• Gujarati News
  • Dvb original
  • A Driver's Head Was Cut Off In A Blast, A Mother Died Waiting For Her Son, Sanjay Dutt Was Served Tea... What Were Those Days Of The Mumbai Blasts?

ભાસ્કર ઇન્ટરવ્યૂદેવાંશુુ દેસાઈએ મુંબઈ બ્લાસ્ટનું 25 વર્ષ સુધી રિપોર્ટિંગ કર્યું:બ્લાસ્ટમાં ડ્રાઇવરનું માથું કપાઇ ગયું, એક મા દીકરાની રાહ જોતી મૃત્યુ પામી, સંજય દત્તને ચા પીવડાવી... કેવા હતા મુંબઈ બ્લાસ્ટના એ દિવસો?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

12 માર્ચ, 1993ના મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટને આજે ત્રીસ વર્ષ થયાં. મુંબઇના ઇતિહાસનો ‘બ્લેક ફ્રાઇડે’. આ એ દિવસ હતો જ્યારે એક પછી એક થયેલા બાર ભયાનક બોમ્બ ધડાકાઓએ મુંબઇ સહિત દેશ આખાને હચમચાવી દીધો હતો. સૌથી પહેલાં બપોરના 1.30 કલાકે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બ્લાસ્ટ થયો હતો અને અંતિમ બ્લાસ્ટ 3.40 કલાકે થયો હતો.

બે કલાકમાં ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. 1.30 કલાકે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પહેલો બ્લાસ્ટ થયો જેમાં કુલ 84 લોકોનાં મૃત્યુ થયાં. આ પછી કાલબાદેવી, શિવસેના ભવન, એર ઇન્ડિયા બિલ્ડિંગ, ફિશરમેન કોલોની માહિમમાં, વર્લી સેંચુરી બજારમાં, ઝવેરી બજાર, પ્લાઝા સિનેમા, હોટેલ જૂહુ સેન્ટોર, સહાર એરપોર્ટ જેવાં જુદાં જુદાં કુલ બાર સ્થળે બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટમાં કુલ 257 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સાતસોથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મૂળ વલસાડ જિલ્લાના ઉમરસાડી ગામના વતની એવા વરિષ્ઠ ગુજરાતી પત્રકાર-લેખક દેવાંશુ દેસાઇના નામે સળંગ 25 વર્ષ સુધી આ કેસનું રિપોર્ટિંગ કરવાનો લિમ્કા રેકોર્ડ નોંધાયો છે. દેવાંશુ દેસાઇ ‘ચિત્રલેખા’ સામાયિકના વરિષ્ઠ પત્રકાર-લેખક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વિવિધ વિષયો ઉપર એમણે ખૂબ લખ્યું છે. પત્રકારત્વમાં બહોળો અનુભવ ધરાવનાર દેવાંશુ દેસાઇ સ્વર્ગીય વડાપ્રધાન મોરારાજી દેસાઇનો છેલ્લો ઇન્ટરવ્યૂ કરનાર ગુજરાતી પત્રકાર હતા. આ સિવાય લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, એલ. કે. અડવાણીથી માંડીને અરુણ ગવળી, દાઉદની બહેન હસીના પારકર, અમર નાઇક પરિવાર, છોટા રાજન પરિવાર વગેરે અંધારી આલમના ખેરખાંઓના એમણે ઇન્ટરવ્યૂ કર્યા છે, તો લાઇવ એન્કાઉન્ટરો પણ કવર કર્યાં છે.

‘હું જે હોટેલમાં સ્ટોરી કરવા ગયેલો એ જ ઇન્ટરવ્યૂમાં બ્લાસ્ટ થયો!’
મુંબઇ બ્લાસ્ટના ત્રીસ વર્ષના સંદર્ભે 'દિવ્ય ભાસ્કરે' દેવાંશુ દેસાઇ સાથે વાતચીત કરી હતી અને બ્લાસ્ટ દરમિયાનના તેમના અનુભવને જાણ્યા હતા. દેવાંશુ દેસાઇ 12 માર્ચ, 1993નો એ દિવસ યાદ કરતાં કહે છે, ‘જુહુ ખાતેની એક ફાઇવ સ્ટાર હોટેલ સેન્ટોરમાં હું એક સ્ટોરીના રિપોર્ટિંગ સંદર્ભે ગયો હતો. ત્યાંથી હું મારા એક મિત્રના ઘરે ગયો હતો. એ સમયે પેજર પણ નહોતા અને એસટીડી બૂથ જસ્ટ શરૂ જ થયાં હતાં. મારા મિત્ર સાથે અમે ગપ્પા-ગોષ્ઠિ કરી રહ્યા હતા ત્યાં જ અમને એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. લેન્ડલાઇન પર કોઇ મિત્રએ ફોન કર્યો અને અમને જાણ થઇ કે અત્યારે મુંબઇમાં બ્લાસ્ટ થઇ રહ્યા છે. હું જે હોટેલમાં સ્ટોરી કરવા ગયેલો એ હોટેલમાં જ બ્લાસ્ટ થયો હોવાની જેવી જાણ થઇ એટલે હું ઉતાવળે ઓટોમાં હોટેલ પર આવ્યો. મેં જોયું કે હોટેલમાં અફરાતફરીનો માહોલ હતો.

હોટેલના ફૂડ એન્ડ બેવરેજ ડિપાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયો હતો. ફૂડ એન્ડ બેવરેજ સેક્શનની દીવાલમાં બહુ મોટું ગાબડું પડી ગયું હતું. લોકોનું ટોળું જમા થઇ ગયું હતું. પોલીસે પોઝિશન લઇ લીધી હતી. ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી પોલીસ અધિકારીઓ સાથે માથાકૂટ કરી રહ્યો હતો. કારણ કે તેની બહેન હોટેલ સ્ટાફમાં કામ કરતી હતી. પોલીસ અધિકારીઓ કોઇને પણ અંદર નહોતા જવા દેતા.’

મિત્રના ઘરેથી હોટેલ સુધીના રસ્તા દરમિયાન શું પરિસ્થિતિ હતી? દેવાંશુ દેસાઇ જવાબ આપતાં કહે છે કે, ‘રસ્તાઓ પર કોઇ ખાસ ગતિવિધિ ન હતી. કારણ કે અત્યારની જેમ મોબાઇલ ફોન ત્યારે ન હતા, ટીવી ચેનલો પણ ખાસ ન હતી, પણ લેન્ડલાઇન પર મુંબઇમાં બ્લાસ્ટની ખબરો વાયુવેગે ફેલાવા માંડી હતી. અફવાઓ ફેલાવા માંડી હતી.’

‘એકસાથે તેર યુવાન છોકરાઓએ જીવ ખોયો, ડ્રાઇવરનું માથું કપાઇ ગયું: મૃત્યુના દેવતા હવે ખમૈયા કરો’
દેવાંશુ દેસાઇના જણાવ્યા પ્રમાણે તેઓ અડતાલીસ કલાક સુધી એમના ઘરે નહોતા ગયા અને જુહુ ઉપરાંત જે સ્થળોએ બ્લાસ્ટ થયા હતા એ જગ્યાએ જઇને રિપોર્ટિંગ શરૂ કરી દીધું હતું. દેવાંશભાઇ કહે છે કે, ‘જ્યારે અમે સાંજે શેરબજારમાં ગયા ત્યારે હાલત બહુ ખરાબ હતી. વરલીની એક બસમાં બ્લાસ્ટ થયો હતો અને એના ડ્રાઇવરનું માથું કપાઇ ગયું હતું. શેરબજાર અને વરલીના બ્લાસ્ટ બહુ ઘાતક હતા. શેરબજારના બ્લાસ્ટમાં ઘાટકોપરના એક જ ફળિયાના પેપર વેચતા તેર યંગ છોકરાઓએ આ બ્લાસ્ટમાં પોતાનો જીવ ખોયો હતો. એક પછી એક લાશ આવતી હતી. પછી મેં મારી કવરસ્ટોરીનું ટાઇટલ આપ્યું હતું કે ‘મૃત્યુના દેવતા હવે ખમૈયા કરો.’’

‘..કે જેનો કોઇ અતોપતો જ ન હતો’
દેવાંશુ દેસાઇ એ સમયે મુંબઇના રિએક્શનને યાદ કરતાં કહે છે કે, ‘સાંજ સુધીમાં તો મુંબઇ થંભી ગયું હતું. લોકો પોતાનાં ઘરોમાં પુરાઇ ગયા હતા. લોકલ ટ્રેનોમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. સુન્ન થઇ ગયેલા લોકોમાં બાબરી ધ્વંસને કારણે બ્લાસ્ટ થયાનો સૂર સંભળાવા માંડ્યો હતો. વરલીમાં રિપોર્ટિંગ દરમિયાન દિલ્હીથી આવેલા જાણીતા પત્રકાર એસ. વેંકટનારાયણ મળ્યા. બીજા બધા પત્રકારો પણ રિપોર્ટિંગ માટે આવી ગયા હતા.

એક જગ્યાએ ઝાડ ધડાકાને કારણે સુકાઇ ગયું હતું. પાછળની બાજુ બસસ્ટોપ અને તેની પાસે એક સિંધીનું મકાન હતું. એ મકાનનાં બારીબારણાં-ફર્નિચરને ધડાકાને કારણે ખાસ્સું નુકસાન થયું હતું. ધડાકાને કારણે ચારેબાજુ ઘરમાં કાચના ટુકડા વિખેરાઇને પડ્યા હતા. જ્યાં જ્યાં પણ ધડાકા થયા ત્યાં આજુબાજુની ઇમારતોમાં આ જ પરિસ્થિતિ હતી. બધી ઇમારતોનાં બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા. રિપોર્ટિંગ દરમિયાન હું એવા દસથી બાર લોકોને ઘરે જઇને મળ્યો કે જેનો પતિ, ભાઇ, દીકરો ઘરેથી સવારે નીકળ્યા પછી પરત જ ન આવ્યા. એમનો કોઇ પત્તો જ ન મળ્યો. મેં મેગેઝિનમાં આ લોકોના ફોટા સાથે કવરસ્ટોરી કરી હતી. અમે બધા પત્રકારો-ફોટોગ્રાફરો કામે લાગી ગયા હતા અને દિવસ-રાત રિપોર્ટિંગ કરીને એક વિશેષ અંક પણ બહાર પાડ્યો હતો.’

કારમાં સવાર બધા લોકો સળગી ગયા, આખરી શ્વાસ સુધી મા એના દીકરાની રાહ જોતી રહી, એક વ્યકિતના લગ્નને એક મહિનો જ થયો હતો
દેવાંશુ દેસાઇ એક કિસ્સો કહે છે, ‘એક ખ્રિસ્તી મહિલાએ વર્ષો સુધી પોતાના દીકરાની રાહ જોઇ પણ એના દીકરાનો કોઇ પત્તો જ ન મળ્યો. પોતાના દીકરાની રાહ જોતી એ મહિલા ગુજરી ગઇ. વર્લીમાં એક કારમાં બેઠેલા બધા માણસો સળગી ગયા. કોઇ પણ વ્યક્તિ કાચ ખોલીને બહાર ન નીકળી શકી. એમાં એક વ્યક્તિ એવી પણ હતી કે જેનાં લગ્નને માત્ર એક જ મહિનો થયો હતો. કેસ પૂરો થયા પછી એની પત્નીનો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો.’

માત્ર અડતાલીસ કલાકમાં પોલીસે કેસ ઉકેલી નાખ્યો
આ સિરિયલ બ્લાસ્ટમાં ટાઇગર મેમણ, દાઉદ ઇબ્રાહિમ, અનીસ ઇબ્રાહિમ, અબુ સલેમથી માંડીને દાઉદ ફણસે, મુસ્તફા ડોસા, તાહિર મર્ચન્ટ, અબ્દુલ ક્યુમ, રિયાઝ સિદ્દીકી, ફિરોઝ અબ્દુલ રાશિદ ખાન, કરીમઉલ્લા શેખ જેવાં નામોની સંડોવણી બહાર આવી હતી. બાબરી ધ્વંસનો બદલો લેવા માગતા બાદશાહ ખાન, બશીર ખાન, જાવેદ ચીકણા મુસ્લિમ યુવકોનું બ્રેઇન વોશ કરીને એમને પાકિસ્તાન ટ્રેનિંગ માટે પણ મોકલવામાં આવ્યા હતા. માત્ર અડતાલીસ કલાકમાં જ પોલીસે આ કેસ ઉકેલી નાખ્યો હતો. બ્લાસ્ટમાં પોલીસની 150થી વધુ ટીમો કામ કરતી હતી. ડીસીપી રાકેશ મારિયા ટીમને હેડ કરી રહ્યા હતા.

પોલીસને એક વાન અને એક સ્કૂટર મળી આવ્યું હતું જેમાં હેન્ડગ્રેનેડ અને હથિયારો હતાં. આ વેન રૂબિના મેમણના નામે હતી. મેમણ પરિવાર માહિમમાં 8 માળની એક બિલ્ડિંગમાં રહેતો હતો. વાન અને સ્કૂટર મળવાને કારણે કેસની કડીઓ એક પછી એક ખૂલી ગઇ હતી. અલબત્ત, ટાઇગર મેમણનો પરિવાર બ્લાસ્ટના એક દિવસ પહેલાં જ દેશ છોડી ચૂક્યો હતો. બ્લાસ્ટ પછી અંડરવર્લ્ડમાં હિંદુ અને મુસ્લિમ ડોન એવા બે ફાંટા પડી ગયા હતા. અભિનેતા સંજય દત્તની સંડોવણી પણ બહાર આવી હતી. કોમી રમખાણના સમયમાં પોતાના પરિવારની રક્ષા માટે સંજય દત્તે દાઉદ ઇબ્રાહિમના ભાઇ અનીસ ઇબ્રાહિમ પાસેથી ત્રણ એકે 56, 9 મેગેઝિન અને 20 હેન્ડગ્રેનેડ મેળવ્યા હતા. સંજય દત્ત મોરેશિયસમાં ‘આતિશ’ ફિલ્મનું શૂટિંગ કરીને જેવો એરપોર્ટ પર ઊતર્યો એટલે પોલીસે ધરપકડ કરી હતી.

એમ કહેવાય છે કે પોલીસ અધિકારી રાકેશ મારિયાએ સંજય દત્તને એક થપ્પડ મારી હતી. સંજય દત્ત રડવા માંડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

‘સંજય દત્તને ચા પીવડાવી, અમને હંમેશાં સર કહીને જ બોલવતો’
સંજય દત્ત સાથેના પણ દેવાંશુ દેસાઇના રસપ્રદ કિસ્સાઓ જોડાયેલા છે. દેવાંશુ દેસાઇ કહે છે, 'સ્પેશિયલ ટાડા કોર્ટમાં આરોપીઓના કેસ ચલાવવામાં આવ્યા હતા. જે. એન. પટેલને એના જજ નીમવામાં આવ્યા હતા. જડબેસલાક સિક્યોરિટી વચ્ચે કેસ ચાલતો. શરૂઆતમાં તો અમારે પણ બૂટ અને મોજાં કાઢીને અંદર જવું પડતું હતું. પછી અમને આઇકાર્ડ પ્રોવાઇડ કરવામાં આવતા હતા. કોર્ટ બહાર એક નાનકડી રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવી હતી. એકવાર કોર્ટમાં સુનાવણી દરમિયાન સંજય દત્ત પાસે કંઇક છુટ્ટા પૈસા ન હતા ત્યારે મેં એને આપીને ચા પાઇ હોવાનું સ્મરણ છે. સંજય દત્ત હંમેશાં અમને (પત્રકારો)ને સર કહીને જ બોલાવતો હતો.’

‘સંજય દત્તને કારણે કોર્ટ-પોલીસનાં ચક્કરોમાં વર્ષો વેડફાઇ ગયાં’
સંજય દત્તની છેક સુધી મેચ્યોર ન થવાની, ખરાબ સોબતની વાતને ભારપૂર્વક કહેતા દેવાંશુ દેસાઇ સંજય દત્તને બ્લાસ્ટની ખબર હોવાની વાતને નકારે છે. દેવાંશુ દેસાઇ કહે છે, ‘આર્મ્સ એક્ટમાં જેમનું નામ ખૂલ્યું એવા સંજય દત્તના મિત્રો કેરસી અડાજણિયા, રૂસી મુલ્લા, યુસુફ નલવાલાના પણ મેં ઇન્ટરવ્યૂ કર્યા હતા. સંજય દત્તના એંશી વર્ષના પારસી મિત્ર કેરસી અડાજણિયા જ્યારે છૂટ્યા ત્યારે હું એમના ઘરે પણ ગયો હતો. એમના પર સંજય દત્તે રાખેલા હથિયાર નાબૂદીના પ્રયાસનો આરોપ હતો. એમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે અમારાં પંદર વર્ષ આ કેસમાં- કોર્ટનાં ચક્કરોમાં વેડફાઇ ગયાં. દોસ્તી નિભાવવામાં અમારાથી જીવનની સૌથી મોટી ભૂલ થઇ ગઇ.’

દેવાંશુ દેસાઇ આગળ કહે છે, ‘જામીન પર છુટેલા સંજય દત્તનું કોઇ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એનો ત્રણ-ચાર પાનાંનો એક લાંબો ઇન્ટરવ્યૂ કર્યો હતો. સંજય દત્ત ખૂબ શરમાતો હતો અમારાથી. નજર નીચી રાખીને જ વાત કરતો હતો. રમખાણના ડરે હથિયાર રાખ્યાની અને બોમ્બ બ્લાસ્ટથી પોતે અજાણ હોવાની વાત એ કરતો હતો.’

સંજય દત્તને હથિયાર પહોંચાડનાર સમીર હિંગોરા અને હનીફ કડાવાલા દેવાંશુ દેસાઇને જેલમાંથી પોતે નિર્દોષ હોવાના પત્રો પણ લખતા હતા. દેવાંશુ દેસાઇ મહત્ત્વની વાત ઉમેરે છે કે, ‘સંજય દત્ત પકડાયો એટલે લોકોનું ધ્યાન સાઇડ ટ્રેક થઇ ગયું. જ્યારે સંજય દત્તને ટાડા કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ચાહકોની ભીડ ઊમટી પડી હતી. ન્યૂઝનું કેન્દ્ર સંજય દત્ત જ રહેતો એટલે આ કારણે કેસની ગંભીરતા ઓછી થતી ગઇ. આ કેસનું સૌથી નબળું પાસું હતું.’

દસ હજાર પાનાંની ચાર્જશીટ, વકીલો દ્વારા પણ મળી જતી મહત્ત્વની જાણકારી
મુંબઇ પોલીસે 4 નવેમ્બર,1994ના રોજ દસ હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. એ વખતે દેશના ઇતિહાસમાં ક્યારેય આટલી મોટી ચાર્જશીટ ફાઇલ નહોતી થઇ. બાવીસ વર્ષ સુધી ટાડા કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. પોલીસે આ મામલે 180 લોકોની ધરપકડ કરી હતી. અંદાજે છસ્સો લોકોની જુબાની ધ્યાનમાં રાખીને કોર્ટે ટાઇગર મેમણના ભાઇ યાકુબ મેમણ, સંજય દત્ત સહિત સો લોકોને દોષિત જાહેર થયા હતા. અબુ સલેમ સહિતના વીસ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. યાકુબ મેમણને ફાંસી આપવામાં આવી છે. સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ છ વર્ષની સજા થઇ હતી.

દેવાંશુ દેસાઇ વિક્ટિમ, વકીલ, આરોપીઓના ઇન્ટરવ્યૂઝ કર્યા છે. કોર્ટની સુનાવણીઓ કવર કરી છે. દેવાંશુ દેસાઇ એક નિરીક્ષણ તરીકે જણાવે છે કે, ‘મેમણની પત્ની સોના-ચાંદી, હીરાનાં ઘરેણાં પહેરીને કોર્ટમાં આવતી.’ આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જ્વલ નિકમના દેવાંશુ દેસાઇએ ઘણા ઇન્ટરવ્યૂઝ કર્યા છે. આ કેસ સાથે જોડાયેલા વકીલો સાથે સારો નાતો થઇ ગયેલો. કેસ-ટ્રાયલ સાથે સંકળાયેલી ઘણી મહત્ત્વની જાણકારીઓ વકીલો સાથે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દ્વારા મળી જતી હતી. દેવાંશુ દેસાઇ કહે છે કે, ‘ત્રીસ-ચાલીસ જેટલા આરોપીઓ તો મુંબઇ પોલીસને આજ સુધી હાથ પણ નથી લાગ્યા. આ કેસમાં કુલ દસ હજાર પાનાંની ચાર્જશીટ ફાઇલ થઇ હતી.’

યાકુબ મેમણની દફનવિધિ સમયે હાજર રહીને રિપોર્ટિંગ કર્યું
દિલ્લીમાંથી વર્ષ 1994માં પકડાયેલા ટાઇગર મેમણના ભાઇ યાકુબ મેમણને વર્ષ 2015માં ફાંસી આપવામાં આવી હતી. યાકુબ મેમણને છેક સુધી જામીન નહોતા મળ્યા. યાકુબ મેમણની દફનવિધિ વખતે પણ દેવાંશુ દેસાઇની હાજરી રહી હતી. દેવાંશુ દેસાઇ એ પ્રસંગને યાદ કરતાં કહે છે કે, 'માહિમમાં અત્યારે જ્યાં દરગાહ છે એ મોટાભાગનો મુસ્લિમ વિસ્તાર છે. મેં યાકુબ મેમણને ઘરે જઇને બહારથી ફોટા લીધા હતા. યાકુબ મેમણની અંતિમયાત્રા-દફનવિધિમાં દસ હજાર જેટલા મુસ્લિમો-યંગ છોકરાઓ એકઠા થઇ ગયા હતા. મુંબઇ પોલીસે ઘટનાની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્રીસ-ચાલીસ જેટલી પોલીસ વેન હતી.'

‘અમને તો ખ્યાલ પણ ન હતો કે પેટીમાં આરડીએક્સ છે!’
બ્લાસ્ટનો આરડીએક્સ રાયગઢમાં ઉતારવામાં આવ્યો હતો. દેવાંશુ દેસાઇના જણાવ્યા પ્રમાણે એમણે રાયગઢની પણ મુલાકાત લીધી હતી. તેઓ કહે છે, ‘સોના-ચાંદીના સ્મગલિંગનું રાયગઢ મુખ્ય હબ હતું અંડરવર્લ્ડના સ્મગલરો માટે. આરડીએક્સ ઊતર્યો ત્યારે ઘણા મજૂરોને ખ્યાલ પણ ન હતો કે પેટીમાં સોનું-ચાંદી નહીં પણ આરડીએક્સ છે. ઇવન સોમનાથ થાપા જેવા કસ્ટમ અધિકારીઓએ પણ પોતાના બચાવમાં આરડીએક્સ હોવાની જાણ ન હોવાની દલીલ મારી આગળ કરી હતી.’

કોર્ટકેસમાં અબજો રૂપિયા ખર્ચાયા, નેવુંના દાયકાની ઘટનાનો એકવીસમી સદીમાં ચુકાદો આવ્યો
દેવાંશુ દેસાઇ કહે છે, ‘વર્ષ 1994માં મેં લખેલું કે શું આ કેસનો ચુકાદો એકવીસમી સદીમાં આવશે? કમનસીબે મારી વાત સાચી ઠરી. આ કેસનો ચુકાદો છેક 2007માં આવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઇ હતી. વર્ષ 2017માં કેસનો ફાઇનલ ચુકાદો આવ્યો હતો. પચ્ચીસ વર્ષ સુધી ચાલેલા આ કોર્ટકેસમાં અબજો રૂપિયા ખર્ચાયા. જજ-વકીલોનો સિક્યોરિટી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કેસની સુનાવણી થતી. જો કેસનો ઝડપથી નિકાલ લાવવામાં આવતો નાણાંવ્યય ઓછો થાત. જોકે આરોપીઓને કાયદા પ્રમાણે સજા આપીને ભારતે એક દાખલો એ પણ જરૂર બેસાડ્યો કે ભારત પારદર્શક ન્યાયપ્રાણાલીમાં-લોકશાહીમાં વિશ્વાસ ધરાવતો દેશ છે.’

‘જો એ વ્યક્તિ ટ્રેનમાં બેસી ગયા હોત તો...’
વાતચીત દરમિયાન દેવાંશુ દેસાઇ એક કિસ્સો યાદ કરે છે, ‘2006ના ટ્રેન બ્લાસ્ટ વખતે એક કોલેજના પ્રિન્સિપાલ મને અંધેરી સ્ટેશન પર મળ્યા હતા. મારી સાથે વાત કરવા રોકાયા. તેઓ જે ટ્રેનમાં બેસવાના હતા એ જ ટ્રેનમાં બ્લાસ્ટ થયો. એ પ્રિન્સિપાલ આજે પણ મારો આભાર માને છે. એ બ્લાસ્ટ પણ બહુ ભયંકર હતો.’

ત્રીસ વર્ષ બાદ: ‘રિટાયર્ડ વકીલો આજે મળી જાય તો અમે જૂની સ્મૃતિઓ વાગોળીએ છીએ’
છેલ્લે મુંબઇ બ્લાસ્ટ પર પુસ્તક લખવાનું વિચારતા દેવાંશુ દેસાઇ કહે છે કે, ‘આજે પણ હું એ કોર્ટના સ્ટાફને સંભારું છું. રિટાયર્ડ વકીલો આજે મળી જાય તો અમે જૂની સ્મૃતિઓ વાગોળીએ છીએ.’ પાકિસ્તાનમાં છુપાયેલા બ્લાસ્ટના મુખ્ય આરોપીઓ ટાઇગર મેમણ અને દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવા અંગે દેવાંશુ દેસાઇ કહે છે કે, ‘છેલ્લાં વર્ષોમાં આંતરિક સુરક્ષાને મામલે સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. બોમ્બ-ધડાકા નહિવત્ થયા છે. સુરક્ષા એજન્સીઓ ગુપ્ત રીતે પ્રયત્નશીલ હશે જ. એજન્સી તરફથી પ્રયત્નો ચાલુ જ હશે એમા શંકાને સ્થાન નથી.’