• Gujarati News
 • Dvb original
 • Halari Donkey's Milk Is Very Beneficial For Beauty, Immunity And Anti Aging, The Milk Is Sold At Rs 2000 Per Liter

નવતર:બ્યુટી, ઇમ્યુનિટી અને વધતી ઉંમર સામે હાલારી ગધેડીનું દૂધ ભારે ગુણકારી, રૂ. 2000 પ્રતિ લિટરના ભાવે દૂધ વેચાય છે

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: વિમુક્ત દવે
 • સંશોધન સંસ્થાઓનાં તારણો મુજબ, હાલારી ગધેડીના દૂધમાં માતાના દૂધ જેવાં જ પોષક તત્ત્વો છે
 • કોસ્મેટિક પ્રોડક્ટ ઉપરાંત ઔષધિય ઉત્પાદનોમાં ગધેડીના દૂધનો વ્યાપક ઉપયોગ થવાની સંભાવના
 • NRCEના મતે માગ વધે તો દૂધનો ભાવ લિટરદીઠ રુ. 7000 જેટલો પણ થઈ શકે છે
 • જાણકારી, યોગ્ય માવજત અને સુવિધાના અભાવે બેહદ ફાયદાકારક છતાં હાલારી ગધેડા લુપ્ત થવાના આરે

સામાન્ય રીતે ઉપહાસને પાત્ર ગણાતા ગધેડાઓ માનવજાત માટે ઉપકારક પ્રાણી છે. ભારવહન માટે વપરાતા ગધેડાઓની વધુ એક ગુણકારી ક્ષમતા હાલમાં ધ્યાને આવી છે. ગુજરાતમાં જામનગર પંથકમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિ વિશે સંશોધન કરનારી સંસ્થા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વાઇન (NRCE)નાં તારણો મુજબ, હાલારી ગધેડીનું દૂધ ભારે ગુણકારી છે. બ્યુટી ટ્રીટમેન્ટ, રોગપ્રતિકાર શક્તિ અને ખાસ તો વધતી ઉંમર સાથે શરીરનો ઘસારો રોકવા માટે હાલારી ગધેડીનું દૂધ ખૂબ ફાયદાકારક નીવડે છે. હાલ રૂ. 2000 પ્રતિ લિટરના ભાવે વેચાતું દૂધ આગામી સમયમાં રૂ. 7000ને પાર કરે તોપણ નવાઈ નથી. કોઈ વ્યક્તિને દેખાવના મામલે નીચું દેખાડવું હોય ત્યારે કહેવામાં આવે છે કે ધોળા તો ગધેડા પણ હોય. ભલે આ વાત ઉપહાસ માટે કહેવામાં આવતી હોય, પણ વાસ્તવિકતા એ છે કે બ્યુટી પ્રોડક્ટમાં આજે ગધેડીનું દૂધ વાપરવામાં આવે છે.

હાલારી ગધેડા ભારતમાં હયાત પ્રજાતિઓમાં બીજા નંબરની સૌથી શ્રેષ્ઠ પ્રજાતિ છે.
હાલારી ગધેડા ભારતમાં હયાત પ્રજાતિઓમાં બીજા નંબરની સૌથી શ્રેષ્ઠ પ્રજાતિ છે.

દિવ્યભાસ્કરે આ સંશોધન સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ગધેડીના દૂધનું ભારતમાં હાલ કોઈ મોટું માર્કેટ નથી અને કોસ્મેટિક પ્રોડક્ટમાં એનો નાના પાયે વપરાશ થાય છે. આ સિવાય દેશના અલગ અલગ વિસ્તારોમાં અતિશય મર્યાદિત પ્રમાણમાં એનો પીવામાં ઉપયોગ થાય છે. ખાસ કરીને ગામડાંમાં બાળકો પાચનના રોગોથી બીમાર પડે ત્યારે તેને ગધેડીનું દૂધ પિવડાવવામાં આવે છે, પરંતુ એના ગુણકારી ફાયદાઓ વિશે જાણકારી વધશે તેમ એની ડિમાન્ડ પણ ખૂબ વધવાની છે.

હાલારી ગધેડીના દૂધની ખાસિયત

 • NRCEના રિસર્ચ મુજબ, માતા (સ્ત્રી)ના દૂધમાં જે પોષક તત્ત્વો છે એવા જ ગુણ હાલારી ગધેડીના દૂધમાં હોય છે.
 • બકરી, ઊંટડી, ભેંસના દૂધ કરતાં પણ એની ગુણવત્તા વધુ સારી છે. એમાં ફેટનું પ્રમાણ નહિવત છે.
 • વધતી ઉંમરની નકારાત્મક અસરો રોકતાં એન્ટી-ઓક્સિડન્ટની માત્રા ગધેડીના દૂધમાં વધારે છે, જે અનેક રોગો સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે.
 • શરીરના ઘસારા સંબંધિત રોગોમાં પણ એ ઘણું ફાયદાકારક છે
 • બાળકોની પાચનશક્તિ સુધારવા માટે આ દૂધ ઘણું લાભકારી સાબિત થઇ શકે છે.
 • ચામડીને મુલાયમ બનાવે છે અને સ્કિનની બીમારીઓથી બચાવે છે
 • રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
દ્વારકા પંથકમાં રબારી કોમ્યુનિટી ગધેડીનું દૂધ પીવે છે.
દ્વારકા પંથકમાં રબારી કોમ્યુનિટી ગધેડીનું દૂધ પીવે છે.

ભારતમાં ગધેડીના દૂધનો ઉપયોગ
હાલમાં ગધેડીના દૂધને ભારતમાં પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી. આના ગુણને લઈને ખાસ જાગૃતિ પણ નથી. બહુ જ નાના પ્રમાણમાં કોસ્મેટિક બનાવતી અમુક કંપનીઓ એનો ઉપયોગ કરે છે. આમાં પણ સાબુ અને સ્કિન કેર પ્રોડક્ટ બનાવવા માટે એનો વધુ ઉપયોગ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં અમુક ગામડાંમાં બાળકો બીમાર પડે ત્યારે અથવા બાળકોને માતાના દૂધની જરૂર પડે ત્યારે થોડી માત્રામાં એને લેવામાં આવે છે.

ધીમે ધીમે માર્કેટ ઊભું થઈ રહ્યું છે
કોસ્મેટિક બનાવતા સ્ટાર્ટ અપ ઓર્ગેનિકોએ સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ગધેડીના દૂધમાંથી બનેલા સાબુ લોન્ચ કર્યો છે. ઓર્ગેનિકોનાં ફાઉન્ડર પૂજા કૌલે જણાવ્યું હતું કે અન્ય પ્રાણીઓની તુલનામાં ગધેડાની પ્રજાતિને બહુ ઊતરતી ગણવામાં આવે છે અને એટલે જ એના દૂધ વિશે લોકોમાં બહુ ખાસ જાગૃતિ નથી, પણ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં અવેરનેસ એક્ટિવિટી શરુ થઈ છે, એને કારણે હવે મોટાં શહેરોમાં જાણકારી વધી રહી છે. અમે છેલ્લાં 2 વર્ષથી દિલ્હીથી ગધેડીનું દૂધ ખરીદ કરીએ છીએ અને હવે ગુજરાતમાંથી પણ ખરીદ કરવા અંગે વિચારી રહ્યા છીએ.

દેશમાં પહેલીવાર ગધેડીના દૂધમાંથી બનેલ સાબુ લોન્ચ કરનાર ઓર્ગેનિકોનાં ફાઉન્ડર પૂજા કૌલ પશુપાલકો પાસેથી દૂધ કલેક્ટ કરે છે.
દેશમાં પહેલીવાર ગધેડીના દૂધમાંથી બનેલ સાબુ લોન્ચ કરનાર ઓર્ગેનિકોનાં ફાઉન્ડર પૂજા કૌલ પશુપાલકો પાસેથી દૂધ કલેક્ટ કરે છે.

હાલમાં 2000 પ્રતિ લિટરના ભાવે વેચાય છે
પૂજા કૌલે જણાવ્યું હતું કે ભારતના વિવિધ ભાગોમાં રૂ. 2000 પ્રતિ લિટર સુધીના ભાવે અલગ અલગ પ્રજાતિની ગધેડીનું દૂધ વેચાય છે. અમે સાબુ બનાવવા માટે આ જ ભાવે ખરીદી કરીએ છીએ. આ સિવાય કર્ણાટકનાં અમુક ગામોમાં બાળકોને બીમારીથી બચાવવા માટે દૂધ પિવડાવવામાં આવે છે. ગધેડા ઉછેરતી અથવા રાખતી કોમ્યુનિટી તેને એક ચમચીદીઠ રૂ. 50-100ના ભાવે વેચે છે.

માલધારીઓ પોતે ઉપયોગ કરે છે
હાલારી ગધેડાનો ઉછેર કરતી રબારી અને માલધારી કોમ્યુનિટીના લોકો ગધેડાના દૂધનો ઉપયોગ કરે છે. જોકે એનું પ્રમાણ પણ હવે ઘટ્યું છે. બીજું કે ઉત્પાદકતા જોઈએ તો ગધેડી દૈનિક 1-2 લિટર અથવા તો એના કરતાં પણ ઓછું દૂધ આપે છે. ક્યારેક બહારના લોકો પણ આવી જરૂર મુજબ ખરીદી કરતા હોય છે. ગુજરાતમાં ગધેડીના દૂધનો કોઈ ઉપયોગ હાલ થતો નથી.

ગુજરાતમાં દ્વારકા અને જામનગર પંથકમાં હાલારી ગધેડાની સૌથી વધુ વસતિ છે.
ગુજરાતમાં દ્વારકા અને જામનગર પંથકમાં હાલારી ગધેડાની સૌથી વધુ વસતિ છે.

રાજસ્થાનની કંપનીએ ગુજરાતમાં ડેરી બનાવવામાં રસ દાખવ્યો
હાલારી ગધેડીના દૂધ અંગે રિસર્ચ પ્રસિદ્ધ થયા બાદ પ્રાણીઓ માટે કામ કરતી કચ્છની સંસ્થા સહજીવન આ મુદ્દે ઘણી સક્રિય બની છે અને તેમના આ પ્રયત્નને કારણે ઊંટના દૂધની વિવિધ પ્રોડક્ટ બનાવતી રાજસ્થાનની આદ્વિક ફૂડ્સ કંપનીએ ગુજરાતમાં હાલારી ગધેડીના દૂધ માટે ડેરી શરૂ કરવા અંગે તૈયારી બતાવી છે. આદ્વિક ફૂડ્સના ફાઉન્ડર હિતેશ રાઠીએ જણાવ્યું હતું કે અમે સહજીવનને સાથે રાખીને ગુજરાતમાં હાલારી ગધેડી ઉછેરતી કોમ્યુનિટીને મળ્યા હતા. હાલ અમે દૂધ કેટલું મળી શકે છે એનું માર્કેટ કેવી રીતે ઊભું કરવું અને ખાસ તો ભાવ કઈ રીતે નિયંત્રિત રાખી શકાય એ અંગે સ્ટડી કરી રહ્યા છીએ.

અતિશય ઊંચો ભાવ નડતરરૂપ
હિતેશ રાઠીએ જણાવ્યું હતું કે હાલારી ગધેડીના દૂધના રૂ. 7000 પ્રતિ લિટર સુધીના ભાવ મળી શકે છે તેવી વાત વહેતી થઇ છે. પ્રેક્ટિકલી વિચારીએ તો આ ભાવ ફિઝિબલ નથી. જો રો-મિલ્ક જ આટલા મોંઘા ભાવે મળે તો એની પ્રોડક્ટના ભાવ તો ઘણા ઊંચા રાખવા પડે. એવું નથી કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગધેડીના દૂધની વસ્તુઓ મળતી નથી. હાલમાં ગ્લોબલ માર્કેટમાં રૂ. 7000-8000 કિલોના ભાવે પાઉડર મળે છે. ભારતના માર્કેટમાં આટલા ઊંચા ભાવનું માર્કેટ ઊભું કરવું ઘણું જ મુશ્કેલ છે એટલે રિયાલિસ્ટિક પ્રાઇસ હોવી જરૂરી છે.

હાલારી ગધેડાની પ્રજાતિ નામશેષ થઇ રહી છે
સહજીવન સંસ્થાના પ્રોજેક્ટ ડિરેક્ટર રમેશ ભટ્ટીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે હાલારી ગધેડા ભારતમાં હયાત પ્રજાતિઓમાં બીજા નંબરની સૌથી શ્રેષ્ઠ પ્રજાતિ છે. અમે જે વસતિગણતરી કરી છે એ મુજબ, ગુજરાતમાં દ્વારકા, જામનગર, રાજકોટ ભાવનગર અમરેલી અને જૂનાગઢમાં અત્યારે માત્ર 1572 જેટલાં પશુઓ જ છે. દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં આ ગધેડા છે, કેમ કે તેનું મૂળ બ્રીડ ત્યાંનું છે. હાલારી ગધેડાની વસતિમાં ઘટાડો થઇ રહ્યો છે, એને ધ્યાનમાં લઈને સહજીવન સંસ્થાએ ગુજરાતના પશુપાલન વિભાગને એક દરખાસ્ત મોકલી છે અને આ પ્રજાતિને નામશેષ થતી અટકાવવા કહ્યું છે.

હાલારી ગધેડા દેખાવમાં નાના કદના ઘોડા જેવા લાગે છે અને તેમની ભાર સહન કરવાની ક્ષમતા પણ વધુ છે.
હાલારી ગધેડા દેખાવમાં નાના કદના ઘોડા જેવા લાગે છે અને તેમની ભાર સહન કરવાની ક્ષમતા પણ વધુ છે.

રૂ. 25,000-30,000ના ભાવે વેચાય છે ગધેડા
રમેશ ભટ્ટીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં રબારી કે માલધારી કોમ્યુનિટી હાલારી ગધેડાનો ઉછેર કરે છે. માલની હેરફેર કરવા તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનો ઉપયોગ થાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ગધેડાની લે-વેચ માટે દર વર્ષે મેળો ભરાય છે. તેમાં દેશભરના વિવિધ પ્રજાતિના ગધેડાનું ખરીદ-વેચાણ થાય છે. આ મેળામાં સૌથી ઊંચી બોલી હાલારી ગધેડાની હોય છે, જે રૂ. 25,000-30,000ના ભાવે વેચાય છે.

માલધારીઓને ટ્રેનિંગ આપવી જરૂરી
સહજીવન સંસ્થાના જણાવ્યા મુજબ, હાલારી ગધેડાનું પાલન કરતી માલધારી કોમ્યુનિટીને ગધેડીના ઉછેરથી માંડીને દૂધ દોહવા સુધીની તમામ પ્રકારની ટ્રેનિંગ આપવી જરૂરી છે. હાલમાં હાલારી ગધેડાનો ઉપયોગ માલસમાનની હેરફેર, કન્સ્ટ્રકશન કામમાં વધુ થાય છે. એના દૂધની ઉપયોગીતાની માહિતી હમણાંથી મળી છે. ગધેડાની કાળજી, હાઈજીન વગેરે જેવી બાબતોથી પશુપાલકો અજાણ છે અને તેમના શિક્ષણનું પ્રમાણ પણ ઘણું ઓછું છે.

અન્ય સમાચારો પણ છે...