ગુજરાત સહિત દેશભરમાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ (લમ્પી)નો ફેલાવો વધી રહ્યો છે જેના કારણે ખેડૂતો તેમજ પશુપાલકો ચિંતામાં મુકાઇ ગયા છે. એક અહેવાલ મુજબ આ રોગના કારણે ગુજરાતમાં જ અત્યાર સુધીમાં 1000થી વધુ પશુઓના મોત થયા છે. દિવ્ય ભાસ્કરે લમ્પીને અટકાવતી અને આ રોગ સામે લડી શકે તેવી દવા બનાવતી ગુજરાતની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડ સાથે વાત કરી અને જાણ્યું કે હાલમાં આ વાયરસ સામે લડવા વેક્સિન અને દવાનો પૂરતો જથ્થો ગુજરાતમાં ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર પણ લમ્પીનો ફેલાવો અટકાવવા સક્રિય બની છે.
ગુજરાત સરકાર 11 લાખ ડોઝની ખરીદી કરશે
લમ્પીના વધતાં ફેલાવાને અટકાવવા રાજ્ય સરકાર સક્રિય બની છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં બહોળા પ્રમાણમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 3 લાખ પશુઓને વેક્સિન અપાઈ ચૂકી છે અને સરકાર પાસે 2 લાખ ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. પશુપાલન વિભાગના જણાવ્યા પ્રમાણે સરકાર ઇમરજન્સી જરૂરિયાત મુજબ વેક્સિનની ખરીદી થઈ રહી છે અને રાજ્ય સરકાર બીજા 11 લાખ ડોઝની ખરીદી કરશે.
વેક્સિનની સપ્લાય માટે સંપૂર્ણ સજ્જ
હેસ્ટર બાયોસાયન્સિસના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગાંધીએ જણાવ્યું કે, ગોટ પોક્સ વેક્સિનના ઈમર્જન્સી યુઝ માટે ગુજરાત સરકારના ટેન્ડર માટે પણ અરજી કરી છે, જેના હેઠળની કામગીરી ચાલુ છે. અમે અમદાવાદ પ્લાન્ટથી જ ગોટ પોકસ વેક્સિનના વાર્ષિક 6.25 અબજ ડોઝનું ઉત્પાદન કરવા સક્ષમ છીએ. ભારતમાં કોઈપણ રાજ્ય સરકારની જરૂરિયાત મુજબ અમે ગોટ પોક્સ વેક્સિન કે અન્ય કોઈ પ્રાણીજન્ય બીમારીની વેક્સિન સપ્લાય કરવા માટે સંપૂર્ણરીતે સજ્જ છીએ. હાલમાં, કંપની સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં જિલ્લા પશુ આરોગ્ય અધિકારીઓ (DAHO) અને ખાનગી વિતરકો દ્વારા ગોટ પોક્સ રસીનું વિતરણ કરી રહ્યા છીએ.
શું છે લમ્પી સ્કિન ડિસીઝ?
કંપનીના એસોસિએટ ડિરેક્ટર સુરજીત બક્ષીએ જણાવ્યું કે, લમ્પી ગાયો અને ભેંસોને અસર કરતો સૌથી વિનાશક રોગ છે. તે કેપ્રીપોક્સ વાઈરસથી થતો વાયરલ ઈન્ફેક્શન છે, જે ગોટ પોક્સ વાયરસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આ રોગથી અસરગ્રસ્ત પ્રાણીઓમાં તાવ, સુપરફિસિયલ લસિકા ગાંઠો, ચામડીના અલ્સર અથવા ડાઘ, ક્ષીણતા અને દૂધના ઉત્પાદનમાં ઘટાડો થવાના ચિહ્નો દેખાય છે અને આ રોગમાં મૃત્યુદર વધુ હોય છે. ભારતમાં હાલમાં લમ્પી માટે કોઈ ચોક્કસ રસી કે ઉપચાર નથી. ગુજરાત અને દેશના અન્ય કેટલાક ભાગોમાં હાલ રોગચાળો ફાટી નીકળવા જેવી કટોકટીની પરિસ્થિતિઓમાં, લમપીને અટકાવવા નિષ્ણાતો અને અમુક સરકારી સલાહકારોએ ગોટ પોક્સ રસીના હાઈ ડોઝની ભલામણ કરી છે.
લમ્પી થાય તો તેની પણ દવા ઉપલબ્ધ છે
સુરજીત બક્ષીએ કહ્યું કે, હેસ્ટર ગોટ પોક્સ વેક્સિન અને એન્ટિબાયોટિક CuRx Inj (Enrofloxacin + Ketoprofen) જેવી અમુક સંલગ્ન થેરાપીઓનું ઉત્પાદન કરે છે જે વર્તમાન રોગચાળામાં ખૂબ જ અસરકારક અને મદદરૂપ છે. હેસ્ટર પાસે આ પ્રોડક્ટ્સનો પૂરતો તૈયાર સ્ટોક છે અને જો રોગચાળો વધુ ફેલાય તો વધારાના જથ્થાના ઉત્પાદન માટે તૈયાર છે. વધુમાં, હેસ્ટર પણ નિયમિત વર્કશોપ અને માહિતી સત્રો દ્વારા ખેડૂતો અને પશુધન માલિકોમાં જાગૃતિ ફેલાવે છે જે રસીકરણ, ચેપ નિયંત્રણ, વેક્ટર નિયંત્રણ કાર્યક્રમો અને જૈવ સુરક્ષા પગલાં જેવા નિવારક અને રક્ષણાત્મક પગલાંની ભલામણ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.