ટાઢકની કમાણી:લોકોએ ઉનાળામાં પેટ ભરીને આઇસક્રીમ ખાધો એમાં વાડીલાલ અને શીતલ કુલના શેર ખરીદનાર રોકાણકારો કમાઈ ગયા

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • આ બંને કંપનીમાં 6 મહિનામાં 25-116% વળતર મળ્યું
  • આ ઉનાળામાં રૂ. 1500-2000 કરોડનો આઇસક્રીમ વેચાયો

બે વર્ષ બાદ આ ઉનાળા દરમિયાન કોરોના લોકડાઉન કે પછી કોઈ નિયંત્રણો ન હોવાથી લોકોએ મન ભરીને આઇસક્રીમ ખાધો છે. ગરમી પણ બહુ પડી હોવાથી આઇસક્રીમનું વેચાણ પણ વધારે થયું છે. વેચાણ વધતાં આઇસક્રીમ બનાવતી કંપનીઓને તો ફાયદો થયો છે, સાથે સાથે ગુજરાતની 2 મોટી લિસ્ટેડ કંપનીઓ વાડીલાલ અને શીતલ કૂલ પ્રોડક્ટ્સમાં રોકાણ કરનારા લોકોને પણ તગડું વળતર મળ્યું છે. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)ના આંકડા મુજબ જાન્યુઆરી-જૂન 2022 દરમિયાન વાડીલાલ આઇસક્રીમના રોકાણકારોને 116% અને શીતલ આઇસક્રીમમાં ઈન્વેસ્ટર્સને 25% જેવો ફાયદો થયો છે.

ઇન્ડિયન આઇસક્રીમ મેન્યુફેક્ચરર એસોસિયેશનના પ્રમુખ અને અમરેલીની પ્રખ્યાત બ્રાન્ડ શીતલ આઇસક્રીમના મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઇ ભૂવાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ ઉનાળા દરમિયાન રૂ. 1500-2000 કરોડનો આઇસક્રીમ વેચાયો હોવાનો અંદાજ છે. આ સમરમાં અમારું વેચાણ પણ રૂ. 160-170 કરોડ આસપાસ રહેવાની ધારણા છે.

વાડીલાલમાં રોકાણકારો 116% કમાય
BSEના આંકડા મુજબ, જાન્યુઆરીમાં વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના શેરનો એવરેજ ભાવ રૂ. 871.30 હતો, જે આજે 22 જૂનના રોજ રૂ. 1,883.95 પ્રતિ શેર બંધ આવ્યો છે. આ હિસાબે રોકાણકારોને 6 મહિનામાં જ 116%નો ફાયદો થયો છે. કોઈ રોકાણકરે જાન્યુઆરીમાં વાડીલાલના 100 શેર લીધા હોય તો તેની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ એ સમયે રૂ. 87,130 જેટલી થતી હતી. આ રોકાણની આજની તારીખમાં વેલ્યુએશન 1.88 લાખ જેટલી થઈ ગઈ છે. આ ઉપરાંત કંપનીએ મે મહિનામાં શેરદીઠ 12.50% ડિવિડન્ડ પણ આપ્યું છે.

શીતલ કૂલમાં ઈન્વેસ્ટર્સને 25% વળતર મળ્યું
ગુજરાતની અન્ય એક આઇસક્રીમ કંપનીમાં શીતલ કૂલ પ્રોડક્ટ્સમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સને 6 મહિનામાં 25% જેટલું વળતર મળ્યું છે. BSEના આંકડા પ્રમાણે શીતલ આઇસક્રીમનો શેર જાન્યુઆરીમાં એવરેજ રૂ. 337 ચાલતો હતો. 22 જૂનના રોજ આ કંપનીનો શેર ટ્રેડિંગ દરમિયાન વધીને રૂ. 420ના લેવલે ટ્રેડ થયો હતો. જો કોઈએ આ કંપનીના 100 શેર લીધા હોય તો તેની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ એ સમયે રૂ. 33,700 જેટલી થતી હતી. આ રોકાણની આજની તારીખમાં વેલ્યુએશન 42,000 જેટલી થઈ જાય છે.

બે વર્ષ બાદ આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં રોનક આવી
કોરોનાએ વીતેલાં બે વર્ષમાં આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીની કમર ભાંગી નાખી હતી, પરંતુ 2022ના વર્ષમાં આ ઉદ્યોગમાં ફરી રોનક જોવા મળી છે. કોવિડ લોકડાઉન અને ત્યાર બાદ સમયાંતરે લાગેલાં નિયંત્રણોને કારણે આઇસક્રીમનો વેપાર 2020 અને 2021 દરમિયાન અડધાથી પણ ઓછો થઈ ગયો હતો. તેની સામે આ વર્ષે આઇસક્રીમ ઉત્પાદકોનો ધંધો ઘણો જ સારો થયો છે. ઉનાળાની સીઝનલ ડિમાન્ડ ઉપરાંત લગ્ન તેમજ પાર્ટી અને મેરેજ ફંક્શન પણ નોર્મલ માહોલમાં થયા હોવાથી આઇસક્રીમની ડિમાન્ડ લગભગ બમણી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...