બીમારીને કારણે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને ટિફિન આપીને મનીષભાઈ તથા તેમના બનેવી શાંતિલાલ પઢિયાર સાથે ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે નેહરુબ્રિજ પાસે સ્કૂટર પર સવાર બે વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો, જેમાં બંને સાળા-બનેવીને ઇજા પહોંચી હતી. મનીષને કમર તથા છાતીમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 14મી જુલાઇ સુધી સારવાર લીધી હતી, જેથી તેમને સ્વસ્થ થયા બાદ સરકારને કાયદાકીય નોટિસ આપીને વળતર ચૂકવવાની માગણી કરી હતી, પરંતુ સરકાર તરફથી વળતર નહીં ચૂકવવામાં આવતાં મનીષ ચૌહાણે સરકાર સામે 1994માં સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. આ દાવામાં દાવાની 1 લાખની રકમ સહિત નુકસાની પેટે 7 લાખ રૂપિયા 18 ટકા વ્યાજ સાથે ચૂકવવાની દાદ માગવામાં આવી હતી.

અરજદાર મનીષભાઈ ચૌહાણ
અરજદાર મનીષભાઈ ચૌહાણ

આ દાવાની સુનાવણી દરમિયાન વાદી મનીષ ચૌહાણ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર કોમી રમખાણોની ઘટનામાં તેની પ્રજાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની ફરજમાં નિષ્ફળ ગઈ છે. ઓથોરિટી જાહેર માર્ગો પર ફરતા લોકોને હથિયારો સાથે રાખવાથી રોકવામાં નિષ્ફળ રહી હતી. જ્યારે રાજ્ય સરકાર એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમની ઇજા પછી તેમને રૂપિયા 1 હજાર વળતર ચૂકવવામાં આવ્યું હતું. તેઓ વધુ વળતર મેળવવા હક્કદાર નથી. જોકે બંને પક્ષોની રજૂઆત બાદ કોર્ટે આપેલા ચુકાદામાં અવલોકન કર્યું હતું કે મનીષને હોસ્પિટલમાં દાખલ થવા માટે કોઈ ખર્ચ કરવો પડયો નહોતો, પરંતુ ઘરની વ્યક્તિની ઇજા અને સારવારથી તેમને તથા તેમના સંબંધીઓને અસુવિધા થઈ હોવી જોઈએ. મનીષને તેમની સ્થિતિને કારણે ભારે પીડા અને આઘાત લાગ્યો હોઈ શકે છે, એમ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું, પરંતુ મનીષ દ્વારા માગવામાં આવેલા વળતરની રકમ બાબતે કોર્ટ સહમત ન હતી, જેથી કોર્ટે વાદીને 49,000 રૂપિયા વાર્ષિક 6 ટકાના વ્યાજ સાથે વળતર પેટે 30 દિવસમાં ચૂકવવા સરકારને આદેશ આપ્યો હતો. આ આદેશ કોર્ટે 30-12-2021ના રોજ આપ્યો હતો છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું ન હોવાથી મનીષ ચૌહાણ દ્વારા વળતર મેળવવા માટેની કોર્ટમાં દરખાસ્ત દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

કોર્ટના હુક્મ બાદ આઠ મહિના છતાં વળતર મળ્યું નથી: મનીષ ચૌહાણ
અરજદાર મનીષ ચૌહાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 1992માં રમખાણો થયાં હતાં. 5-7-1992ના રોજ મને ગોળી વાગી હતી. ગોળી વાગ્યા પછી મારી તબિયત સારી થતાં બે વર્ષ પછી વળતર મેળવવા માટે મેં કોર્ટમાં દાવો કર્યો હતો. દાવાનો 30-12-2021ના રોજ ચુકાદો આવ્યો હતો. ચુકાદાને આઠ મહિના થવા છતાં સરકાર તરફથી મને એક રૂપિયો વળતર ચૂકવ્યું નથી. જો આ પૈસા મને મળી જાય તો મારી દીકરીનાં લગ્નમાં મારે કામમાં આવે અને મારે બહારથી પૈસા લાવવા પડે નહીં. સરકારને મારી એ જ વિનંતી છે કે મને વહેલી તકે પૈસા ચૂકવી દે.

અન્ય સમાચારો પણ છે...