નવો ટ્રેન્ડ:બિઝનેસમેન, CEO, ડોક્ટર્સ, વકીલ, CA જેવા ઊંચી આવકવાળા લોકો પ્રોપર્ટીને બદલે હવે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરે છે

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • છેલ્લાં બે વર્ષથી હાઇ ઇન્કમ ઇન્ડિવિડ્યુઅલનો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં ઇન્ટરેસ્ટ વધ્યો
  • ફિઝિકલ પ્રોપર્ટીના સરેરાશ 3-4% સામે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ 15% સુધીનું રિટર્ન આપે છે

સામાન્ય રીતે ઊંચી આવક ધરાવતા લોકો પ્રોપર્ટી માર્કેટમાં પ્રાઈમ લોકેશન્સ અને સારા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરતા હોય છે. અત્યારસુધી એવું જોવાયું છે કે બિઝનેસમેન, કમાણીમાં ઊંચો હોદ્દો ધરાવતા લોકો, ડોક્ટર્સ, વકીલ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સહિતના હાઈ ઇન્કમ ધરાવતા પ્રોફેશનલ્સ હવે પ્રોપર્ટીમાં સીધું રોકાણ કરવાને બદલે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. લુમોસ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનુરંજન મોહોતે જણાવ્યું હતું કે હાઈ ઇન્કમ અથવા હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ (HNI) હવે ધીમે ધીમે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરતા થયા છે. આનું એક કારણ એ પણ છે કે આમાં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સિક્યોર છે અને ફિઝિકલ પ્રોપર્ટી રાખવા કરતાં વધુ પણ છે.

કોણ કરે છે રોકાણ?
અનુરંજને જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે પણ ઓળખાય છે એમાં મોટા ભાગે ઇન્સ્ટિટયૂટ અને પ્રાઈવેટ ઇક્વિટી તરફથી વધુ રોકાણ આવતું હોય છે. નિયમ મુજબ, આમાં ઓછામાં ઓછું રૂ. 1 કરોડનું રોકાણ કરવાનું હોઈ ઇન્ડિવિડ્યુઅલનું રોકાણ પહેલાં ભાગ્યે જ આવતું હતું. જોકે બે વર્ષથી આ ટ્રેન્ડમાં થોડો સુધારો થયો છે અને HNI તરફથી રોકાણ ઇન્ફ્લો વધી રહ્યો છે. આમાં ડોક્ટર્સ, વકીલો, મોટી કંપનીઓના મેનેજમેન્ટના લોકો, CEO, બિઝનેસમેન, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલ્સ રિયાલ્ટી ફંડમાં રોકાણ કરી રહ્યા છે. લુમોસ ટૂંક સમયમાં રૂ. 300 કરોડનું ફંડ લોન્ચ કરવા જઈ રહ્યું છે.

શા માટે કરે છે રોકાણ?
રૂ. 100 કરોડનું ફંડ લોન્ચ કરનારી અમદાવાદની પર્પલ એલિફન્ટ રિયાલ્ટી ફંડના મેનેજિંગ પાર્ટનર મોનિલ પરીખે કહ્યું હતું કે ફિઝિકલ પ્રોપર્ટી ખરીદવી અને એની સારસંભાળ રાખવી એ બધા માટે શક્ય નથી અને તેમાં ઘણો સમય જાય છે. હાઈ ઇન્કમ ક્લાસના લોકો પોતાના બિઝી શિડ્યૂલમાંથી આના માટે સમય ઓછો કાઢી શકે છે. બીજું કે, પ્રોપર્ટીમાં બ્લેક અને વ્હાઈટ બંને પ્રકારે પેમેન્ટ કરવાનું થાય છે, જે મોટા ભાગે આવા લોકો એવોઈડ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત સૌથી અગત્યનું છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, ફિઝિકલ પ્રોપર્ટીના ભાવ વાર્ષિક સરેરાશ 3-4% વધે છે, ેની સામે રિયાલ્ટી ફંડમાં 15-18% સુધી વળતર મળી રહે છે. આ ઉપરાંત જો ફંડ લિસ્ટ થાય છે તો તેમાં 7-8% જેવું ડિવિડન્ડ પણ મળે છે.

ફંડનું રોકાણ ક્યાં હોય છે?

  • નવા હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ
  • આર્થિક મુશ્કેલીમાં હોય તેવા સ્ટ્રેસ્ડ પ્રોજેક્ટ્સ તેમજ પ્રોપર્ટી
  • રિયાલ્ટી સેક્ટરની લિસ્ટેડ કંપનીઓના સ્ટોક્સ
  • પ્રોપર્ટી ખરીદી એને લીઝ પર આપવામાં આવે છે
  • મ્યુચ્યુઅલ ફંડ તરીકે રિયલ્ટી સાથે સંકળાયેલી કંપનીઓમાં રોકાણ

સારું વળતર રોકાણકારોને આકર્ષે છે
મોતીલાલ ઓસવાલ રિયલ એસ્ટેટ ફંડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શરદ મિત્તલે કહ્યું હતું કે ભારતમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સની શરૂઆત 2008થી થઇ છે અને અત્યારસુધીમાં ઓન એન એવરેજ 15% જેવું રિટર્ન મળે છે અને આ જ કારણે રોકાણકારોમાં તેનું આકર્ષણ વધી રહ્યું છે. જોકે કોરોનાને કારણે ગત વર્ષે કોઈ લાર્જ ફંડ લોન્ચ થયા ન હતા. જે બે ફંડ લોન્ચ થયાં હતાં તેમને સારો રિસ્પોન્સ મળ્યો હતો. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કોઈ મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના શરૂઆતના તબક્કે રોકાણ કરે છે, તેથી તેમાં વળતર પણ સારું મળે છે. આ ઉપરાંત રિયાલ્ટી કંપનીઓના સ્ટોક્સમાં પણ રોકાણ કરવામાં આવે છે.

HNIના રોકાણ ટ્રેન્ડમાં માર્જિનલ સુધારો થયો છે
જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસીઝના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું હતું કે લાંબા સમય બાદ પ્રોપર્ટી માર્કેટમાં રિકવરી આવી રહી છે. વ્યાજદર પણ અત્યારસુધીના સૌથી નીચા સ્તરે છે અને તેના કારણે રિયલ એસ્ટેટમાં એક્ચ્યુઅલ ડિમાંડ આવી છે. કોરોનાને કારણે 2020માં કોઈ ફંડ લોન્ચ થયાં ન હતાં, પણ તેના આગળના વર્ષમાં જે ફંડ આવ્યાં હતાં તેમાં ઊંચી આવક ધરાવતા લોકોનું રોકાણ વધ્યું હતું. જોકે ઓવરઓલ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટની સરખામણીએ HNI ઇન્વેસ્ટમેન્ટ નીચું છે તેમ છતાં ઊંચી આવક ધરાવતા લોકોનો રસ રિયલ એસ્ટેટ ફંડમાં વધ્યો છે એ દેખાય છે. આવનારા દિવસોમાં આ ટ્રેન્ડ વધવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...