ઈન્દોરમાં પ્રવાસી સંમેલનમાં ભાગ લેવા આવેલી NRI પૂનમ ગુપ્તાની સક્સેસ સ્ટોરીથી નાણામંત્રી નિર્મલા સીતારમણ ઇમ્પ્રેસ થયાં. પૂનમની આ સ્ટોરી અનોખી, રોચક અને બીજાને રસ્તો બતાવનારી છે. પૂનમે રોકાણ ના કરવું પડે એવો બિઝનેસ પસંદ કર્યો. શરૂઆતમાં પૂનમે પતિને કહ્યું, મારી જ કંપની જોઈન કરી લો. 80 લાખના પેકેજની નોકરી કરનારા પતિએ જવાબ આપ્યો- તું મને અફોર્ડ નહીં કરી શકે. પૂનમ તેનો બિઝનેસ વધારતી ગઈ. કેટલાક મહિનાઓ પછી પતિને એનાથી ડબલ સેલરી એટલે લગભગ દોઢ કરોડના પેકેજમાં નોકરીએ રાખી લીધા.
વાંચો પૂનમની સક્સેસ સ્ટોરી, જેને સાંભળીને નાણામંત્રી પણ ઇમ્પ્રેસ થયાં હતાં...
દિલ્હીની પૂનમનાં લગ્ન 2002માં સ્કોટલેન્ડમાં જોબ કરી રહેલા પુનિત ગુપ્તા સાથે થયાં. પૂનમ પણ ત્યાં જ શિફ્ટ થઈ ગઈ. પતિ મેડિકલ ફિલ્ડમાં કામ કરતા હતા. પૂનમે દેશની જાણીતી શ્રીરામ કોલેજમાંથી ઇકોનોમિક્સ ઓનર્સની ડિગ્રી લઈને MBA કર્યું. પૂનમને થયું કે આ ડિગ્રીથી સ્કોટલેન્ડમાં નોકરી મળી જશે, પણ એવું થયું નહીં. થોડો સમય બધે ટ્રાય કર્યા પછી નોકરી ન મળી તો પૂનમે બિઝનેસ કરવાનું વિચાર્યું.
પૂનમે રિસર્ચ કરવાનું શરૂ કર્યું તો ખબર પડી કે યુરોપ અને અમેરિકી દેશોમાં કંપનીઓ રોજ હજારો ટન સ્ક્રેપ પેપર ફેંકી દે છે. એટલે થતું હતું એવું કે ત્યાંની કંપનીઓ માત્ર બેસ્ટ ક્વોલિટી હોય એવી પ્રોડક્ટ માર્કેટમાં મોકલતી હતી. સ્ક્રેપ કાગળને રિયુઝ કરીને હાયર ક્વોલિટીની પ્રોડક્ટ બનાવી ન શકાય, એટલે એને ફેંકી દેવાતા. આ રદ્દી કાગળોને ઠેકાણે પાડવા કંપનીઓ વર્ષે લાખો રૂપિયા ખર્ચી નાખતી.
યુનિક આઈડિયા અપનાવ્યો, રોકાણ વગર કંપની શરૂ કરી
10 મહિનાના સંશોધન બાદ પૂનમે સ્ક્રેપ પેપરનો રિયુઝ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. ભારતમાં આ કાગળને રિસાઇકલ કરીને ફરીથી કાગળ બનાવી શકાય છે. ભારતમાં મળે છે એના કરતાં આ ભંગાર સારી ક્વોલિટીનો હતો. ધીમે-ધીમે પૂનમે ઈટાલી, ફિનલેન્ડ, સ્વિડન અને યુએસની કેટલીક કંપનીઓ પાસેથી સ્ક્રેપ પેપર લેવાનો કરાર કર્યો. પૂનમે કંપનીઓને કહ્યું કે તમે જે કચરો ડમ્પ કરવા માટે પૈસા ખર્ચો છો તે મને આપો. બદલામાં હું તમને થોડા પૈસા પણ આપીશ. કંપનીઓએ આ ઓફરમાં રસ બતાવ્યો. સૌ પ્રથમ ઈટાલિયન કંપનીએ ભંગાર આપ્યો.
પૂનમે ઈટાલીની એક કંપની સાથે કરાર કર્યો હતો કે પહેલાં તેઓ સામાન લેશે અને પછી થોડા મહિના પછી ચુકવણી કરશે. કોઈપણ રીતે કંપની માટે એ માત્ર કચરો હતો, એના માટે પૈસા ન મળે તો પણ તેમને કોઈ વાંધો ન હતો. ઊલટું કંપની કચરો ડમ્પ કરવાના પૈસા બચાવી રહી હતી. પૂનમને ભારતમાં પહેલેથી જ સ્ક્રેપ ખરીદનાર મળી ગયો હતો. તે જૂની દિલ્હીમાં મોટી થઈ છે, જ્યાં કાગળનો ધંધો ઘણો છે. પૂનમના પિતા પણ જૂની દિલ્હીના જાણીતા બિઝનેસમેન હતા, તેથી પૂનમને ગુડવિલને કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.
પહેલી ડીલ 40 લાખની, પછી ઓર્ડર મળતા ગયા
કરાર મુજબ, પૂનમની પહેલી ડીલ બે કન્ટેનર માટે 40 લાખ રૂપિયાની હતી. આ સોદો નફાકારક સાબિત થયો. અત્યાર સુધી પૂનમ પોતાના નામે બિઝનેસ કરતી હતી. વધુ બે-ચાર સોદા મળતાં આત્મવિશ્વાસ વધ્યો. પૂનમ કહે છે કે આ બધું કોઈ લોન વગર થઈ રહ્યું હતું. વચ્ચે જ્યારે મને એક મોટી ડીલ મળી ત્યારે મેં બજારમાં કેટલાક લોકોને પૈસાનું રોકાણ કરવા કહ્યું. મારી વિશ્વસનીયતા જોઈને તેઓ પૈસાનું રોકાણ કરવા સંમત થયા. આ રીતે હું પણ મોટી ડીલ ક્રેક કરવામાં સફળ રહી.
વિશ્વાસપાત્ર સાથી જોઈતો હતો એટલે પતિને જોબ આપી
2004માં પૂનમે સ્કોટલેન્ડમાં પીજી પેપર નામથી કંપની રજિસ્ટર્ડ કરાવી. નફો અને વેપાર વધી રહ્યો હતો. હવે પૂનમની કંપની યુરોપ અને અમેરિકાની ઘણી કંપનીઓ પાસેથી સ્ક્રેપ પેપર ખરીદતી હતી. તેને વિશ્વાસપાત્ર સાથીની જરૂર હતી. પૂનમે તેના પતિ પુનિતને પોતાની કંપનીમાં જોડાવાની ઓફર કરી હતી. પુનિત સ્કોટલેન્ડની એક મોટી મેડિકલ કંપનીમાં કામ કરતો હતો. ત્યારે તેનું વાર્ષિક પેકેજ 80 લાખ રૂપિયા હતું.
પત્નીની ઓફર સાંભળીને પુનિતે કહ્યું- શ્રીમતીજી, તું મને એફોર્ડ નહીં કરી શકે. પછી પૂનમે કહ્યું- તમે છ મહિના માટે પાર્ટટાઈમ જોઇન કરો, વ્યાપાર સમજી શકો તો આગળ વધજો, નહીંતર કોઈ વાંઘો નહીં. છ મહિના કામ કર્યા બાદ પુનિત તેની પત્નીની કંપનીમાં જોડાવા માટે રાજી થયો. પૂનમે તેને 1.50 કરોડનું પેકેજ આપ્યું હતું. પૂનમ કહે છે કે અમારી ગુડવિલ વધી રહી હતી અને બેંકો આગળ આવીને લોન આપવા તૈયાર થઈ રહી હતી. હકીકતમાં યુરોપમાં બેંકો કોઈપણ કંપનીને પાંચ વર્ષ પછી જ લોન આપે છે, જેને કારણે મારે માર્કેટના લોકો પાસેથી પૈસા લેવા પડ્યા હતા.
અમારી જોડી જોરદાર કામ કરતી હતી
પૂનમ કહે છે- હવે અમારી જોડી જોરદાર કામ કરતી હતી. ઓફિસમાં ઘણા કર્મચારીઓ હતા, જેઓ જુદા જુદા વિભાગો સંભાળતા હતા. સારો રિસ્પોન્સ મળ્યો તો કંપનીઓએ અમારો રેફરન્સ આપવાનું શરૂ કર્યું અને આ રીતે અમારી કંપનીનું ટર્નઓવર કરોડોમાં થઈ ગયું. અમે કન્સ્ટ્રક્શન, આઈટી, હોસ્પિટાલિટીના બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો. અમને અહીં પણ સફળતા મળી છે. આજે અમારી કંપનીની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. આજે મારી 9 કંપની છે. 60થી વધુ દેશોમાં બિઝનેસ છે અને મારી કંપનીઓની ઓફિસ 7 દેશમાં છે.
ભારતને જ સ્ક્રેપ માટે કેમ પસંદ કર્યું...
પૂનમ કહે છે, 'હું ભારતમાં મોટી થઈ છું. આપણા દેશમાં લોકો કોઈપણ વસ્તુ સરળતાથી છોડતા નથી. વર્ષો સુધી એનો ઉપયોગ કરે છે. કબાડ સાથે જુગાડ શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે. સોફા લો, એને રિપેર કરાવો, એનું કવર બદલો અને વર્ષો સુધી એનો ઉપયોગ કરો. આપણે ત્યાં કોઈપણ વસ્તુ રિજેક્ટ થતી નથી. પરંતુ તેનું કામ પતી ગયા પછી એનો ઉપયોગ બીજા કામમાં કેવી રીતે થઈ શકે એ વિચારવામાં આવે છે. ભારતની આ વિચારસરણીએ મને અહીં બિઝનેસ કરવા મજબૂર કરી.
કાગળની જેમ જ કપડાંને પણ રિસાઇકલ કરીશું
પૂનમ કહે છે - સમગ્ર વિશ્વમાં કાર્બન ક્રેડિટ અને ટકાઉપણાની વાત થઈ રહી છે. ખાસ કરીને ટેક્સટાઇલમાં ટકાઉપણાની ચર્ચા પુરજોશમાં છે. કોન્સેપ્ટ એ છે કે જે કપડાં આપણે વાપરતાં નથી એનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકાય. અમે આના પર ખૂબ જ ઊંડાણપૂર્વક કામ કરી રહ્યા છીએ. રિસર્ચ થઈ રહ્યું છે, જેમ પેપરની સસ્ટેનેબિલિટી એક ઈન્ડસ્ટ્રી બની ગઈ છે, એ જ રીતે વપરાયેલાં કપડાંનો પણ ફરીથી ઉપયોગ કરી શકાય છે. લોકો તેમનાં જૂનાં કપડાં માટે પણ પૈસા મેળવી શકશે. અમે કાગળના સ્ક્રેપ્સનો બિઝનેસ કર્યો એવી જ રીતે આ કરવાનું વિચાર્યું છે. અમે પુસ્તકો છાપવા માટે રિજેક્ટેડ વૉલપેપરનો ઉપયોગ કર્યો. અમે પોસ્ટર માટે મેગેઝિન પેપરનો ઉપયોગ કર્યો.
પરિવારની પહેલી મહિલા જે બિઝનેસમાં આવી
હું જ્ઞાતિએ વાણિયા છું. મારા પરિવારમાં હું એવી પહેલી મહિલા છું, જે બિઝનેસમાં આવી છું. મેં જોયું છે કે મારી માતા આખો દિવસ ઘરકામ કરતી હતી. જો તમારે સમાજમાં માન મેળવવું હોય તો કાંઈક કરીને બતાવવું પડે. પછી તમે પ્રોફેસર બનો, ટીચર બનો કે ડોક્ટર બનો. પરિવારના સભ્યો પહેલાં કહેતા હતા કે બિઝનેસ વુમનને બહુ માન આપવામાં આવતું નથી. આજે મેં નાણાપ્રધાન સીતારમણ અને અન્ય મહિલા સાહસિકોને પણ કહ્યું કે જો આપણે આપણું કામ સારી રીતે કરીશું તો વધુ સન્માન મળશે. મારા મનમાં આ વિચાર આવ્યો કે મારે માત્ર રસોડામાં રોટલી બનાવવાની નથી, મારે પણ કંઈક કરવું છે. મેં મારા પિતાને કામ કરતા જોયા છે, મારા પિતા પણ દિલ્હીના પ્રખ્યાત કલાઈના બિઝનેસમેન હતા.
પિતાએ કહ્યું- પૂનમને ડોક્ટર બનાવવા માગતો હતો
પૂનમના પિતા ગૌરીશંકર ગુપ્તા કહે છે, 'હું ઈચ્છતો હતો કે દીકરી ડોક્ટર બને, પરંતુ તે શરૂઆતથી જ બિઝનેસની વાત કરતી હતી. પછી લગ્ન કર્યાં અને નોકરી શોધવા લાગી. તેનું મન બિઝનેસમાં ખૂબ દોડતું. સ્કૂલ-કોલેજમાં ટોપ કરતી. તેણે પોતાની જાતને મદદ કરી.
રિપોર્ટરે કહ્યું- 1000 કરોડની નેટવર્થ ધરાવતી દીકરીને આ રીતે જોઈને કેવું લાગે છે... તો પિતાએ ઉત્સાહથી કહ્યું- હવે તેને 1 લાખ કરોડનું ટર્નઓવર ધરાવતી દીકરી પણ જોવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.