• Gujarati News
  • Dvb original
  • In Ahmedabad, Only One Housing Scheme Has Been Redeveloped In Six Years, Approval Of 19 Apartments Stuck

ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદમાં છ વર્ષમાં હાઉસિંગની માત્ર એક જ સ્કીમ રિડેવલપ થઈ, 19 એપાર્ટમેન્ટની મંજૂરી અટવાતાં રહીશોમાં ભારે રોષ

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • અમદાવાદમાં છ વર્ષમાં માત્ર એક પ્રગતિનગર સ્થિત એકતા એપાર્ટમેન્ટની સ્કીમ જ તૈયાર થઈ શકી
  • વારંવાર નિયમોમાં ફેરફાર કરવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ

ગુજરાતમાં જર્જરિત હાલતમાં મુકાયેલાં મકાનોના માલિકોને નવાં મકાનો મળે એવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા 2016માં રિડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરાઈ હતી, પરંતુ આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે છ વર્ષ વીતી ગયાં પછી પણ અમદાવાદ શહેરમાં હાઉસિંગના માત્ર એક જ એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટનો લાભ મળ્યો છે. બીજા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નિર્માણ પામેલાં 22 જેટલાં એપાર્ટમેન્ટના રહીશો તૈયાર હોવા છતાં એક યા બીજા કારણસર મંજૂર થતાં નથી.

તાજેતરમાં પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, ત્રણ એપાર્ટમેન્ટના રહીશો અને ડેવલપર વચ્ચે સમજૂતી સધાઈ છે, પરંતુ બાકીનાં 19 જેટલાં એપાર્ટમેન્ટની અરજીઓ પાઇપલાઇનમાં છે. અરજી કર્યાને બેથી ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી અરજીમાં કોઈ જ કાર્યવાહી થઈ નહીં હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું છે. એના માટે હાઉસિંગ બોર્ડ દ્વારા અવારનવાર કરાતા ફેરફારની નીતિ જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે. એને કારણે સ્થાનિક રહીશોમાં અસંતોષ ફેલાયો છે. સરકારને રસ લઈને દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવા રજૂઆત કરી છે. બીજી તરફ, સરકારી નીતિથી અકળાયેલા સોલા રોડ સ્થિત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામેલાં સંખ્યાબદ્ધ એપાર્ટમેન્ટના રહીશોની ગત રવિવારે બેઠક યોજાઈ હતી. બીજા ગ્રુપ દ્વારા આગામી .2જી જુલાઇના રોજ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર પાસાઓની ચર્ચા કરવામાં આવશે છતાં કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ હાઉસિંગ બોર્ડ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડે ચીમકી આપી છે. આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ રિડેવલપમેન્ટ સ્કીમનો સળગતો પ્રશ્ન રાજકીય પક્ષો માટે જોખમી સાબિત થઈ શકે છે.

વર્ષો પહેલાં બનાવવામાં આવેલાં હાઉસિંગ બોર્ડનાં મકાનો જર્જરિત હાલતમાં મુકાયાં છે. વરસાદ શરૂ થતાં જ ત્રીજા માળે રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઊઠે છે. વરસાદનું પાણી ટપકતું હોવાથી ઘરમાં ડોલ અથવા પ્લાસ્ટિક બાંધવા પડતું હોવાનું રહીશોએ જણાવ્યું છે. તો અમુક સ્થળોએ તો ધાબાનો કેટલોક ભાગ તૂટી પડયો હોવાની પણ ઘટનાઓ અગાઉ બનેલી છે. સુરમ્ય એપાર્ટમેન્ટમાં ટાંકી પડી ગઈ હતી. તો શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સમાં ધાબાનો ભાગ તૂટી પડયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા પ્રગતિનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ સામે જ આવેલા એકતા એપાર્ટમેન્ટમાં 2017માં ફલેટનો કેટલોક ભાગ તૂટી પડવાને કારણે બે જણાનાં મુત્યુ થયા હતા. ત્યાર બાદ ઊંઘમાંથી સફાળી જાગી ઊઠેલી સરકારે રિડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરી હતી, જેને પગલે એકતાનગર સ્કીમ તાજેતરમાં જ તૈયાર થઇ ગઇ છે અને રહીશો રહેવા પણ આવી ગયા છે, પરંતુ સોલા રોડ પર આવેલાં 22 જેટલાં એપાર્ટમેન્ટના રહીશોએ પણ રિડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા તૈયારી બતાવી છે. એના ભાગરૂપે જ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અરજીઓ કરી છે. બેથી ત્રણ વર્ષ વીતી જવા છતાંય તાજેતરમાં જ રામેશ્વર એપાર્ટમેન્ટ, ઉત્સવ એપાર્ટમેન્ટ અને સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-3ના રહીશો અને ડેવલપર વચ્ચે સમજૂતી સધાઈ છે. જોકે બીજી અરજીઓ હજુ અધ્ધરતાલ હોવાનું સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે.

હાઉસિંગ બોર્ડની સ્થિતિ
એક સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડ ધમધમતું હતું. એની અનેક સ્કીમોએ ગરીબ તેમ જ મધ્યમવર્ગ માટે ઘરનું સ્વપ્ન સાકાર કર્યું હતું. હુડકોની લોન દ્વારા લોકોએ હાઉસિંગનાં મકાનો ખરીદ્યાં હતાં. આમ તો હાઉસિંગનાં મકાનો ગુજરાતમાં ઠેક ઠેકાણે બનાવ્યા છે, પરંતુ અમદાવાદમાં સવિશેષ મકાનો ઊભાં કરવામાં આવ્યાં હતાં. એમાંય નારણપુરા તથા સોલા રોડ પર તો અનેક એપાર્ટમેન્ટો બનાવવામાં આવ્યાં હતાં. આ મકાનોમાં ગરીબ તેમ જ મધ્યમવર્ગના લોકો રહેતા હોવાથી પાછળથી હપતા ભરવામાં તકલીફો થવા લાગી હતી. એક પછી એક પેકેજ જાહેર કરીને હાઉસિંગ બોર્ડ દ્વારા હપતાઓની વસૂલાત કરી હતી. એક સમયે હાઉસિંગ બોર્ડ મૃતપ્રાય હાલતમાં મુકાઇ ગયું હતું અને અનેક કર્મચારીઓ નિવૃત્ત થઈ જતાં નવી ભરતી બંધ કરી દેવામાં આવી હતી. જોકે વળી પાછા મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ થતાં હાઉસિંગ બોર્ડ મહદંશે શરૂ થઈ ગયું છે. પરિણામસ્વરુપ નવી ભરતી કરવામાં આવી રહી છે, પરંતુ 11 મહિના માટે જ ભરતી કરવામાં આવે છે. ત્યાર બાદ તેમને એક્સટેન્શન અપાતું નથી. પરિણામે, માંડ તૈયાર થયેલા કર્મચારીઓ જતા રહેતાં હાઉસિંગ બોર્ડના કાયમી કર્મચારીઓને પણ કાર્યનો બોજ સતત રહ્યા કરે છે અને નવી નિમણૂક પામેલા ઉમેદવારો સાથે નવેસરથી એકડો ઘૂંટવો પડતો હોવાથી કર્મચારીઓમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. જોકે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં કર્મચારીઓની કાયમી ધોરણે ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આખરે હાઉસિંગ બોર્ડે સેલ્ફ ફાઇનાન્સ સ્કીમમો ચાલુ કરી
જૂના એપાર્ટમેન્ટમાં લોનના હપતાથી માંડીને વ્યાજની રકમમાં સર્જાયેલી માથાકૂટને કારણે હુડકો બંધ થઈ ગઈ છે. હવે સરકારે સેલ્ફ ફાઇનાન્સ સ્ક્રીમો ચાલુ કરી છે, જેમાં હાઉસિંગ બોર્ડની જમીન પર મકાનો હાઉસિંગ બોર્ડ દ્વારા જ બનાવવામાં આવે છે અને લોન માટે બેંકો સાથે ટાઇઅપ પણ કરે છે, પરંતુ સ્થાનિક નાગરિકોએ લોન માટેની કાર્યવાહી સીધી બેંક જોડે કરવાની રહે છે. એમાં વચ્ચે કયાંય હાઉસિંગ બોર્ડ રહેતું નથી. નાગરિકોએ હપતા બેંકમાં જ ચૂકવવાના રહે છે. એને હવે સેલ્ફ ફાઇનાન્સ સ્ક્રીમ તરીકે ઓળખવામાં આવે છે.

11,998 દસ્તાવેજ હજુ બાકી
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અગાઉ અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાતના પાટણ, ગાંધીનગર, વીસનગર, મહેસાણા, પાલનપુરમાં 77,899 મકાનનું નિર્માણ કરાયું હતું. આ એપાર્મેન્ટના રહીશોએ હપતા તથા વ્યાજની રકમ ભરપાઈ કરી દેતાં તેમને દસ્તાવેજો કરી આપ્યા હતા. અત્યારસુધીમાં 65,901 દસ્તાવેજ થઈ ગયા છે. હજુ 11,998 દસ્તાવેજ બાકી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. એમાં 10 હજારથી વધુ તો માત્ર અમદાવાદમાં રહેતા રહીશોના જ બાકી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

ચાર્જ પર ચાલતું હાઉસિંગ બોર્ડ- દિનેશ બારડ, પ્રમુખ: ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ અને સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-1ના પ્રમુખ દિનેશ બારડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 2016માં ગુજરાત સરકારે રિડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરી છે. છ વર્ષ થવા છતાં આજદિન સુધી એક સ્કીમ સિવાય બીજી કોઈ સ્કીમ બની શકી નથી. જે બની છે એ સ્કીમ પણ અકસ્માતમાં બે જણાનાં મુત્યુ થવાથી બની છે. ગુજરાત સરકાર મોટી હોનારત થાય પછી રિડેવલપમેન્ટમાં સક્રિય બનશે એવું હાઉસિંગ બોર્ડના વલણ પરથી લાગી રહ્યું છે. હાઉસિંગ બોર્ડ દર વખતે ટેન્ડરમાં નવા નીતિનિયમો લાવી રહ્યું છે, એ ડેવલપરના હિતમાં જ હોય છે. ગુજરાતમાં પોણાબે લાખ મકાન છે, તો હાઉસિંગ બોર્ડમાં કાયમી કમિશનર, ચેરમેન તેમ જ બોર્ડ મેમ્બર હોવા જોઇએ, જે નહીં હોવાના કારણે ચીફ એન્જિનિયરથી માંડીને એસ્ટેટ મેનેજરને ફાઇલો પર સહીઓ કરાવવાથી માંડીને અન્ય કામો માટે વારંવાર ગાંધીનગર જવું પડે છે. એને કારણે કોઇ અધિકારી હાઉસિંગ બોર્ડમાં મળતા નથી. લોકો ધક્કા ખાય છે. રિડેવલપમેન્ટ માટે 18થી 20 અરજી કરનારા ત્રણ વર્ષથી મહેનત કરે છે તોપણ તેમની ગાડી પાટે ચડતી નથી. રામેશ્વર, ઉત્સવ તથા સૂર્યા એપાર્ટમેન્ટ - વિભાગ-3ના આગેવાનીને કારણે તેમની ગાડી પાટે ચડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વખતે દર ટેન્ડરમાં નવા નિયમો લાવવામાં ન આવે, 2016ની પોલિસીનું હાઉસિંગ બોર્ડ દ્વારા સંપૂર્ણપણે પાલન કરવામાં આવે અને રહીશોના હિતમાં કોઈ મોટી હોનારત કે જાનહાનિ થાય એ પહેલાં રિડેવલપમેન્ટ માટેનું અમલીકરણ સરકાર હાઉસિંગ બોર્ડ જોડે કરાવડાવે એવી સૌની માગણી છે.

કેમ જાહેરસભાનું આયોજન કરાયું ?
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 3 કે 5 વર્ષથી જુદાં જુદાં એસોસિયેશન રિડેવલપમેન્ટ થાય અને દસ્તાવેજની પ્રક્રિયા શરૂ કરે એના માટે અનેક ધક્કા ખાધા હોવા છતાં સરકારના બહેરા કાને કાંઈ સંભળાતું નથી અને અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. તેના પડઘા પાડવા બધા એપાર્ટમેન્ટના આગેવાનોના સહયોગથી સોલા રોડ ખાતે બીજી જુલાઇના રોજ જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જો તેમ છતાં સરકાર નહીં સાંભળે તો ગ્રુપ મીટિંગો કરવા ઉપરાંત ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

બોર્ડના અધિકારીની હાજરીમાં સંમતિ આપી છતાં નોટરાઇઝનો આગ્રહ: અમૃતભાઈ પ્રજાપતિ, સેક્રેટરી- શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સ
શાસ્ત્રીનગર રોડ પર આવેલા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના સેક્રેટરી અમૃતભાઈ પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારા એપાર્ટમેન્ટમાં 63 દુકાન અને 100 ફલેટ આવેલા છે. નિયમ મુજબ 75 ટકાથી વધુ લોકો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે. તેમની સંમતિ સાથે 2-11-2020ના રોજ અરજી કરી હોવા છતાં હાઉસિંગ બોર્ડ તરફથી ધ્યાન અપાતું નથી. અમને વારંવાર ધક્કા ખવડાવે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીની હાજરીમાં રહીશોએ સંમતિ દર્શાવી છે છતાં નોટરાઇઝનો આગ્રહ રાખવામાં આવે છે. બિલ્ડરોના ફાયદા માટે રિડેવલપમેન્ટ અટકાવવાની કોશિશ કરી રહ્યાં છે. ત્રણ વર્ષથી ધક્કા ખાઈએ છીએ. 26 વર્ષ જૂની સ્કીમ છે. છત પડેલી, પરંતુ સદનસીબે ઘરમાં કોઈ નહીં હોવાના કારણે બચી ગયા હતા. ચોમાસું આવી રહ્યું છે એટલે આવા બનાવો બનવાની સંભાવના છે. શું ત્યાર બાદ હાઉસિંગ બોર્ડ જાગશે ?

અમારી સોસાયટીમાં વધારાના એકપણ ફલેટમાં બાંધકામ થયું નથી: પરેશ પઢેરિયા
શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના રહીશ પરેશભાઈ પઢેરિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે એકમાત્ર અમારી સોસાયટીમાં એકપણ વધારાનું બાંધકામ થયું નથી. બધા કાગળો બોર્ડમાં આપી દીધા હોવા છતાં વારંવાર એક યા બીજા કાગળો માગ્યા કરે છે. દરેક સભ્યે બોર્ડના અધિકારીને રૂબરૂ સંમતિ આપી દીધી છે તેમ છતાં નોટરાઇઝ કરવાનો આગ્રહ રાખે છે. કેન્દ્રીય ગુહમંત્રી અમિતભાઈ શાહને રજૂઆત કરી હતી. તેમણે કામ નહીં અટકવા દઉં એવી હૈયાધારણા આપી હતી. સત્વરે કામ થાય એ જરૂરી છે. ચોમાસામાં દરેક એપાર્ટમેન્ટ કફોડી સ્થિતિમાં આવી જાય છે. પાછલા વરસાદમાં અમારા સેક્રેટરીના મકાનનું ધાબું પડી ગયું હતું એ કહેતાં જ મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

રસ્તા પરથી વાહન પસાર થાય તોપણ મકાનોમાં ધ્રુજારી થાય છે: સુનીલ પટેલ
શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના રહીશ સુનીલભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે પ્રગતિનગરથી સોલા રોડ પર 130 હાઉસિંગ સોસાયટી આવેલી છે. એના બાંધકામને 30 વર્ષ કે તેથી વધુ થયાં છે, જેને કારણે બાંધકામ નબળાં પડી ગયાં છે. એમાંય ભૂકંપ પછી તો રસ્તા પરથી વાહન પસાર થાય તોપણ ઘરમાં ધ્રુજારી થાય છે. સત્વરે નિર્ણય નહીં લેવામાં આવે તો જીવલેણ નીવડે એવી પરિસ્થિતિ છે. એ અંગેની સંપૂર્ણ જવાબદારી હાઉસિંગ બોર્ડની રહેશે.

સૌથી પહેલા અમારાં એપાર્ટમેન્ટ બન્યાં હતાં: મહેન્દ્રભાઇ શાહ
સોલા રોડ સ્થિત ગીતાંજલિ એપાર્ટમેન્ટના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા એપાર્ટમેન્ટની 2020માં રિડેવલપમેન્ટ માટે અરજી કરી છે, પણ કોઇ કાર્યવાહી થઇ નથી. અમારા એપાર્ટમેન્ટમાં ધાબું પડી ગયું હતું. સૌથી પહેલા આ વિસ્તારમાં અમારા એપાર્ટમેન્ટ બન્યાં હતાં. 40 વર્ષ જૂના આ ફલેટ અંગે વારંવાર કહેવા છતાં હાઉસિંગ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી. અમારી સાથે ગોકુલ એપાર્ટમેન્ટના રહીશો પણ તૈયાર છે, બંને જોડે થઈ જાય એમ છે.

દસ્તાવેજ માટે પેકેજ જાહેર કરવામાં આવે: બિપિન પટેલ
ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત મંડળના સંયોજક અને શ્રીનગર એપાર્ટમેન્ટના પ્રમુખ બિપિનભાઇ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે રિડેવલપમેન્ટ માટે સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી. આ રિડેવલપમેન્ટમાં જવા માટે 100 ટકા રહીશોના દસ્તાવેજો જરૂરી છે, જેથી સરકારે 2006-07ની માફક પેકેજ જાહેર કરવું જોઇએ, તો રિડેવલપમેન્ટ યોજનાને વેગ મળશે. સરકારનું લહેણું પણ નીકળી જશે. 20થી 25 ટકા દસ્તાવેજ બાકી છે. રિડેવલપમેન્ટ યોજનાને સફળ બનાવવા માગતી હોય તો સરકારે રસ લેવો જોઇએ, જેથી વહેલી તકે પેકેજ જાહેર કરવું જોઈએ.

ત્રીજા માળના રહીશોને ઘરમાં ડોલ અને પ્લાસ્ટિક રાખવાં પડે છે: એન્થોની ગોમ્સ
યોગેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ એન્થોની ગોમ્સે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સોલા રોડ પરનાં હાઉસિંગ મકાનોને 40 વર્ષ થઇ ગયાં છે. વરસાદમાં ત્રીજા માળનાં મકાનોમાં ડોલ તથા પ્લાસ્ટિક મૂકવાં પડે છે, માટે રિડેવલપમેન્ટ જરૂરી છે. અત્યારે માત્ર વાતો થાય છે. દર વખતે બિલ્ડરો વાતો બદલ્યા કરે છે. આ એપાર્ટમેન્ટોમાં ગરીબવર્ગના લોકો રહેતા હોવાથી હપતા પણ ભરી શકતા નથી, જેને કારણે વ્યાજ પર વ્યાજ ચડી ગયું છે, જેથી સરકારે અગાઉની જેમ સ્કીમ જાહેર કરવી જોઈએ, એની સાથે સરકારને વિનંતી છે કે દસ્તાવેજના ભાવ ઘટાડવા જોઈએ.

અમદાવાદમાં એક યોજના સંપન્ન, આઠ યોજના મંજૂરઃ હાઉસિંગ બોર્ડ
ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેર વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, જાહેર આવાસોના પુનઃવિકાસ (રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક પોલિસી હાઉસિંગ ) યોજના માર્ગદર્શિકા - 2016 અંતર્ગત 25 વર્ષ જૂની, જર્જરિત હાલતમાં મુકાયેલા એપાર્ટમેન્ટના 75 ટકા રહીશો સંમતિ સાથે માગણી કરે તો હાઉસિંગ બોર્ડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં હયાત 100 ચો.મી.ના કાર્પેટ એરિયા હોય તો 140 ચો.મી., એટલે કે 40 ટકા વધુ કાર્પેટ એરિયા આપવામાં આવે છે. હાઉસિંગ બોર્ડ સમક્ષ ગુજરાતમાંથી 22 અરજી આવી હતી, એમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી. અમદાવાદની એકતા એપાર્ટમેન્ટની યોજના સંપન્ન થઇ ગઇ છે, જ્યારે સુરતમાં ત્રણ સૂર્યનગરી, સરદારનગર તથા પત્રકાર કોલોની ઉપરાંત જામનગર અને ભાવનગરમાં એક-એક યોજના મંજૂર થઇ ગઇ છે, જેમાં કુલ 1183 આવાસનાં કામો પ્રગતિમાં છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના નારણપુરા તથા સોલા રોડ પર આવેલાં આઠ એપાર્ટમેન્ટો, જેવાં કે કિરણપાર્ક એપાર્ટમેન્ટ, સૂર્યા એપાર્ટમેન્ટ-વિભાગ-3, ઉન્નતિ એપાર્ટમેન્ટ, રવિ એપાર્ટમેન્ટ, શાંતિ એપાર્ટમેન્ટ, રામેશ્વર એપાર્ટમેન્ટ, આનંદ વિહાર એપાર્ટમેન્ટ મળીને કુલ 888 આવાસનાં ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યાં છે. હવે એસોસિયેશન સાથે ડેવલપર તથા હાઉસિંગ વચ્ચે લે આઉટ, લોકેશન વગેરે બાબતે સકારાત્મકતાપૂર્ણ વાતચીત ચાલે છે. બંને પક્ષ સંમત થતાં બાંધકામનું કાર્ય હાથ ધરાશે. બીજી આઠ યોજનામાં 2019 પહેલાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી. દરમિયાન ઘણા લોકોના દસ્તાવેજો થયા નથી, 75 ટકા રહીશો સંમત નથી કે મકાનમાલિકના હપતા બાકી છે. તો ડેવલપર અને એસોસિયેશન વચ્ચે મતભેદ હોવાના કારણે કામગીરી હાથ ધરાઈ નથી.

રિડેવલપમેન્ટ માટે બે એસોસિયેશન રચાયાં
અમદાવાદ શહેરમાં 125થી વધુ હાઉસિંગની સ્કીમો આવેલી છે. આ હાઉસિંગ રિડેવલપમેન્ટનો લાભ લેવા માટે અનેક એપાર્ટમેન્ટના રહીશો દ્વારા અરજીઓ કરવામાં આવી છે. આ અરજીઓ સંદર્ભે સરકાર તથા હાઉસિંગ બોર્ડ સાથે ચર્ચા કરવા માટે બે એસોસિયેશનો ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત મંડળ અને હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનની રચના કરવામાં આવી છે. આ ફેડરેશનના સભ્યોની ગઈ તા. 19.06.2022 રવિવારના રોજ નારણપુરા વિસ્તારમાં GSC BANKના ઓડિટોરિયમ હોલમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારની લગભગ 75થી વધુ એપાર્ટમેન્ટ ટાઈપની હાઉસિંગ કોલોનીના હોદેદારો તેમ જ સક્રિય સભ્યો રિડેવલપમેન્ટની પ્રક્રિયા તેમ જ એમાં પડતી મુશ્કેલીઓની સમજણ આપવા માટે લગભગ 400થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા તથા એમાં પડતી મુશ્કેલીઓની સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત મુશ્કેલીઓના નિવારણ માટે ફેડરેશનની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફેડરેશન સરકાર તેમ જ GHB સાથે ચર્ચા કરીને રહીશોના હિતમાં રજૂઆત કરીને સભ્યોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવશે એવું નક્કી કરવામાં આવ્યું અને આ ફેડરેશનને સૌ સભ્યોએ બધી જ રીતે સહકાર આપવાનો રહેશે, એવું સર્વે સભ્યોએ એકીઅવાજે જાહેર કર્યું હતું, સાથે સાથે રિડેવલપમેન્ટમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ ફેડરેશન વિવિધ કમિટીની રચના કરીને જરૂર પડે તો ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. સરકાર તેમ જ ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા હાલની રિડેવલપમેન્ટ પોલિસી માર્ગદર્શિકા 20016 " તથા રિડેવલપમેન્ટમાં જવા માટેની પ્રોસેસમાં પ્રજાનાં હિત વિરુદ્ધ કરવામાં આવેલા અમુક નીતિનિયમો જો પાછા ખેંચવામાં નહિ આવે તો આગામી દિવસોમાં હાઉસિંગ બોર્ડની કોલોનીઓ દ્વારા જે-તે સરકારી સંસ્થાઓ, તંત્ર તથા તેમના કર્મચારીઓના નિષ્કિય અને ઢીલા વલણ વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે તો આવનારા સમયમાં આ વિષયે અલગ અલગ પ્રકારના કાર્યક્રમ આપવા તથા મકાનધારકોના અધિકારોના હક્કો અને રક્ષણ માટે શાંતિપૂર્વક ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હોવાનું ફેડરેશને જણાવ્યું છે.

કયાં કયાં એપાર્ટમેન્ટે રિડેવલપમેન્ટ માટે અરજી કરી છે, એની શી છે સ્થિતિ
અમદાવાદમાં રિડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા માટે લગભગ 22 જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ અરજીઓની શી પરિસ્થિતિ છે એ અંગેની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

રિડેવલપમેન્ટ માટે ડેવલપર જોડે સહમતિ સધાઇ હોય તેવા એપાર્ટમેન્ટ

નં.એપાર્ટમેન્ટનું નામક્ષેત્રફળ (ચો.મી)ફલેટની સંખ્યાકેટેગરીસ્ટેટસ
1રામેશ્વર (સોલા રોડ)25022312HIGડેવલપર જોડે સહમતિ સધાઇ ગઇ
2સૂર્યા (સોલા રોડ)6500132MIGડેવલપર જોડે સહમતિ સધાઇ ગઇ છે.
3કિરણ પાર્ક (નવા વાડજ)112824LIGડેવલપર અને હાઉસિંગ બોર્ડ વચ્ચે કરાર, રિડેવલપમેન્ટની પ્રોસેસ પૂરી થઇ

કયા કયા એપાર્ટમેન્ટે રિડેવલપમેન્ટ માટે અરજી કરી છે, તેની શું છે સ્થિતિ

નં.એપાર્ટમેન્ટનું નામક્ષેત્રફળ (ચો.મી)ફલેટની સંખ્યાકેટેગરીસ્ટેટસ
1સુરમ્ય (નારણપુરા)62608180HIGડેવલપર જોડે સહમતી નહીં સધાતાં ટેન્ડર રદ થયું હતું
2અમર (નારણપુરા)
3આનંદવિહાર (નારણપુરા)8433132HIGડેવલપર ફાળવી દીધા છે
4ઉત્સવ (નવા વાડજ)19850270MIGસકારાત્મક વાટાઘાટો દ્રારા સફળ થવાની શક્યતા
5એકતા (ખોખરા)13680456LIGટેન્ડર પ્રોસેસ કરી છે, બીજી કાર્યવાહી થઇ નથી
6નિધિ (નારણપુરા)1665484HIGટેન્ડર પ્રોસેસમાં છે
7સત્યમ (સોલા)23562276MIGટેન્ડર દ્રારા ડેવલપર ફાળવેલ છે.સ્ક્રીમના બે ભાગ પાડતાં હોવાથી રહીશો સહમત નથી
8નિર્મલ (રીંગ રોડ)37969300HIG18 દુકાનો ડેવલપરને ફાળવેલ છે. રહીશો સાથે સમજૂતી સધાતી નથી.
9શાસ્ત્રીનગર (નારણપુરા)1497672MIGઅરજી કરી છે.
10વિશ્રામ પાર્ક (નવા વાડજ)26004228MIGઅરજી કરી છે. બે ભાગ પાડતાં હોવાથી રહીશો સહમત નથી.
11રવિ (શાસ્ત્રીનગર)24LIGઅરજી કરી છે.
12શાંતિ (શાસ્ત્રીનગર)192MIGઅરજી કરી છે. ટેન્ડર બહાર પાડ્યું છે.
13ઉન્નતિ (શાસ્ત્રીનગર)1914764MIGઅરજી કરી છે.
14ચંદ્ર (સોલા)8248HIGટેન્ડર પ્રોસેસ કરી છે. રહીશો સાથે સમજૂતી તથા પ્લોટ એરિયા બાબતે વિવાદ
15સૂર્યા (સોલા) વિ-16100120અરજી કરી છે. ટેન્ડર પ્રોસેસ નથી
16સૂર્યા (સોલા) વિ-26200132MIGઅરજી કરી છે. ટેન્ડર પ્રોસેસ નથી.
17શ્રધ્ધાદીપ (શાસ્ત્રીનગર)14,500100HIGકોઇ પ્રોસેસ નથી.
18ગીતાંજલિ (સોલા રોડ)5,00060MIGઅરજી કરી છે. કોઇ પ્રોસેસ નથી
19શ્રીનગર (સોલા રોડ)13024240LIGસ્તાવેજનો ચાર્જ ભરી શકે તેમ ના હોવાથી રિડેવલપમેન્ટ માટે અરજી કરી શકતા નથી.
અન્ય સમાચારો પણ છે...