• Gujarati News
  • Dvb original
  • Gujarati Nanaji Started Business Two Years Ago, Turnover In Crores Today, Bought First Car At Age 85

ભાસ્કર એક્સક્લૂસિવગુજરાતી 'નાનાજી'ની કમાલ:બે વર્ષ પહેલાં 83 વર્ષની ઉંમરે શરૂ કર્યો બિઝનેસ, આજે કરોડોમાં છે ટર્નઓવર, 85 વર્ષે ખરીદી પહેલી કાર

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર
  • કૉપી લિંક
  • આયુર્વેદના 2500થી વધુ પુસ્તકોનો સંગ્રહ, કોરોનામાં દીકરીના વાળ ખરી ગયા અને આઇડિયા આવ્યો

ઇન્ટરનેટની દુનિયામાં હાલ ગુજરાતના એક નાનાજી ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. સુરતમાં નિવૃત્તિની ઉંમરમાં 85 વર્ષના નાનાજી કરોડપતિ બની ગયા છે. ખૂબ મોટી ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યાના બે વર્ષમાં જ નાનાજીએ જબરદસ્ત સફળતા મેળવી છે. તેમની કંઈક નવું કરવાની ધગશ કોઈપણ યંગસ્ટર્સને શરમાવે એવી છે. સામાન્ય મુશ્કેલીમાં હારીને નાસીપાસ થઈ યુવાઓએ આમની પાસેથી શીખ લેવા જેવી છે. 'નાનાજી'ના નામથી પ્રખ્યાત રાધાકિશન ચૌધરીએ હાલમાં પોતાની કમાણીથી 85 વર્ષની ઉંમરે જિંદગીની પહેલી કાર ખરીદી હતી, આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

દિવ્ય ભાસ્કરે આ 'નાનાજી'ને શોધીને તેમની સાથે વાત કરી હતી, જેમાં તેમની સફળતાનાં સિક્રેટ જાણ્યાં હતાં. તેમણે પોતાની સફળતાની યાત્રા વિશે દિલ ખોલીને વાત કરી હતી.

રાધાકિશન ચૌધરી નાનપણથી જ એક ઉત્સુક સંશોધક અને આયુર્વેદ ઉત્સાહી હતા.
રાધાકિશન ચૌધરી નાનપણથી જ એક ઉત્સુક સંશોધક અને આયુર્વેદ ઉત્સાહી હતા.

કોણ છે 'નાનાજી'?
'નાનાજી' નામથી ઓળખાતા રાધાકિશન ચૌધરી મૂળ બિહારના ભાગલપુરના વતની છે. તેઓ વર્ષ 2010માં ગુજરાત આવ્યા અને સુરતને કર્મભૂમિ બનાવી. પરિવારમાં પત્ની, ત્રણ દીકરી, તેમનાં બાળકો છે. B.Com અને LLB ભણેલા રાધાકિશન ચૌધરીને આયુર્વેદ પ્રત્યે બાળપણથી જ લગાવ હતો. તેમને આયુર્વેદમાં એટલો ઊંડો રસ હતો કે તેઓ આયુર્વેદમાં કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર શોધતા. તેઓ માનતા કે આયુર્વેદમાં મોટા ભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓનો કાયમી ઈલાજ છે. તેમની હોમ લાઇબ્રેરીમાં આયુર્વેદ સંબંધિત 2500થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. 30 વર્ષ પહેલાં તેમનાં પત્ની શકુંતલા દેવીને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું અને તેમને પગમાં તીવ્ર દુખાવો હતો. ત્યારે નાનાજીએ તેમના આયુર્વેદના જ્ઞાનનો ઉપયોગ કરી એક મસાજ તેલ (ઓર્થો સીપી મસાજ તેલ) બનાવ્યું હતું, જેનાથી પત્ની પગના દુખાવામાં રાહત મળી હતી.

રાધાકિશન ચૌધરીના મતે હેર ઓઇલ બનાવવા પાછળનો હેતુ દીકરીને વાળ ન હોવાના કલંકનો સામનો કરવાથી બચાવવાનો હતો.
રાધાકિશન ચૌધરીના મતે હેર ઓઇલ બનાવવા પાછળનો હેતુ દીકરીને વાળ ન હોવાના કલંકનો સામનો કરવાથી બચાવવાનો હતો.

બિહારથી દિલ્હી અને ત્યાંથી સુરત આવ્યા
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાધાકિશન ચૌધરીએ જણાવ્યું હતું, 'બિહારમાં મારા પિતાનો વેપાર હતો. ગ્રેજ્યુએટ થયા પછી હું પારિવારિક બિઝનેસમાં જોડાયો. એ વખતે પણ આયુર્વેદનો અભ્યાસ ચાલુ જ હતો. અમુક સંજોગોને કારણે વર્ષ 2006માં મારે દિલ્હી જવું પડ્યું. એ પછી વર્ષ 2010માં હું દિલ્હીથી સુરત આવ્યો. અહીં થોડાં વર્ષો પછી મારા વાળ ખરવા લાગ્યા. ઈલાજ શોધવા માટે મેં ફરી એકવાર આયુર્વેદ તરફ જોયું અને હેર ઓઇલની રેસિપી તૈયાર કરી, પરંતુ હું મારા કાપડના વ્યવસાયમાં વ્યસ્ત હોવાથી મને તેલની ફોર્મ્યુલાને સુધારવા માટે સમય મળી શક્યો નહીં. જોકે જ્યારે પણ સમય મળતો ત્યારે હું આયુર્વેદ પરનાં પુસ્તકો વાંચતો અને ઘરે જ ઔષધિઓના પ્રયોગો કરતો. બે દાયકાથી વધુ સમયમાં અનેક સંશોધન સાથે હજારો પૃષ્ઠો ભર્યાં.'

નાનાજીએ થોડો સમય પહેલાં સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્લાન્ટ શરૂ કર્યો છે, જેમાં 20 માણસો કામ કરે છે.
નાનાજીએ થોડો સમય પહેલાં સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્લાન્ટ શરૂ કર્યો છે, જેમાં 20 માણસો કામ કરે છે.

કોરોનામાં દીકરીના વાળ ખરી ગયા અને આઈડિયા આવ્યો
તેમણે વધુમાં કહ્યું હતું, 'કોરોના પછી મારી પુત્રી વિનિતાના વાળ પણ ખૂબ ખરી ગયા. ન્યૂઝપેપર અને અન્ય માધ્યમથી પણ જાણવા મળ્યું હતું કે કોરોના બાદ વાળ ખરવાની અનેક લોકોને સમસ્યા થઈ રહી છે. મારી દીકરીએ મને આઇડિયા આપ્યો કે તમારું આયુર્વેદમાં આટલું બધું સ્ટડી છે તો તમે તેલ બનાવો, જેથી લોકોની મુશ્કેલી દૂર થાય. જેથી મેં તેલ બનાવ્યું. આ માટે મેં નાની-નાની વિગતો પર ધ્યાન આપ્યું અને દેશભરમાંથી સામગ્રીઓ મગાવી. મેં ખાતરી કરી કે ઘટકો યોગ્ય જગ્યાએથી આવ્યા છે અને ઉચ્ચ ગુણવત્તાના છે. મારી ફોર્મ્યુલા અસરકારક અને અજેય હતી.'

વાળ ખરવાનું તેલ પહેલા પોતાના પર ટ્રાય કર્યો
તેમણે આગળ કહ્યું હતું, 'કોઈપણ નવી વસ્તુ બનતી હોય તો શરૂઆતમાં અન્ય લોકો તૈયાર ન હોય તો પ્રથમ મારી પર, બાદમાં મારા પરિવાર પર જ એ ટ્રાય કર્યો અને પરિણામ જોયું કે 85 વર્ષની ઉંમરમાં મારા વાળ ઊગવા લાગ્યા છે અને એ પણ કાળા. પછી હું કન્વિન્સ થઈ ગયો. મને વિશ્વાસ આવી ગયો કે હું જે બનાવી રહ્યો છું એ સારું છે અને લોકો માટે કલ્યાણકારી છે. શરૂમાં હું, મારી પત્ની અને મારી દીકરીએ ઘરેથી ચાલુ કર્યું. મારી દીકરીના પુત્રએ પછી આને ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર મૂક્યું. એ પછી એટલા બધા ઓર્ડર આવવા લાગ્યા કે સંભાળવું પણ મુશ્કેલ થઈ ગયું. ત્યારે મારાં બાળકોએ એક ટીમના રૂપમાં મને સાથ આપ્યો. એ પછી સફળતા મળવા લાગી, કેમ કે આયુર્વેદ બેસ્ટ છે. પ્રામાણિક વસ્તુ છે. અમે કેમિકલ વાપરતા નથી. પરિણામ મળ્યાં બાદ લોકોની પ્રશંસા મળતી ગઈ અને ગ્રાહકો વધતા ગયા.'

રાધાકિશન ચૌધરી માને છે કે આયુર્વેદમાં મોટા ભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓનો કાયમી ઈલાજ છે.
રાધાકિશન ચૌધરી માને છે કે આયુર્વેદમાં મોટા ભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓનો કાયમી ઈલાજ છે.

આ ફ્રોડ અને સ્કેમ છે એવી લોકોની નિંદા પણ સાંભળી
તેઓ આગળ જણાવે છે, 'એ વખતે સોશિયલ મીડિયા પર લોકોની નિંદા પણ સાંભળી કે આ ફ્રોડ અને સ્કેમ છે, પણ આ બધું સાંભળીને પણ હું કામ કરતો રહ્યો, કારણ કે મારા મનમાં હતું કે હું એક સારું કામ કરું છું. લોકોની સેવા કરું છું. એ રીતે આગળ વધતો રહ્યો. આ ટીમ વર્ક છે. મારાં બાળકોએ બહુ જ સાથ આપ્યો છે. મારો પરિવાર અને આસપાસના બધા જ લોકો મારી પ્રવૃત્તિની કદર કરે છે. મારો પરિવાર મારો સાથ આપે છે. એને કારણે જ મને સફળતા પણ મળી રહી છે.'

સુરતમાં પ્લાન્ટ શરૂ કર્યો, હાલ 20 લોકો કામ કરે છે
રાધાકિશન ચૌધરીએ ઉમેર્યું, 'જ્યારે ઘરે તેલ બનાવતો હતો ત્યારે મારી પત્ની શકુંતલા સાથ આપતી હતી, પરંતુ ફેક્ટરી નાખી ત્યારથી મારી દીકરી અને તેનાં બાળકો પણ મદદ કરી રહ્યા છે. સાતથી આઠ મહિના અગાઉ જ સુરતમાં પાંડેસરા વિસ્તારમાં GIDCમાં પ્લાન્ટ શરૂ કર્યો છે. પ્લાન્ટમાં હાલમાં 20 માણસો કામ કરે છે. શરૂઆતમાં પ્રચાર નહોતો કર્યો ત્યારે મિત્રો અથવા સગાંસંબંધીઓ દ્વારા જ વેચાણ થતું હતું, પરંતુ આ ઓઇલનું પરિણામ જોઈ તેમણે સજેસ્ટ કર્યું કે તમે આ ઇન્સ્ટાગ્રામ પર નાખો. વેબસાઇટ બનાવો. જ્યારે ઘરથી ચાલુ કર્યું ત્યારે મહિનામાં 110થી 200 જેટલી બોટલ વેચાતી હતી. આની સાથે જોડાયેલી બાબતો જેવી કે માર્કેટિંગ અને સેલ્સ મારા દોહિત્ર જ સાંભળે છે. અમે અમારા સાહસને આવીમી હર્બલ્સ (Avimee Herbals) નામ આપ્યું છે.' તેઓ હેર ઓઇલ ઉપરાંત દુખાવા માટેનું તેલ અને તેની સાથે જોડાયેલી બીજી ઘણી પ્રોડક્ટ બનાવે છે.

85 વર્ષની વયે એક સામાન્ય માણસે પોતાની દૃઢતાથી અસાધારણ અને અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.
85 વર્ષની વયે એક સામાન્ય માણસે પોતાની દૃઢતાથી અસાધારણ અને અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.

કાર લેવાનો હેતુ જ નહોતો
'ગાડી ખરીદવાનું ધ્યેય નહોતું. ઘરથી ફેક્ટરી દૂર પડે છે. આ પહેલી કાર હતી એટલે ઇન્સ્પાયર થયો તેમજ એચીવમેન્ટના રૂપમાં મને લાગ્યું કે ગાડી આવશે તો ઘણી જગ્યા એ કામ આવશે અને સામે દેખાશે તો વધુ પ્રેરણા મળશે. મને કસ્ટમરના એટલા આશીર્વાદ મળી રહ્યા છે, જેના કારણે મારો ઉત્સાહ હજુ વધી રહ્યો છે.'

લોકોની પ્રશંસાને મારી USP માનું છું
'લોકોને વાળની જે તકલીફ છે એ દૂર કરવી એ મારું સપનું છે. 'કર્મણયે વાધીકારસ્તે મા ફલેષુ કદાચન' એ આખો શ્લોક મારા દિમાગમાં છે કે તમે તમારું કર્મ કરતા રહો, જે પરિણામ મને મળે છે અને લોકો મારા વિશે જે કહે છે એ મારા માટે પ્રોત્સાહનનું કામ કર્યા કરે છે. લોકોને ફાયદો થઈ રહ્યો છે અને એ પ્રશંસા કરે છે એને જ હું મારી USP માનું છું. બનાવવાનું મકસદ જ એ હતું કે લોકોની તકલીફ દૂર થાય. એ તકલીફ દૂર થઈ રહી છે અને લોકો નવી નવી પ્રોડક્ટ બનાવવાનું કહે છે. મેં જીવનમાં એ જ શીખ્યું છે કે સારાં કર્મો કરતાં રહો. લોકોની સેવા કરતા રહો. હું એ જ શીખ્યો છું કે પરોપકાર જ ધર્મનો સાર છે, એટલે તક મળતાં જ હું પરોપકાર કરું છું.'

રાધાકિશન ચૌધરીની સફળતામાં પત્ની શકુંતલાદેવીનું પણ ખૂબ મોટું યોગદાન છે.
રાધાકિશન ચૌધરીની સફળતામાં પત્ની શકુંતલાદેવીનું પણ ખૂબ મોટું યોગદાન છે.

અનેક લોકોના ફોન આવી રહ્યા છે
'પ્રોડક્ટ ખરીદનારામાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. એક મહિલા ડૉક્ટરે મને કહ્યું, નાનાજી મારી બે મહિના પછી લગ્ન છે. મારા વાળ ખરી રહ્યા છે. પછી તેમણે કહ્યું કે મારી પરેશાની દૂર થઈ ગઈ. આવા તો અનેક લોકોના ફોન આવે છે.' પ્રોડક્ટ કેટલા દિવસમાં અસર કરે છે એ અંગે તેમણે કહ્યું 'એ પર્સન ટુ પર્સન જુદું હોય છે. મારી પાસે રિવ્યુ આવે છે એ મુજબ કોઈને 15 દિવસમાં તો કોઈને એક-બે મહિના પણ થઈ જાય છે.'

અન્ય સમાચારો પણ છે...