તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • How Will 'development' Happen How Will 'development' Develop Cities At The Cost Of Crores, Development Of 18500 Villages Stalled For A Year Due To One Key

કેવી રીતે થશે ‘વિકાસ’:શહેરોનો કરોડોના ખર્ચે વિકાસ, એક વર્ષથી 18,500 ગામડાંનો વિકાસ એક 'કી'ને કારણે અટવાયો, ચૂંટણી નજીક હોવાથી સરપંચોમાં આક્રોશ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક તલાટીઓને કમ્પ્યુટર જ ઓપરેટ કરતા નથી આવડતું, તો સરપંચો કેવી રીતે ડિજિટલ પેમેન્ટ કરે?
  • રકમ ખાતામાં હોવા છતાં નથી કરી શકતા ઉપયોગ

એક તરફ જ્યાં શહેરોમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવે છે, જેના થકી રાજ્ય સરકાર પોતાની સિદ્ધિઓ ગણાવી રહી છે, એવામાં ગામડાંનો વિકાસને લઇને વરવી વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યની સરપંચ પરિષદે ગ્રામપંચાયતોને મળતી ગ્રાન્ટની રકમ ખાતામાં હોવા છતાં વાપરી ન શકતા હોવાનો દાવો કર્યો છે, કારણ કે તેમને એનો ઉપયોગ કરવા માટેની કી જનરેટ કરવામાં આવી નથી, જેને કારણે એનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. આ સમસ્યાને કારણે રાજ્યભરનાં 18 હજાર ગામડાંના વિકાસની ગાડી થંભી ગઈ છે.
ડિજિટલ પેમેન્ટ માટે કી નથી થઈ એક્ટિવ
ગુજરાત સરપંચ પરિષદ- ઉત્તર ઝોનના પ્રમુખ રોહિત પટેલનું કહેવું છે કે રાજ્ય સરકારે હવે ગ્રામપંચાયતની ગ્રાન્ટ માટે મોટો બદલાવ કર્યો છે, જેમાં માત્ર ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટના આધારે જ પેમેન્ટ(DSC) સિસ્ટમ વિકસાવી છે, જે સૌથી મોટી સમસ્યા છે. એક તરફ ગ્રામપંચાયતોમાં ગ્રાન્ટનો પહેલો હપતો આવી ચૂક્યો છે, પરંતુ હજુ એના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી નથી. સૌથી મોટી વાત એ છે કે મોટા ભાગની ગ્રામપંચાયતની DCS આધારિત પેમેન્ટ માટેની કી જનરેટ પણ નથી કરાઇ, તેવામાં ગ્રામપંચાયતની રકમની માલિકી હોવા છતાં એના પર હક્ક મેળવી શકતા નથી. કેટલીક ગ્રામપંચાયતમાં તો તલાટીઓને જ કમ્પ્યુટર ઓપરેટ કરતા આવડતું નથી, તો મર્યાદિત શિક્ષણ મેળવેલા સરપંચો કેવી રીતે ડિજિટલ પેમેન્ટ કરી શકશે?
ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા વચ્ચે ડિજિટલ પેમેન્ટ મોટી સમસ્યા
દહેગામ સરપંચ એસોસિયેશનના પ્રમુખ સુહાગ પંચાલનું કહેવું છે કે અગાઉ પણ જે-તે કામ માટે GST નંબરના સાથેના બિલ આધારે જ ચુકવણી કરવામાં આવતી હતી, જેથી પારદર્શિતા પણ જળવાતી હતી. જોકે નવી ટેકનોલોજી આધારિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં જાણકારીના અભાવના કારણે કેટલાંક ગામમાં મોટો પડકાર સાબિત થઇ શકે છે. માત્ર એટલું જ નહિ, પરંતુ ગ્રામપંચાયતોમાં ઇન્ટરનેટની સુવિધા તો આપાવમાં આવી છે, પરંતુ કનેક્ટિવિટી એક મોટી સમસ્યા છે. ગ્રામપંચાયત ગ્રાન્ટનો 395 કરોડનો પહેલો હપતો આવી ગયો છે, પણ સરપંચો ઉપયોગ કરી શકતા નથી.

સુહાગ પંચાલ, પ્રમુખ દહેગામ સરપંચ એસોસિયેશનના.
સુહાગ પંચાલ, પ્રમુખ દહેગામ સરપંચ એસોસિયેશનના.

શું છે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ?
DSC સિસ્ટમ અંતર્ગત ગ્રામપંચાયતોના નવેસરથી ખાનગી બેંકમાં ખાતાં ખોલવામાં આવ્યાં છે, જેમાં ગ્રાન્ટની રકમ જમા કરવામાં આવે છે. ગ્રામપંચાયતે કોઇપણ કામ થયા બાદ DSC સિસ્ટમ મારફત ચુકવણી કરવી પડશે. આ સિસ્ટમ અંતર્ગત તલાટી અને સરપંચને કી આપવામાં આવશે, જોકે મોટા ભાગના સરપંચોને કી ન મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને કમ્પ્યુટરમાં ઈન્સર્ટ કરીને લોગ-ઇન કરવું પડશે. એ બાદ બન્નેએ અપ્રૂવલ આપવાની રહેશે. આ એપ્રૂવલ બાદ જ જે-તે ગ્રામપંચાયતનાં વિકાસકાર્યોના ખર્ચ જે-તે કોન્ટ્રેક્ટરના ખાતામાં જમા થશે. એટલું જ નહિ, ગ્રામપંચાયતે હવે જે-તે કામ કરનાર કોન્ટ્રેક્ટરનું રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે, એ બાદ જ કામ થઇ શકશે. કામ પૂર્ણ થયા બાદ એન્જિનિયર સ્થળ તપાસ કરશે અને ત્યાર બાદ જ તેના પેમેન્ટની ચુકવણી કરવામાં આવશે. જેનો સરપંચો વિરોધ કરી રહ્યા છે.
સરપંચોની ટર્મ પૂરી થવામાં 3-5 મહિના બાકી, વિકાસની ગાડી અટકી
ગુજરાતના સરપંચ પરિષદના ચેરમેન જુવાનસિંહ ડોડિયાનું કહેવું છે કે એક વર્ષથી વધુ સમય થવા આવ્યો, ગ્રામપંચાયતના ખાતામાં રૂપિયા જમા થઇ ગયા છે, પરંતુ એનો ઉપયોગ કરવા માટેના એક્સેસની કરવાની પરવાનગી આપવામાં આવી નથી, જેને કારણે 18500 ગામડાંમાં ગ્રામ્ય સ્તરે તમામ પ્રકારના વિકાસનાં કામો અટકી પડ્યાં છે. આ બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે પણ જવાબ મળી રહ્યો નથી. મહત્ત્વની વાત તો એ છે કે હવે સરપંચની મુદતમાં માત્ર 3-5 મહિનાનો સમય બાકી છે, આ સ્થિતિમાં વિકાસનાં કામ થવા જરૂરી છે.

રાજ્યની ગ્રામપંચાયતોમાં 395 કરોડનો પહેલો હપતો ફાળવાયો
ગાંધીનગર સ્થિત ડેવલપમેન્ટ કમિશનર ઓફિસના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડી.ડી જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારની 15મા નાણાપંચની યોજના હેઠળ ગ્રામપંચાયતને પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ પેમેન્ટ સિસ્ટમ અંતર્ગત DDCની કી જનરેટ કરી ડિજિટલ પેમેન્ટની પદ્ધતિ વિકસાવી છે, જેમાં આ વર્ષમાં કુલ 395 કરોડનો પહેલો હપતો જમા થઇ ચૂક્યો છે. નાણાકીય વ્યવહારમાં પારદર્શિતા આવે એ માટે 19 હજાર 316 DSC કી જનરેટ થઇ ચૂકી છે, જેમાં મહત્તમ ગ્રામપંચાયતમાં કામગીરી પૂર્ણ થઇ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે સરપંચ પરિષદ મોટા ભાગની ગ્રામપંચાયતોમાં કી એક્ટિવ ન થઇ હોવાનો દાવો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...