તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજની પોઝિટિવ સ્ટોરી:ઉપલેટામાં સરકારી નોકરી છોડી પત્ની સાથે સખાવત આદરી, દંપતીએ નિઃસંતાન રહેવાનો નિર્ણય લઈ 30 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવે છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: યોગેશ ગજ્જર
દંપતી કોઈ જાતના ફંડ વગર સ્વખર્ચે દીન-દુખિયાઓની સેવા કરી રહ્યા છે.
  • સેવા પરમો ધર્મ માનતા વ્યાસ દંપતીએ કોરોનાકાળમાં પણ સેવા યથાવત્ રાખી

"હું નાનો હતો ત્યારથી જ મારાથી લોકોની પીડા જોવાતી નહોતી. મને સતત થતું કે હું આ લોકોની પીડા કેવી રીતે દૂર કરી શકું? આ જ વિચારે શક્ય એટલી મદદ કરવાનું શરૂ કર્યું. લગ્ન બાદ અમે પતિ-પત્નીએ લોકસેવા કરવા નિઃસંતાન રહેવાનો નિર્ણય લીધો. આ બધા કાર્ય કરવાની અમારી કોઈ શક્તિ નથી, પણ દેવોના દેવ મહાદેવ તથા અમારાં માતા-પિતાના આશીર્વાદથી આ બધાં કાર્યો અમે કરી શકીએ છીએ'- આ શબ્દો છે ઉપલેટામાં છેલ્લાં 30 વર્ષથી ગરીબો, પીડિતો અને ભૂખ્યાને ભોજન કરાવનાર જિજ્ઞેશભાઈ વ્યાસના. લોકોની સેવામાં બાધારૂપ બનતી મામલતદાર ઓફિસમાં મોભાદાર સરકારી નોકરી છોડીને જિજ્ઞેશભાઈ તેમનાં ધર્મપત્ની જીજ્ઞાબેન સાથે 365 દિવસ 24 કલાક અન્નક્ષેત્ર ચલાવીને ભૂખ્યાની આંતરડી ઠારી રહ્યાં છે. શિયાળામાં ધાબળાની સાથે ઉનાળામાં ચપ્પલ તો ચોમાસામાં તાડપત્રીનું વિતરણ કરવાની પણ સતત સેવા આપી રહ્યાં છે.

વાર-તહેવારે અલગ અલગ પ્રકારનું ભોજન અપાય છે.
વાર-તહેવારે અલગ અલગ પ્રકારનું ભોજન અપાય છે.

33 વસ્તુનું વિનામૂલ્યે વિતરણ
ઉપલેટા શહેરના જે.બી વ્યાસ મહાદેવ ગ્રુપના જિજ્ઞેશભાઈ વ્યાસ, તેમનાં પત્ની અને નગરસેવક જીજ્ઞાબેન વ્યાસ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી કોઈપણ નાત-જાત વગર તમામ ધર્મના માણસ ભૂખ્યા ન સૂવે એ માટે 365 દિવસ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે. ગરીબ અને નબળા વર્ગને અન્નની સાથે કપડાં, ચપ્પલ, ગરમ કપડાં, ધાબડા, તાડપત્રી તથા દવા જેવી વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. એ પણ કોઈ જાતના ફંડ વગર સ્વખર્ચે દીનદુખિયાઓની સેવા કરી રહ્યાં છે. જિજ્ઞેશભાઈ તથા જીજ્ઞાબેન સમગ્ર તાલુકામાં વસતા બ્રહ્મ પરિવારો માટે દર વર્ષે બ્રહ્મભોજન કરાવે છે. એવી જ રીતે આખા તાલુકામાં વસતા મજૂરો તથા તેમનાં બાળકો માટે દિવાળી, દશેરા, સાતમ-આઠમ, નવરાત્રિ, મકરસંક્રાંતિ પર મીઠાઈ, ગાંઠિયા, બુંદી, ખજૂર-ચિક્કી, પતંગ, ફટાકડા જેવી 33 વસ્તુનું વિનામૂલ્યે વિતરણ કરે છે.

પીડિતોની સેવા કરીને દંપતીને અનેરો આનંદ મળતો હોવાનું જણાવ્યું હતું.
પીડિતોની સેવા કરીને દંપતીને અનેરો આનંદ મળતો હોવાનું જણાવ્યું હતું.

સેવા માટે સરકારી નોકરી છોડી
સેવાની ધૂણી ધખાવનારા જિજ્ઞેશભાઈ અગાઉ સરકારી કર્મચારી હતા. મોભાદાર ગણાતી મામલતદાર ઓફિસમાં નોકરી લોકોની સેવા કરવા 2010માં તેમણે છોડી દીધી હતી. હાલમાં તેઓ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે, સાથે ખેતી પણ છે. તેમની પાસે નાની-મોટી થઈને કુલ 22થી વધુ ટ્રાવેલ્સ છે, જે મારફત તેઓ પોતાનું ગુજરાન ચલાવવાની સાથે સાથે લોકોની સેવા પણ કરી રહ્યા છે. પોતાના પરિવારની પેઢીને આગળ ન વધારતાં તેમણે પીડિતોના દુઃખોને દૂર કરવાનો નિર્ધાર પત્ની સાથે કરીને નિઃસંતાન રહેવાનો નિર્ણય કર્યો હતો.

શિયાળામાં ધાબળાની સાથે ઉનાળામાં ચપ્પલ તો ચોમાસામાં તાડપત્રીનું વિતરણ કરાય છે.
શિયાળામાં ધાબળાની સાથે ઉનાળામાં ચપ્પલ તો ચોમાસામાં તાડપત્રીનું વિતરણ કરાય છે.

કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન-સિલિન્ડર લાવ્યા
કોરોનાકાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં તેઓ સેંકડો લોકો માટે જમવાની તથા ટિફિનની સેવા આપી ચૂક્યા છે. કોરોનાની બીજી લહેરમાં તેમણે મિત્રો સાથે મળીને 30 ઓક્સિજન-સિલિન્ડર લાવીને લોકોને આપ્યા હતા. ઈમર્જન્સીની સ્થિતિમાં કોઈ દર્દીને જરૂર હોય તો કોરોનાના સંક્રમણની ચિંતા કર્યા વિના પોતાના વાહનમાં અન્ય શહેરમાં હોસ્પિટલ પહોંચાડ્યા છે.

કોરોનાકાળમાં પણ શક્ય એટલી દર્દીઓની સેવા કરવામાં આવી હતી.
કોરોનાકાળમાં પણ શક્ય એટલી દર્દીઓની સેવા કરવામાં આવી હતી.

કોરોના દર્દીને હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો
જિજ્ઞેશભાઈ એક કિસ્સો જણાવતાં કહે છે, 'ગત 20 એપ્રિલે કુતિયાણાના એક કોરોનાના દર્દી ઉપલેટાની હોસ્પિટલમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ 63 થઈ ગયું. એવામાં દર્દીને વેન્ટિલેટરની જરૂર હતી, આથી મને અડધી રાત્રે મદદ માટે દર્દીના સગાનો ફોન આવ્યો, એટલે મેં અડધી રાત્રે ગાડીમાં દર્દીને જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો. ડોક્ટરે મને જણાવી દીધું હતું કે આ દર્દી ત્યાં સુધી નહીં પહોંચે, પણ મેં મહાદેવ પર અતૂટ વિશ્વાસ રાખ્યો અને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને બેડ અપાવ્યો અને તેમનો જીવ બચી ગયો.'

ગરીબ અને અશક્તોને તેમના રહેઠાણ સુધી સેવા આપવામાં આવે છે.
ગરીબ અને અશક્તોને તેમના રહેઠાણ સુધી સેવા આપવામાં આવે છે.

હજુ સુધી કોરોના સંક્રમિત નથી થયાં
કોરોનાવાયરસની પહેલી અને બીજી લહેર દરમિયાન તેઓ ઘણા દર્દીઓને પોતાના વાહનમાં હોસ્પિટલ સુધી લઈ ગયા. હાલમાં જ કોરોનાની બીજી લહેરમાં શહેરમાં તૈયાર કરાયેલી કોવિડ હોસ્પિટલમાં તેઓ સવાર-સાંજ દર્દીઓની સેવામાં હતાં, તેમના ખાવા-પીવાથી લઈને દવાઓ કે અન્ય કોઈપણ સેવા માટે તેઓ હોસ્પિટલમાં રહેતા. જોકે કોરોનાના દર્દીઓ વચ્ચે રહ્યા તથા કોરોના મૃતકોના અંતિમસંસ્કાર કર્યા છતાં જિજ્ઞેશભાઈ કે તેમના પરિવારમાં હજુ સુધી કોઈને કોરોના થયો નથી. આ પાછળ તેઓ લોકો અને મહાદેવના આશીર્વાદ જ હોવાનું બતાવે છે.

અન્ય સમાચારો પણ છે...