ભાસ્કર એક્સક્લૂસિવમોટી ઉંમરની મહિલાઓ પણ બંધાણી:ઘરખર્ચમાંથી કટકી કરી રોજ 7 બોટલ ગટગટાવતી બે સંતાનની માતા, લોટના ડબ્બામાં છુપાવીને રાખતી 'નશાનો સામાન'

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ

'સાહેબ, મને કફની બીમારી હતી. એ દૂર કરવા માટે સિરપની દવા લીધી હતી. શરૂઆતમાં તો દિવસમાં દવાની જેમ પીતી હતી, પરંતુ એનાથી શરીરમાં સ્ફૂર્તિ રહેતી હોવાથી તેની માત્રા વધતી જતી હતી. પછી તો દિવસમાં 7થી 8 સિરપની બોટલો પીવાની આદત પડી ગઇ હતી. જો હું સિરપ ના પીવું તો મને શરીરમાં કળતર થતી, ભૂખ ના લાગે, આંખમાંથી પાણી નીકળે તેમ જ ઝાડા થઇ જતા હતા, એટલે આ સમસ્યાથી બચવા માટે હું આ દલદલમાં વધુ ને વધુ ખૂંપતી જતી હતી. આ આદત પૂરી કરવા માટે પતિ તરફથી ઘરખર્ચ માટે આપવામાં આવતી રકમમાંથી કટકી કરીને સિરપની બોટલ ખરીદતી હતી. પતિને ખબર ના પડી જાય એ માટે એની બોટલોને હું ઘરના ખૂણેખૂણામાં એટલે કે ગાદલાં નીચે, લોટ અને ચોખાના ડબ્બામાં તેમજ કપડાંની વચ્ચે કબાટમાં છુપાવી દેતી હતી અને છૂપી રીતે સિરપ ગટગટાવી દેતી હતી, પરંતુ ખર્ચાઓ વધતા જતાં આખરે પતિને ખબર પડી ગઇ હતી.'

આ કોઇ ફિલ્મના કે નાટકના ડાયલોગ નથી, પરંતુ સિરપના બંધાણી થઈ ગયેલાં 35 વર્ષીય પરિણીતા શીલાબેન ( પાત્રનું નામ બદલવામાં આવ્યું છે )ના આ શબ્દો છે. તેઓ પતિ તેમજ બે સંતાન સાથે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહે છે. પતિની આવક અંદાજે 35 હજારની આસપાસની છે. તેમને ઉપરોક્ત હકીકતની ખબર પડતાં પતિ અનિલભાઇ ( નામ બદલ્યું છે ) અને પત્ની શીલાબેન વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહેતાં અનિલભાઇ આખરે તેમનાં પત્ની શીલાબેનની આદત છોડાવવા માટે દિલ્હી દરવાજા ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા, જ્યાં શીલાબેને ડો. રમાશંકર યાદવ સમક્ષ પોતાની પત્નીની કથની વર્ણવી હતી. આવી અનેક કથનીઓ ડોક્ટર યાદવના કાને રોજ પડે છે. દરરોજ નવી નવી વાત સાંભળીને તેઓ પણ વ્યથિત થઇ ઊઠે છે.

હાથ-પગ તૂટે છે, ઝાડા થઇ જાય છે
માનસિક આરોગ્ય હોસ્પિટલના મનોચિકિત્સક ડો. રામશંકર યાદવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'અમારી પાસે ઘણા દર્દીઓ આવતા હોય છે. તેમાં મોટા ભાગના દારૂ, ગાંજા, નિકોટીન ટોબેકો, એમ.ડી. ડ્રગ્સ, કફ સિરપ, વ્હાઇટનર, તાડી, ભાંગ અને ચરસના બંધાણીઓ પણ હોય છે. મોટા ભાગના કેસોમાં સંકોચ અને સમાજમાં બદનામ થવાના ડરે જાહેરમાં આવતા ગભરાતા હોય છે. યોગ્ય સારવાર સમયસર નહીં મળવાના કારણે આ લોકો ઘણા લાંબા સમય સુધી વ્યસન ચાલુ રહેતાં બંધાણી થઇ જાય છે. પરિણામસ્વરૂપે સામાજિક, પારિવારિક સંબંધો તૂટી જતા હોય છે. વ્યસનવાળા દર્દીના કેસમાં તે લોકો ડ્રગ્સ વગર રહી શકતા નથી. જો તેઓ વ્યસન ના કરે તો તેમના હાથ-પગ તૂટે છે. ઝાડા થઇ જાય છે. ઊલટી-ઊબકા આવે છે તેમ જ ગભરામણ થાય છે. શરીર બહુ કમજોર પડી જાય છે. જેથી અમે વ્યસન સાથે જોડાયેલી આડઅસરો મટાડવા માટેની દવાઓ, વ્યસન છોડાવવા માટેની દવાઓ તેમજ દર્દી અને તેના પરિવારનું કન્સલ્ટિંગ કરીએ છીએ. કયાં કયાં પરિબળોને કારણે તે વ્યસની બન્યો છે અને વ્યસન છોડયા પછી કઈ તકલીફો ઊભી થાય છે એની જાણકારી મેળવીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આવા દર્દીઓને ચોક્કસપણે વ્યસનથી દૂર રાખી શકાય છે અને પરિવારની જિંદગી બચાવી શકાય છે.'

30થી 45 વર્ષની યુવતીઓમાં ગાંજો લેવાનું પ્રમાણ વધ્યું
તેમણે વધુમાં કહ્યું હતું કે 'રૂટિન ઓપીડીમાં નિકોટીનનો ઉપયોગ, બેથી ત્રણ ટકા આલ્કોહોલ અને ગાંજાનો ઉપયોગ કરતા લોકો આવે છે, પણ દાખલ થતા દર્દીઓમાં 50થી 60 ટકા દર્દીઓ ચરસ, ગાંજો અને મલ્ટીપલ સબસ્ટન્સનો ઉપયોગ કરવાને કારણે ગાંડપણવાળી અવસ્થામાં દાખલ થાય છે. આવા કેસોમાં એવું પણ થાય છે કે સરખી અને પૂરી સારવાર નહીં લેવાને કારણે વારંવાર દાખલ થવું પડે છે. દાખલ થવાનો રેસિયો આવા લોકોમાં વધારે હોય છે. આ દર્દીઓમાં 20થી 45 વર્ષની વય ધરાવતા લોકો હોય છે, જેમાં 20થી 30 વર્ષની વયના યંગ લોકો ગાંજા, ચરસના બંધાણી વધુ હોય છે. જ્યારે 30થી 45 વર્ષની વયમાં જ્યારે કફ સિરપ, દારૂ અને સંગતને કારણે ડ્રગ્સ, હુક્કાં, ગાંજો લેતી યુવતીઓ પણ આવતી હોય છે. ઘણાખરા કેસો શરૂઆતના તબક્કામાં હોય છે, જેથી પરિવારના સભ્યોની હૂંક અને સંગત છોડવાથી ઓ.પી.ડી.ના તબક્કે જ દવાથી સારું થઇ જાય છે. એક કે બે કેસમાં જ યુવતીઓને દાખલ કરવી પડે છે. બાકી મોટા ભાગની યુવતીઓને દાખલ કર્યા વગર જ સારવારથી તેમને સારું થઇ જાય છે.'

એક નજર ઇધર ભી, કેવા કેવા કિસ્સાઓ આવે છે હોસ્પિટલમાં?
દિલ્હી દરવાજા સ્થિત માનસિક આરોગ્ય હોસ્પિટલના મનોચિકિત્સક ડો. રામશંકર યાદવ સમક્ષ વ્યસન છોડવા માટેના રોજબરોજ અનેક કેસો આવે છે. દરેક કેસની અલગ સ્ટોરી છે. જોકે તેમણે સમાજની આંખ ઉઘાડે કેટલાક કિસ્સાઓ વર્ણવ્યા હતા.

પતિએ રડતાં રડતાં કહ્યું, મારી પત્ની કયારે હારી ગઈ અને સુસાઇડ કરી લીધું એની મને ખબર ના પડી
બારેજામાં પાન પાર્લર ચલાવતા યુવકને ત્યાં એમ.ડી. ડ્રગ્સ, ચરસ અને બ્રાઉન શુગર પીનારા આવતા હતા. તેમની સંગતમાં આવીને આ યુવક પણ બંધાણી થઇ ગયો હતો. પતિ મરવા જેવો થઇ ગયો હતો. તેની વાઇફે તેની પાછળ બહુ મહેનત કરી, ત્રણ વખત તેને મરતાં મરતાં બહાર લાવ્યા હતા. ખબર નહીં તેની પત્ની એટલી સ્ટ્રોંગ હતી. તેમ છતાં તેમણે છ મહિના પહેલાં આપઘાત કરી લીધો. એક દિવસે ભાઇ પોતે દવા લેવા માટે આવ્યો હતો ત્યારે રડતાં રડતાં તેણે કહ્યું હતું કે મારી વાઇફે મારા માટે આટલું બધું કર્યું, પણ એ ખબર જ ના પડી કે તે કયારે હારી ગઇ અને તેને સુસાઇડ કરી લીધો, એ મને ખબર ના પડી. દવા કરાવે ત્યારે બે ત્રણ મહિના બંધ રાખે. પછી પાછા ગલ્લે જવાનું શરૂ કરતાં વ્યસનના રવાડે ચડી જાય છે. હવે તેમનો દીકરો દવા લેવા માટે આવે છે.

પતિને ત્યાં કામ કરતા કામદારની વાત સાંભળીને બહેન કફ સિરપના બંધાણી થઈ ગયા
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા મહિલાના પતિ વેપારી છે. તેમને ત્યાં કામ કરતા કામદારે કફ સિરપ લેવાથી કામ કરવામાં સ્ફૂર્તિ રહે છે અને 12થી 14 કલાક કામ કરી શકાય છે. આ વાત સાંભળીને બહેને પણ કફ સિરપ લેવાની શરૂ કરી હતી. રોજની બે બોટલ ગટગટાવી જતા હતા. એકાદ વર્ષ રેગ્યુલર સિરપ લેતાં હતાં. ઘરમાંથી કોઇ પ્રેશર નહોતું, પરંતુ રેગ્યુલર બોટલ નહીં મળવાને કારણે તેઓ રહી શકતાં નહોતાં, જેથી બોટલનું વ્યસન છોડવવા માટે આખરે હોસ્પિટલમાં આવ્યા હતા.

નાઇટ પાર્ટીમાં જવાને કારણે યુવતી બ્રાઉન શુગર લેતી થઈ ગઈ
શહેરના કોટ વિસ્તારમાં યુવતી તેનાં મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. પાડોશમાં જ રહેતી સહેલીની સાથે નાઇટ પાર્ટીમાં જોબ કરવા જવાનું ચાલુ કર્યું હતું. નાઇટ પાર્ટીમાં રહેલા છોકરાઓની સંગતમાં આવી જતાં તે ગાંજો, ચરસ અને બ્રાઉન શુગર લેવા લાગી હતી. એટલું જ નહીં, પરંતુ તે રાતભર બહાર રહેવા લાગી હતી. આ બાબતે મા-બાપ ટકોર કરે તો તે તેમની સાથે ઝઘડા કરતી હતી અને મા-બાપથી છુપાઇ છુપાઇને ઘરની બહાર જવા લાગી હતી. દીકરીના વર્તનથી ચિંતિત મા-બાપની ફરિયાદો વધતી ગઇ હતી. છેવટે તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

મારી જિંદગી છે, જિંદગીમાં દરેક વસ્તુની મજા લેવી જોઇએ
શહેરના પોસ વિસ્તારમાં રહેતી યુવતી ડિઝાઇનિંગ ફિલ્ડમાં છે. તે છોકરીને એવું હતું કે મારી જિંદગી છે અને જિંદગીમાં દરેક વસ્તુની મજા લીધેલી હોવી જોઇએ. આવા વિચારથી પ્રેરાઇને જ અમદાવાદ તથા ગાંધીનગરમાં જે નશીલા પદાર્થો મળે છે તેવા દરેક એક-બે વખત ટ્રાય કરવા જોઇએ. જેથી તે જુદા જુદા વ્યસનના બંધાણી યુવકોના સંપર્કમાં આવી હતી અને દરેક વ્યસન એકથી બે વખત કર્યા હતા. આવી જ કેટલીક લાલચમાં તે ઘર છોડીને જતી રહી હતી. સાતેક દિવસ બાદ તે ઘરે પાછી આવી હતી ત્યારે પરિવારને ખબર હતી કે તે રિલેશનશિપને કારણે ગઇ નથી, પરંતુ તેની થિંકિંગ પેટર્ન હવે ધીમે ધીમે બદલાતી ગઇ છે. જ્યારે સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કર્યો હતો ત્યારે ખબર પડી કે તે ઘણાં ખરાં વ્યસનોની બંધાણી થઈ ગઈ છે.

પતિની દારૂની પોટલી પીવાને કારણે પત્ની બંધાણી થઈ ગઈ
સ્મશાનગૃહમાં કામ કરતાં બહેન છેલ્લાં દસેક વર્ષથી દારૂ પીવે છે. તેમની કેસ હિસ્ટ્રી તપાસી ત્યારે ખબર પડી કે બહેનના પતિ દેશી દારૂ પીતા હતા અને ઘણી વખત દારૂની પોટલી ઘરે લઇ જતા હતા. તેમની પોટલી પડી હોય એમાંથી દારૂ પીવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેઓ બંધાણી થઈ ગયાં હતાં. અત્યારે રોજની 4થી 6 પોટલી પી જાય છે.

માતા માટે સંતાનો જ દારૂની બોટલ લઈ આવે છે
સુખી-સંપન્ન પરિવારની મહિલા દારૂની બંધાણી થઈ ગઈ છે. જીદ કરીને દારૂ મગાવે છે. જો તમે લોકો દારૂ નહીં લાવી આપો તો હું કોઈની સાથે જઇને દારૂ લઇ આવીશ એવી ધમકી આપે છે. સમાજમાં પરિવાર બદનામ ના થાય એ હેતુથી સંતાનો જ તેમની માતા માટે દારૂની બોટલ લઇ આવે છે. મહિલા છેલ્લાં દોઢ-બે વર્ષથી રેગ્યુલર દારૂ પીવે છે.

પુત્રના વર્તનથી શંકા જતાં પિતાએ કારમાં જીપીએસ સિસ્ટમ લગાવી દીધી
સરખેજ વિસ્તારમાં રહેતા ધનાઢય પરિવારનો ઘરથી ત્રણ કિલોમીટરના અંતરે જ શો-રૂમ આવેલો હતો. છતાં દીકરો મોડો આવતો હતો, જેથી શંકા જતાં તેના પિતાએ કારમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી હતી. તેના આધારે ખબર પડી કે છોકરો 200 કિલોમીટર ફરતો હતો. એમાંય વધુપડતો અસલાલી, રામોલ તથા જુહાપુરા વિસ્તારમાં ફરતો હતો. ઘણી વખત તો એ જ વિસ્તારમાં બેથી ત્રણ આંટા મારતો હતો. પાછળથી તે વ્યસની હોવાની જાણકારી મળતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.

ચાખવાનું મોઘું પડયું- 1500 રૂપિયાની કિંમતનો અડધો તોલો ચરસ સપ્તાહમાં પૂરો કરી જતો હતો
મારવાડી શેઠને ત્યાં કામ કરતા કામદારને શેઠે એક દિવસ ચરસ ચાખવાનું કહ્યું હતું અને તેને એવું હતું કે ચાખવાથી શું થશે અને તેને ચરસનો સ્વાદ ચાખ્યો હતો. પછી તો તેણે શેઠની નોકરી છોડી દીધી હતી પણ ચરસ છોડી શક્યો નહોતો અને એવો બંધાણી થઇ ગયો હતો કે તે 1500 રૂપિયા આપીને અડધો તોલો ચરસ ખરીદતો હતો. આ જથ્થો સપ્તાહમાં પૂરો કરી દેતો હતો, પરંતુ આર્થિક થપાટ પડતાં તેની પાસે ચરસ ખરીદવાના તો ઠીક પણ દવા લેવાના પણ પૈસા રહ્યા નહોતા. જેમ તેમ કરીને વ્યવસ્થા કરીને હવે તેણે દવા શરૂ કરીને બંધાણમાંથી મુક્ત કરવા પ્રયાસ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...