• Gujarati News
  • Dvb original
  • Ignoring The Disease Of Cerebral Palsy, The Young Make Diva Painting Work, Earned Rs 30,000 By Selling Painted Lamps.

આજની પોઝિટિવ સ્ટોરી:સેરિબ્રલ પાલ્સીની બીમારીને અવગણીને યુવતીએ કર્યું અજવાળા પાથરવાનું કામ, પેઇન્ટિંગ કરેલા દીવા વેચીને 30 હજારની કમાણી કરી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: યોગેશ ગજ્જર
કાવ્યા જીવનમાં નાસીપાસ થતાં તમામ લોકોને જિંદગી મન ભરીને માણી લેવાનો સંદેશો આપે છે.
  • ચાલવામાં અને ડાબા હાથમાં ગ્રિપ મેળવવામાં મુશ્કેલી અનુભવતી કાવ્યાએ પેઇન્ટિંગ કર્યું

સામાન્ય નિષ્ફળતા મળે ત્યારે વ્યક્તિ નાસીપાસ થઈ જતી હોય છે, પરંતુ તમામ મર્યાદાઓની વચ્ચે પણ કંઈક કરી છૂટવાની હામ હોય તો એના માટે ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય અર્થાત જો વ્યક્તિમાં કંઈ કરવાની ઈચ્છાશક્તિ કે ધગશ હોય તો રસ્તામાં આવતી કોઈપણ અડચણ તેને રોકી શકતી નથી. આવું જ કંઈક સેરિબ્રલ પાલ્સીની ગંભીર બીમારીથી પીડાતી અમદાવાદની કાવ્યાએ કરી બતાવ્યું છે. 17 વર્ષની કાવ્યા બીમારીને કારણે ચાલી શક્તિ નથી, પરંતુ શરીરની આ કમજોરીને તેણે પોતાની તાકાત બનાવી છે. બીમારીના અંધકારભરી જિંદગીની વચ્ચે પણ સતત કંઈક કરી છૂટવાની હામ સાથે દીવડાઓ પેઈન્ટિંગ કરીને લોકોનાં ઘરમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે. કાવ્યાએ પેઈન્ટ કરેલા દીવડાઓ એક્ઝિબિશનમાં મુકાતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, સાથે જ સાતેક દિવસમાં જ તેણે દીવડાઓના વેચાણ થકી 30 હજારની કમાણી કરીને જીવનમાં નાસીપાસ થતા તમામ લોકોને જિંદગી મનભરીને માણી લેવાનો સંદેશો આપ્યો છે.

10 પાસ થયેલી કાવ્યા દીવા બનાવીને લોકોને આપી રહી છે.
10 પાસ થયેલી કાવ્યા દીવા બનાવીને લોકોને આપી રહી છે.

સ્કૂલમાં અભ્યાસ વખતે પેઇન્ટિંગ શીખી
અમદાવાદના વાસણા પાસે આવેલા જવાહરનગરમાં રહેતી કાવ્યા 17 વર્ષની છે. હમણાં જ તેણે 10મું ધોરણ પાસ કર્યું છે. દિવ્યાંગ હોવાથી તે ન્યૂ વેદ સ્પેશિયલ સ્કૂલમાં જ માતા-પિતાએ અભ્યાસ કરાવ્યો છે. સ્કૂલમાં અભ્યાસ દરમિયાન કાવ્યાએ પેઇન્ટિંગ શીખી અને ત્યારથી જ તેણે પેઇન્ટિંગ કરવું ખૂબ પસંદ હતું. આ શોખને આગળ લઈ જતાં તેણે દિવાળી પર પેઈન્ટિંગથી દીવા વેચવાનું નક્કી કર્યું. કાવ્યાને આ કામમાં તેનાં માતા-પિતા બંનેનો ખૂબ સપોર્ટ મળ્યો. કાવ્યાના પિતા મયંકભાઈ ભટ્ટ યુનાઈટેડ કો-ઓપરેટિવ બેંકમાં બ્રાન્ચ મેનેજર છે.

કાવ્યાએ પેઈન્ટ કરેલા દીવડાઓ એક્ઝિબિશનમાં મુકાતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
કાવ્યાએ પેઈન્ટ કરેલા દીવડાઓ એક્ઝિબિશનમાં મુકાતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

શું હોય છે સેરિબ્રલ પાલ્સી?
સેરિબ્રલ પાલ્સી વિશે જણાવતાં કાવ્યાનાં માતા પ્રજ્ઞા બહેન કહે છે, સેરિબ્રલ પાલ્સીની દરેક વ્યક્તિમાં અલગ અસર હોય છે. ઘણાને માઈન્ડ પર ઈફેક્ટ કરે અને ઘણાને શરીર પર. મારી દીકરી ચાલી નથી શકતી અને લેફ્ટ હેન્ડમાં ગ્રિપ નથી, પણ તેનું માઈન્ડ ખૂબ પાવરફુલ છે.

કાવ્યાને આ કામમાં તેનાં માતા-પિતા બંનેનો ખૂબ સપોર્ટ મળ્યો.
કાવ્યાને આ કામમાં તેનાં માતા-પિતા બંનેનો ખૂબ સપોર્ટ મળ્યો.

આ રીતે દીવા બનાવવાનો વિચાર આવ્યો
કાવ્યાના દીવા બનાવવાના ખ્યાલ વિશે વાત કરતાં મમ્મી પ્રજ્ઞાબેને જણાવ્યું હતું કે તેને સ્કૂલમાંથી પેઈન્ટિંગ શિખવાડ્યું હતું ત્યારથી તેને આ કામ ખૂબ ગમતું હતું. પછી તેણે બેઠાં બેઠાં જ વિચાર કર્યો કે આપણે પેઈન્ટિંગ કરીએ. ફ્રેન્ડશિપ-ડે પર કાવ્યાએ તેના ફિઝિયોથેરાપિસ્ટને પેઇન્ટિંગ કરેલું ગિફ્ટ આપ્યું. તો તેમને એ પેઈન્ટિંગ ખૂબ પસંદ આવ્યું અને તેમણે પ્રોત્સાહિત કરતાં તેનો ઉત્સાહ વધાર્યો હતો, એટલે તેણે કહ્યું, મમ્મી આ વખતે આપણે દિવાળી પર દીવાનું કામ શરૂ કરીએ. આ વિચારને અમે પણ વધાવ્યો અને પહેલીવાર જ અમે દીવાનું કામ કર્યું છે.

લોકોએ કાવ્યાના કામને બિરદાવવાની સાથે સાથે ઘરમાં અજવાળા પાથરવા દીવાની ખરીદી કરી હતી.
લોકોએ કાવ્યાના કામને બિરદાવવાની સાથે સાથે ઘરમાં અજવાળા પાથરવા દીવાની ખરીદી કરી હતી.

લોકોએ કામને બિરદાવ્યું
કાવ્યાએ પોતાની સ્કિલ્સથી અલગ અલગ પ્રકારના અને સાઈઝના દીવા તૈયાર કર્યા છે, એ પ્રમાણે દીવાની કિંમત રાખવામાં આવી છે. એમાં અખંડ દીવાની કિંમત રૂ.101થી શરૂ થાય છે. આ પછી રૂ. 120, રૂ. 140, રૂ. 150ના દીવા પણ છે. જેવા દીવા અને એના પર જેવું કામ કર્યું હોય એ મુજબ એનો ભાવ રાખવામાં આવ્યો છે. 7 જેટલા દિવસમાં અંદાજે 30 હજાર રૂપિયાના દીવાનું વેચાણ થયું છે, જેમાં બે દિવસના એક્ઝિબિશનમાં જ 25 હજારના દીવાનું વેચાણ થયું છે. આ વર્ષે લોકોનો સારો રિસ્પોન્સ મળતાં આવતા વર્ષે પણ દીવાનું વેચાણ કરાશે. એના માટે અત્યારથી જ અંદાજે 150થી વધુ લોકોના દીવા માટે ઓર્ડર મળ્યા છે.

બે દિવસના એક્ઝિબિશનમાં જ 25 હજારના દીવાનું વેચાણ થયું છે.
બે દિવસના એક્ઝિબિશનમાં જ 25 હજારના દીવાનું વેચાણ થયું છે.

એક્ઝિબિશનને સારો પ્રતિસાદ મળ્યો
કાવ્યાએ તૈયાર કરેલા આ દીવા માટે તેની પાસે અત્યારસુધીમાં ઘણા બધા ઓર્ડર આવી ગયા છે. આ સાથે પરિવારે શનિ-રવિમાં ઘર પર જ એક્ઝિબિશન રાખ્યું હતું, જેમાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો. જેમ જેમ લોકોને કાવ્યાએ પેઇન્ટિંગ કરેલા દીવાની ખબર પડી તેમ તેમણે દીવા ખરીદવાની ઈચ્છા દર્શાવી. કાવ્યાના પેરન્ટ્સ કહે છે, અમે વિચાર્યું કે લોકો વારાફરતી એક-એક દીવો લેવા આવે એના કરતાં એક્ઝિબિશન રાખી દઈએ, એટલે જેને આવવું હોય તે બે દિવસ દરમિયાન આવે અને અમે અત્યારસુધીમાં બનાવ્યા એ બધા દીવા એકસાથે જોઈ શકે. જોકે એક્ઝિબિશનમાં સારો પ્રતિસાદ મળતાં હવે ફરી એક્ઝિબિશન પણ રાખીશું.

આ વર્ષે લોકોનો સારો રિસ્પોન્સ મળતાં આવતા વર્ષે પણ દીવાનું વેચાણ કરાશે.
આ વર્ષે લોકોનો સારો રિસ્પોન્સ મળતાં આવતા વર્ષે પણ દીવાનું વેચાણ કરાશે.

બાળકોને સપોર્ટ કરવો જોઈએ
સેરિબ્રલ પાલ્સી જેવી બીમારીથી પીડાતાં બાળકોનાં માતા-પિતાને સલાહ આપતાં કાવ્યાનાં મમ્મી પ્રજ્ઞાબેને કહ્યું હતું કે બાળકમાં કોઈપણ ખામી હોય તો એને નહીં જોવાની, પરંતુ ભગવાને તેનામાં ખામી આપે ત્યારે કંઈક તો ખૂબી મૂકે જ. એ ખૂબી શું છે એ તેનાં મા-બાપે ઓળખવી જોઈએ અને એ પ્રમાણે બાળકને પ્રોત્સાહિત કરવું જોઈએ. શક્ય હોય એટલો તેનો ઉત્સાહ વધારવો જોઈએ. તેની ખામી પ્રત્યે સતત ટોક્યા કરવું કે લડવું ન જોઈએ. દિવ્યાંગ બાળકોને તેમનામાં ભગવાને જે કંઈ અલગ મૂક્યું હોય એ ખૂબી ઓળખીને તેમને સપોર્ટ કરવો જોઈએ. તો ચોક્કસ આ બાળકો પણ ઘણુંબધું કરી શકે અને તેમની લાઈફ ખુશીથી જીવી શકે.

અન્ય સમાચારો પણ છે...