એરફોર્સ ડે:દુશ્મનો પણ ના ભૂલે એવા IAFના પાંચ દિલધડક ઓપરેશન, પરાક્રમ એવા કે દેશવાસીઓની છાતી ગજગજ ફુલે

8 દિવસ પહેલા

ઈન્ડિયન એરફોર્સ. વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી એરફોર્સનો 8મી ઓક્ટોબરે 89મો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે એરફોર્સના એ પાંચ ઓપરેશનની એક ઝલક માણીએ જેની વાતથી દેશવાસીઓની છાતી આજેય ગઝગઝ ફૂલે છે.

2019 બાલાકોટ એર સ્ટ્રાઈક
આ દિવસ હતો 26 ફેબ્રુઆરી 2019. પુલવામા હુમલાનો બદલો લેવા એરફોર્સના 12 મિરાજ-ટૂ થાઉઝન ફાઈટર જેટે રાત્રે 3 વાગ્યે ઉડાન ભરી. આ ફાઈટર જેટ LOC પાર કરી પાકિસ્તાનમાં ઘુસ્યા અને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું. એરફોર્સે અંદાજે એક હજાર કિલોના બોંબ ફેંક્યા 300 આતંકીઓનો ખાતમો બોલાવી દીધો. આ ઓપરેશનની પાકિસ્તાનને ગંધ સુદ્ધા આવી ન હતી.

1999 ઓપરેશન સફેદ સાગર
કારગીલ યુદ્ધની શરૂઆતમાં તો પાકિસ્તાને મચક ના આપી. દુશ્મનો ઊંચાઈ પર હોવાથી એકલી બોફોર્સ તોપથી કામ થઈ શકે તેમ ન હતું. પણ જેવી એરફોર્સે બાજી સંભાળી કે, દુશ્મનો હચમચી ગયા. એરફોર્સેના ફાઈટર જેટે 32 હજાર ફૂટની ઊંચાઈએથી પોતાની શક્તિનો પરચો બતાવ્યો. સાથેસાથે મિગ-21, મિગ-23 અને મિગ- 27 વિમાનોએ એટલો સટિક બોંબમારો કર્યો કે, બર્ફિલા પહાડોમાં છૂપાયેલા દુશ્મન દેશના સૈનિકો અને ઘુસણખોરોએ રીતસર ભાગવું પડ્યું હતું.

1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ
પાકિસ્તાન સૈન્યએ બોંબમારો કરતાં ભૂજ એરબેઝનો રનવે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ફાઈટર પ્લેન માટે હવે ઉડાન ભરવી મુશ્કેલ હતું. આ સમયે એરફોર્સે BSFની મદદ માગી. જો કે BSFના જવાનો પહોંચે એ પહેલાં જ માધાપરની 300 વીરાંગનાઓ પહોંચી ગઈ. અને રાતોરાત જવાનો સાથે મળીને રાતોરાત રનવે રિપેર કરી દીધો. ત્યારબાદ ઈન્ડિયન એરફોર્સના વિમાનો ઉડ્યા અને દુશ્મનોને ધોળા દિવસે તારા દેખાડી દીધા.

1965 ભારત-પાકિસ્તાન યુદ્ધ
પાકિસ્તાને ઓપરેશન જિબ્રાલ્ટર લોન્ચ કરી ભારત પર હુમલો કરી દીધો હતો. આ તરફ આદેશ મળતાં જ ઈન્ડિયન એરફોર્સના 26 ફાઈટર એરક્રાફ્ટ મિશન પર નીકળી ગયા. પઠાણકોટથી ઉડાન ભર્યા બાદ જોતજોતામાં દુશ્મનો પર તૂટી પડ્યા. અને 10 ટેન્ક, 2 એન્ટી એરક્રાફ્ટ સહિત 40 ગાડીઓને તબાહ કરી દીધી. આ યુદ્ધમાં ભારતના 4 હંટર વિમાનોએ LOC પાર કરી અને ગોળા-બારુદ ભરીને જઈ રહેલી દુશ્મન દેશની આખેઆખી માલગાડી ફૂંકી મારી હતી.

1961 ઓપરેશન વિજય
દેશ આઝાદ થઈ ગયો હતો, પણ દીવ, દમણ અને ગોવામાં હજુ પોર્ટુગીઝોનું શાસન હતું. આ ત્રણેય પ્રદેશની આઝાદી માટે ભારત સરકાર પોર્ટુગલને મનાવતી રહી. વાતચીત માટેના અનેક પ્રયાસ થયા પણ પોર્ટુગીઝો માન્યા નહીં. આખરે સરકારે નાછૂટકે યુદ્ધનો નિર્ણય કરવો પડ્યો. એ દિવસ હતો 18 ડિસેમ્બર....... ઈન્ડિયન એરફોર્સે ઓપરેશન વિજય શરૂ કર્યું અને પોર્ટુગીઝો પર કહેવાર વરસાવ્યો. અને 36 કલાકમાં પોર્ટુગીઝ સેનાએ સરેન્ડર કરી દીધું.

અન્ય સમાચારો પણ છે...