માર્કેટમાં તાલિબાની ઇમ્પેક્ટ:ભારત-અફઘાનના ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ઓટ, સૂકા મેવા મોંઘા થતાં તહેવારો ડ્રાય બનશે

3 મહિનો પહેલા
  • 2020-21માં બંને દેશ વચ્ચે 1.4 અબજ ડોલરનો વેપાર થયો છે
  • ભારતનું 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ ફસાયું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પણ વર્ષો જૂના છે. બંને દેશોની ભૌગોલિક નિકટતા અને ઐતિહાસિક સંબંધોને જોતાં ભારત અફઘાનિસ્તાનનું નેચરલ ટ્રેડિંગ પાર્ટનર છે અને દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનની પ્રોડક્ટનું સૌથી મોટું માર્કેટ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સૂકા મેવાની આયાતમાં તેજી આવી છે. અફઘાનિસ્તાનમાંથી ભારતને થતી નિકાસમાં 99 ટકા હિસ્સો કૃષિ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટનો છે. આ ઉપરાંત ભારતે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલર (22,251 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. જોકે અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાને સત્તા પોતાના હાથમાં લેતા, બંને દેશના વેપાર-વ્યવસાયના સંબંધો પ્રભાવિત થઈ શકે છે.

અફઘાનિસ્તાનમાંથી શું થાય છે આયાત?
ભારત માટે અફઘાનિસ્તાન સૂકા મેવાનો એક મોટો સ્ત્રોત છે. ગૃહયુદ્ધ દરમિયાન પણ અફઘાનિસ્તાનમાં સૂકો મેવો, બદામ અને શેતૂરનું બમ્પર ઉત્પાદન થયું. સૂકા મેવાની સાથે જ અફઘાનિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં સફેદ શેતૂરની આયાત કરવામાં આવે છે. સૂકા મેવામાં કિસમિસ, અખરોટ, બદામ, અંજીર, પિસ્તાં અને જરદાળુ સામેલ છે. આ રીતે જ દાડમ, સફરજન, ચેરી, તરબૂચ, હિંગ,ખજૂર અને કેસર પણ ભારતને મોકલે છે. જોકે હવે તાલિબાનના શાસનને પગલે અફઘાનિસ્તાનનો સૂકો મેવો, શેતૂર અને બદામ સહિતની વસ્તુઓની આપૂર્તિ પ્રભાવિત થશે એવી શક્યતા વધુ છે. જાણકારોના મતે તાલિબાનના સમયમાં સંબંધો પહેલાં જેવા નહીં જોવા મળે, એટલે કે આ દિવાળીએ લોકોને અફઘાની સૂકા મેવા અને બદામની ઊણપનો સામનો કરવો પડી શકે છે.

બંને દેશ વચ્ચે 10 હજાર કરોડથી વધુનો વેપાર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર થાય છે. ફાઇનાન્શિયલ યર 2020-21માં બંને દેશ વચ્ચે 1.4 અબજ ડોલર, એટલે કે લગભગ 10,387 કરોડ રૂપિયાનો વેપાર થયો છે. આ રીતે જ 2019-20માં બંને દેશ વચ્ચે 1.5 અબજ ડોલર (11,131 કરોડ રૂપિયા)નો વેપાર થયો હતો. 2020-21માં ભારતે અફઘાનિસ્તાનને લગભગ 6,129 કરોડ રૂપિયાની પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરી હતી, જ્યારે ભારતે 3,783 કરોડ રૂપિયાની પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટ કરી હતી.

કઈ રીતે થાય છે આયાત?
અફઘાનિસ્તા ચારેબાજુથી જમીનથી જ ઘેરાયેલું છે, એટલે કે અફઘાનિસ્તાન સાથે કોઈ દરિયાઈ સીમા નથી જોડાતી. અફઘાનિસ્તાનમાં આવતો સામાન પાકિસ્તાન થઈને વાઘા બોર્ડરથી ભારતમાં આવે છે. સાથે જ હાલમાં તેમણે ઈરાનના ચાબહાર પોર્ટના રસ્તે પણ નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે, સાથે જ હવાઈ માર્ગથી પણ ભારતને ખાસ કરીને સૂકા મેવાની આપૂર્તિ કરી શકાય છે.

ભારતમાંથી શું શું નિકાસ થાય છે?
ભારતમાંથી અફઘાનિસ્તાનમાં નિકાસ થનારી વસ્તુઓમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણ, ખાંડ, આયર્ન અને સ્ટીલની વસ્તુઓ, એલ્યુમિનિયમ, દવાઓ, તમાકુ, તલ અને અનાજ, નારિયેળ, એલચી, કોફી, વગેરે છે. આ ઉપરાંત કપડાં, કન્ફેક્શનરીનો સામાન, માછલીમાંથી બનેલી પ્રોડક્ટ, વેજિટેબલ ઘી, વેજિટેબલ ઓઈલ એક્સપોર્ટ કરે છે. વનસ્પતિ, કેમિકલ પ્રોડક્ટસ અને સાબુ, દવાઓ અને એન્ટી-બાયોટિક્સ, એન્જિનિયરિંગનો સામાન, રબરમાંથી બનેલી વસ્તુઓ, મિલિટરી ઈક્વિપમેન્ટ્સ સહિત અન્ય પ્રોડક્ટ મોકલે છે.

નાણાકીય વર્ષ 2019-20માં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 1.5 અબજ ડોલરનો હતો. આ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનને ભારતની નિકાસ લગભગ 1 અબજ (99.758 કરોડ ડોલર) પહોંચી ગયો જ્યારે અફઘાનિસ્તાનની આયાત 53 કરોડ ડોલરનો રહ્યો છે. 2015-16થી 2019-20 દરમિયાન ભારતથી અફઘાનિસ્તાનની નિકાસમાં લગભગ 89 ટકા તેજી જોવા મળી. આ રીતે અફઘાનિસ્તાનથી ભારતની આયાત લગભગ 72 ટકા વધી ગઈ. 2018-19ની તુલનામાં વર્ષ 2019-20માં એક્સપોર્ટ 39 ટકા અને ઈમ્પોર્ટ 21 ટકા વધી છે.

અફઘાનિસ્તાનનાં અંજીર, કાળી દ્રાક્ષ, જરદાળુ અને બદામ ઇમ્પોર્ટ થાય છે
દેશમાં અને ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી કેટલાક ડ્રાયફ્રૂટ ભારતમાં આવે છે. કંદહારમાંથી મોટા ભાગે અંજીર, કાળી દ્રાક્ષ, જરદાળુ અને બદામનો સમાવેશ થાય છે. ખાસ ત્યાંના અંજીરની ગુણવત્તાના કારણે મોટી માગ રહેતી હોય છે. ઇન્ડિયન સ્પાઈસિસ ફેડરેશનના સેક્રેટરી હિરેન ગાંધીનું કહેવું છે કે વર્ષે સવા ત્રણસો કરોડના અંજીર ભારતમાં એક્પોર્ટ કરવામાં આવે છે. જોકે હાલ તાલીબાનોએ ત્યાં કબજો કરી લેતાં ફેક્ટરીમાંથી ગાડી નીકળે એવી હાલત નથી, જેને કારણે વેપારમાં ભારે અનિશ્ચિતતા સર્જાઇ છે અને વેપાર શક્ય નથી, જેથી હમણાં વેઇટ એન્ડ વોચ, જેવી સ્થિતિ છે.

અફઘાનિસ્તાનમાંથી ડ્રાયફ્રૂટ એક્સપોર્ટ કરવામાં આવે છે.
અફઘાનિસ્તાનમાંથી ડ્રાયફ્રૂટ એક્સપોર્ટ કરવામાં આવે છે.

વેપારીઓ શું કહે છે?
હિરેન ગાંધી વધુમાં જણાવે છે, 'અફઘાનિસ્તાનની સ્થિતિ જો બે મહિનામાં નહીં સુધરે તો અંજીર, જરદાળુ અને હિંગના ભાવ વધી શકે છે. અફઘાનિસ્તાનના વેપારીઓ જોડે વાતચીત કરતાં જાણવા મળ્યું કે 10-15 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે અને ભારત સાથેનો વેપાર આગળ વધારશે.'

ઇન્ડિયન સ્પાઇસ ટ્રેડ એસોસિયેશનના પ્રમુખ હિરેન ગાંધી.
ઇન્ડિયન સ્પાઇસ ટ્રેડ એસોસિયેશનના પ્રમુખ હિરેન ગાંધી.

સાથે જ હિરેન ગાંધીએ કહ્યું હતું કે ભારતના કોઈ મોટા પૈસા અફઘાનિસ્તાનમાં ફસાયા નથી. અમે લોકોએ દેશના બધા ઈમ્પોર્ટરને વિગતો સરકારને આપવા કહ્યું છે. જોકે વિદેશ બાબતોના જાણકાર અજય બગ્ગાએ જણાવ્યું હતું કે 'તાલિબાનના સમયગાળામાં સંબંધો પહેલાં જેવા નહીં રહે. અફઘાનિસ્તાનની સાથે ભારતનો વેપાર એકતરફી જ હતો. ભારતે અફઘાનિસ્તાનમાં ડેવલપમેન્ટ કર્યું, પરંતુ હવે અફઘાનિસ્તાન ચીનની એક્સિસમાં ચાલ્યું ગયું છે, જેને કારણે હવે અફઘાનિસ્તાનની સાથે વેપારની આશા ઘણી જ ઓછી છે. અફઘાનિસ્તાનની સાથે વેપાર લગભગ સમાપ્ત જેવો જ સમજવો. ભારત કેલિફોર્નિયામાંથી પણ ડ્રાયફ્રૂટ ઈમ્પોર્ટ કરે છે, પરંતુ આ વખતે ત્યાં પણ કેટલીક સમસ્યાઓ છે, જેને કારણે ડ્રાયફ્રૂટની કિંમત વધી શકે છે.'

દિવાળીમાં ડ્રાયફ્રૂટના ભાવ 20-25% વધી શકે છે
અમદાવાદમાં ડ્રાયફ્રૂટના વેપારી ધર્મેશ પરિયાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે એક તરફ જ્યાં દિવાળીનો તહેવાર નજીક છે, જેને કારણે અંજીર, કાળી દ્રાક્ષ, બદામમાં અછત જોવા મળી શકે છે, સાથે-સાથે ભાવમાં 20-25% વધારો જોવા મળી શકે છે. એક અંદાજ પ્રમાણે, પ્રતિ વર્ષ ભારતમાં ડ્રાયફ્રૂટની 2 હજારથી 2.5 ટ્રક આવતી હોય છે. જોકે હમણાં એરપોર્ટ પણ બંધ છે, જેથી ભારતમાં માલ એક્સપોર્ટ થઇ શકે એવી હાલત નથી, જેથી હવે શું થશે ? એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

ધર્મેશભાઈ, પીરયાણી, ડ્રાયફ્રૂટ વેપારી.
ધર્મેશભાઈ, પીરયાણી, ડ્રાયફ્રૂટ વેપારી.

ડ્રાયફ્રૂટના હોલસેલ અને રિટેઈલ માર્કેટમાં કિંમત વધી છે. ઈન્ડો-અફઘાન ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ કમલજિત બજાજના જણાવ્યા મુજબ, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ડ્રાયફ્રૂટની કિંમત 5થી 10% વધી છે. જો આવી જ સ્થિતિ યથાવત્ રહેશે તો મોટી મુશ્કેલી પડી શકે છે. તહેવારોના સમયગાળામાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો પણ વધતા ભાવને લઈને પરેશાન છે.

ઇમ્પોર્ટ ક્ષેત્રે અફઘાનના વેપારીઓ ચિંતામાં
હિરેન ગાંધીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હિંગના ઉત્પાદન અને ગુણવત્તામાં અફઘાનિસ્તાન અગ્રેસર છે, જેથી દેશમાં ત્યાંની હિંગ ઇમ્પોર્ટ કરવામાં આવે છે, એટલે કે ત્યાંથી આવે છે. અફઘાનિસ્તાન સાથે સારા વ્યાપારિક સંબંધો છે, પણ હવે શું થશે એ કહેવું મુશ્કેલ છે. જોકે હાલ ઊભી થયેલી સ્થિતીને કારણે ત્યાંથી માલ આવી શકે એવી સ્થિતિ નથી. પાછલા દિવસોમાં જે સ્થિતિ સર્જાઈ, જેને કારણે કોઇ મોટી ડીલ નથી થઇ. ઉપરાંત અફઘાનના વેપારીઓ પણ ચિંતિત છે, પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વેપાર ક્ષેત્રમાં આશાવાદી જણાઇ રહ્યા છે.

હિંગનું મેન્યુફેક્ચરિંગ કરતો કર્મચારી.
હિંગનું મેન્યુફેક્ચરિંગ કરતો કર્મચારી.

હિંગના ભાવમાં મોટો ફરક નહિ પડે, ઇરાન-ઉઝ્બેકિસ્તાનથી માલ લાવવો પડશે
અફઘાનિસ્તાનમાંથી હિંગ ઇમ્પોર્ટ કરતા મુંબઇના વેપારી મોહિત ગંભીરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વિશ્વ અફઘાનિસ્તાન, ઇરાન અને ઉઝ્બેકિસ્તાનથી હિંગની ભારતમાં આવે છે, જેમાં અફઘાનની હિંગ 7 હજાર પ્રતિ કિલો, ઇરાનની 4 હજાર પ્રતિ કિલો અને ઉઝ્બેકિસ્તાનમાંથી 4-5 હજાર પ્રતિ કિલોના ભાવે હિંગ આવે છે. એમાં અફઘાનિસ્તાનમાંથી ભારતમાં દર વર્ષે 180 ટન હિંગ ઇમ્પોર્ટ કરવામાં આવે છે. જો સ્થિતિ ન સુધરે તો અન્ય બે દેશોમાંથી માલની ખપત પૂરી કરવી પડશે. વેપારની દૃષ્ટિએ હાલ કંઇપણ કહેવું વહેલું હશે, કેમ કે હજુ ત્યાંના વેપારીઓ 1 વીક સુધી રાહ જોઇ રહ્યા છે, જે બાદ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ અંગે આગળની રણનીતિ નક્કી કરશે.

મુંબઈના વેપારી મોહિત ગંભીર અફઘાનિસ્તાનમાંથી હિંગ ઇમ્પોર્ટ કરે છે.
મુંબઈના વેપારી મોહિત ગંભીર અફઘાનિસ્તાનમાંથી હિંગ ઇમ્પોર્ટ કરે છે.

અડચણરૂપી પાકિસ્તાન
પાકિસ્તાન ઘણાં વર્ષોથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપારમાં અડચણ નાખવાનો પ્રયાસ કરતું આવ્યું છે. ત્યારે હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને પગલે તેમનો જુસ્સો વધુ મજબૂત બની શકે છે. એનું કારણ એ છે તાલિબાનને પાકિસ્તાનનું નજીકનું માનવામાં આવે છે. પાકિસ્તાનની મુશ્કેલી એ હતી કે તેને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મિત્રતા કણાની માફક ખૂંચતી હતી. હાલમાં જ આવેલા એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ તાલિબાન અને પાકિસ્તાનના આતંકીઓને ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં બનાવવામાં આવેલી ઈમારતો અને ઠેકાણાં પર હુમલાના નિર્દેશ આપ્યા છે. અફઘાનિસ્તાનમાં ભારતીય હિતોને નુકસાન પહોંચાડવાના હેતુથી પાકિસ્તાને આ નવી ખતરનાક રણનીતિ બનાવી છે. ભારતે અફઘાનિસ્તાનમાં લગભગ 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા
છેલ્લા બે દશકા દરમિયાન ભારતે અફઘાનિસ્તાનના વિકાસ માટે ઘણું જ રચનાત્મક કામ કર્યું છે. ભારતે અહીં ડેલારમ અને જરાંજ સલામ ડેમ વચ્ચે લગભગ 218 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કરાવ્યું છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનની સંસદભવનનું નિર્માણ પણ ભારતે કરાવ્યું છે, જેનો શુભારંભ વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં કર્યો હતો. આ વાતથી જ પાકિસ્તાન હચમચી ગયું હતું અને તેથી જ તેઓ અફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક સરકારને ઉખેડી નાખી તાલિબાનને સત્તા પર બેસાડવા માગતું હતું.

ભારતનો વૈશ્વિક વ્યવસાય પણ થશે પ્રભાવિત
ભારતે છેલ્લાં 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં લગભગ 22 હજાર 251 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેની પાછળ ભારતની રણનીતિ એવી હતી કે ઈરાનમાં ચાબહાર પોર્ટને સડક માર્ગથી અફઘાનિસ્તાનને જોડવામાં આવશે. ઈરાનના ચાબહાર પોર્ટથી અફઘાનિસ્તાનના દેલારમ સુધીના રોડ પ્રોજેક્ટનું કામ પણ યથાવત્ છે. આ રસ્તાને પગલે અફઘાનિસ્તાનના રસ્તે મધ્ય યુરોપ સુધી ભારત સહેલાઈથી પહોંચી શકશે. આ રૂટથી ભારત મધ્ય યુરોપની સાથે વેપાર પણ કરી શકશે, પરંતુ હવે આ યોજના પર પાણી ફર્યું હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...