સન્ડે જઝબાતઆતંકવાદી અપહરણ કરીને મારી સાથે લગ્ન કરવા માંગતો હતો:હું મારા ખિસ્સામાં સાઈનાઈડ રાખતી હતી, એટલે હું કોઈ આતંકવાદીના હાથમાં જીવતી ન પકડાઈ જાઉં

20 દિવસ પહેલા

હું અમૃત બરાડ નિવૃત IPS અધિકારી છું. લાંબા સમય સુધી મારી પોસ્ટિંગ CRPFમાં રહી. નેવુંના દાયકાની વાત છે. તે દિવસોમાં કાશ્મીર ઉકળી રહ્યું હતું. ટ્રેનિંગ પછી મારી પહેલી પોસ્ટિંગ કાશ્મીરમાં થઈ. હું દેશની પ્રથમ મહિલા અધિકારી હતી, જેને કંપેશનેટ આધાર પર નોકરી મળી હતી. ચારેબાજુ દરોડા, આતંકવાદીઓ, ગ્રેનેડ અને ગોળીઓથી રોજ જીવન દાવ પર હતું.મારા માથે ગ્રેનેડનો પ્રકાશ એવી રીતે થતો હતો જાણે દિવાળીની આતશબાજી થતી હોય

જે આતંકવાદીઓએ મારું ઘર ઉજાડ્યું, મારા ભાઈની હત્યા કરી, તેમનાથી દિવસ-રાતનો વાસ્તો હતો, પણ ક્યારેય તેમનાથી મને નફરત ન થઈ.મને હંમેશા લાગતું કે તે લોકો ગેરમાર્ગે દોરાયેલા છે. જેને લઈ મને ઘણી વાર ટાર્ગેટ પણ કરવામાં આવી. ઘણી વાર સિનિયરો સાથે તકરાર પણ થઈ, પગાર પણ કપાયો, પણ ક્યારેય મેં મારા ચાર્જમાં સમાધાન નથી કર્યું. ન ક્યારેય ડરી ન ક્યારેય ઝૂકી. હવે હું મારી કહાની કહું છું.. હું પંજાબના એક જમીનદાર પરિવારની છું. દાદાના પિતા ત્રણ ભાઈઓ હતા અને ત્રણેય જેલર હતા. તે દિવસોમાં અંગ્રેજો નાના રજવાડાના માલિકને જેલરનું બિરુદ આપતા હતા. મારા પૂર્વજોની વફાદારી અંગ્રેજો સાથે રહી, પરંતુ દાદાએ આ પ્રથાને બદલી નાખી. તે કોંગ્રેસની સાથે રહ્યાં. ગાંધી પરિવાર સાથે અમારા સારા સબંધ રહ્યાં.

મારો એક ભાઈ હતો, અરવિંદર બરાડ, જે મારા આદર્શ હતા. અમને બંનેને પિતાએ મસૂરી અને દિલ્હીની કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવ્યાં હતાં. તેઓ ઈચ્છતા હતા કે જમીનદારી વ્યવસ્થાની ખરાબીઓ અમારામાં ન આવે. મારા અભ્યાસ પછી પિતાએ મને એકલી દુનિયા ફરવા મોકલી.

આ માતાપિતાની તસવીર છે. પપ્પા ઈચ્છતા હતા કે અમે બંને ભાઈ-બહેન ભણીને કંઈક સારું કરીએ. તેઓ ઇચ્છતા ન હતા કે જમીનદારો સાથેનો કોઈ અહંકાર અમારી અંદર આવે.
આ માતાપિતાની તસવીર છે. પપ્પા ઈચ્છતા હતા કે અમે બંને ભાઈ-બહેન ભણીને કંઈક સારું કરીએ. તેઓ ઇચ્છતા ન હતા કે જમીનદારો સાથેનો કોઈ અહંકાર અમારી અંદર આવે.

એક વખત હું એકલી લંડનથી ભારત આવી રહી હતી. બારી વાળી સીટ હતી. મને લાગ્યું કે વિમાને યુ-ટર્ન લીધો છે. ક્રૂમાં એક પંજાબી છોકરો એર હોસ્ટેસ હતો. મેં પૂછ્યું વિમાને યુ-ટર્ન કેમ લીધો છે. તેણે કહ્યું તેવું કઈ નથી. પછી મેં બારીમાંથી જોયું તો વિમાન પેટ્રોલ રિલીઝ કરી રહ્યું હતું.

જ્યારે મેં વારંવાર પૂછ્યું તો તેણે કહ્યું કે, અમને વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યાં છે. આ સાંભળીને મને ગર્વ થવા લાગ્યો કે, હું એવા વિમાનમાં છું જેમાં બોમ્બ છે.

વિમાને ઈથ્રોમાં લેન્ડ કર્યું. આખરે હું વિમાનમાંથી ક્રૂ સાથે ઉતરી કારણ કે મને પણ બોમ્બ જોવો હતો. તે દિવસે મને લાગ્યું કે હું બીજા લોકો કરતા અલગ છું.

અરવિંદર હવે IPS બની ગયો હતો. તેની પોસ્ટિંગ પાલીતાણામાં હતી. મને દરેક વસ્તુમાં ભાઈની નકલ કરવાની આદત હતી. મેં તેને કહ્યું કે હું પણ UPSCની પરીક્ષા આપીશ. આ વિશે ભાઈએ કહ્યું કે આ નોકરી તારી માટે નથી, સિસ્ટમ તને તોડી નાખશે.

એક દિવસ હું મારી મમ્મીને દિલ્હીમાં એક હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યારે અમારા મેનેજરે કહ્યું જલ્દી કરો બધાને ગામડે જવાનું છે. તેમની વાત સાંભળી મને લાગ્યું કે કોઈ અનહોની થઈ હશે. કદાચ દાદી-દાદા અમારી વચ્ચે ન પણ રહ્યાં હોય.

હું અને મારા ફોઈ પંજાબના મલોટ જવા નીકળ્યા. રસ્તામાં ફઈ જોર જોરથી રડી રહ્યાં હતાં. મેં પૂછ્યું કેમ રડો છો, શું બાપુજી મરી ગયા? તેમણે કંઈ કહ્યું નહીં

મેં પૂછ્યું દાદીજી મરી ગયા છે? તેમણે કંઈ કહ્યું નહીં. મેં પૂછ્યું શું થયું છે? ફોઈએ કહ્યું કે આપણા ગાંધી હવે નથી રહ્યાં, આતંકવાદીઓએ તેમની હત્યા કરી નાખી. અમે અરવિંદરને ઘરે ગાંધી બોલાવતા. આ સાંભળીને હું સુન્ન પડી ગઈ. રડી નહીં, બુમો પણ ન પાડી. મેં ફોઈને કહ્યું કે આંસુ સાફ કરો અને કારમાં રડશો નહીં.

જ્યારે અમે ગામડે પહોંચ્યો ત્યારે પાપાએ મને અને માતા બંનેને ગળે લગાડ્યાં અને કહ્યું કે આપણું ઘર બરબાદ થઈ ગયું છે. આપણા ગાંધી જતા રહ્યાં. માતા બેહોશ થઈ ગઈ. ચારેબાજુ હોબાળો મચી ગયો. એટલામાં ભાઈનો મૃતદેહ લઈ ટ્રક અમારા દરવાજે પહોંચ્યો. ભાભી ટ્રકમાંથી નીચે ઉતર્યાં. અમે ભાભીને પહેલી વાર ભાઈના મૃતદેહ સાથે જોયા. કારણ કે લગ્ન પછી તે ઘરે આવ્યો ન હતો.

પિતાએ ભાભીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે તમે એકલા નથી. જે વૃદ્ધની સામે 32 વર્ષના યુવાન પુત્રની ગોળીઓથી ભરેલી લાશ પડી હતી અને તેને જોવાની પહેલા તેમણે પુત્રવધૂના માથા પર હાથ મૂક્યો હતો, જે લગ્ન પછી એક પણ દિવસ તેના સાસરે પણ આવી ન હતી. આ વાતને કારણે પિતા માટે મારી અંદર એક અલગ ભાવના આવી.

મારી નજર સામે બધું તરવા લાગ્યું, કેવી રીતે ભાઈએ મને ઝાડ પર ચડતા શીખવ્યું, બંદૂક ચલાવવાનું શીખવ્યું. હું તેના શ્વાસમાં શ્વાસ લેતી હતી અને આજે તે લાશના રૂપમાં પડેલો હતો.

સિદ્ધુ મુસેવાલાના માતા-પિતાને જોઈને જ મને મારો સમય યાદ આવી ગયો. ઘણા મહિનાઓ સુધી અમારું ઘર લોકોની ભીડથી ભરેલું હતું. જો કે, મારા પરિવારે આ ઘટનાને દયાપૂર્વક અને ગૌરવપૂર્ણ રીતે લીધી.

હવે અમે ત્રણ જણ બાકી હતા. હું અને મારા માતા-પિતા. અમે ત્રણેએ એકબીજાને અમારી દુનિયા બનાવી લીધી. અંદરથી અમે રડતા હતા, પણ એકબીજાની સામે નહીં. પહેલા પપ્પાને ખાવાનો અને ફરવાનો બહુ શોખ હતો. તેઓને માત્ર એટલું જ જાણવાની જરૂર છે કે ક્યાં કઈ વસ્તુ સારી મળે છે, તેઓ વિચાર્યા વગર જ ગાડી કાઢી લેતા હતા. તે અમને તેમની સાથે લઈ જતા.

તેઓ એકબીજા પર રમૂજ કરી ખૂબ હસતા હતાં. સેન્સ ઓફ હ્યુમર તો પપ્પાથી શીખતા, પણ હવે બધા ચૂપ હતા. વાત પણ નહોતા કરતા. ભાભી હતી જે અમારા ઘરે નહોતી આવતી. માતા-પિતા પણ તેમના બાળકોને મળવા દેતા ન હતા. ઘણી વિનંતી કરવા પર, તેમણે મળવાની મંજૂરી મળતી, જાણે તે અહેસાન કરી રહી હોય. એ દ્રશ્ય જોઈને મને ખરાબ લાગતું હતું.

સંજય ગાંધી અને રાજીવ ગાંધી પપ્પાને ખૂબ માન આપતા. એકવાર રાજીવ ગાંધીએ પપ્પાને કહ્યું કે, જ્યારે તમે નહીં રહો ત્યારે અમૃતનું શું થશે? મને લાગે છે કે પોલીસમાં જવું જોઈએ.જે નોકરીથી હું બચતી હતી, રાજીવ ગાંધી તે નોકરી વિશે કહી રહ્યાં હતાં. હું માનસિક રીતે તૈયાર નહતી, પરંતુ પીએમ ઓફિસના કેટલાક અધિકારીઓએ મારું કાઉન્સેલિંગ કર્યું.

આ પછી 4 જુલાઈ, 1989ના રોજ મને કંપેશનેટ ધોરણે CRPFમાં નોકરી મળી. માઉન્ટ આબુમાં ટ્રેનિંગ શરૂ થઈ. તાલીમ ખૂબ જ અઘરી હતી. સુરક્ષા અને VIP ક્વોટાના કારણે મને બહાર મોકલવામાં આવી ન હતી. કેમ્પસની અંદર જ દોડતી હતી.

મહારાષ્ટ્રના તત્કાલિન DGP એસ.એસ.વિરક એકવાર એકેડમીમાં આવ્યા ત્યારે મેં તેમને ફરિયાદ કરી કે મને કેમ્પસ ગ્રાઉન્ડમાં દોડાવવામાં આવે છે. વિરાક સાહેબે અમારા ડિરેક્ટર સાથે વાત કરી. પછી મારી તાલીમ પહાડો, નદીઓ, જંગલો દરેક જગ્યાએ થઈ, જ્યાં બીજા છોકરાઓ તાલીમ લેતા.

ટ્રેનિંગ પછી પહેલી પોસ્ટિંગ કાશ્મીરમાં મળી. જ્યારે હું શ્રીનગર એરપોર્ટથી ગેસ્ટ હાઉસ જઈ રહી હતી ત્યારે મેં ડ્રાઈવરને પૂછ્યું કે શું દિવાળીના ફટાકડા હજુ ચાલુ છે? તેના પર ડ્રાઈવરે કહ્યું કે મેડમ આ તો ગોળીઓનો અવાજ છે.

હું મારી પીઠ બતાવવાનું પણ શીખી ન હતી. 90ના દાયકામાં મને પહેલા દિવસે ઓપરેશનમાં જવા માટે બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવ્યું હતું. 22 કિલોનું જેકેટ પહેરીને હું હલનચલન પણ કરી શકતી ન હતી. ઘણીવાર મેં બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું ન હતું. હું નાનપણથી જ અંધારાથી ખૂબ જ ડરતી હતી, પરંતુ કાશ્મીરમાં રાત્રે ઘણા ઓપરેશન કર્યા. રાતના અંધારામાં સુમસાન રસ્તાઓમાં મેં એકલી જિપ્સી દોડાઈ હતી.

આ તસવીર 1990-91ની છે. જ્યારે હું તાલીમ બાદ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે CFPFમાં પોસ્ટેડ હતી.
આ તસવીર 1990-91ની છે. જ્યારે હું તાલીમ બાદ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે CFPFમાં પોસ્ટેડ હતી.

એકવાર IGએ મને ઈન્સ્પેક્ટરની સાથે STFમાં મોકલી. આના પર મારા કમાન્ડિંગ ઓફિસરે મને ખૂબ ઠપકો આપ્યો. જ્યારે મેં મારા IGને ફરિયાદ કરી તો તેમણે મને અલગ STFનું નેતૃત્વ કરવાની જવાબદારી આપી. હવે હું આકાશમાં ઉડવા લાગી. તે મારા માટે એક મોટો પુરસ્કાર હતો. હું મારા અધિકારીઓ કે સિનિયરોથી ડરતી ન હતી. સીધી વાત કરતી હતી. ગાડી પણ જાતે ચલાવતી હતી.

લોકો કહેતા હતા કે, હવે તમે તમારા ભાઈની હત્યાનો બદલો આતંકવાદીઓ સાથે લઈ શકો છો, પરંતુ જ્યારે પણ હું કોઈ આતંકવાદીને લઈને આવતી ત્યારે મને તેના પર દયા આવતી. મેં ક્યારેય નફરત કરી નથી. હા, તેમના કામથી નફરત હતી. મેં વિચાર્યું કે આ છોકરાઓ તેમનો માર્ગ ભટકી ચૂક્યા છે. આના પર બીજા પુરૂષ અધિકારીઓ મારી પર હસતા હતા.

મેં એક દિવસ કહ્યું કે આજે હું અનંતનાગના સંગમ બ્રિજ પર જઈશ. એક એવી જગ્યા જ્યાં હંમેશા ગોળીબાર થતો હતો. મારા અધિકારીએ કહ્યું કે, રેકી કરવા માટે આપણે બડગાંવ જવું પડશે. જ્યારે હું સંગમ બ્રિજ પર ગઈ ત્યારે તે અધિકારી મારી મજાક ઉડાવતા હતા. મારા કેડેટ્સ પણ મારી મજાક કરવા લાગ્યા. હું મારી ટીમ સાથે બીજા અધિકારીઓને લઈ બડગાંવ ગઈ.

અચાનક ચારેબાજુથી ગોળીઓ વરસવા લાગી. ગ્રેનેડ ફેંકવામાં આવ્યાં હતાં. બીજા અધિકારીએ કહ્યું કે, તમે પણ ગોળી ચલાવો. મેં કહ્યું કોના પર ચલાવું..? તેમણે કહ્યું કે, આ રીતે રેન્ડમ ફાયરિંગ કરતા રહો. મેં ગોળીબાર શરૂ કર્યો.

અચાનક બધું થંભી ગયું. આ પછી અમે અમારા સૈનિકોને નાગરિકોની સાથે લોકલ બસમાં બેસાડ્યા. પછી કેટલાક નાગરિકોને અમારી કારમાં બેસાડીને કેમ્પમાં પાછા આવ્યા. આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર નહતા કરતાં, આથી અમે આવું કર્યું.

હવે મને લાગવા માંડ્યું કે હું પણ એલિટ કેમ્પમાં પ્રવેશી ગઈ છું. મેં એક મોટી મુઠભેડમાં આતંકવાદીઓનો સામનો કર્યો. એ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. દરરોજ કોઈને કોઈ આતંકવાદીને ઉપાડીને લાવતી હતી. આતંકવાદીઓમાં મારા નામનો ડર હતો. દરરોજ અખબારોમાં મારા વિશે સમાચાર આવતા હતા.

મને યાદ છે કે કંદહાર પ્લેન હાઇજેક કરનાર આતંકવાદીએ જાહેરાત કરી હતી કે અમૃત બરાડને કિડનેપ કરીને લાવો, હું તેની સાથે લગ્ન કરીશ.

આ મહિલા અધિકારીને ફિલ્ડમાંથી બહાર કાઢવા માટે મારા IG પર દબાણ આવવા લાગ્યું. IB પાસે એવા અહેવાલ હતા કે મારી હત્યા કરાશે અથવા અપહરણ કરવામાં આવશે. મારા IGએ કહ્યું કે હું ચોક્કસ કહી શકું છું કે બરાડનું અપહરણ નહીં થાય, હા તે મરી શકે છે. જો તે આતંકવાદીઓનો સામનો કરતા મરી જાય તો પણ મને તેના પર ગર્વ થશે.

હું હંમેશા પોતાના ખિસ્સામાં સાઈનાઈડ રાખતી હતી કે જો ક્યારેય અપહરણ થશે તો તે ખાઈ લઈશ, પણ કોઈ આતંકવાદીના હાથમાં નહીં આવું.

એકવાર અમે દરોડા પાડી રહ્યાં હતાં. અમારી સાથે સાંકળોથી બંધાયેલો આતંકવાદી વિકી હતો. મેં સૈનિકોને કહ્યું કે તેને ખોલો, તેને સાંકળો કેમ બાંધવામાં આવી છે. જવાને કહ્યું કે તે ખતરનાક આતંકવાદી છે. તેણે 16 અધિકારીઓને મારી નાખ્યા છે. અનેક બળાત્કાર કર્યા છે. જો તમે તેને ખોલશો તો તે ભાગી જશે.

મેં કહ્યું જો તે ભાગશે તો તેને મારી નાખીશું, પણ તેને ખોલો. વિકીનો ભાઈ મન્સૂર દર્જી એક જાણીતો આતંકવાદી હતો. જેની ઓળખ માટે અમે તેને લઈ જઈ રહ્યાં હતાં. અમને મન્સૂર ન મળ્યો. આ પછી વિક્કીને લોકઅપમાં મુકવામાં આવ્યો હતો. મને તે 16 વર્ષનો છોકરો ખૂબ જ ભોળો લાગતો હતો.

મેં તેને પૂછ્યું કે તે આવું કેમ કર્યું? તેણે કહ્યું- લોકો મારા ભાઈ મન્સૂર દર્જીને શોધવા આવતા હતા. મને ખૂબ જ ખરાબ રીતે મારતા હતા. તે પછી મેં આતંકવાદી બનવાનું નક્કી કર્યું.

વિકીની વાર્તા સાંભળ્યા પછી મને લાગ્યું કે અમે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. મારા પોતાના લોકો જે રીતે કામ કરે છે તે મને પસંદ નહોતું.

ક્યારેક હું વિકી માટે ચોકલેટ લાવતી ક્યારેક કલર અને કોપી પેન્સિલ. એક દિવસ તેણે મને કહ્યું કે તેને રેડિયો જોઈએ છે. મેં તેને રેડિયો લાવી આપ્યો. જેને કારણે મને નિશાન બનાવવામાં આવી. મારી ઘણી ટીકા થઈ પણ મેં કોઈનું સાંભળ્યું નહીં. આ પછી વિકીને બીજી જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

ઘણા મહિનાઓ પછીની વાત છે. હું મારી ઓફિસમાં થોડું કામ કરી રહી હતી. એક યુવકે કહ્યું કે, મેડમ કોઈ તમને બહાર જીપ્સીમાં મળવા માંગે છે. હું બહાર ગઈ ત્યારે જીપ્સીમાં સાંકળોથી બંધાયેલો વિકી બેઠો હતો. મને જોઈને તે જિપ્સીમાંથી નીચે ઉતર્યો અને મને ગળે લગાડીને રડવા લાગ્યો. કહ્યું- બહેન આ લોકો મને મારી નાખશે, મને બચાવો.

હું કશું જ કરી ન શકી. ફક્ત તેને ગળે લગાવી અને જીપ્સીમાં જતી જોઈ રહી. એ પછી તેનો ભાઈ મન્સૂર પણ મારા હાથમાં આવ્યો. તેણે કહ્યું કે વિકીએ તેને મારા વિશે કહ્યું છે. તેણે મને ખૂબ માન આપ્યું. તેના માતા-પિતા પણ મારા માટે અખરોટ લાવ્યાં હતાં.

ભાઈ હંમેશા મારા માટે રોલ મોડલ રહ્યાં છે. જ્યારે પણ દબાણમાં રહેતી અથવા કોઈ મોટું ઓપરેશન કરતી ત્યારે ચોક્કસ તેમને યાદ કરતી.
ભાઈ હંમેશા મારા માટે રોલ મોડલ રહ્યાં છે. જ્યારે પણ દબાણમાં રહેતી અથવા કોઈ મોટું ઓપરેશન કરતી ત્યારે ચોક્કસ તેમને યાદ કરતી.

એક દિવસ હું જીપ્સીમાં જઈ રહી હતી. અચાનક જીપ્સીની અંદરથી ગોળીઓ આવવા લાગી. એક ગોળી મારા વાળને અડીને નીકળી હતી. જોકે હું ડરતી ન હતી. મને થતું કે મરી પણ જઉં તો પણ મારી પાછળ રડવા વાળું કોણ છે. માતા-પિતા, ભાઈઓ બધા ગુજરી ગયા છે.

જ્યારે કાશ્મીરના અખબારમાં મારો ફોટો પહેલીવાર છપાયો અને તેમાં મને ઘાટીની રાણી તરીકે લખવામાં આવ્યું, ત્યારે હું રડવા લાગી. ખરેખર મારો ભાઈ આંતરરાષ્ટ્રીય સ્વિમર હતો. અખબારોમાં તેની તસવીરો છપાઈ હતી. હું તેને કહેતી કે એક દિવસ અખબારમાં મારો ફોટો પણ છપાશે.

આ પછી મારી બદલી આંધ્રપ્રદેશના નક્સલવાદી વિસ્તારમાં કરવામાં આવી. ગાઢ જંગલોમાં જવું એ મારું રોજનું કામ હતું. એક દિવસ અમારો કાફલો જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નક્સલવાદીઓ દ્વારા નાખવામાં આવેલી ખાણોમાં વિસ્ફોટ થયો. અમારી કાર પણ બ્લાસ્ટની ઝપેટમાં આવી ગઈ હતી. ડ્રાઈવરના બંને પગ કપાઈ ગયા હતા. વાસ્તવમાં નક્સલવાદીઓએ વિચાર્યું કે હું આ કારમાં છું, તેથી તેઓએ કારને ઉડાવી દીધી.

મારો ડ્રાઈવર અપંગ થઈ ગયો. આજે પણ મને એ ઘટનાનો અફસોસ છે.

એ પછી હું દિલ્હી આવી. મને હેરાન કરવા માટે, મારા કમાન્ડિંગ ઓફિસરે મને રાતોરાત રૂમ ખાલી કરવા કહ્યું. મેં IGને કહ્યું, તેથી તેમણે મને એ જ મેસમાં શિફ્ટ કરી જ્યાં તેઓ પોતે અને કેટલાક અધિકારીઓ રહેતા હતા. ત્યાં રહેવાથી મારું કામ સરળ બન્યું.

હું CRPFની પહેલી અધિકારી હતી, જેણે પરેડમાં રંગ ઉઠાવ્યો. આ પછી મને સ્પેશિયલ ઓપરેશન માટે કાશ્મીર મોકલવામાં આવી. સામાન્ય કાશ્મીરી માન આપતા હતા. તે કહેતા હતા કે મેડમનો કોઈ એજન્ડા નથી.

આ તસવીર 1999ની છે. જ્યારે હું ડેપ્યુટેશન પર પંજાબ પોલીસમાં જોડાઈ હતી. પછી મને AIG ટ્રાન્સપોર્ટની જવાબદારી સોંપવામાં આવી.
આ તસવીર 1999ની છે. જ્યારે હું ડેપ્યુટેશન પર પંજાબ પોલીસમાં જોડાઈ હતી. પછી મને AIG ટ્રાન્સપોર્ટની જવાબદારી સોંપવામાં આવી.

આ પછી પંજાબના તત્કાલિન ડીજીપી કેપીએસ ગિલની ભલામણ પર મને પંજાબ પોલીસમાં ડેપ્યુટેશન પર બોલાવવામાં આવી. પંજાબમાં તત્કાલિન સીએમ બિઅંત સિંહની હત્યા બાદ મને એસપી સિક્યુરિટીમાં મૂકવામાં આવી હતી, જે મારા માટે પુરસ્કાર હતો. એસપી ઓપરેશન, ક્રાઈમ, ટ્રાફિક હું દરેક જગ્યાએ હતી, પરંતુ પોલીસના પુરુષ ઈગોએ મને હેરાન કરવામાં કોઈ કસર છોડી ન હતી.

એકવાર એક અધિકારીએ મારી સાથે હાથ મિલાવ્યો અને મારી હથેળી પર તેની આંગળી રગડી. મને નવાઈ લાગી કે આટલો ભણેલો સિનિયર આવું કઈ રીતે કરી શકે. મને લાગ્યું કે જો હું હંગામો કરીશ તો કોઈ મારી પડખે ઊભું નહીં રહે.

મેં ઘણી મહત્વપૂર્ણ તપાસમાં ભાગ લીધો. જેમ કે ચંદ્રમોહનની ગર્લફ્રેન્ડ ફિઝાની તપાસ, મહેબૂબા મુફ્તીની બહેનના અપહરણ કેસની તપાસ થઈ. હું જાણતી હતી કે પુરુષ અધિકારીઓ તપાસ કરતી વખતે શું દબાણ બનાવે છે, પરંતુ મેં ક્યારેય કોઈ દબાણ રાખ્યું નથી.

આ પછી પંજાબ પોલીસે મારી કેડર બદલવાની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ મારી પાંચ વર્ષની વરિષ્ઠતાનું ધ્યાન ન રાખ્યું. હું સુપ્રીમ કોર્ટમાં પણ કેસ હારી ગઈ. પગાર પણ આપવામાં આવ્યો ન હતો. મારી પ્રામાણિકતા એ હતી કે હું વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘર્ષણ કરતી હતી. જેથી મને મારી નોકરીમાં એનો માર સહન કરવો પડ્યો.

મને ક્યારેય મેડલ મળ્યા નથી, ઉલટામાં પગાર કાપવામાં આવ્યો હતો. હું પણ ડિપ્રેશનમાં હતી. પછી મેં વિચાર્યું કે આના કારણે મારી ક્ષમતા અને લોકો તરફથી મને મળતી ખુશામત અને આશીર્વાદ ઓછા નથી થયા.

આજે પણ પોલીસ વિભાગના કોરિડોરમાં મારા નામનો ડર છે. જુનિયર મને પ્રેમ કરે છે, આદર આપે છે, કારણ કે મેં તેમને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી. સિનિયરો ડરી ગયા છે કારણ કે મેં તેમના કહેવા પર ક્યારેય ખોટું કર્યું નથી.

હું બહારથી રફ, મજબૂત અને ખૂબ જ કઠિન સ્ત્રી છું, પણ અંદરથી હું પ્રેમથી ભરેલી છું. મારી સામે પરિવારનો દરેક સભ્ય મૃત્યુ પામ્યો. ભાઈઓ, દાદા-દાદી, માતા-પિતા, જેમના પછી હું તૂટી ગઈ, પરંતુ તે જાહેર થવા દીધું નહીં. કારણ કે આપણને જાહેર કરવાનું શીખવવામાં આવ્યું નથી. 49 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં. બધે ચર્ચાઓ હતી કે આ લગ્ન એક વર્ષથી વધુ નહીં ચાલે, પરંતુ આજે અમારા લગ્નને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હું બહુ ખુશ છું અમારો એક પુત્ર પણ છે.

અન્ય સમાચારો પણ છે...