'હવે તો ટી-20નો જમાનો છે, ટેસ્ટ મેચ તો યાર બહુ બોરિંગ લાગે છે.'
ક્રિકેટ મેચની વાત આવે એટલે આવી ચર્ચા તો ઘણીવાર થતી હોય છે. પરંતુ એક ગુજરાતી યુવાન માટે તો હાલમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ મેચ જીવનની ખૂબ મોટી ઘટના સાબિત થઈ.
બીજા દિવસની મેચમાં શુભમન ગિલે સિક્સર મારી અને બોલ ખોવાઈ ગયો. મેચ જોવા આવેલો આ યુવાન ઉત્સાહમાં આવીને બોલ શોધવા લાગ્યો. સ્ટેડિયમમાં લાગેલા ઘણા કેમેરા આ રસપ્રદ ઘટનાને રેકોર્ડ કરી રહ્યા હતા. રવિ શાસ્ત્રીએ આવી આશ્ચર્યજનક ઘટનાને પોતાના શબ્દોમાં ઘણી મિનિટો સુધી વર્ણવી. અંતે બોલ મળ્યો અને તેનો શોધવા ગયેલો યુવાન સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો અને તેના જીવનમાં એક નવા જ પડાવની શરૂઆત થઈ.
દિવ્ય ભાસ્કરે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં બોલ શોધીને ચર્ચાનું કેન્દ્ર બનેલા આ યુવાન એટલે મોહિત ચાવડાનો સંપર્ક કર્યો હતો. મોહિતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનેલી અવિસ્મરણીય ઘટના, ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના રિએક્શન કેવા હતા?, રાહુલ દ્રવિડ સાથેની એ અધૂરી મુલાકાતની કહાની શું છે?, ટીવી તેમજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા બાદ જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તે અંગે વિસ્તારથી વાત કરી હતી.
મેચ નીરસ બનતા સ્ટેડિયમ છોડવાનો વિચાર આવ્યો પણ આ કારણે બેસી રહ્યા
મોહિતે દિવ્ય ભાસ્કરને કહ્યું, 'મેચનો બીજો દિવસ હતો. સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ હું સ્ટેડિયમમાં પહોંચ્યો. અમે જીઓ સ્ટેન્ડની બરોબર બાજુમાં આવેલા ડી બ્લોકમાં બેઠા, જે બિલકુલ મેદાનનો સ્ટ્રેટનો ભાગ કહી શકાય. એક સમયે તો મેચ અમને ખૂબ બોરિંગ લાગવા લાગી કારણ કે ભારતીય ટીમની સ્થિતિ ખરાબ થતી જઈ રહી હતી. એટલે સ્ટેડિયમ છોડી દેવાનો પણ વિચાર આવ્યો. આખરે બીજા દિવસનો ખેલ પૂરો થાય પહેલાં ભારતને સફળતા મળી અને માત્ર દસેક ઓવર માટે ભારતને બેટિંગ કરવાનો મોકો મળ્યો.' મેચના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરવા માટે મેદાનમાં ઊતર્યા હતા. 60 બોલનો ખેલ બાકી હતો.
‘સિક્યુરિટી ગાર્ડ બીજા લોકોને રોકતો હતો ને હું બોલ શોધવા જતો રહ્યો’
મોહિત ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 'શુભમન ગિલને સ્ટ્રાઈક મળી હતી અને સામે કેપ્ટન રોહિત શર્મા ક્રિઝ ઉપર હતા. લગભગ એ દિવસની છેલ્લી ઓવર એટલે કે 10મી ઓવરનો પહેલો બોલ ફેંકાઈ ચૂક્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્પિનર નેથન લાયનની ઓવરના બીજા બોલ પર બે સ્ટેપ આગળ વધીને શુભમન ગિલે સ્ટ્રેટમાં સિક્સ મારી દીધી અને બોલ લીધો જ અમે બેઠા હતા એ સ્ટેન્ડના જ એક ભાગમાં આવીને પડ્યો. પરંતુ જ્યાં બોલ પડ્યો તે જગ્યાને સાઈડ સ્ક્રીન માટે તેને સફેદ કાપડથી ઢાંકી દેવામાં આવી હતી. છતાં પણ જે જગ્યાએ બોલ પડ્યો એ મને બરાબર ખબર હતી, એટલે મેં ત્યાં જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ લોકલ સિક્યુરિટી ગાર્ડે મને ત્યાં જતા રોકી લીધો. હું પાછો મારી જગ્યાએ બેસવા માટે જ જતો હતો, એ જ સમયે બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ અમારી સામે આવીને બોલ લઈ આવવા માટે ઈશારો કર્યો. આ સમયે સિક્યુરિટી ગાર્ડ બોલ શોધવા જતા અન્ય લોકોને અટકાવવાના પ્રયાસમાં હતો ત્યાં જ હું તક જોઈને બોલ શોધવા માટે જતો રહ્યો.'
બોલ શોધવાની ઘટના LIVE બતાવવામાં આવી
આ ઘટનાક્રમમાં શરૂઆતની કેટલીક મિનિટો સુધી તો કોઈ બોલને નહોતું શોધી રહ્યું. એટલે બહારથી બોલ મંગાવી લેવામાં આવ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ટ્રેમાંથી કોઈ એક બોલને પસંદ કરે એ પહેલાં જ અમ્પાયરની નજર બોલ શોધવા માટે મથી રહેલા લોકો પર પડી. એટલે અમ્પાયરે થોડા સમય માટે નવો બોલ લેવાનો વિચાર પડતો મુકાવ્યો હતો. હવે બધા જ લોકોની નજર ખોવાયેલા બોલને શોધી રહેલા લોકો તરફ હતી. લગભગ ત્રણેક લોકો બોલને શોધી રહ્યા હતા. જેમાં એક મોહિત ચાવડા પણ હતો. આ રસપ્રદ ઘટનાક્રમ ત્રણથી ચાર કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ પણ છે કે કોમેન્ટેટર રવિ શાસ્ત્રી આ ઘટનાને જે તે સમયે પોતાના શબ્દોમાં વર્ણવી રહ્યા હતા. જો કે બોલ શોધી રહેલા તમામ લોકો તો આ બધાથી અજાણ, બસ પોતાની જ ધૂનમાં હતા.
‘સેન્ડલ શોધવા ગયો અને અચાનક જ બોલ મળી ગયો’
એ ખાસ અનુભવને યાદ કરતા મોહિતે દિવ્ય ભાસ્કર સમક્ષ કહ્યું, 'અમ્પાયરને લાગ્યું કે હું બોલ શોધી લઈશ એટલે તેમણે થોડી રાહ જોઈ. પરંતુ દોઢેક મિનિટ સુધી બોલ ન મળ્યો. એટલે મેં મારા બન્ને હાથ હવામાં ઉઠાવીને ઈશારો કર્યો કે બોલ નથી મળી રહ્યો. આ સમયે અમ્પાયરે અમારી તરફ જોઈને વળતો ઈશારો કર્યો કે તમે ત્યાંથી ખસી જાઓ, અમે બીજો નવો બોલ લઈ રહ્યા છીએ. મને પણ લાગ્યું કે હવે બોલ શોધવાનો કોઈ અર્થ નથી. પરંતુ અચાનક બનેલી આવી ઘટનામાં મને અહેસાસ થયો કે ઉતાવળમાં મારું સેન્ડલ જ ક્યાંક નીકળી ગયું છે. એટલે હું પાછો ફરીથી મારું સેન્ડલ શોધવા માટે કર્ટનની નીચે જોતો હતો. ત્યાં જ મારો પગ અજાણતા જ બોલ પર પડ્યો.'
મોહિતનો ઉત્સાહ જોઈ ખેલાડીઓ પણ હસી પડ્યા
હાથમાં બોલ આવતા જ મોહિતે અમ્પાયર તરફ ઈશારો કર્યો અને કહ્યું કે બોલ મળી ગયો છે. તેમણે હાથમાં બોલ પકડીને હવામાં લહેરાવ્યો. આવો ઉત્સાહ જોઈને ક્રિઝ ઊભેલા શુભમન ગિલ અને રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ હસી પડ્યા. મોહિતે જણાવ્યું કે, 'આ સમયે મારી સાથે શું થઈ રહ્યું છે, એનો મને જરા પણ અંદાજો નહોતો. હું ફક્ત બોલ શોધવામાં જ લાગી પડ્યો હતો. પરંતુ એ સમયે સ્ટેડિયમના કેમેરા મારી તરફ હતા એટલે સ્ક્રીન ઉપર હું જ દેખાતો હતો અને કોમેન્ટ્રી પણ મારા પર જ થઈ રહી હતી, એ વાતની જાણ મને કેટલાક કલાકો પછી થઈ.'
'અરે આ તો આપણો મોહિત છે. જુઓ તો ખરા! ટીવી પર આવી રહ્યો છે.'
'ઓહ... જબરો બોલ શોધવામાં લાગી ગયો છે.'
'લગાવો...લગાવો ફોન લગાવો, તેને કહીએ કે ભાઈ તું તો છવાઈ ગયો.'
અમદાવાદની સિવિલ હોસ્પિટલની બી.જે મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટર જ્યારે હોસ્ટેલમાં મેચ જોઈ રહ્યા હતા, એ સમયે આખા રૂમમાં આવા સંવાદો થવા લાગ્યા.
સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલા મોહિત ચાવડા કોણ છે?
મોહિત ચાવડા મૂળ ગીર સોમનાથના વેરાવળના વતની છે. તેઓ હાલમાં સિવિલ હોસ્પિટલની બી.જે મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. મોહિત ચાવડાને દિવ્ય ભાસ્કરે પૂછ્યું કે, 'તમારા ઉપર સૌથી પહેલો ફોન કોનો આવ્યો હતો?, જેના જવાબમાં તેમણે જણાવ્યું, 'હું જેવો જ બોલ શોધીને મારી જગ્યા પર ગયો એટલે ફોન આવવાની શરૂઆત થઈ ગઈ. આ સમયે સૌથી પહેલો કોલ હોસ્ટેલના મિત્રનો આવ્યો. જે મારો જુનિયર છે. જેણે મને કહ્યું કે તમે ક્યારે હોસ્ટેલ પર પાછા આવવાના છો? અમે તમારા માટે કંઈક તૈયારી કરીને રાખી છે.' બોલ શોધવાની ઘટનાને માંડ પાંચ-દસ મિનિટ થઈ હતી. એટલે ખરેખરમાં મને અહેસાસ જ ન હતો કે આ ઘટના એટલી મોટી બની ચૂકી છે. મેચ જોઈને હું હોસ્ટેલે પહોંચ્યો ત્યારે જાણે કોઈ સેલિબ્રિટી આવવાનો હોય એવી મારા મિત્રોએ તૈયારીઓ કરીને રાખી હતી. કેટલાકના હાથમાં બુકે હતા તો કેટલાકના હાથમાં હાર હતા. હું જેવો જ હોસ્ટેલમાં પ્રવેશ્યો, લોકોએ મારી સાથે સેલ્ફી લીધી, ઢોલ વગાડીને મારી આગતા સ્વાગતા કરી.'
'બોલ મળવા કરતાં એ ત્રણ વાક્યો મારા માટે ખૂબ યાદગાર બન્યા'
સૌથી યાદગાર ક્રિકેટ મેચની એક એક વાતને મોહિતે દિવ્ય ભાસ્કર સાથે હસતા ચહેરે રજૂ કરી. પરંતુ એક વાત એવી હતી, જેને કહેતાં મોહિતના ચહેરાના ભાવ રીતસર બદલાઈ ગયા. તેમણે કહ્યું, મારા માટે બોલ શોધવા કરતાં પણ સૌથી મોટી વાત એ હતી કે રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજ કોમેન્ટેટરે મારા માટે કોમેન્ટ્રી કરી. આપણે સૌ જાણીએ છીએ કે હર્ષા ભોગલે અને રવિ શાસ્ત્રી ખૂબ જ સારા કોમેન્ટેટર છે. હું જ્યારે બોલ શોધતો હતો એ સમયે ગ્રાઉન્ડ ઉપર તો મને તેમની કોમેન્ટ્રી નહોતી સંભળાતી, પણ પછી જ્યારે મેં વીડિયો જોયો એમાં સાંભળ્યું કે રવિ શાસ્ત્રી મારા માટે કોમેન્ટ્રી કરતા કહ્યું હતું "Oh, He's found it, He has found it! He has found gold!” બોલ શોધવાની આ ઘટનાનો વીડિયો થોડીક જ ક્ષણોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયો. મેચ તો પૂરી પણ નહોતી થઈને મને સોશિયલ મીડિયામાં મેસેજથી લઈને લોકોના ફોન આવવા લાગ્યા.
'મમ્મીએ કહ્યું, ત્યાં શું દાટ્યું'તું તો બોલ લેવા દોડી ગ્યો હતો?'
એક કોમનમેન જ્યારે અચાનક જ સેલિબ્રિટી કક્ષાની વ્યક્તિ બની જાય, ત્યારે ખરેખરમાં તેની હાલત શું થાય, તેનો અહેસાસ મોહિતે ખૂબ વ્યવસ્થિત રીતે વર્ણવ્યો. તેમણે કહ્યું, 'રાતના સમયે મમ્મીનો મારા પર ફોન આવ્યો. હું કંઈ બોલું એ પહેલાં જ તેમણે રીતસર કડક અવાજમાં મને કહ્યું, 'અમારા ઉપર ક્યારના ઘણા બધા લોકોના ફોન આવી રહ્યા છે કે ટીવી દેખાયો હતો એ તમારો જ દીકરો છે ને. તારે બોલ લેવા જવાની ક્યાં જરૂર હતી?, યાં કાંઈ ડાટ્યું'તું તે બોલ શોધવા પોકી ગ્યો’ પણ પછી મેં એમને સમજાવ્યાં કે, 'આ કાંઈ રિસ્કી કામ નહોતું. બસ, એક બોલ ખોવાઈ ગયો હતો, જેને મેં શોધી કાઢ્યો.' ત્યારે જઈને મારી મમ્મી શાંત પડ્યાં. એમણે કહ્યું કે, 'અમારા ઉપર સતત લોકોના કોલ આવવાના શરૂ થઈ ગયા હતા એટલે ચિંતા થવા લાગી એટલે તને કોલ કર્યો.'
સોશિયલ મીડિયા ઉપર લોકોએ ખૂબ મજેદાર કોમેન્ટ કરી
મોહિત ચાવડાએ કેટલીક સોશિયલ મીડિયા કોમેન્ટ યાદ કરી કહ્યું, લોકો લખે છે, આ તો ઋષભ પંત જેવો જ લાગે છે, તો કેટલાકે લખ્યું કે રિયાન પરાગ સ્ટેન્ડમાં ક્યાંથી પહોંચી ગયો. તો કેટલાક લોકોએ સોનાને શોધનાર ગણાવ્યો.
રાહુવ દ્રવિડ સાથે ઓચિંતી અને અધૂરી મુલાકાત
મોહિત ચાવડા સાથે આવી અણધારી ચમકી જવાની ઘટનાઓ તો હજી પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહી. ભારત જ્યારે મેચ જીત્યું એ પછીના દિવસે મોહિત વિજય ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેની પાસેથી એક કાર પસાર થાય છે, જેમાં પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ હતા. આ જોઈને મોહિત તેમની ગાડીની પાછળ છેક આશ્રમ રોડ સુધી ગયા. એક સિગ્નલ પર તેમની ગાડી રોકાઈ ત્યારે મોહિત ઈશારો કરીને સ્ટેડિયમનો તેનો ફોટો રાહુલ દ્રવિડને બતાવ્યો હતો. પણ એ સમયે તેઓ એરપોર્ટ તરફ જતા હોવાના કારણે ખાસ મુલાકાત ન થઈ શકી. મોહિતે આ વાતને જરા ગંભીરતાથી જણાવતા કહ્યું કે, બની શકે સુરક્ષા કારણોસર તેઓ મને ઓળખ્યા બાદ પણ રોકાયા ન હોય.'
મોહિતને હજુ પણ એક વાતનો વસવસો
મોહિતે ચાવડાએ ઉત્સાહમાં આવીને બોલ શોધીને મેદાનમાં ફેંકી દીધો અને સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ વ્યક્તિ પણ બની ગયા. છતાં તેમણે પોતાના મનના ખૂણે ઘર કરી ગયેલો એક વસવસો દિવ્ય ભાસ્કર સમક્ષ છતો કરતા કહ્યું, મને એવી ઈચ્છા હતી કે મેચ પત્યા પછી એ બોલ મને મળી જાય અને હું તેના ઉપર ક્રિકેટરના ઓટોગ્રાફ લઈને એક યાદગાર ઘટના તરીકે સાચવી શકું. પણ સિક્યોરિટી અને અન્ય કારણોસર આવું શક્ય ન બને એની પણ જાણ હતી. પરંતુ આ વાતનો મને થોડોઘણો વસવસો તો છે. જો કે મારી પાસે એ દિવસની મેચની ટિકિટ છે, લોકોની કોમેન્ટ છે, એ દિવસે કેટલાક યુનિક રીતે વાઈરલ થયેલા મારા ફોટોઝ છે, જેને એક યાદગીરી માટે ફ્રેમમાં મઢાવીને રાખી મૂકીશ.
મેચની ટિકિટ ન મળતા ખૂબ નિરાશ થયો હતો
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા મોહિત ચાવડાએ જણાવ્યું કે, 'જ્યારે મેં પહેલીવાર સાંભળ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે ક્રિકેટ પ્રેમી હોવાના કારણે મેં નક્કી કરી લીધું હતું કે મેચ જોવા જઈશ જ. આ મેચ જોવાની તીવ્ર ઈચ્છા ત્યારે વધી જ્યારે જાણવા મળ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિઝ પણ મેચના પહેલા દિવસે હાજર રહેવાના છે. મેં સૌથી પહેલા તો ઓનલાઈન ટિકિટ બુકિંગ માટેનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મને પહેલા દિવસથી ટિકિટ ન મળી. એટલે મેં જેની પાસેથી ટિકિટ મળી શકે એમ હતી, તેવા લોકોનો પણ સંપર્ક કર્યો છતાં ટિકિટની વ્યવસ્થા ન થઈ. એટલે થોડો નિરાશ થઈ ગયો હતો. પરંતુ બીજા દિવસથી લઈને બાકીના બધા જ દિવસની ટિકિટ મળતા ફરીથી ઉત્સાહ વધ્યો. હું મારા મામાનો દીકરો અને મિત્ર સાથે મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યો હતો.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.