તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Gujarat's Private Administrators Ready To Vaccinate Children In Schools, Some Schools Will Also Bear The Cost Of Vaccination

હેલ્ધી સ્કૂલ:ગુજરાતના ખાનગી સ્કૂલ-સંચાલકો બાળકોને શાળામાં જ વેક્સિન આપવા તૈયાર, અમુક સ્કૂલ રસીકરણનો ખર્ચ ભોગવવા તૈયાર

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ સહિત ગુજરાતના શાળા-સંચાલકો વેક્સિનેશન પ્રોગ્રામ માટે તૈયાર
  • 12 વર્ષથી મોટાં બાળકોના રસીકરણ માટે સરકારની મંજૂરીની જોવાતી રાહ

ભારતમાં બાળકોને લગાવી શકાય એવી કોરોનાની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, પણ સરકારે હજુસુધી તેમના વેક્સિનેશન માટેની પરમિશન આપી નથી. જોકે ગુજરાત સરકારે સ્કુલ-કોલેજમાં વેક્સિનેશન કેમ્પસ શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. રાજ્રય સરકારે અગાઉ ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરી હતી અને હવે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની પરવાનગી આપી છે. જોકે કોરોનાના ડરથી વાલીઓ હજુ પણ બાળકોને સ્કૂલે મોકલતા અચકાય છે ત્યારે ખાનગી શાળા-સંચાલકોએ સ્કૂલે આવતા 12 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જ વેક્સિન અંગે શુ છે તૈયારીઓ જાણો દિવ્ય ભાસ્કરના ખાસ અહેવાલમાં.

માધ્યમિક વિભાગની શાળાનો વર્ગ (ફાઇલ ફોટો)
માધ્યમિક વિભાગની શાળાનો વર્ગ (ફાઇલ ફોટો)

સ્કૂલમાં જ વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે સરકારને રજૂઆત કરાશે
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાજીપરાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં 16,200 જેટલી પ્રાઇવેટ પ્રાથમિક અને હાઇસ્કૂલ છે. વાલીઓ મંજૂરી આપે તો શાળા-સંચાલકો તેમની શાળામાં જ બાળકોના વેક્સિનેશન માટે તૈયાર છે. હવે સ્કૂલ્સ શરૂ થઈ છે ત્યારે મંડળ તરફથી પણ સરકારને સ્કૂલમાં જ વેક્સિનેશન માટે રજૂઆત કરીશું. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત રાજ્યભરની મંડળની 7000થી વધારે સ્કૂલો વેક્સિનેશનની કામગીરી માટે તૈયાર છે, પરંતુ એની વિતરણ વ્યવસ્થા કેવી રીતે થાય છે એના પર બધો આધાર છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાજીપરા
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાજીપરા

સ્કૂલો વેક્સિનેશનનો ખર્ચ ઉપાડવા પણ તૈયાર
અમદાવાદની ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે અમારી શાળાના વિદ્યાર્થીઓને શાળામાં જ વેક્સિન મળે એ માટેનું આયોજન કરી રહ્યા છીએ, સાથે જ વેક્સિનેશનનો ખર્ચ ઉપાડવાની પણ અમારી તૈયારી છે. અમદાવાદમાં અમારા કુલ 6 કેમ્પસ છે, જેમાં 8 હજાર વિદ્યાર્થી છે, જે પૈકી 12 વર્ષથી ઉપરના 3500 વિદ્યાર્થી છે, પરંતુ મોટો પડકાર એ છે કે કેટલા વાલીઓ તેમનાં બાળકોને વેક્સિન અપાવવા માટે તૈયાર થાય છે? વેક્સિન લેવા માટે 18 વર્ષથી ઉપરના લોકો મૂંઝવણ અનુભવી રહ્યા હતા, એવામાં જે વાલીઓ તૈયાર થાય તેમનાં બાળકોને વેક્સિન આપવાની તૈયારી છે.

ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સી
ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સી

બાળકોનું વેક્સિનેશન સરળતાથી પાર પાડી શકાશે
મણિનગરની કુમકુમ વિદ્યાલયના સંચાલક મહેશ ઠક્કરનું કહેવું છે કે હાલની સ્થિતિને જોતાં બાળકોની વેક્સિનેશન ડ્રાઇવ ઝડપી અને સરળ બને એ આવશ્યક છે, જેથી મોટા ભાગના શાળા- સંચાલકો તેમના વિદ્યાર્થીઓને શાળામાં જ રસી મળે એ હિતાવહ માની રહ્યા છે. આમ થવાથી વેક્સિનેશન ડ્રાઇવ સરળતાથી પાર પાડી શકાશે, જેથી આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ આ અંગે પ્રસ્તાવ પણ મુકાશે.

કુમકુમ વિદ્યાલયના સંચાલક મહેશ ઠક્કર
કુમકુમ વિદ્યાલયના સંચાલક મહેશ ઠક્કર

વિદ્યાર્થીઓની સુરક્ષાને પહેલું પ્રાધાન્ય
ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના સંચાલક પ્રવીણ કાછડિયાનું કહેવું છે કે જો વેક્સિન બનાવતી કંપની સીધી શાળાને રસી પૂરી પાડતી હોય તો અમારી શાળાના 600 જેટલા વિદ્યાર્થીનો વેક્સિનનો ખર્ચ અમે ભોગવીશું. અમારા માટે શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષાની બાબત સૌથી મહત્ત્વની છે. બાળકોની વેક્સિનનું વિતરણ અને વેક્સિનેશન કાર્યક્રમ અંગેની વિગતો સામે આવ્યા બાદ શાળા તરફથી રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવશે અને બાળકોની વેક્સિનેશન ડ્રાઇવમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીશ.

શિક્ષકોને પણ સ્કૂલમાં વેક્સિન અપાઈ હતી
વડોદરા ઝોન શાળા સંચાલકમંડળના ઉપ-પ્રમુખ વિપુલ પટેલે જણાવ્યું હતું કે અગાઉ સ્કૂલ સ્ટાફને વેક્સિન આપવામાં પણ વડોદરા ઝોનની શાળાઓમાં સારી કામગીરી થઈ હતી, એટલે જો શાળાકક્ષાએ બાળકોનો વેક્સિનેશન કાર્યક્રમ જારી થાય છે તો તમામ શાળા-સંચાલકો તૈયાર. આગામી દિવસોમાં શાળા-સંચાલકો ભેગા થઈ બાળકોને વેક્સિન કંઈ રીતે આપી શકાય એ અંગે ચર્ચા પણ કરીશું, કારણ કે શાળા શરૂ થવા જઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા મહત્ત્વની વાત છે.

અન્ય સમાચારો પણ છે...