ચીકી એક એવી વાનગી છે, જેને સવાર, બપોર કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય. ચીકીનું નામ પડતાં જ સૌને ‘જલારામની ચીકી’ અચૂક યાદ આવે જ. દરેક ગુજરાતીએ જલારામની ફેમસ ચીકી ખાધી જ હશે, પણ લોકોને દાઢે વળગેલી જલારામની ચીકી કેવી રીતે બને છે એ ક્યારેય જોયું નહીં હોય. ત્યારે દિવ્ય ભાસ્કર એપની ટીમ પહેલીવાર રાજકોટસ્થિત જલારામ ચીકીની ફેક્ટરીએ પહોંચી હતી અને અહીં ચીકી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની જાણકારી મેળવી હતી.
જલારામની ચીકી 10 સ્ટેપમાં તૈયાર થાય છે.
જલારામ ચીકીના માલિક મનોજભાઈ ચોટાઈએ દિવ્ય ભાસ્કરની ટીમને ચીકી બનાવવાની A to Z પ્રોસેસ રૂબરૂ બતાવી હતી. મનોજભાઈએ જણાવ્યું હતું કે ‘‘ અમારે ત્યાં કુલ 10 સ્ટેપમાં ચીકી તૈયાર થાય છે. અમે અત્યારસુધી દેશી પદ્ધતિથી જ ચીકી બનાવીએ છીએ, જેને લીધે વર્ષોથી એક ધાર્યો ટેસ્ટ આવે છે.’’
જલારામની ચીકી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
પહેલું સ્ટેપઃ સૌ પહેલા શેકેલી સીંગને શોર્ટેડ કરવામાં આવે છે. સીંગનાં ફાડિયાં કરી એમાંથી ફોતરી ઉતારવામાં આવે છે.
બીજું સ્ટેપઃ ગરમ પાણીમાં કઠણ ગોળ નાખવામાં આવે છે અને ચાસણી બને ત્યાં સુધી ગોળ ગરમ કરવામાં આવે છે.
ત્રીજું સ્ટેપઃ ગોળની ચાસણી બની ગયા પછી એમાં ધીમે-ધીમે સીંગદાણા મિક્સ કરવામાં આવે છે.
ચોથું સ્ટેપઃ ચીકીને વેલણ દ્વારા ભાર આપીને વણીને એકસરખું પડ તૈયાર કરવામાં આવે છે.
પાંચમું સ્ટેપઃ લોખંડની ડાઈ દ્વારા ચીકીના એકસરખાં ચોસલાં પાડીને કટિંગ કરવામાં આવે છે.
છઠ્ઠું સ્ટેપઃ કટિંગ કરેલી ચીકીના પડને ઠંડું પાડવામાં આવે છે.
સાતમું સ્ટેપઃ ઠંડી થઈ ગયેલી ચીકીને ભેગી કરવામાં આવે છે.
આઠમું સ્ટેપઃ ચીકીને પાઉચની સાઇઝ મુજબ એમાં ભરવામાં આવે છે.
નવમું સ્ટેપઃ પાઉચમાં પેક કરાયેલી ચીકીનું વજન કરવામાં આવે છે.
દશમું સ્ટેપઃ ચીકીના પેકેટ પર ડેટ અને બેચ નંબર લખવામાં આવે છે. પેકેટનું સીલિંગ થયા બાદ બોક્સમાં ભરી દેવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.