અમદાવાદના આંગણે ન ભૂતો ન ભવિષ્યતિ એવા બાપાના શતાબ્દી મહોત્સવની ઉજવણી હવે પૂર્ણ થવાને આરે છે. અત્યાર સુધી આ મહોત્સવની દેશ-વિદેશના લાખો હરિભક્તોએ મુલાકાત કરી છે. પરંતુ આ નગરમાં પ્રવેશીને જો બાળનગરીની મુલાકાત કરો તો તમારા પગ અહીં જ થંભી જાય છે. અહીં બાળકો જ નહીં પરંતુ વડીલોને પણ મજા પડે છે. તેમાં પણ જો 'ધ જંગલ ઓફ શેરું' નામનો 25 મિનિટનો શૌ સૌને પોતાનામાં રહેલી આંતરિક શક્તિઓની ઓળખ અને પોતાના ગરું કેવા બનાવવા જોઈએ તેની સમજ આપી રહ્યાં છે. જો કે, આ શો જોનાર સૌ કોઈના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે શેરુંનું પાત્ર ભજવીને સૌ કોઈને મનમહોક કરી દેનાર આ બાળકલાકરા કોણ છે. ત્યારે દિવ્ય ભાસ્કરે શેરું એટલે કે વાજા હેત સાથે મુલાકાત કરીને ખાસ વાતચીત કરી હતી.
શેરુંનું પાત્ર કરનાર હેત વાજા કોણ છે?
શેરુંનું પાત્ર કરનાર હેત વાજાની ઉંમર 14 વર્ષની છે. હાલ તે ગોંડલ BAPS ગુરુકુળમાં રહીને 8માં ધોરણમાં તે અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે તેના પિતા હિતેશભાઈ વાજા મેડિકલ સ્ટોર ચલાવી રહ્યાં છે જ્યારે તેની માતા ગૃહિણી છે. હેત વાજા જ્યારે 7 વર્ષના હતા ત્યારે પહેલી વાર તેમણે સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હતા. જ્યારે મહંત સ્વામી મહારાજના તો ઘણીવાર દર્શન કરી ચૂક્યાં છે. મહત્વની વાત તો એ છે કે ભલે તે આટલી સારી એક્ટિંગ કરી રહ્યો છે. પરંતુ તેણે ક્યારેય ટી.વી શુદ્ધા નથી જોયું. પણ તેમને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. એન્જિનિયર બનવાનું સપનું જોનાર હેત વાજાને બાપામાં અનંત શ્રદ્ધા રાખે જેથી બાપાના રાજીપા માટે સેવામાં જોડાયા છે.
હેત વાજાને આ રીતે મળ્યું શેરુંનો રોલ
હેત વાજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બાપાના શતાબ્દી મહોત્સવના 6 મહિના પહેલા અમારી પસંદગીની પ્રક્રિયા થઈ હતી. આ દરમિયાન તેઓ અમારી પાસે ડાન્સના વિવિધ સ્ટેપ કરાવતાં હતા. એ સમયે કુલ 600 બાળકોએ તેમાં ભાગ લીધો હતો. જે લોકો સારું પર્ફોમન્સ કરતા હતા તેમની પસંદગી કરવામાં આવી હતી. એટલે કે કુલ 300 લોકોની પસંદગી કરવામાં આવી તેમાં હું પણ હતો. એ પછી અમને ત્રણ વિવિધ કેટેગરીમાં જુદા જુદા તારવવામાં આવ્યાં હતા જો કે ત્યાં સુધી તો મને પણ ખબર નહોંતી કે મારે કયો રોલ કરવાનો છે, જેમ જેમ બાપાનો શતાબ્દી મહોત્સવ નજીક આવતો ગયો તેમ તેમ અમારી પ્રેક્ટિસ પણ વધતી ગઈ. એ પછી મારી એક્ટીંગ સારી લાગતાં મને શેરુંનું મુખ્ય પાત્ર મળ્યું.
'લોકો સેલ્ફી પડાવે ત્યારે સેલિબ્રિટી જેવી ફિલ થાય'
હેત વાજાએ કહ્યું કે આમ તો મેં આટલા મોટા સ્ટેજ ઉપર ક્યારેય પર્ફોમન્સ નથી આપ્યું. પરંતુ મહેનત અને સંતોના આશીર્વાદના કારણે આટલી સારી એક્ટિંગ આપી રહ્યો છું. શતાબ્દી મહોત્સવમાં આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે સૌ લોકોના મોઢે એક વાત સંભળાતી હોય છે કે ચાલોને શેરુ વાળો શો જોવા જઈએ. આ શબ્દોને સાંભળતા જ ખૂબ ખુશી થાય છે. એટલું જ નહીં જ્યારે મારો શો પૂર્ણ થાય એ પછી તો બાળકોથી લઈને વડીલો પણ અમારી પાસે સેલ્ફી લેવા માટે પડા પડી કરે છે આ જોઈને મને એક સેલિબ્રિટી જેવી ફિલ થાય છે.
'રોજના 8થી 9 શોમાં શેરુંનું પાત્ર ભજવું છું'
હેત વાજાએ જણાવ્યું કે, શતાબ્દી મહોત્સવમાં સવારથી લઈને રાત સુધીમાં 20 જેટલા શો 'ધ જંગલ ઓફ શેરું'ના થાય છે. અહીં અમારી બે ટીમ પર્ફોર્મન્સ આપી રહી છે જેમાં એક ટીમમાં 150 બાળકલાકારો પર્ફોર્મન્સ આપી રહ્યાં છે. આ તમામ બાળકો 11 થી 13 વર્ષની ઉંમરના છે. એક ટીમનાં ભાગે 8 થી 9 શો કરવાના આવે છે. જો કે, લગભગ 25 મિનિટનો એક શો હોય છે. એ પૂર્ણ થયા પછી તરત જ બીજી વખત એનું એ જ પર્ફોર્મન્સ આપવાનું હોય છે તેમ છત્તાં ક્યારેય કંટાળો નથી આવ્યો સ્ટેજ ઉપર પહોંચતા જ અમારામાં અલગ પ્રકારનો જુસ્સો આવી જાય છે.
'આપણને સાચો માર્ગ બતાવે એવા ગુરું શોધવા'
હેત વાજાએ જણાવ્યું કે, હું મારા જેવા બાળકો અને યુવાનોને એ જ મેસેજ આપવા માંગુ છું કે ક્યારેક એવો પણ સમય આવે છે કે આપણે ભૂલથી સિંહના બચ્ચાની જેમ બકરીના ટોળામાં જતા રહીએ છીએ અને પછી સિંહના બચ્ચા જેવી હાલત થાય છે. પરંતુ આવી હાલત આપણી ન થાય એ માટે આપણે પહેલેથી જ સાચાં ગુરું શોધવા જોઈએ જે આપણામાં રહેલી અનંત શક્તિઓનો આપણને પરિચય કરીને સાચો માર્ગ બતાવે.
એક નહીં ત્રણ ત્રણ શેરું એક જ શોમાં પર્ફોર્મન્સ કરે
ધ જંગલ ઓફ શેરું માં સિંહના નાના બચ્ચાથી લઈને મોટા શેરુંને દર્શાવવામાં આવ્યો છે. જેના કારણે એક જ શોમાં ત્રણ ત્રણ બાલ કલાકારો શેરુંનું પાત્ર ભજવી રહ્યાં છે. આ શોમાં સિંહ, બકરી, જિરાફ, હાથી એમ કુલ 10 કેરેક્ટર્સમાં બાલકલાકારો અલગ અલગ પર્ફોર્મન્સ આપી રહ્યાં છે.
અત્યાર સુધીમાં 521 કરતાં વધુ શો પૂર્ણ થયાં
શતાબ્દી મહોત્સવમાં આવેલી બાળનગરીમાં ધ જંગલ ઓફ શેરું લોકોનું ખૂબ જ ફેવરિટ છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ એટલું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે અહીં એક સાથે 1200થી વધુ લોકો શાંતિથી બેસીને જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. મહત્વનું છે કે 14 ડિસેમ્બરથી શરૂ થયેલા શતાબ્દી મહોત્સવમાં અત્યાર સુધીમાં ધ જંગલ ઓફ શેરુંના 521 શો પૂર્ણ થયાં છે.
આ છે 'ધ જંગલ ઓફ શેરું'ની સ્ટોરી
એક ઘનઘોર જંગલ હતું જેમાં બધા જ પશુ પંખીઓ અને પ્રાણીઓ ખૂબ જ હળી મળીને રહેતાં હતા. દિવસો વિત્યાં બાદ જંગલના રાજા સિંહના બચ્ચાનો જન્મ થતાં જ આખા જંગલમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. બધાજ પ્રાણીઓ અને પંખીઓ મોજ મસ્તી સાથે તેને આવકારી છે. પણ એક સમય એવો આવે છે જ્યારે આ સિંહનું બચ્ચું તેના માતા-પિતાથી છૂટું પડી જાય છે. અને અચાનક હાયનાઓ તેના પર શિકાર કરે છે. ત્યારે આ સિંહનું બચ્ચું પોતાનો બચાવ કરવા માટે આમ તેમ ભાગે છે. જેના ઉપર બકરી ચરાવનારની નજર પડે છે. અને તે વિચારે છે કે આ તો સિંહનું બચ્ચું થઈને પણ કેમ ડરે છે. પછી વિચારે છે કે જો આ બચ્ચાંને અહીં મુકીને જતાં રહીશું તો તેને અન્ય કોઈ જાનવર મારી નાખશે આમ વિચારીને તે પોતાની સાથે આ બચ્ચાને બકરીઓના ટોળામાં લઈ જાય છે. ત્યાં તેની દોસ્તી ગુટલી નામની બકરી સાથે કરાવે છે. આ દરમિયાન એ બકરીઓ આ બચ્ચાને 'શેરું બિલ્લી જેશા લાગે, શેરું ઘાંસ ક્યુંના ખાતા, શેરું દૂધ ક્યુંના દેતા...હો શેરું એસા કેસા હૈ' કરીને તેની મજાક ઉડાડે છે ને તે ખૂણાંમાં જઈને બેસી જાય છે. એટલાંમા અચાનક હાયનાઓ ત્યાં આવી જાય છે ને ચરી રહેલી બકરીઓ પર હુમલો કરવા લાગે છે. બકરીઓની જેમ આ શેરું પણ બેં...બેં... કરતા આમ તેમ ભાગે છે. આ જોઈને એક હાયના કહે છે કે 'યે શેર તો મિમિયાતા હૈ, યે ક્યા હમારા સામના કરે ગા' ને તેને ઘેરીને તેના ઉપર હુમલો કરે છે. ત્યાં અચાનક જંગલના રાજા સિંહ ત્યાં આવી પહોંચે છે ને હાયનાઓને ત્યાંથી ખડેદી નાખે છે. પરંતુ શેરુંને બેં...બેં... કરતાં જોઈને સિંહ તેના પર ગુસ્સે થાય છે અને તેની સાચી શક્તિઓનું ભાન કરાવે છે. આ વાર્તા છે 'ઘ જંગલ ઓફ શેરુંની' આ વાર્તા થકી લોકોને મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જો નેતામાં નેતૃત્વ, સેવકમાં સેવા, રાજામાં રાજવી તત્વ અને શિષ્યમાં જ્ઞાન એક ગુરુ જ જગાડી શકે છે. જે અંધકારમાંથી આપણને જ્ઞાન સુધી લઈ જાય અને આપણી ઓળખ આપણામાં રહેલી શક્તિઓથી કરાવે, જે સંસારને મોક્ષ સુધી લઈ જાય એ જ ખરા અર્થમાં આપણાં સાચા ગુરું હોય છે. એટલે આપણે પણ આવા જ ગુરું બનાવવા જોઈએ.
(ગ્રાફિક્સઃ વિનોદ પરમાર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.