• Gujarati News
  • Dvb original
  • In The Matter Of Corona, China Is Making Propaganda Videos From Indians, Children Have Become Informers; Internet Censors For Image Corruption

ભાસ્કર એક્સક્લૂસિવચીને ભારતીયો પાસે વીડિયો ઉતારાવ્યા:ચીને ઈન્ડિયન્સ પર દબાણ કરીને કહ્યું, વીડિયો બનાવીને કહો કે ચીનમાં બધું બરાબર છે

એક મહિનો પહેલા

હમણાં હમણાં ચીનમાં રહેતા ભારતીયોના વીડિયો વાઇરલ થાય છે અને તેઓ ચીનની બજારો બતાવીને શેરીમાં આંટા મારતાં મારતાં કહે છે કે ચીનમાં કોરોના વકરેલો નથી. અહીં બધું નોર્મલ છે. આ વીડિયો વાઇરલ કરાવવા માટે ચીન સરકાર જ ત્યાંના ભારતીયો પર દબાણ કરે છે અને ચીનમાં સબ સલામત..નો દાવો કરવાનો પ્રોપગેન્ડા કરે છે.

ગયા મહિને ચીનમાંથી એવા સમાચારો આવ્યા હતા કે ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં લગભગ 25 કરોડ લોકો કોરોના પોઝિટિવ થયા હતા. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો ફળ ખાઈ રહ્યા છે, અને દેશમાં સંતરાની અછત આવી પડી છે. કોરોનાથી ડરેલા લોકો રક્તદાન નથી કરતા, એને કારણે બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત છે. આ બધું હોવા છતાં જિનપિંગ સરકારે ઝીરો કોવિડ નીતિ દૂર કરી. નવા દર્દીઓના ડેટા અને મૃત્યુની સંખ્યા પહેલાં ખૂબ ઓછી જણાવવામાં આવી હતી, પછી 25 ડિસેમ્બરથી જણાવવાનું જ બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ અહેવાલોમાંથી બે બાબત સામે આવી છે. સૌથી પહેલાં ચીનમાં કોરોનાની ભયાનક લહેર ચાલી રહી છે. બીજું, સરકાર એ પ્રત્યે બેદરકાર છે. ચીનનાં શહેરોમાં દરરોજ કોરોનાના લાખો કેસ મળી રહ્યા છે, પરંતુ અચાનક કેટલાક વીડિયો સામે આવવા લાગ્યા, જેમાં ચીનમાં રહેતા ભારતીયો કહે છે કે અહીં કોઈ કોરોના નથી. ભારતીય મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે.

અમે ચીનમાં અમારાં સૂત્રોને પૂછ્યું કે મામલો શું છે, જેમાં યુનિવર્સિટીના પ્રોફેસરો અને રિસર્ચ સ્કોલર્સનો સમાવેશ થાય છે. તેમણે ત્યાંની પરિસ્થિતિ વિશે ઘણી બધી વાતો જણાવી, પણ નામ ન જાહેર કરવાની વાત પણ કહી હતી. આ રિપોર્ટ તે લોકોને ટાંકીને છે.

ચીન સરકાર વીડિયા દ્વારા પ્રોપગેન્ડા ચલાવી રહી છે
ભારતીયોના સતત વીડિયો સામે આવવા એ ચીન સરકારનો પ્રચાર છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનિક યુનિટ સાથે જોડાયેલા લોકો આવા વીડિયો બનાવી રહ્યા છે, જેથી કોરોનાને કારણે ચીનની ઈમેજ ખરાબ ન થાય. સામાન્ય રીતે આવા આદેશ બીજિંગમાં નેતૃત્વ તરફથી અપાય છે.

'ચાઇના ઇન માય આઇઝ' એટલે કે 'મારી નજરમાં ચીન' અભિયાન હેઠળ જે વિદેશીઓ ચીનમાં રહે છે, તેમના વીડિયો બનાવવામાં આવ્યા છે. આ વીડિયો ઓફિશિયલ મીડિયા સાઈટ પીપલ્સ ડેઈલી પર અપલોડ કરવામાં આવે છે, સારા વીડિઓઝને પુરસ્કાર આપવામાં આવે છે, એટલે કે એ એક પ્રકારની પેઇડ મૂવમેન્ટ છે. ભારતીય ઉદ્યોગપતિઓ યીવુ, શેનઝેન અને ગુઆંગડોંગમાં વધુ રહે છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ રહે છે. મોટા ભાગના વીડિયો આ શહેરોમાં બનાવવામાં આવ્યા છે.

સરકારની ઈમેજ સુધારવા માટે કોમ્યુનિસ્ટ પાર્ટીનું અભિયાન
કોમ્યુનિસ્ટ પાર્ટી પાસે એક સિસ્ટમ છે. સરકારને તેના સમર્થનમાં ઝુંબેશ ચલાવવાની હોય તો એના માટે મૌખિક આદેશ આપે છે. કોર્પોરેટર જેવા પદાધિકારીઓ દ્વારા આ વાત લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આવું જ કોરોનાના કિસ્સામાં થયું છે. ભારતીયોને જણાવવા માટે કહેવામાં આવ્યું હતું કે ભારતીય મીડિયામાં જે વાતો ચાલી રહી છે એ ખોટી છે, ચીનમાં બધું બરાબર છે.

અમે બે શહેર- ગ્વાંગઝુ અને શેનઝેનમાં બનાવેલા બે વીડિયો જોયા. બંનેમાં લગભગ એક જ વાત કહેવાઈ હતી. પ્રથમ- ભારતીય મીડિયા ખોટું કહી રહ્યું છે કે ચીનમાં કોરોનાથી દરરોજ 5 હજાર લોકોનાં મોત થઈ રહ્યાં છે. અને બીજું- લોકો બીમાર છે અથવા કોવિડ છે, પરંતુ તેટલું નથી જેટલું ભારતમાં કહેવામાં આવે છે. જોકે ભાસ્કરે આ વીડિયો બનાવવાના હેતુ પર કોઈ દાવો કર્યો નથી.

ચીનમાં દરેક માહિતી પર નજર રાખવામાં આવી રહી, નિયમો તોડવા બદલ જેલ
ચીન પાસે પ્રોપગેન્ડા ફેલાવવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. જોકે ચીનમાંથી કોઈપણ માહિતી બીજા દેશમાં મોકલવી ખૂબ જ મુશ્કેલ છે. સરકાર તેના પર નજર રાખે છે. એનાથી બચવા માટે ઘણા લોકો વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક એટલે કે VPN જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એમાં પણ જોખમ વધી રહ્યું છે. કેટલાક લોકોને VPN વેચવા બદલ જેલમાં જવું પડ્યું છે અને કેટલાકને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

VPN ખરીદવા માટે 100થી 200 ડોલર ચૂકવવા પડે છે. જો એ બ્લોક થઈ જાય તો નવું ખરીદવું પડે છે. લોકો કાર્યવાહીથી બચવા માટે ચાઈનીઝ સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ દ્વારા માહિતી શેર કરતા નથી. તેઓ સામાન્ય રીતે થાઈલેન્ડની લાઇન એપ્લિકેશન અથવા વિયેતનામની સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. માહિતી થાઈલેન્ડ અથવા વિયેતનામને મોકલવામાં આવે છે અને ત્યાંથી આગળ ફોરવર્ડ કરવામાં આવે છે.

જો કોઈ આવું કરતાં પકડાય છે, તો તેની ધરપકડ પણ કરવામાં આવે છે. એટલા માટે પોલીસ ચીનમાં આવતા વિદેશીઓને એન્ટ્રી પહેલાં એક અઠવાડિયાની ટ્રેનિંગ આપે છે, જેમાં તેમને કહેવામાં આવે છે કે શું કરવું અને શું ન કરવું.

ચીનનું ઈન્ટરનેટ સેન્સરશિપ સિસ્ટમ 'ગ્રેટ ફાયરવોલ'
ચીનમાં ઈન્ટરનેટ સેન્સરશિપ સિસ્ટમ 'ગ્રેટ ફાયરવોલ' 22 વર્ષથી કામ કરી રહી છે. પછી જાહેર સુરક્ષા મંત્રાલયે ઈન્ટરનેટ કન્ટેન્ટ કન્ટ્રોલ કરવા, લોકોની ઓળખ કરવા, તેમને ટ્રેક કરવા અને ઝડપથી ખાનગી રેકોર્ડ્સ શોધવા માટે સેન્સરશિપ અને સર્વેલન્સ સિસ્ટમ્સ બનાવવામાં આવી હતી. આ માટે 'ગોલ્ડન શિલ્ડ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો.

આ ફાયરવોલે સૌથી પહેલાં માત્ર કેટલાક કોમ્યુનિસ્ટ વિરોધી ચીનની વેબસાઈટોને બ્લોક કરી હતી. બાદમાં ધીમે ધીમે વધુ વેબસાઈટોને બ્લોક કરી દીધી. જાન્યુઆરી 2010માં ગૂગલને પણ ચીન છોડી દેવા માટે મજબૂર કરવામાં આવ્યું હતું, કારણ કે સર્ચ રિઝન્ટ ફિલ્ટર કરવાની ચીનની સરકારની ભલામણને માનવામાં આવી નહોતી.

જિનપિંગના શાસનમાં સેન્સરશિપ વધુ વધી
2012ના અંતમાં શી જિનપિંગ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા અને પછી ચીનના સૌથી મોટા નેતા બન્યા. નાગરિક સમાજ અને વિચારો પરનાં નિયંત્રણો જિનપિંગના શાસનની ઓળખ રહી છે. નવેમ્બર 2013માં કોમ્યુનિસ્ટ પાર્ટીએ દસ્તાવેજ નંબર 9 બહાર પાડ્યો. આમાં પાર્ટીના સભ્યોને શાસન સામે 'સાત જોખમ' પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. એમાં સિવિલ સોસાયટી અને પ્રેસની સ્વતંત્રતા પણ સામેલ હતી.

ધીરે ધીરે ચીનમાં ઈન્ટરનેટ સર્ફિંગના એક્સપિરિયન્સ બદલાતા ગયા. સંવેદનશીલ શબ્દો અને ફોટોની યાદી વધતી ગઈ. આર્ટિકલ અને કમેન્ટ તરત જ દૂર કરવામાં આવ્યાં. સરકાર એવી વ્યવસ્થા બનાવી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સંવેદનશીલ શબ્દો કે વાક્યોની ઈમેજને સ્કેન કરી શકાય છે.

ગ્રેટ ફાયરવોલે વધુમાં વધુ વિદેશી વેબસાઈટોને બંધ કરી દીધી. ન્યૂયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટની જેમ ટ્વિટર પણ હવે ચીનમાં ઉપલબ્ધ નથી.

શાળાઓમાં વિદ્યાર્થીઓ બાતમીદાર, ફરિયાદ કરવા પર શિક્ષકોને 'સજા' મળી
સરકારે દરેક સ્તરે શાળાઓ પર આઈડિયોલોજિકલ કન્ટ્રોલ પણ કડક કર્યો છે. 2019માં જિનપિંગે દેશભરમાં આઈડિયોલોજી અને પોલિટિકલ થિયરી શીખવતા શિક્ષકો પાસેથી વર્ગમાં 'ખોટા વિચારો અને તેમનાં વલણો' નો વિરોધ કરવાનું કહ્યું હતું.

હવે યુનિવર્સિટીના લેક્ચરર જો પુસ્તકના કન્ટેન્ટ કરતાં કંઈ જુદું ભણાવે છે, તો બાતમીદાર વિદ્યાર્થી તે બાબતની જાણ કરી દે છે. આ વિદ્યાર્થીઓ પ્રોફેસરોનાં રાજકીય મંતવ્યો પર સતત દેખરેખ અને રેકોર્ડિંગ કરી રહ્યા છે. વિદેશી શિક્ષકો સહિત કેટલાક પ્રોફેસરોને વર્ગમાં સરકારની ટીકા કરવા બદલ સજા કરવામાં આવી છે.

ટ્વિટરનો ઉપયોગ કરવા બદલ ધરપકડ
સજાનો ડર બતાવીને અધિકારીઓએ ઘણા પ્રખ્યાત લેખકો અને માનવ અધિકાર માટે કામ કરતા વકીલોને ચૂપ કરી દીધા. જુલાઈ 2015માં દેશભરમાં લગભગ 300 વકીલ, કાયદાકીય સલાહકારો અને માનવ અધિકાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા અને ઘણા હજુ પણ જેલમાં છે. કેટલાક ટ્વિટર યુઝર્સની પોલીસે ધરપકડ પણ કરી હતી. એકાઉન્ટ્સ ડીલિટ કરવામાં આવ્યાં હતાં.

વિશ્વમાં સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર ચીનમાં છે. 2021માં તેમની સંખ્યા લગભગ 94 કરોડ હતી.
વિશ્વમાં સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર ચીનમાં છે. 2021માં તેમની સંખ્યા લગભગ 94 કરોડ હતી.

નવી પેઢી ટ્વિટર અને ગૂગલ વિના મોટી થઈ
જૂની પેઢીના લોકો ગ્રેટ ફાયરવોલ પસંદ કરતા નથી, પરંતુ જિનપિંગ સત્તામાં આવ્યા પછી કૉલેજમાં જતી પેઢીએ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. આ પેઢી ટ્વિટર અને ગૂગલનો ઉપયોગ કર્યા વિના મોટી થઈ છે.

એટલા માટે તેમનું માનવું છે કે ગ્રેટ ફાયરવોલ તેમને ખોટી માહિતીઓ અને દેશને અશાંતિ સામે બચાવવા માટે છે. તેઓ ચીનના સ્વદેશી ટેક જાયન્ટ્સના ઉદયને ધ્યાનમાં રાખીને પણ એને યોગ્ય માને છે. ચીનની સરકારની ટીકાને સરળતાથી યુએસ સરકારનું કાવતરું માની લેવામાં આવે છે. આ નવો રાષ્ટ્રવાદ ક્યારેક વાહિયાત લાગે છે, જેમ કે જ્યારે એક પ્રખ્યાત ડૉક્ટરે સૂચવ્યું હતું કે ચાઈનીઝ બાળકોએ દલિયાના બદલે નાસ્તામાં દૂધ સાથે ઈંડાં ખાવાં જોઈએ. સરકારી મીડિયાએ પણ તેમનો બચાવ કર્યો હતો. જણાવ્યું હતું કે પ્રોટીન વાઇરસ સામે લડવા માટે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે છે.

ચીનમાં આ જાણીતી સાઇટ્સ પર પ્રતિબંધ
2012ના અંતમાં શી જિનપિંગ રાષ્ટ્રપતિ બન્યા પછી ઇન્ટરનેટના ઉપયોગ અંગેના ચીનના નિયમો વધુ કડક બન્યા. વોશિંગ્ટનની માનવાધિકાર સંસ્થા ફ્રીડમ હાઉસે 2021ના 'ફ્રીડમ ઓન ​​ધ નેટ' રિપોર્ટમાં ચીનને 'નોટ ફ્રી' કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. તેને 100માંથી માત્ર 10 જ નંબર મળ્યા. 2020માં પણ તેને એટલા જ નંબરો મળ્યા હતા.

ચીનમાં Google, Gmail, Facebook, Twitter, The Wall Street Journal, The New York Timesથી લઈને PowerPoint શેરિંગ સાઇટ SlideShare માત્ર અંગ્રેજી વેબસાઈટ જ બ્લોક કરવામાં આવી નથી, પરંતુ ગૂગલ અને વિકિપીડિયાની ચાઈનીઝ વેબસાઈટ પણ બ્લોક કરવામાં આવી છે. ચીનમાં ઈન્ટરનેટ સેન્સરશિપ ટ્રેકર Greatfire.org અનુસાર, ચીનમાં ટોચના 1,000 એલેક્સા ડોમેન્સમાંથી 138 બ્લોક છે.

ચીનમાં કોરોના સંબંધિત અપડેટ્સ

  • પબ્લિક હેલ્થ એક્સપર્ટ હુઆંગ યાનઝોંગે કહ્યું હતું કે ચીનની સરકાર દરેકને કોરોના પોઝિટિવ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. એની પાછળની વિચારસરણી એ છે કે કોરોનાની પીક જેટલી જલદી આવે એટલું સારું.
  • ચાઈનીઝ સ્પ્રિંગ ફેસ્ટિવલની આસપાસના 80%-90% લોકોને સંક્રમિત કરવાનો પ્રયાસ છે. આ સમગ્ર દેશને વેક્સિન લગાવવા સમાન હશે. જોકે આનાં ગંભીર પરિણામો આવી શકે છે.
  • ચીનની હોસ્પિટલો દર્દીઓનો વધારો સહન કરી રહી છે. ફીવર ક્લિનિક્સમાં સામાન્ય દિવસો કરતાં 50 ગણા વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેને કારણે સ્ટાફ પર કામનું ભારણ પણ વધી ગયું છે. આઈસીયુ અને આઈસોલેશન વોર્ડ ભરાઈ ગયા છે.
  • લગભગ 30 વર્ષથી બીજિંગમાં રહેતા ડો. હોવર્ડ બર્નસ્ટીને કહ્યું - મેં આવું ક્યારેય જોયું નથી. અમારી હોસ્પિટલમાં દર્દીઓ સતત આવી રહ્યા છે. લગભગ તમામ વૃદ્ધો છે અને તેઓ કોરોનાનાં લક્ષણો દર્શાવે છે.
અન્ય સમાચારો પણ છે...