શ્રીલંકામાં યુવતીઓ બની રહી છે મજબૂરીમાં સેક્સવર્કર:ભાઈ આર્મીમાં, પૈસા માટે બહેન સ્પા સેન્ટરમાં જાય છે, કેમ કે તેને નર્સિંગનો કોર્સ કરવો છે

કોલંબોએક મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

ટાઇટ પેન્સિલ સ્કર્ટ, ક્રોપ ડીપ નેક ટોપ, ફોનમાં ચોંટેલી નજર. કાચની પેલે પાર બેંચ પર બેઠેલી આ યુવતીઓ કોઈ શો-પીસ જેવી લાગી રહી હતી. પગરવ થતાં જ તે સતર્ક થઈ જતી. તીરછી નજરે આવનારને ઓળખવાની કોશિશ કરતી કે ક્યાંક તે કોઈ પરિચિત તો નથી ને. કાચની આ તરફ યુવાન, આધેડ અને વૃદ્ધ તેમને ધારી ધારીને જોતા અને પોતાની મનગમતી યુવતી પસંદ કર્યા પછી ફી ચૂકવીને સીડી ચઢીને બિસ્તર જેટલી પહોળી કેબિન જેવા રૂમમાં જતાં રહેતાં.

ગ્રાહક સ્મિત સાથે પરત જતા અને સર્વિસ આપીને આવેલી યુવતી ફરી કાચની પેલે પાર બેંચ પર જઈને બેસી જતી. રિસેપ્શન પર બેઠેલો મેનેજર જઈ રહેલા કસ્ટમરને માથું નમાવીને હસીને પૂછતો, ‘સર, વોઝ ઈટ એન હેપી એન્ડિંગ’. સામેથી જવાબ આવે છે, “યસ, આઈ વિલ કમ અગેઈન”.

ઝાંખા પ્રકાશમાં કાચની પેલે પાર સજીધજીને બેઠેલી આ યુવતીઓમાં કોઈ વિદ્યાર્થિની છે, જે હાયર એજ્યુકેશનનું સપનું જોઈ રહી છે, કોઈ પત્ની છે, જે સમગ્ર પરિવારનું ધ્યાન રાખે છે તો કોઈ એકલી માતા છે, જેના પર બાળકોની ભૂખ મિટાવવાની જવાબદારી છે. શ્રીલંકાના હાલના આર્થિક સંકટે અનેક એવી યુવતીઓને સેક્સ વર્કમાં ધકેલી દીધી છે, જે અગાઉ નોકરી કરી રહી હતી કે ઉચ્ચ શિક્ષણ મેળવવાનાં સપનાં જોઈ રહી હતી.

મોટી સંખ્યામાં નવી યુવતીઓ પ્રોસ્ટિટ્યૂશનમાં સામેલ
શ્રીલંકામાં પ્રોસ્ટિટ્યૂશન કાયદાની રૂએ પ્રતિબંધિત છે. રાજધાની કોલંબોમાં સેક્સ વર્કનો કોઈ ચોક્કસ વિસ્તાર નથી. તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીં સ્પા અને મસાજ સેન્ટર્સની આડમાં સેક્સ વર્ક પણ થઈ રહ્યું છે અને એમાં મોટી સંખ્યામાં નવી યુવતીઓ સામેલ છે.

અમને એ પણ જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સેક્સ વર્કમાં સામેલ થયેલી યુવતીઓની સંખ્યા વધી ગઈ છે. એમાં ઘણી એવી છે જે પોતાની ખરાબ આર્થિક સ્થિતિને કારણે આ કામ કરી રહી છે.

અમને એ પણ જાણવા મળ્યું કે અગાઉ સેક્સ વર્કમાં મોટા ભાગે વ્યાવસાયિક વેશ્યાઓ રહેતી હતી, જે લાંબા સમયથી આ કામમાં સામેલ હતી. હવે મોટા ભાગે નવી યુવતીઓ છે, જે સતત ખરાબ થઈ રહેલી આર્થિક સ્થિતિને કારણે આ કામમાં જોડાઈ ગઈ છે.

માતા નથી, પિતા બીમાર...
21 વર્ષની ઈશારા બાળપણથી જ બ્રાઈટ સ્ટુડન્ટ હતી. કોઈપણ યુવાની જેમ તેનું સપનું પણ એક સફળ પ્રોફેશનલ બનવાનું હતું, પરંતુ હવે તે સ્પા સેન્ટરમાં સેક્સ વર્ક કરવા માટે મજબૂર છે. તે શ્રીલંકાના હાલના આર્થિક સંકટને કારણે સેક્સ વર્કમાં પહોંચી છે. ઈશારા માંડ વાત કરવા માટે તૈયાર થઈ. તેની માતા નથી અને પિતા બીમાર રહે છે. ભાઈ શ્રીલંકાની સેનામાં છે અને પરિણીત છે.

ઈશારા સ્પા સેન્ટરમાં કામ કરતાં પહેલાં એક કંપનીમાં પ્રતિ માસ 25 હજાર રૂપિયા (અગાઉ લગભગ 12 હજાર ભારતીય રૂપિયા, હવે લગભગ 6 હજાર ભારતીય રૂપિયા)ની સેલરી પર નોકરી કરી હતી, પરંતુ કોરોના મહામારી અને તેના પછી પેદા થયેલાં આર્થિક સંકટમાં તેની નોકરી છૂટી ગઈ. ખૂબ શોધ્યા પછી પણ જ્યારે તેને કોઈ કામ ન મળ્યું તો તે સ્પા સેન્ટરમાં કામ કરવા લાગી.

ઈશારા કહે છે, ‘મારો ભાઈ આર્મીમાં છે. તેઓ આ પૈસામાં પોતાના પરિવારનું ગુજરાન માંડ માંડ ચલાવી શકે છે. મારી નોકરી છૂટી ગઈ હતી અને મારા પૈસા ખતમ થઈ ગયા હતા. ક્યાંય પણ કોઈ કામ મળતું નહોતું. પછી મેં ગૂગલ સર્ચ કર્યું અને કોલંબોમાં સ્પા સેન્ટરમાં નોકરી શરૂ કરી દીધી.”

ઈશારાના પરિવારમાં કોઈને ખબર નથી કે તે એક સ્પા સેન્ટરમાં સેક્સ વર્ક કરે છે. તેણે ઘરમાં કહી રાખ્યું છે કે તે અગાઉની જેમ જ નોકરી કરી રહી છે. ઈશારા કહે છે, ‘જો શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ ન હોત તો હું ક્યારેય આ ધંધામાં આવી ન હોત. મારી સામે ખૂબ મુશ્કેલ સ્થિતિ હતી અને મારે સમજૂતી કરવી પડી.’

ઈશારા મેડિકલ નર્સ બનવા માગે છે અને આ માટે તેણે જરૂરી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે, પરંતુ તેની પાસે પ્રવેશ માટે પૈસા ન હતા.

હું 6 મહિનાથી કામ કરી રહી છું, મહિને લાખ રૂપિયા કમાણી
તે કહે છે, “હું અહીં 6 મહિનાથી કામ કરી રહી છું અને દર મહિને એક લાખ રૂપિયા સુધીની કમાણી કરું છું. મને આશા છે કે જૂન સુધીમાં હું નર્સિંગ કોર્સમાં એડમિશન લેવા માટે પૂરતા પૈસા બચાવી લઈશ.

ઈશારાનો બોયફ્રેન્ડ ભારતમાં રહે છે. તે કહે છે, “હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને તેની સાથે સારા જીવનની આશા રાખું છું. હું આ બધું જલદી છોડી દઈશ." જ્યારે મેં તેને પૂછ્યું કે શું તેનો બોયફ્રેન્ડ તેના કામ વિશે જાણે છે, ત્યારે તેણે લાંબા મૌન અને આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, "ના".

તે આગળ કહે છે, “મારો ભાઈ દેશની સેનામાં છે, પણ તેનો પગાર બહુ વધારે નથી. વધતી જતી મોંઘવારીને કારણે તે પોતાના ખર્ચાઓને પહોંચી વળવા અસમર્થ છે. મને દુઃખ છે કે મારો ભાઈ આર્મીમાં હોવા છતાં મારે સેક્સ વર્ક કરવું પડે છે.

40 હજાર છોકરીઓ સેક્સ વર્ક સાથે જોડાયેલી છે
શ્રીલંકાની રાજધાની કોલંબોના સ્પા સેન્ટરોમાં ઇશારા જેવી હજારો યુવતીઓ સેક્સ વર્ક કરી રહી છે. એક અંદાજ મુજબ, શ્રીલંકામાં લગભગ 40 હજાર સેક્સ વર્કર છે, જેમાંથી અડધાથી વધુ રાજધાની કોલંબોમાં છે. જોકે શ્રીલંકામાં સેક્સ વર્કમાં સામેલ મહિલાઓ અંગે કોઈ નક્કર ડેટા નથી.

અહીંના સ્પામાં કામ કરતા મેનેજરના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં કામ કરવા માગતી યુવતીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમાંથી મોટા ભાગની એવી છે, જેઓ પહેલા કામ કરીને પોતાનો પરિવાર ચલાવતી હતી અને હવે તેઓ કામ ગુમાવવાને કારણે પરેશાન છે.

નોકરીની શોધમાં અથવા શિક્ષણ માટે દેશના દૂરના વિસ્તારોમાંથી રાજધાનીમાં આવતી મહિલાઓ પણ સ્પા સેન્ટરોમાં કામ કરી રહી છે અને કામની શોધમાં આવી છે.

સ્પા સેન્ટરો 24 કલાક ખુલ્લાં રહે છે
આ સ્પા કેન્દ્રો ચોવીસ કલાક ખુલ્લાં છે અને એમાં છોકરીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આયુર્વેદિક સારવાર, વેલનેસ સેન્ટર, સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલતાં આ સેન્ટરો રાજધાનીના પોશ વિસ્તારોમાં આવેલાં છે.

26 વર્ષની રિઝા છેલ્લા એક વર્ષથી આવા જ એક સ્પા સેન્ટરમાં કામ કરી રહી છે. પહેલા તે ચિપ બનાવવાની ફેક્ટરીમાં 25 હજાર રૂપિયાના પગાર પર કામ કરતી હતી. રિઝાના પતિ બાંધકામ ક્ષેત્રે કામ કરે છે અને મહિને માંડ દસ હજાર રૂપિયા કમાય છે.

કોરોના મહામારી દરમિયાન રિઝાના પતિની નોકરી જતી રહી હતી અને તે જે કંપનીમાં કામ કરતી હતી તેને પગાર મળતો નહોતો. રિઝા કહે છે, “મારો સાત વર્ષનો દીકરો છે. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. તેની શાળાની ફી જાય છે. મકાનનું ભાડું જાય છે.”

કોઈ બચત ન હતી અને અચાનક પતિ-પત્ની બંનેની આવક બંધ થઈ ગઈ. મને સ્પા સેન્ટરમાં નોકરી મળી અને અહીં સારી કમાણી થવા લાગી. રિઝાનાં સાસુ-સસરા પણ તેની સાથે રહે છે. હવે આખો પરિવાર તેમની કમાણી પર ચાલે છે.

રિઝાના પરિવારમાં દરેક વ્યક્તિને એટલી જ ખબર છે કે તે ચિપ્સની ફેક્ટરીમાં કામ કરે છે. રિઝા કહે છે, “અહીં વિવિધ પ્રકારના ગ્રાહકો આવે છે. અમારે દરેકને સેવા આપવાની છે. મોટા ભાગના લોકો સારા હોય છે અને ટિપ પણ આપતા જાય છે, પરંતુ કેટલાક ખૂબ જ ખરાબ લોકો પણ આવે છે.

હું દરરોજ આ કામ છોડવાનું વિચારું છું, પણ છોડી શકતી નથી. રિઝાને ડર છે કે જો તેના ઘરમાં આ કામની જાણ થશે તો શું થશે.

શ્રીલંકામાં એવું કોઈ કામ નથી, જેમાં હું આટલું કમાઈ શકું
તે આગળ કહે છે, “હું અહીં એક મહિનામાં રૂ. 80,000થી રૂ. 1 લાખ કમાઉં છું. અત્યારે શ્રીલંકામાં એવું કોઈ કામ નથી કે જ્યાં હું એટલું કમાઈ શકું. શ્રીલંકા આર્થિક રીતે બરબાદ થઈ ગયું છે. મને આ કામ કરવાનો અફસોસ થાય છે, પરંતુ જ્યારે હું પરિવારની જરૂરિયાતો પૂરી થતી જોઉં છું ત્યારે એ અફસોસ પણ દૂર થઈ જાય છે."

24 વર્ષની સમીરાના છૂટાછેડા થઈ ગયા છે અને તે ત્રણ વર્ષથી આ વ્યવસાયમાં છે. પહેલા તે એક કંપનીમાં કામ કરતી હતી. નોકરી ગુમાવ્યા બાદ તેણે સ્પા સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. સમીરાનો પુત્ર તેના પતિ સાથે છે, જેના ખર્ચ માટે તે તેના પતિને મહિને 25 હજાર રૂપિયા આપે છે.

સમીરા પણ આ કામ છોડવા માગે છે, પણ છોડી શકતી નથી. સમીરા કહે છે, “અત્યારે હું આટલા પૈસા કમાઈ શકું એવી બીજી કોઈ નોકરી નથી. હું પૈસા એકઠા કરી રહી છું અને એક વર્ષમાં છોડી દઈશ."

ઈશારા, જીના અને સમીરા જેવી છોકરીઓને એકબીજા સાથે વાત કરવાની છૂટ નથી. આ સ્પામાં કામ કરતી યુવતીઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ જાણી શકાતું નથી.

તેમને એકબીજાના સંપર્કમાં ન આવવાની કડક સૂચના આપવામાં આવી છે, પરંતુ અહીં કામ કરતા મેનેજર સ્તરની વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં મોટી સંખ્યામાં છોકરીઓ આ તરફ આવી રહી છે. તે કહે છે, "આવાં સ્પા સેન્ટરોની સંખ્યા આગામી થોડા મહિનામાં વધી શકે છે."

આ સ્પા સેન્ટરોની મુલાકાત લેનારા ગ્રાહકોમાં સૈનિકો, પોલીસકર્મીઓ, વકીલો અને ડૉક્ટરો જેવા વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. અહીંના મોટા ભાગના લોકો જાણે છે કે સ્પા સેન્ટરોમાં સેક્સ વર્ક થાય છે, પરંતુ તેમના પર ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અહીં કામ કરતા લોકો સાથે વાત કરીએ તો એવું લાગે છે કે સ્પા ઓપરેટરોના તાર શ્રીલંકામાં સત્તાના ટોચના લોકો સાથે જોડાયેલા છે.

એક-એક વ્યક્તિનાં ડઝન જેટલાં સ્પા…
એક સ્પા સેન્ટરના મેનેજર કહે છે, “આ સ્પા પાછળ રાજકીય લોકો છે. દરેક વ્યક્તિનાં એક ડઝન જેટલાં સ્પા છે. આ ખૂબ જ સંગઠિત રીતે કરવામાં આવે છે. આ જ કારણ છે કે આ સ્પા સેન્ટરો પર ક્યારેય રેડ પડતી નથી."

જે ગ્રાહકો અહીં કામ કરે છે અને અહીં મુલાકાત લે છે તેઓ સારી રીતે જાણે છે કે આ સ્પા તેમના માટે સુરક્ષિત આશ્રયસ્થાનો છે. મેં એક મેનેજરને પૂછ્યું કે શું ત્યાં ક્યારેય દરોડો પડ્યો છે, તો તેણે જવાબ આપ્યો, “દરોડા પાડનાર અમારા ગ્રાહકો છે અને દરોડા પડાવનારા અમારા માલિક છે. હવે તમે આ વિશે વધુ પ્રશ્નો ન પૂછો તો સારું રહેશે.”

સ્પામાંથી બહાર નીકળતી વખતે મને ખ્યાલ આવી ગયો કે બેન્ચ પર બેઠેલી મોબાઈલમાં સ્થિર થયેલી એ આંખો ક્યારેક પોતાના બાળકની તસવીર જોઈને ખુશ થાય છે, ક્યારેક બોયફ્રેન્ડનો મેસેજ મેળવીને હસતી હોય છે તો ક્યારેક પોતાના પતિને દિલાસો આપી રહી હોય છે, "તું ચિંતા ના કર, મારી નોકરી છે ને."

(આ અહેવાલમાં તમામ યુવતીઓના નામ બદલવામાં આવ્યા છે)

શ્રીલંકાની ખરાબ પરિસ્થિતિમાં આર્મી કમાન્ડોને જિગોલો બનવાની ફરજ પડી...અમારા સુપર એક્સક્લુઝિવ સમાચાર વાંચવા માટે ક્લિક કરો