નશાનાં નેટવર્કનો રસ્તો:અફઘાનિસ્તાનથી નીકળેલું ડ્રગ્સ ગુજરાત કેવી રીતે પહોંચે છે? મોશન ગ્રાફિકથી સમજો આખો ટ્રાન્ઝિટ રૂટ

2 મહિનો પહેલા

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ડ્રગ્સની હેરાફેરીને કારણે ચર્ચામાં છે. રાજ્યમાં પાંચ મહિનામાં જ અંદાજે 26 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. પણ સવાલ એ છે કે, આ ડ્રગ્સ ગુજરાતમાં કેવી રીતે આવે છે. આ વીડિયોમાં અમે તમને ડ્રગ્સ સપ્લાયના પુરા રૂટ વિશે સમજાવીશું.

અફઘાનિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય થાય
ગુજરાતમાં ઘુસાડાતું તમામ ડ્રગ્ઝ અફઘાનિસ્તાનથી આવે છે. કારણ કે એકલા અફઘાનિસ્તાનમાં દુનિયાના 80 ટકાથી વધુ હેરોઈનનું ઉત્પાદન થાય છે. અહીંના 34 પૈકી 22 પ્રાંતમાં અફીણની ખેતી થાય છે. અહીં અફીણમાંથી હેરોઈન બનાવવાના કારખાનાં ધમધમે છે. આ કારખાનાઓમાં ટેલ્કમ પાવડર બનાવવાના પથ્થરના ટૂકડા રૂપે હેરોઈન સપ્લાય થાય છે. આ કારખાનાઓમાં તૈયાર થતું ડ્રગ્ઝ રોડ માર્ગે પાકિસ્તાન અને ઈરાન મોકલવામાં આવે છે.

વાયા પાકિસ્તાન અને ઈરાનથી ગુજરાત પહોંચે
આ ડ્રગ્સ પાકિસ્તાનના કરાચી અને ગ્વાદર તથા ઈરાનના ચાબહાર પોર્ટ સુધી પહોંચે છે. આ દરેક પોર્ટ ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત છે. ડ્રગ્સ પેડલર માટે અહીંથી ગુજરાતનો સી કોરિડોર સોફ્ટ સ્મગલિંગ રૂટ સાબિત થાય છે. કન્સાઈન્મેન્ટ રૂપે આ ડ્રગ્સ શિપમાં ટ્રાન્સપોર્ટ થાય છે. અહીંથી શિપ મારફતે પેડલર આ ડ્રગ્સ સાથે રવાના થાય છે. આ શિપ ગુજરાતના દરિયાકાંઠાથી અંદાજે 250 કિમી દૂર ઉભા રહી જાય છે. આ ડ્રગ્સને રિસિવ કરવા માટે લોકલ પેડલર આ શિપ સુધી પહોંચે છે. આ ડ્રગ્સ શિપમાંથી નાની બોટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આ જ રીતે આ ડ્રગ્સ નાની બોટ મારફતે કચ્છના મુંદ્રા, જખૌ અને માંડવી અથવા તો દ્વારકાના સલાયા અને ઓખા બંદર સુધી પહોંચે છે. બંદર પર પહોંચ્યા બાદ આ ડ્રગ્સ ટ્રક કે અન્ય કોઈ વાહન મારફતે જૂદી જૂદી જગ્યાએ સપ્લાય થવાનું શરૂ થાય છે. ગુજરાતમાંથી આ ડ્રગ્સ છેક પંજાબ અને દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં પણ પહોંચાડાય છે.